Made in India
ક્યારેય પણ કશે સહી કરવાની આવે–મોટે ભાગે તો લેખની નીચે જ (તે પણ લેખક બની તો એટલો લહાવો મળ્યો !) વળી આપણે ક્યાં કોઈ મોટા હોદ્દા પર છીએ તે ધડ ધડ ધડ સહી ફટકારતા રહીએ? ન તો એટલા પૈસાની લેવડદેવડ કરું છું કે, રોજ અગણિત સહીઓ કરવાની આવે. એક ગૃહિણીએ તો આટલાં વર્ષોમાં બાળકોના રજિસ્ટરમાં, તે પણ ગૃહપતિની ગેરહાજરીમાં સહી કરી છે, અથવા જ્યાં બતાવે ત્યાં કે કહે ત્યાં, ચેક કે કાગળ પર વાંચ્યા વગર સહી કરી છે ! (કારણકે ગૃહિણીને એ બધામાં સમજ ન પડે !)– હં તો.... જ્યારે પણ કશે સહી કરવાની આવે ત્યારે મને દિવાર ફિલ્મનો પેલો ડાયલૉગ યાદ આવે, ‘જાઓ પહેલે ઉસ આદમીકા સાઈન લેકે આઓ......’ મોટે ભાગે તો ડાયલૉગ બોલાઈ પણ જાય. એટલે તરત જ મને સંભળાય (કે સંભળાવાય !), ‘હવે તારી વાયડાઈ રે’વા દે. બધી વાતમાં ડાયલૉગ નહીં માર. આમાં બીજા કોઈ આદમીની સહી ના ચાલે. એટલી તો અક્કલ નથી. સીધી સીધી સહી કરી દે, મોડું થાય છે. ’ મનમાં એટલામાં જ બીજો સીન દેખાવા માંડે. રામ ઔર શ્યામ ફિલ્મમાં હીરો દિલીપકુમારને વિલન પ્રાણ સહી કરવા મજબૂર કરે છે અને હાથમાં ચાબૂક છે. બસ, પછી તો હું પણ વગર ચાબૂકે ફટાફટ સહી કરી આપું.
ખેર, એક વાર સહી થઈ ગઈ એ થઈ ગઈ. હવે તો ડૉક્ટરોએ પણ અંદર તૈયારી શરુ કરી દીધી હશે. થોડી વારમાં જ હું ઓપરેશન ટેબલ પર હોઈશ, પણ મને ગભરાટ કેમ નથી થતો ? એવી તે કઈ જાદુઈ શક્તિ મારામાં પ્રવેશી ગઈ છે કે, ભલભલા લોકો જે ક્ષણે હાર્ટના પણ ઓપરેશનની તૈયારી કરાવવા માંડે તે ક્ષણે હું અહીંતહીં બધે ફાંફા મારીને બધાને જોયા કરું છું ને મનઘડંત કહાણીઓમાં ખુશ થયા કરું છું ? કદાચ વર્ષોથી જ, મોટાભાઈ સાથે મળીને મૃત્યુની ને બેસણાંની અંદર–બહાર ભજવાતાં નાટકોની અને એની બાલિશ જાહેરખબરોની મજાક ઉડાવવાની જે ટેવ પડેલી તે આજે કટોકટીના સમયે કામ આવી રહી છે ! વળી, બોરીસાગરભાઈનું એન્જૉયગ્રાફી પુસ્તક તો ખરું જ. ગભરાઈને બધાંને ગભરાવવા, એના કરતાં જે કંઈ બને તેનો આનંદ પણ ઉઠાવું અને સાથે સાથે (જો બચી ગઈ તો !) લેખોની તૈયારી પણ મનોમન કર્યા કરું. આમાં ફાયદો તો મને જ થવાનો ને ?
હવે મને સ્ટ્રેચર પરથી ઊંચકીને ઓપરેશન ટેબલ પર શિફ્ટ કરવાનો સમય નજીક આવતો જાય છે. મારા શરીરના વજન બાબતે મને ઘણી વાર શરમ આવી છે, પણ આજે તો મને મારી જાત પર ગુસ્સો પણ ખૂબ આવ્યો. મારો દીકરો કહી કહીને થાક્યો, ‘મમ્મી, તારું વજન એટલું નહીં વધારતી કે, તને કંઈ થાય તો કોઈથી તને ઉંચકાય પણ નહીં.’ કેટલું ખરાબ કહેવાય ? આટલાં વરસ મારું વજન મેં જાતે ઊંચક્યું, ભલે ધીરે ધીરે ને કોઈ વાર ડગુમગુ થતાં પણ આજે પેલા બે વૉર્ડબૉય મને ઝોળીમાં ઊંચકીને સ્ટ્રેચર પરથી સીધી ઓપરેશન ટેબલ પર ફેંકશે (કે મૂકશે), એટલામાં પણ એ લોકોને કેટલું જોર પડશે ? હઈસો હઈસો કરીને થાકી જશે બિચારા ! મેં આંખો મીંચી દીધી.
અચાનક, સ્ટ્રેચર સરકતું હોય એવું લાગતાં મેં આંખો ખોલી તો હું ઓપરેશન થિયેટર તરફ સરકતી હતી. અંદર જતાં વાર જ, મેં વિચારેલું તેનાથી ઊંધું જ થયું. પેલા બે જણે મને બહુ સાચવીને કાળજીથી ઓપરેશન ટેબલ પર ગોઠવી દીધી અને આભાર કે ટિપની આશા રાખ્યા વગર બંને ચાલતા થયા. એટલી એ ક્ષણો તો મને ઓળીઝોળી પીપળ પાન જેવી મજા આવી ગયેલી !
જે દિવસનો મને વર્ષોથી ઈંતઝાર હતો, આખરે એ દિવસ આજે મારા હાથમાં હતો–મારી સામે જ. ભલે અહીં મારા હાથમાં કંઈ નહોતું પણ હું બેભાન ન બનું ત્યાં સુધી તો બધું જ રજેરજ જોવા ને જાણવા માંગતી હતી. મેં આજ સુધીમાં કેટલાય લોકોના મોંએ, એમના જાતજાતના ઓપરેશનની અવનવી (ને થોડી ચગાવીને કહેલી) વાતો સાંભળેલી. ત્યારે મને થતું કે, પોતાનું ઓપરેશન જોવા તો નહીં પણ સાંભળવા પણ મળી શકે ? અદ્ભૂત ! જ્યાં ડૉક્ટરો વાત કરે–અંદરઅંદર, કે પેશન્ટની, કે પછી મોબાઈલ પર–તે સંભળાય, ઓપરેશનના સાધનોના કર્ણપ્રિય(!) અવાજો સંભળાય અને ભલે ને ઓપરેશન જોવા કે અનુભવવા ન મળે પણ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી નજરને અને દિમાગને ફેરવી તો શકાય ને ? એના પરથી અનુમાન લગાવીને કેટલું ગભરાવું તે નક્કી થઈ શકે. આગળ ઉપર હવે શું કરવું તે નક્કી થઈ શકે. ખાસ તો, કોણે ઓપરેશન કર્યું ને કોણે કોણે એમાં મદદ કરી તે પણ જોઈને યાદ રાખી શકાય.
અહીં જોકે ધાર્યું તો ધણીનું પણ નહોતું થવાનું તો પછી મારી તો શી વિસાત ? એક નર્સ ને એક લેડી ડૉક્ટર મારી ડાબે–જમણે ગોઠવાઈ ગયેલાં, જેથી વિષમ પરિસ્થિતિમાં મને સાચવી શકે, સાંત્વન આપી શકે અથવા જો જરુર પડી તો બે–ત્રણ લાફા કે ચીમટાની પ્રસાદી પણ આપી શકે ! અહીં કંઈ જ અશક્ય નહોતું. અહીં કોઈને ઘાંટાઘાંટની છૂટ નહોતી તે સારું હતું, જોકે એ આ લોકોને શોભા પણ ન આપત. જ્યારે મને છૂટ હતી પણ મારી ઈચ્છા નહોતી ! નકામું મોં બગાડવાનું. ખરું કહું તો, મને તો એવું લાગ્યું કે જાણે અહીં પણ મારું કોઈક છે. મેં બંને તરફ આભારની નજરે જોયું. બદલામાં એ બંનેએ પણ, કયા કારણસર ખબર નહીં પણ મારી સામે આભારવશ જોયું. હું શાંત રહી એટલે, કે પછી બિલની ભાગીદારીમાં એમનું પણ નામ હતું એટલે ? કોણ જાણે.
મને તો પાટ પર ચત્તીપાટ સૂવડાવેલી. થોડી વારમાં મારા માટે એક ઈંઢોણી મંગાવાઈ. તરત મગજમાં ગરબો ચાલુ, ‘સોના ઈંઢોણી રૂપા બેડલું રે નાગર..... ’. ન તો એ સોના ઈંઢોણી હતી કે ન તો એના પર કોઈ મોતીકામ કરેલું. ચીંથરે વીંટ્યા રતન જેવી સાદાસીધા કપડામાં લપેટાયેલી ઈંઢોણી હતી. અહીં વળી કોણ ને ક્યાં પાણી ભરવા જવાનું ? મિનરલ વૉટરના જમાનામાં જ્યારે માટલાં ઊંધા વળી ગયાં હોય અને સીધા મોંમાં જ બાટલા ઊંધા વળતા હોય ત્યાં ઈંઢોણી ? બધું ચૂપચાપ જોયા કરવાનું, બોલવાનું કંઈ નહીં. કેટલા કલાક થયા હશે મને બોલ્યાને ? જવા દો, ફક્ત આંખોના હાવભાવ બદલતાં રહીને મનમાં વિચારોના ઘોડાપૂર દોડાવ્યા સિવાય મારાથી કંઈ થવાનું નથી તે મેં સમજી લીધું. પેલાં ડૉક્ટરબહેને એ ઈંઢોણીને હળવેથી મારા માથા નીચે ગોઠવી દીધી. (સીધેસીધો નાનો તકિયો મંગાવ્યો હોત તો ?) હશે, મારું માથું જમણી બાજુ ઢળતું રહે એમ ગોઠવ્યું. બાકી હતો તે પેલો મિ. એનેસ્થેટિસ્ટ આવી પહોંચ્યો. આવતાંવેંત એ તો મંડ્યો લલકારવા, ‘કલ્પના...હાથ આગે બઢાઓ. ’ મેં હાથ લંબાવ્યો ને એણે મારી પાસે હાથની મુઠ્ઠી વળાવી. (મુઠ્ઠી વળતાં જ મારું મગજ હટવાની તૈયારી કરવા માંડ્યું પણ કંટ્રોલ !) જેમતેમ હાથની એકાદ નસ ઉપસી તેમાં એણે લાંબી સોય દ્વારા ઘેનની દવા ઠાલવી દીધી.
નાનપણથી જ ડૉક્ટરને કે ઈંજેક્શનની સોયને જોઈને મને ક્યારેય ગભરાટ નથી થયો. ડૉક્ટરો એ બાબતે ઘણી વાર ખિસીયાણા પણ પડ્યા છે. અહીં પણ પેલા ટેણિયાને એમ કે, હું કંઈ ‘હાઈઈઈ.....હુઈઈઈઈ’ જેવું કરીશ કે સીસકારા બોલાવીશ, પણ મેં એને ભોંઠો પાડ્યો. એટલે એણે કહ્યું, ‘ચાલો હવે વન, ટુ, થ્રી ગણવા માંડો જોઉં. ’ ખરેખર તો આ ગણત્રી, પેશન્ટ પર દવાની કેવી અસર થઈ છે તે જોવા માટે જ હોય છે અને ગણતાં ગણતાં જ પેશન્ટ ઊંઘી જાય–બેભાન બની જાય–એવી એમની ગણત્રી હોય છે. (જેમને અનિદ્રાનો રોગ હોય એમને પણ આ ટુચકો અજમાવવા જણાવાય છે. એ લોકો જોકે, પચાસ સુધીના ઘડિયા બોલી જાય તોય એમને એક બગાસુંય નસીબ નથી થતું !) પણ આ બધી મને થોડી ખબર ? આપણે તો આપણી મસ્તીમાં. એટલે મેં તો, ‘વન ટુકા ફોર, ફોર ટુકા વન.. ’ ચાલુ કરી દીધું. મારા આશ્ચર્ય વચ્ચે ત્યાં ઊભેલા બધા એકદમ ગેલમાં આવી ગયા અને જોરમાં કોરસ સાથે ડાન્સ પણ શરુ થઈ ગયો ! ‘માય નેમ ઈઝ લખન....માય નેમ ઈઝ લખન......’
બસ, એ પછી શું થયું મને કંઈ યાદ નથી.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com