Made in India
જોકે, ઘરમાં પણ બધાના વિચારો પાછા જુદા પડે એટલે જવાની જગ્યાઓનાં નામ તો ઘડી ઘડી બદલાય. પછી તો એટલી બધી જગ્યાઓની ચર્ચા ચાલે કે સૌને એમ થવા માંડે કે, ‘ફરવા પણ ક્યાં જઈએ ? પેલી જગ્યા તો આવી ને પેલી જગ્યા તો તેવી. ફલાણી જગ્યાએ બધું સારું પણ ખાવાનાં ઠેકાણાં નંઈ. ને ઢીંકણી જગ્યાએ ખાવાની પંચાત નંઈ તો હમણાં ત્યાં તો ગરમી બહુ.’ બસ, એમ ને એમ ઘણી વાર તો અમે ફરવા જવાના નામનું જ નાહી લઈએ. કારણકે બધે હૉટેલો બુક થઈ ગઈ હોય ને ધરમશાળામાં પણ ભીડ જોવા જેવી હોય. એવે વખતે અમારી ભીડ ભાંગવાવાળું કોઈ ન હોય. આખરે ફરવા જવાનું ઠેલાઈ જાય અથવા બીજા કોઈ તહેવાર કે રજાના દિવસોમાં ગોઠવાઈ જાય–અગાઉથી હૉટેલ બુક કરીને સ્તો.
છેલ્લા બે–એક વરસથી મારી દૂરની બહેન (સગપણમાં પાછું આવું બધું બહુ હોય ! દૂરની બહેન ને નજીકની બહેન !) કમ મિત્ર સુરતનાં પલ્લવીબહેનને ફરવાનો ચસકો લાગ્યો હતો ને ખોટું ન કહું તો મને પણ એમણે ચસકો લગાડ્યો, એટલે લાગી ગયો ! કોઈક ટુર કંપનીની જાહેરાત આવતાં જ વાર. ખાસ તો, સ્ત્રીઓની જ ખાસ–સ્પેશ્યલ ટુર હોય તેની ઓફિસમાં જઈને પલ્લવીબહેન બધી તપાસ કરી લાવે. પછી મને એકાદ સુંદર સવારે ફોન કરે, ‘કલ્પનાબહેન, મોરિશિયસ આવવું છે ?’ હું તો મનમાં ભાવે ને મૂંડી હલાવવા જેવું કરું. ‘ના ના, અ’મણાં નીં. અ’જુ ગયે મહિને તો અં’ઈ ફરી આઈવાં ને આવતે અઠવાડિયે બે દા’ડા ફલાણે જવાનું છે ને આવતે મઈ’ને પાછું ચાર દા’ડા લગનમાં ઢીંકણે જવાનું છે.’ હું સાચાં પણ સત્તર કારણો ઢાલની જેમ ધરી દઉં. ‘અ’વે એ તો બધું ચાઈલા જ કરે. (હુરતી ને પાછાં દેહાઈ !) એ તો બધું ઘરનાં હાથે ફરવાનું કે’વાય. આ તો આપણાં એખલાં બૈરાં લોકની જ ટુર છે. આપણે બૅંકૉક ગયલાં કે નીં ? બસ તે જ કંપનીવાળા મોરિશિયસ લઈ જતાં છે. તમે તીયાર થાઓ તો આપણે ઉપડીએ ને ઘરનાંને પટાવી કાઢીએ.’ ‘હારુ, કાલે કે’ઉં.’ એમ કહીને હું ફોન તો મૂકું પણ મોરિશિયસની વાત કઈ રીતે મૂકીશ તેના વિચારમાં કામમાં ગોટાળા કરવા માંડું.
પહેલાં તો દીકરા–વહુને ફોન કરીને પૂછી લઉં કે, ‘મોરિશિયસ ફરવા માટે કેવું ?’ એ લોકો પણ જાણી ગયેલાં એટલે પૂછે, ‘પલ્લવી આન્ટીનો ફોન આવેલો ?’ હું વધારે પંચાત કરવાની ના પાડતાં કહું કે, ‘ભાઈ જે હોય તે ક’ઈ દો ને કે જવા જેવું છે કે નીં ?’ ‘જો, તારે જગા હાથે હું કામ છે ? તું તારી મેરે જાં ચાન્સ મલે તાં ફઈરા કર નીં. પપ્પાને અમે હાચવી લેહું. અઠવાડિયાનો જ સવાલ છે ને ? પછી હું ? અમે ક’ઈ દેહું પપ્પાને. તું ફિકર નીં કર.’ જોકે બીજે દિવસે પલ્લવીબહેનનો જ ફોન આવે કે, ‘કલ્પનાબહેન, આપણે મોરિશિયસનું માંડી વારીએ. એના કરતાં કેરાલાની હાત દા’ડાની ટુર છે. આપણે કેરાલા જઈએ.’ હું ગભરાતાં ગભરાતાં પૈસાની વાત મૂકું. ‘કેટલા પૈહા ?’ (રૂપિયાને હો અમે પૈહા જ ક’ઈએ !) ‘અ’વે તમે પૈહાની ફિકર હું કરવા કરો ? તમે ડૉક્ટરનું વરહદા’ડનું બિલ નથી ભરતાં ને ? ઉચ્છલમાં રે’ઓ એટલે દવાના ખર્ચા એમ હો ઓછા થાય. તમારે રોજના રિક્ષા કે ગાડીના ખર્ચા હો નીં ને બજાર નીં મલે એટલે શૉપિંગના ખર્ચા હો નીં. તો પછી, ખર્ચી લાખો નીં ફરવામાં. અ’વે બચાવીને હો હું કરવાના ?’ પલ્લવીબહેન એકસામટો બૉંબમારો કરી દે તે હું સામો એકાદ ભીંતભડાકોય ના કરી શકું. આમેય, મારે તો મોરિશિયસ કે માથેરાન, બધું જ સરખું. મારે તો થોડા દિવસ ક્યાંય પણ ફરવા મળે એટલે જલસા. નવી જગ્યા, નવા લોકો ને નવા ચહેરા. નવી જગ્યાની નવી માટીની નવી સુગંધ. નવા લોકોનો નવો પહેરવેશ ને નવી બોલી. ને નવા ચહેરાના નવા હાવભાવ ને નવું કુતૂહલ. બસ હું તો આ બધું માણવા જ જતી હોઉં. જગ્યાના નામનું મારે મન કોઈ મહત્વ નહીં. કદાચ થોડા દિવસો પછી કોઈ પૂછે કે, ‘કેરાલામાં ફલાણી જગ્યા જોયેલી ?’ હું વિચારમાં પડી જાઉં ને કહું, ‘પલ્લવીબહેનની ડાયરીમાં જોવું પડશે. યાદ નથી બરાબર.’ (!)
અમુક જ તારીખ સુધીમાં પૈસા ભરવાની શરતને કારણે લગભગ મહિના અગાઉથી જ અમારી કેરાલાની ટુરનું નક્કી થઈ ગયું. તો પછી, ચાલો ત્યારે કેરાલા. બીજું શું ?
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com