અનિલ જોશી
થોડા દિવસ પહેલા ઇતાલો કાલ્વીનોની એક સરસ વાર્તા વાંચવામાં આવી ગઈ .એ વાર્તાનો સાર એવો છે કે ચોરોના દેશમાં એક ઈમાનદાર આદમી રહેવા ગયો એટલે ચોરોના દેશનું વ્યવસ્થાતંત્ર જ ભાંગી પડ્યું .એક એવો દેશ હતો કે જેના બધા જ નિવાસીઓ ચોર હતા .રાત પડે એટલે બધા હાથમાં લાલટેન અને નકલી ચાવીઓનો ગુચ્છો લઈને ચોરી કરવા નીકળી પડતા હતા .આખી રાત ચોરી કરીને માલમત્તા સાથે વહેલી પરોઢે પોતાને ઘેર પાછા આવતા ત્યારે એમનું જ ઘર લૂટાયેલું જોવા મળતું .આ રીતે દરેક નાગરિક હસીખુશીથી એકબીજાની સાથે રહેતા હતા .કોઈ કોઈને નુકસાન પહોંચાડતું નહોતું .કારણ કે દરેક ઇન્સાન એકબીજાને ઘેર ચોરી કરતો હતો . ચોરીનો આ સિલસિલો સતત ચાલુ રહેતો .એ દેશના વ્યાપારમાં ખરીદ-વેચાણમાં દગાબાજી કરવી જ પડે એવો નિયમ હતો .ઈમાનદારી જેવું કોઈ મૂલ્ય અસ્તિત્વમાં નહોતું .સરકાર પોતે જ અપરાધીઓનું એક સંગઠન હતી જે નાગરિકોને ચૂસવામાં અને હડપવામાં કાબેલ હતી .નાગરિકોની રુચિ ફક્ત એટલી જ હતી કે કેવી સરકાર ચૂટાય . આ રીતે જિંદગી સહજ ગતિથી ચાલી રહી હતી .કોઈ ગરીબ નહોતું કે કોઈ અમીર નહોતું ,સહુ ચોર સરખા જ હતા .
એક દિવસ એવું થયું કે એક ઈમાનદાર ઇન્સાન રહેવા આવી ગયો .સામાનબામાન ગોઠવીને ઘરમાં સેટલ થયો .રાત પડી એટલે આખું ગામ નિયમમુજબ હાથમાં લાલટેન લઈને ચોરી કરવા નીકળી પડ્યું ,પણ આ ઈમાનદાર આદમી ઘરની બહાર નાં નીકળ્યો .તે ઘરમાં જ રહ્યો .સિગારેટ પીતો રહ્યો અને પુસ્તક વાંચતો રહ્યો .ઘરમાં બત્તી બળતી જોઇને ચોરલોકો અંદર ઘૂસ્યા નહિ . આવું કેટલાક દિવસ ચાલતું રહ્યું .પછી લોકોએ ઈમાનદારને સમજાવ્યો કે ભલે તમે કંઈપણ કર્યા વિના ગુજારો કરવા માગતા હો પણ બીજાને તમે ચોરી કરતા અટકાવી શકો નહિ ..તમે આખી રાત ઘરમાં વિતાવો એનો અર્થ એવો થાય કે આગલે દિવસે એક કુટુંબને ખાવાના સાસા પડી જાય .એ કુટુંબ ભૂખ્યું રહે ." ઈમાનદાર આદમી બહુ મુશ્કેલીથી આ તર્ક ઉપર વિશ્વાસ મૂકી શક્યો .છતાં એને નક્કી કર્યું કે રોજ સાંજે બહાર નીકળી જવું અને વહેલી સવારે ઘેર આવવું .ઈમાનદાર આદમી પાસે ખાવાનું તો કઈ હતું જ નહિ .ઘર સાવ ખાલી હતું .ચોર આવે તો કઈ મળે જ નહિ .મિસ્ટર ઈમાનદાર રોજ સાંજે ચેરથી નીકળી જાય અને સવારે પાછો ઘેર આવી જાય .ઘરમાં કાઈ હતું જ નહિ એટલે ઘર સુરક્ષિત રહેતું .મિસ્ટર ઈમાનદાર કોઈને ઘેર ચોરી કરવા જતો જ નહિ એટલે એના વર્તાવથી આખી વ્યવસ્થામાં ગરબડ ઉભી થઇ ગઈ . જે લોકો ઈમાનદારના ઘરમાં ચોરી કરવા આવતા એને કઈ મળતું જ નહિ તેથી તેઓ ગરીબ થવા લાગ્યા .બીજા ચોરો અમીર થવા લાગ્યા .ચોરીનું આખું વહીવટીતંત્ર જ ભાંગી પડ્યું .એક ઉપાય તરીકે અમીરોએ નક્કી કર્યું કે " ચાલો, આપણે ગરીબોને નોકરી ઉપર રાખી લઈએ .આપણા વતી તે ચોરીઓ કરશે " પછી ગરીબો સાથે સમજૂતી કરીને પગાર અને કમિશન નક્કી કરવામાં આવ્યું .હકીકતમાં થયું એવું કે માલિક અને નોકરિયાત ગરીબ બન્ને મૂળથી જ ચોર હતા એટલે તેઓએ એકબીજાને ઠગવાનું શરૂ કર્યું . આનું પરિણામ એ આવ્યું કે અમીર વધારે અમીર થઇ ગયા અને ગરીબ વધારે ગરીબ થયા .પછી અમીરોને લાગ્યું કે હવે આ નોકરિયાત ગરીબોની કોઈ જરૂર નથી .એ લોકો તો હવે આપના ઘરમાં જ ચોરી કરશેને? પછી સહુ અમીરોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે "આ ગરીબોમાં જે સહુથી વધારે ગરીબ હોય એને આપણે ઘરના ચોકીદાર તરીકે રાખીએ એટલે આપણા ઘર સલામત રહેશે " હવે સમસ્યા એ રહી કે કોઈ ચોરી કરતા પકડાય તો એનું શું કરવું? આખરે સહુએ પોલીસ અને કેદખાના સ્થાપવાનો સર્વાનુમતે નિર્ણય લઇ લીધો . બસ તે દિવસથી કોઈ હવે ચોરી કે લૂંટાઈ જવાની વાત જ નથી કરતુ .બધા અમીરી અને ગરીબી વિષે જ ચર્ચા કર્યા કરે છે .છેવટે દેશમાં જે એક જ ઈમાનદાર આદમી હતો તે નેકદિલ ઇન્સાન ભૂખમરાથી મરી ગયો ...ઇતાલો કાલ્વિનોની વાર્તાનો આ કથાસાર છે .
ઇતલો કાલ્વિનો ઇટાલીના જાણીતા પત્રકાર ,વાર્તાકાર , અને નવલકથાકાર છે .ઇતાલો ની આ વાર્તા આજના સંદર્ભમાં કેટલી સાચી લાગેછે ..આપણે નરી આખે લૂટફાટ જોઈ રહ્યા છીએ .કરચોરી,જકાતચોરી ,ગુન્હાખોરી, નફાખોરી,પોલીસ,કોર્ટ કચેરી,તપાસપંચો,જેલ,અમીરો અને ગરીબીના ભેદ , આ બધી સાંપ્રત સમયની કઠોર વાસ્તવિકતા છે વાર્તાકાર એ કહેવા માગેછે કે સહુનું મૂળ ગોત્ર તો ચોરી જ છે ચોર એ આપણા પૂર્વજો છે .ચોરી એ લોહીના સંસ્કાર છે . વાર્તાકારનો આ તીવ્ર કટાક્ષ છે .ગુન્હેગારોને અત્યારે ફાંસીની સજા કરવાની લોક્લાગણી અત્યારે વિકસી ગઈ છે .એક લેખકે બહુ જ ધારદાર રીતે લખ્યું છે .આ લેખકનું નામ પાશ છે ."શ્રમની લૂટ ખતરનાક નથી હોતી ગદ્દારી અને લોભ પણ ખતરનાક નથી . સહુથી ખતરનાક તો એ આંખ હોયછે જે બધું જ જુએછે છતાં ઠંડી બરફ જેવી રહે છે ." છેવટે તો બધો આધાર દ્રષ્ટી ઉપર રહેલો છે .હિંસાને જોવાની કવિદ્રષ્ટિ કૈક અલગ જ હોય છે ." દાગ' જેવા શાયર એક શેરમાં લખે છે :
कुछ देख रहे हैं दिल-ए-बिस्मिल का तड़पना
कुछ गौर से क़ातिल का हुनर देख रहे हैं."
બાય ધ વે , હમણા પાકિસ્તાનના બહુ મોટા ગજાના કવિ અફઝલ અહમદ ની એક સરસ કવિતા વાંચવામાં આવી .આ કવિતાની શીર્ષક " લાકડામાંથી બનેલા માણસો " છે લાકડું તો આપણે સહુએ જોયું છે પણ કવિની દ્રષ્ટી લાકડાને અનન્ય રીતે નિરખે છે .કવિએ આ કવિતામાં લાકડામાંથી બનેલા માણસોનો એક પ્રતિક તરીકે વિનિયોગ કર્યો છે કવિતા એન્જોય કરો .
"લાકડામાંથી બનેલા માણસો
પાણીમાં ડૂબતા નથી
પણ એને દિવાલો ઉપર ટાંગી શકાય છે
કદાચ એને ખબર હશે કે
આગ શું ચીજ છે અને વૃક્ષ કોને કહે છે
દરેક વૃક્ષમાં લાકડાનો માણસ નથી હોતો
જે વૃક્ષમાં આદમી લાકડાનું મેજ , ખુરશી કે પલંગ નથી હોતો
એને કઠિયારો આગને હાથ વેચી દે છે .
આગ સહુથી મોટી ખરીદનાર ગ્રાહક છે .
આગ પોતાના નફામાં શરીરો લઇ લે છે
આગને તમે ભીનું લાકડું વેચતા નહિ
આગ તમને એ નહિ પૂછે કે તમે લાકડાના માણસ છો
તમે મેજ છો
તમે ખુરશી છો
તમે દિવાસળી છો "
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com