કાવ્યવિશ્વ
મુંબઈમાં વરસાદે ધબધબાટી બોલાવી દીધી છે બહુ રાહ જોવડાવ્યા પછી વરસાદ આવ્યો તો ખરો ..બ્રોડસ્કી કહેતા હતા કે " કવિતા એ અનિશ્ચિતતાની નિશાળ છે " વરસાદનું પણ એવું જ છે.વિખ્યાત કવિ એઝરા પાઉન્ડ પણ કહેતા હતા કે " મારા હાથમાં મહાન અનિશ્ચતતાની નિશ્ચિતતા સિવાય બીજું કાઈ નથી " રશિયાની નવી પેઢીની પ્રતિભાશાળી કવિયત્રી પાવલોવા કવિતા વિષે બહુ ખૂબસૂરત અંદાઝથી કહે છે : " કવિતા એવી રીતે લખાવવી જોઈએ કે જેમ પરપુરુષ પરસ્ત્રી સાથે અથવા પરસ્ત્રી પરપુરુષ સાથે સંબંધ બાંધે, ચોરીછૂપીથી રોજ મળે પછી સંતાતા સંતાતા એવી રીતે ઘરમાં પ્રવેશે કે જાણે કાઈ બન્યું જ નથી " કવિતા સાથેનું લફરું સાવ નિર્દોષ હોય છે." એકબાજુ અહીં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને બીજી બાજુ મારા હાથમાં રીયાધમાં જન્મેલી અરબી ભાષાની કવિયત્રી ફૌજીયા અબૂ ખાલેદની કવિતા " મરીચિકાનું પાણી " કવિતા વાંચી રહ્યો છું. કવિતાનું શીર્ષક છે :"બે બાળકો " વરસાદના પાણીમાં બાળકોને છબછબિયાં કરવા બહુ ગમે પણ ઝાંઝવાના પાણીમાં છબછબિયાં કેમ કરવા ? આ કવિતાના કેન્દ્રમાં માં છે. કવિતા વાંચો સાહેબ
જેમ કોઈ બાળક પતંગના દોરની સાથે ચીપકી જાય
એમ હું એના પોષાકને ચીપકી જાઉં છું
કોઈ ખિસકોલી બદામના ઝાડ ઉપર ચઢતી હોય એમ
એમ હું એનો ચોટલો પકડીને એના માથે ચડું છું
બપોરે અમે એક દુનિયામાંથી
બીજી દુનિયામાં કૂદતા રહીએ છીએ
હવામાં મસ્તી કરીએ છીએ
જાણેકે પિંજરાનું બારણું ખૂલી ગયું
અને પરિંદાઓ ઉડવા લાગ્યા
એક રમત પૂરી કરી બીજી રમત રમીએ
એ મને શિખવાડતી
ફૂલોના નામ
વરસાદની મૌસમ
વતન પ્રેમ
અને હું એને શિખવાડતી જીદ અને શરારત
રણપ્રદેશમાં અમે સવાલોનું એક સ્વર્ગ ઊભું કરીએ છીએ
અને એકબીજા ઉપર ઝાંઝવાનું પાણી છાંટીએ છીએ
ફૌજીયાની આ કવિતામાં બિલકુલ અલગ સંવેદન છે. ફૌજીયાએ સમાજવિજ્ઞાન વિષયમાં પી એચડી કર્યું છે. સાઉદી અખબાર " અલ-જજીરા "માં નિયમિત રીતે કોલમ લખે છે. આ કવિતામાં તમે જુઓ કે "રણપ્રદેશમાં અમે સવાલોનું સ્વર્ગ ઊભું કરીએ છીએ" એ પંક્તિ કેટલી બધી માર્મિક છે.જવાબો એ નર્ક છે અને સવાલો એ સ્વર્ગ છે એ પંક્તિ ચોંકાવી મૂકે એવી છે.ચાલો હવે એક અલગ મુડની કવિતા પાસે સરકીને જઈએ.આ કવિતા અમેરિકન કવિ દાના જ્વાઉ ( Dana jwauh )એ લખી છે આ કવિએ ફુલટાઈમ કવિતાઓ લખવા માટે ઊંચા પદની નોકરી છોડી દીધી હતી. તેઓ આલોચક અને કવિ છે દાનાની કવિતા પાસે જતા થોડી સિચ્યુએશન સમજવી પડે. કાવ્યનું શીર્ષક " રવિવારનું અખબાર" પત્નીએ ડિવોર્સ લઇ લીધા છે.પણ એક દિવસ રવિવારની આવૃત્તિમાં એ ભૂતપૂર્વ પત્નીના પુનર્લગ્નનો ફોટો છપાયો છે. એ ફોટો જોઈએ જે સંવેદનો જાગે છે એનો એક્સરે આ કવિતામાં છે અહીં તમે જોઈ શકશો કે ડિવોર્સ લઈને અલગ પડેલા પતિદેવનું ભાવવિશ્વ કેવું છે. સીધા કવિતા પાસે જ જઈએ.
રવિવારના અખબારમાં હું કઈક શોધતો હતો
પાના ફેરવતો હતો ત્યાં અચાનક
મારી નજર સ્થાનિક લગ્નો થયા હતા એ પાના ઉપર પડી
મેં એ ન જોવાનો ડોળ કર્યો
એ તસ્વીરમાં તું જ હતી
જેવી દેખાતી હતી તેવી જ
એ જ લાંબા વાળ એ જ ગંભીર ચહેરો
આ બધું જોઇને મેં અખબારને જમીન ઉપર ફેંકી દીધું
ઈર્ષ્યાની આગથી મારું દિમાગ બળવા લાગ્યું
તારી સાથે જેનો ફોટો છે એને હું નફરતથી જોઉછું
તું આ માણસને પ્રેમ કરે છે ?
તમારા છપાયેલા નામને પણ હું ધિક્કારૂ છું
તેમ છતાં મેં એ ફોટાને કાતરથી કાપી લીધો
કોઈ પુસ્તકમાં મૂકવા માટે
રદ્દીનો આ ટુકડો હું ફરીવાર નહિ વાંચું
તેમ છતાં એને ખોવા માટે હું કેમ રાજી નહોતો
રદ્દીના એ ટુકડા સાથે હું ડિવોર્સ કેમ નથી લેતો ?
કવિતા અહીં પૂરી થાય છે આ કવિતા ફિલ કર્યા પછી વધુ સમજાવવાની જરૂર લાગતી નથી અહીં મને લોલા હર્સ્કીન્સની એક સાવ નાનકડી કવિતા યાદ આવે છે. એ કવિતાનું શીર્ષક " પ્રેમ " છે. લોલા લખે છે " એને હું કોઈ કપડાની જેમ પહેરી લઉં છું.મને જો એ ઠીક નાં લાગે તો બદલી લઉં છું. ફરી કપડું ઉતારી નાખું છું પણ એની સાથે મારી ચામડી પણ ઉતરી જાય છે " સુઝાના ફિલામોરે ડિવોર્સના સ્મરણો લખ્યા છે. સુઝાન ડિવોર્સ વિષે બહુ માર્મિક વિધાન કરે છે : “Such silence has an actual sound, the sound of disappearance.” આવી શાંતિને પણ એક અવાજ હોય છે. જે નજર સામે નથી એનો અવાજ ... એનો સાઉન્ડ
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com