Made in India
September 8, 2013
‘અબ્બુ, આપ યે ક્યા કર રહે હૈ?’ દસ-બાર વર્ષના અબ્દુલે એના પિતાને કસરત કરતા જોઇને સવાલ કર્યો. ‘ઇસે વર્જીસ કહેતે હૈ, બેટા, ઇસસે બદન મજબૂત બનતા હૈ. દંડ, બૈઠક, દૌડ, કુસ્તી, મલખંભ યે સબ આદમી કે શરીર કો લોહા બના દેતા હૈ.’ ‘લેકિન શરીર કો શરીર હી રહેને દો ના, અબ્બુ ઇસે લોહા બનાને સે ક્યા ફાયદા?’ અબ્દુલ જોઇ રહ્યો હતો કે એના પિતાજી છેલ્લા અઢી કલાકથી પરસેવાના તળાવમાં નાહી રહ્યા હતા. ઘરની પાછળની ખુલ્લી જગ્યામાં માટી પાથરીને બનાવેલા અખાડામાં હજાર-હજાર દંડબેઠક કરીને સ્નાયુઓના ગઠ્ઠા બનાવી રહ્યા હતા.
નાનકડા અબ્દુલને સમજાતું ન હતું કે અલ્લાહે આપેલા પોચા-પોચા શરીરને આવું પથરીલું બનાવવાથી ફાયદો શું? ‘ઐસા નહીં હૈ, બેટા, માલિકને હી હમકો યે જિમ્મેદારી ભી સોંપી હૈ કિ હમ અપની માં-બહનોં કી હિફાઝત કરેં. અગર હમારા શરીર મજબૂત નહીં હોગા, તો યે બાત મુમકિન કૈસે હોગી?’ અબ્દુલના મગજમાં બત્તી ઝગી ઊઠી, સમજણનું અજવાળું ફેલાયું. એ બોલી ઊઠયો, ‘તો કલ સે મૈં ભી આપકે સાથ કસરત કરુંગા, અબ્બુ મૈં ભી બડા હોકર અપની માં-બહેન કી હિફાઝત કરુંગા.’
ઉત્તરપ્રદેશ રાજ્યનો ગાઝીપુર જિલ્લો. ગામનું નામ ધરમપુર. મોહમ્મદ ઉસ્માન નામનો ગરીબ દરજી. પણ કપડાં તૈયાર કરવા કરતાં વધુ ધ્યાન કાયાને તૈયાર કરવામાં આપે. દીકરા અબ્દુલને ગાજ-બટન અને હાથ સિલાઇ શીખવવાની સાથે સાથે અખાડામાં જઇને કુસ્તીના દાવપેચ શીખવાની પણ પ્રેરણા આપે. લગભગ ૧૯૪૩નું વર્ષ. દેશ હજુ આઝાદી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. મહાત્મા ગાંધીજીના રેંટિયાના મીઠા સૂરની સાથે સાથે સાવરકર-સુભાષની સિંહગર્જનાઓ પણ હવામાં ગુંજી રહી હતી. આઝાદી આવવાની હતી તે નક્કી હતું અને એ આવી પણ ગઇ. પણ એ સાથે જ દેશને ખતરાની ઘંટડી પણ સાંભળવા મળી. ૧૯૪૭-૪૮નું પાકિસ્તાની આક્રમણ દેશના જાંબાઝોને કાનમાં કહેતું ગયું, ‘સાવધાન તમારી આઝાદી ખતરામાં છે.’
મોહમ્મદ ઉસ્માનનો નાનકડો દીકરો અબ્દુલ હવે જુવાનીના ઇલાકામાં આવી પહોંચ્યો હતો. ગામમાં એના ગઠીલા બદનની ધાક જામી ચૂકી હતી. સાથે એના દિમાગમાં એક નવી સમજણ પણ સ્થાન લઇ ચૂકી હતી, ‘રક્ષા ફક્ત મા-બહેન-દીકરી-પત્નીની જ નથી કરવાની હોતી, આ બધાં કરતાં મોટી ચિંતા માભોમની કરવાની હોય છે. અહીં ગામના ટપોરીઓને ધોલધપાટ કરવાનો શો અર્થ છે તાકાત હોય તો દેશના દુશ્મનોને મઝા ચખાડ’
૧૯પ૪માં અબ્દુલ લશ્કરમાં ભર્તી થઇ ગયો.
પહેલી જુલાઇ, ૧૯૩૩ના દિવસે એક ગરીબ દરજીના ઘરમાં જન્મેલો અબ્દુલ સત્યાવીસમી ડિસેમ્બર, ૧૯પ૪ના શુભ દિવસે ઇન્ડિયન આર્મીની ફોર્થ બટાલિયનમાં હવાલદાર અબ્દુલ હમીદ બની ગયો. પ્રારંભમાં ગ્રેનેડિયર્સ ઇન્ફન્ટ્રીમાં કામ કર્યા પછી બાકીની સંપૂર્ણ સેવા એણે આ ફોર્થ બટાલિયનમાં જ બજાવી દીધી. પાંચ વર્ષમાં તો એના નામની ધાક જામી ગઇ. એકસો છ મિ.મિ. રીકોઇલલેસ રાઇફલ શોટમાં એની બરાબરીમાં આવે તેવો એક પણ જવાન ન હતો. આપણે શાળામાં વિલિયમ ટેલની નિશાનેબાજીની વાર્તાઓ ભણી ગયા છીએ. હવાલદાર અબ્દુલ હમીદ સાઠના દાયકાનો ઇન્ડિયન આર્મીનો વિલિયમ ટેલ હતો. એની આવડત જોઇને એને બટાલિયનનો રાઇફલ પ્લેટૂનનો કમાન્ડર બનાવી દેવામાં આવ્યો.
શરૂઆતનાં વર્ષો એણે આગ્રા, અમૃતસર, જમ્મુ-કાશ્મિર અને દિલ્હી, નેફા તથા રામગઢ જેવી જગ્યાઓએ ફરજ બજાવી, પણ એના હાથમાં હવે મોટું પરાક્રમ કરી બતાવવાની ચળ જોર પકડતી જતી હતી. ૧૯૬૨માં ચીનના આક્રમણ વખતે અબ્દુલને આવી તક મળી પણ ખરી, નમકા ચુંગના મોરચે ચીનાઓને જોરદાર લડત આપીને છેવટે જ્યારે ચોતરફથી એની ટુકડી ઘેરાઇ ગઇ હતી, ત્યારે અદ્ભુત પરાક્રમનું પ્રદર્શન કરીને ઘેરાબંદી તોડીને પગે ચાલતા અબ્દુલ હમીદ અને એની ટુકડી ભુતાન પહોંચી ગઇ. એમાં એક યુવાન સેકન્ડ લેફ્ટનન્ટ વી. પી. રાવ શહીદ થયો અને મરણોત્તર મહાવીરચક્ર મેળવી ગયો.
ખુદ અબ્દુલ હમીદને એની દસ વર્ષની કારકિર્દીમાં ત્રણ-ત્રણ શૌર્ય ચંદ્રકો મળ્યા હતા: સૈન્ય સેવા મેડલ, સમર સેવા મેડલ અને રક્ષા મેડલ. પણ અબ્દુલને મન આ બધા ‘મેન ઓફ ધી મેચ’ એર્વોડ જેવાં સન્માનો હતાં. એની સુષુપ્ત ઇચ્છા તો ‘મેન ઓફ ધી ટુર્નામેન્ટ’ બનવાની હતી. સર્વોચ્ચ પરાક્રમ માટે ભારતીય સેના તરફથી આપવામાં આવતો ‘પરમવીર ચક્ર’ જીતવાની એની ઇચ્છા હતી. હજુ સુધી ફોર્થ બટાલિયનનો એક પણ જાંબાઝ ‘મહાવીર ચક્ર’થી આગળ વધી શક્યો ન હતો.
જે શૂરવીરો ભારતમાતાના ભાલ ઉપર પોતાના રક્તનું લાલ તિલક કરવા માટે થનગનતા હોય છે તેને વિધાતા નિરાશ નથી કરતી. એવી તક સમયાંતરે આવતી જ રહે છે. ૧૯૬પમાં પાકિસ્તાન સામેનું યુદ્ધ આવી પડયું. અબ્દુલ હમીદની નિશાનેબાજી ઉપર મદાર મૂકીને એની ચોથી બટાલિયનને લાહોર સેક્ટરના ઓપરેશનની જવબાદારી સોંપવામાં આવી. ટેન્ક વિરોધી દળના વડા તરીકે અબ્દુલ હમીદને મૂકવામાં આવ્યા. એની ટુકડી શત્રુઓની સરઝમીનમાં છેક ઇછોગીલ સુધી પહોંચી ગઇ. મોડે મોડે પાકિસ્તાનને ભાન આવ્યું. એણે પ્રતિ-આક્રમણ શરૂ કર્યું.
પાકિસ્તાનના સૈન્ય પાસે એ સમય પેટન ટેન્કોની મોટી સંખ્યા હતી. અબ્દુલ હમીદને કહેવામાં આવ્યું, ‘પાકિસ્તાન આર્મી પેટન ટેન્કો ઉપર મુસ્તકા છે. આ ટેન્કો અમેરિકન બનાવટની છે, અત્યંત આધુનિક અને લગભગ અવિજયી છે. એની સામે આપણી ટેન્કો કશી જ વિસાતમાં નથી. આ જંગ બી.એમ.ડબ્લ્યુ. કાર અને બળદગાડા વચ્ચેની રેસ જેવો છે. દેશની આબરૂ તમારા હાથમાં છે.’ હમીદે હસીને કહ્યું, ‘યુદ્ધ શસ્ત્રોથી નથી જીતી શકાતું, શૌર્યથી જિતાય છે. અમે લડીશું અને ઇન્ડિયન આર્મીનો મુદ્રાલેખ નજર સામે રાખીને લડીશું. ટિલ ધી લાસ્ટ મેન, ટિલ ધી લાસ્ટ બુલેટ.’ જય હિંદ’
પાકિસ્તાને પ્રતિ આક્રમણમાં પેટન ટેન્કોની ફૌજ ઉતારી દીધી. આપણી ચાર-ચાર બટાલિયનોને પીછેહઠ કરવા માટે મજબૂર કરી મૂકી. આપણા સૈનિકો ખેમકરણ સુધી પાછા આવી ગયા. અમેરિકન બનાવટની પેટન ટેન્કો માતેલા સાંઢની જેમ રણમેદાનમાં હાહાકાર મચાવી રહી. હવેનું યુદ્ધ નિર્ણાયક બની રહેવાનું હતું.
ભારતીય સેનાએ વ્યૂહરચના બદલાવી નાખી. રક્ષણાત્મક રમતના ભાગરૂપે ઉત્તરથી દક્ષિણ તરફ લંબાતી ઊભી રેખામાં આપણી ચારેય બટાલિયનોને તૈનાત કરી દીધી. ખેમકરણ-ભીખી વિંડ-અમૃતસર રોડ પરના અસલ ઉત્તર અને ચીમા નામનાં ગામડાઓ પાસે પોઝિશન લઇને ગોઠવાઇ ગયા. સૌથી ઉપરના ભાગે અબ્દુલ હમીદ પોતાની ટેન્ક સાથે તૈનાત હતા. શત્રુઓનું સૌથી ભારે આક્રમણ એ જ મોરચા ઉપર થઇ રહ્યું હતું.
પૂરા ચોવીસ કલાક યુદ્ધ ચાલતું રહ્યું. પેટન ટેન્કો આગળ ને આગળ વધી રહી હતી. અબ્દુલ હમીદ અને એના સાથીઓ કપાસ અને શેરડીનાં ખેતરોમાં છુપાઇને વળતો જવાબ આપી રહ્યા હતા. સપ્ટેમ્બર મહિનાની આઠમી તારીખ. બપોર પછીના સમયે બે પેટન ટેન્કો અબ્દુલ હમીદની સાવ નજીક ધસી આવી. અબ્દુલ હમીદ એ વખતે ખેતરના ઊભા પાકમાં છુપાઇને ગોળીબાર કરતા હતા. શત્રુસૈન્યના કમાન્ડરે ભયંકર થાપ ખાધી અને અબ્દુલ હમીદને જ પૂછી માર્યું, ‘ભાઇજાન, હમેં રાસ્તા માલૂમ નહીં. ભારત કે કૂત્તે કહાં છીપે હુએ હૈ?’
અબ્દુલની ગન ગર્જી ઊઠી, ‘કૂત્તે તો પાકિસ્તાન આર્મી મેં હોતે હૈ, હમારે સૈન્ય મેં તો શેર હી શેર હૈ.’એ સાથે જ કમાન્ડર પણ ગયો અને એની બે ટેન્કો પણ ઊડી ગઇ. દસમી સપ્ટેમ્બરે પાકિસ્તાન તરફથી મોટું આક્રમણ કરવામાં આવ્યું. પેટન ટેન્કોનો મોટો જથ્થો ધસી આવ્યો. આ વખતે નિશાન ચોથી બટાલિયન જ હતી. શત્રુઓએ જોરદાર ગોળીબાર કર્યો. ભારતીય જવાંમર્દો છુપાયા હતા એ ઊભા પાકને આગ ચાંપી દીધી. અબ્દુલ હમીદ સમજી ગયા કે હવે શહાદતનો સમય આવી પહોંચ્યો છે. નહીંતર પીછેહઠ કરીને પરાજય વહોરી લેવાનો.
એક સાદી જીપ ઉપર બેસીને અબ્દુલ હમીદ ધસી ગયા. હાથમાં ગન હતી. નજરમાં તીક્ષ્ણતા હતી. દોરો પરોવવા માટે સોયનું કાણું શોધતા હોય તેવી બારીકીથી આ દરજીપુત્ર આગના ભડકા વચ્ચે પેટન ટેન્કોને શોધી રહ્યા. રાત્રે નવ વાગ્યે ટેન્કમાંથી વિંઝાયેલા ગ્રેનેડથી ઘાયલ થઇને પડયા પણ એ પહેલાં કુલ સાત પેટન ટેન્કોનો ખાતમો બોલાવતા ગયા. મરતાં મરતાં પણ જે ટેન્કમાંથી ગ્રેનેડ ફેંકાયો હતો એનો પણ ખુડદો કરતા ગયા. એમની બહાદુરી જોઇને દુશ્મનો પણ ડઘાઇ ગયા. ખેમકરણના યુદ્ધમાં ભારતનો વિજય થયો.
‘પાકિસ્તાનના આર્મીની પાસે તો આબરૂ જેવું હતું જ ક્યાં? પણ ખેમકરણ મોરચે દસમી સપ્ટેમ્બરની રાત્રે ખેલાયેલા આ યુદ્ધે અમેરિકાની આબરૂ પણ ધોઇ નાખી. એ પછી તરત જ એમ-૪૮ પેટન ટેન્કને પાછી ખેંચી લેવામાં આવી અને અમેરિકાને એમ-૬૦ પ્રકારની રણગાડી બનાવવાની ફરજ પડી. આજે પણ ખેમકરણ ખાતે ‘પેટન નગર’ નામનું એક મ્યુઝિયમ ભારતે ઊભું કર્યું છે તે મોજૂદ છે. એ પાકિસ્તાન અને અમેરિકાની સંયુક્ત વ્યૂહરચનાનું કબ્રસ્તાન છે. બદલામાં અબ્દુલ હમીદને શું મળ્યું? મૃત્યુ પછી માત્ર છઠ્ઠા જ દિવસે જાહેરાત કરવામાં આવી: ‘શહીદ અબ્દુલ હમીદને પરમવીર ચક્ર એનાયત કરવામાં આવશે.’ ‘
(એ શહાદતની તારીખ હતી: ૧૦-૯-’૬પ આજે આઠમી સપ્ટેમ્બર છે.)
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com