સાબરમતી નદીને કિનારે પુસ્તકોનો કુંભમેળો ભરાય એ બહુ જ રોમાંચક ઘટના છે .અમદાવાદમાં મારી વિદ્યાર્થી અવસ્થામાં એમ .જે .લાઈબ્રેરી, હેવમોર ,નિરંજન ભગત , અને ખાડાના દાળવડા અતિપ્રિય લક્ષ્યો હતા .પ્રોફેસર ફિરોઝ દાવરને સહુ હરતી ફરતી લાઈબ્રેરી કહેતા હતા , એ દિવસોમાં બહુ પુસ્તકમેળાઓ નહોતા થતા .વૌઠાનો મેળો ભરાતો હતો . સાઈકલ હાથવગી હતી .પેડલ પગવગા હતા .એ ...ય જાય સડસડાટ .લાભશંકર ઠાકર જેવા કવિ સ્કૂટર સવારી કરે .કવિ પ્રિયકાંત મણિયાર પણ સ્કૂટર સવારી કરે .બચુભાઈ રાવત સાઈકલ સવારી કરે .બચુભાઈની સાઈકલની ટોકરી પણ છંદ અને લયમાં વાગે .નિરંજન ભગત કાયમ પદયાત્રી જ હોય ." હું તો બસ ફરવા આવ્યો છું " આ કાવ્ય પંક્તિ તમને હરતી ફરતી દેખાય .વિનોદ ભટ્ટ સાથે મોડી રાત સુધી રિલીફ રોડ ઉપરની બિન્ધાસ્ત રખડપટી હજી પણ પગના તળિયે ક્યાંક સચવાયેલી છે .આચાર્ય યશવંત શુક્લનો સ્વસ્થ અવાજ હજી પણ કાનમાં અત્તરના ફાયાની જેમ સચવાયો છે .આ બધી અમદાવાદની ખૂશ્બુ છે .થોડીક અમદાવાદની ખૂશ્બુ ઉડાડીને મારે વાત પુસ્તકોની કરવી છે .પુસ્તકમેળો ભરાય છે ત્યારે આદરણીય મહેન્દ્ર મેઘાણીનું અચૂક સ્મરણ થાય છે .આ મહેન્દ્ર મેઘાણીએ ગુજરાતને વાંચતું રાખ્યું છે .ઉત્તમ અને ખિસ્સાને પરવડે એવા પુસ્તકોની મહેન્દ્ર મેઘાણીએ લહાણી કરી છે .અમદાવાદના પુસ્તકમેળા નિમિત્તે આજે પેગ્વિન પ્રકાશનના જનક એલન લેન વિષે થોડીક વાતો કરવી છે
પેગ્વિન પેપરબેકનું નામ કોઇથી અજાણ્યું નથી .ખિસ્સામાં રહી શકે અને ખિસ્સાને પરવડે એવા પુસ્તકો પ્રકાશિત કરવાનો પહેલો વિચાર એલન લેનને આવ્યો હતો .ઇંગ્લેન્ડમાં હવામાન ખૂબ ઠંડુ હોય છે .લોકો લાંબો ઓવરકોટ પહેરીને ફરતા હોય છે .આ ઓવરકોટના મોટા ખિસ્સાઓ ઉપર એલનની નજર પડી અને વિચાર આવ્યો કે ઓવરકોટના ખિસ્સામાં સમાઈ શકે એવા પુસ્તકો પ્રકાશિત કરીએ તો કેમ? બસ , આ ક્ષણે જ પેગ્વિન પેપરબેક સાકાર સ્વરૂપે સહુના ખિસ્સામાં પહોંચી ગઈ .એલન લેનનું વ્યક્તિત્વ ખૂબ આકર્ષક હતું .એલન યુવાન હતા ત્યારે એકવાર તે જ્યોર્જ બર્નાર્ડ શોનું વ્યાખ્યાન સાંભળવા ગયા .ઘણા શ્રોતાઓ ઉપસ્થિત હતા .બર્નાર્ડ શો નું વ્યાખ્યાન પૂરું થયું કે તરત એલન બર્નાર્ડ શોનો ઓટોગ્રાફ લેવા સ્ટેજ ઉપર દોડી ગયા .આ ક્ષણે બર્નાર્ડ શોએ યુવાન એલનને ટીપ્સ આપતા કહ્યું : " અરે તું બધાની સહીઓ ( ઓટોગ્રાફ) ભેગી કરીને તારો સમય શા માટે બરબાદ કરે છે ? તું કૈક એવું કરી બતાવ કે તારી સહી લેવા લોકો પડાપડી કરે " બર્નાડ શોના આ શબ્દો ભવિષ્યમાં એલન માટે અક્ષરશ; સાચા પડ્યા .1925માં એલને પ્રકાશન સંસ્થાનો કાર્યભાર સંભાળ્યો ત્યારે કંપનીની આર્થિક હાલત બહુ સારી નહોતી .એલનને " ડિપ્લોમેટિક મેમોયર " પુસ્તક પ્રકાશિત કર્યું .પણ આ પુસ્તક વેચાયું જ નહિ .કોપીઓ એમને એમ પડી જ રહી .ભારે નુકસાન વેઠવું પડ્યું .પણ એલન હતાશ થયા નહિ .એ દિવસોમાં જેમ્સ જોયસની ઈચ્છા પોતાનું પુસ્તક " યુલીસિસ "ઇંગ્લેન્ડથી પ્રકાશિત થાય એવી હતી .ફેબર પ્રકાશન સંસ્થાસંબંધિત ટી .એસ .એલિયટે " યુલીસિસ " છાપવાની સાફ ના પાડી દીધી .પણ એલને " યુલીસિસ" છાપવાનું આહવાન સ્વીકારી લીધું .પ્રકાશન વ્યવસાયમાં એલનની આંતર દ્રષ્ટી ખૂબ જાગૃત હતી " યુલીસિસ "નું પ્રકાશન એ એલનનો પ્રથમ વિજય હતો .
1934 ની સાલમાં એલન લેખિકા આગાથા ખ્રિસ્તીની સાથે રજાઓ વિતાવીને ઘેર પાછો ફરી રહ્યો હતો ત્યારે એની નજર રેલ્વે પ્લેટફોર્મપર પુસ્તકવિક્રેતાના સ્ટોલ પર પડી ..એલને જોયું કે પુસ્તકોની કિમત ખૂબ વધારે હતી . આમઆદમીના ખિસ્સાને મોંઘાદાટ પુસ્તકો પરવડતા નથી .એ જ ક્ષણે એલને મનમાં ગાંઠ વાળી લીધી કે વિશ્વભરમાં ખુબ જ ગાજેલી પ્રસિદ્ધ લેખકોની કલાકૃતિઓને ફરીથી પ્રકાશિત કરવી .પેગ્વિનના ઇતિહાસમાં અને એલનના જીવનની મોટી સ્મરણીય ઘટના 1960માં બની .પેગ્વિને વિખ્યાત નવલકથાકાર ડી .એચ .લોરેન્સની મોટાભાગની નવલકથાઓ છાપી હતી .લોરેન્સની 75મી જન્મજયંતી નિમિત્તે એલને " લેડી ચેટર્લીઝ લવર " નવલકથા છાપી .પેગ્વિનના આ પ્રકાશનથી હાહાકાર મચી ગયો .અશ્લિલ પુસ્તક છાપવું એ અક્ષમ્ય ગુન્હો છે આવો આરોપ પેગ્વિન પર કરવામાં આવ્યો .પેગ્વિન પ્રકાશન ઉપર કોર્ટમાં ખટલો માંડવામાં આવ્યો .ગ્રિફિથ જોન્સ ફરિયાદીના વકીલ હતા .ગ્રિફિથે નવલકથાના અશ્લિલ ઉતારાઓ ન્યાયાધીશની સામે મૂક્યા ." Love " શબ્દ આ નવલકથામાં કેટલીવાર અને ક્યાં સ્વરૂપે આવેછે એની યાદી પણ રજુ કરી .પેગ્વિન તરફથી બચાવ પક્ષના વકીલ જિરાલ્ડ ગાર્ડીનર હતા .આ પુસ્તક અશ્લિલ નથી એની સાક્ષી આપવા આપવા ઈ .એમ .ફોર્સ્ટેર ,રિબેકા વેસ્ટ ,લોર્ડ એનન ,સ્ટિફન પોટર જેવા પચ્ચીસ નામવંત સર્જકો કોર્ટમાં હાજર રહ્યા .એલન કોર્ટ માં કેસ જીતી ગયા ..પેગ્વિનની પ્રતિષ્ઠા અબાધિત રહી .એલ્વિન કેરનાને આ સમગ્ર ખટલાની વિગતવાર ચર્ચા એમના પુસ્તક " ધ ડેથ ઓફ લિટરેચર " નામના પુસ્તકમાં કરી છે
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com