હરીન્દ્ર દવે પોતાની હયાતીમાં મારા હ્રદયની સહુથી વધારે નજીક હતા. આજે હરીન્દ્ર હયાત નથી ત્યારથી મારા હ્રદયનો એક ખૂણો સાવ ખાલી પડ્યો છે.હું ગોશાનશીન ( એટલે ખૂણે એકાંતમાં બેઠેલો માનવી ) છું. ઊંચો પડછંદ બાંધો, ભરાવદાર ચહેરો, ઊંઘમાં હોય એવી સ્વપ્નીલ આંખો,ઘેઘૂર છતાં સોફ્ટ અવાજનો માલિક,વાતચીતમાં વિવેક અને નમ્રતાનો અતિરેક એટલો બધો કે ખમીસનું બટન તૂટી જાય તો ખમીસને સોરી કહે,કાયમ ઇન્શર્ટ કરે, અહંકારનો છાંટો નહિ, પોતે કોઈ ઉપર ઉપકાર કર્યો હોય તો પોતે ક્રેડિટ લેવાથી આઘો રહે.ઉત્તમ કવિતાઓ લખે પણ સુરેશ દલાલ જેટલો ઘોઘાટ બિલકુલ નહિ, તમે એની પ્રસંશા કરો તો નવોઢાની જેમ શરમાઈ જાય પછી એના ઘેઘૂર અવાજમાં તરત કહે : " કોઈ મારી પ્રસંશા કરે છે ત્યારે હું શરમાઈ જાઉં છું કારણ કે તે મેં ઊંડે ઊંડેથી ઝાંખી હોય છે." હરીન્દ્ર દવેની આખી હયાતી એવી હતી કે જાણે ઢાકાની મલમલ માદરપાટના તંબુમાં રહેતી હોય. હરીન્દ્ર મૃત્યુ પામ્યા ત્યારે એવું લાગ્યું કે જાણે શકુંતલાની ખોવાયેલી વીંટીમાંથી ઢાકાની મલમલ કોઈને પણ ઘસરકો માર્યા વિના પસાર થઇ ગઈ.સિનેમાની ભાષામાં કહેવું હોય તો ગુરુદત્તની ફિલ્મનો ધી એન્ડ આવી ગયો..
1070ના દિવસોની આ વાત છે. મુંબઈમાં હું વાયા વિરમગામ હતો. મારી પાસે કવિતા સિવાય બીજી કોઈ આવડત નહોતી નિરંજન ભગતની એક કાવ્યપંક્તિ સતત ગણગણ્યા કરતો હતો : હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં મારું કે તમારું એક્કેય કામ કરવા આવ્યો છું ?" તેમ છતાં કવિતાની લાગવગથી " કોમેર્સ " વિક્લીમાં મને નોકરી મળી ગઈ એ દિવસોમાં હું ગદ્ય લખતો જ નહોતો પણ એક દિવસ કવિ હરિદ્ર દવે એ મને ઘેર જમવા બોલવ્યો હરીન્દ્ર ભાટિયા હોસ્પિટલની સામે ફોરજેટ હિલ માં રહેતા હતા. તારક મહેતા અને જ્યોતીન્દ્ર દવે પણ ત્યાં રહે. અમે જમવા બેઠા એવામાં હરિદ્રએ મને જમતા જમતા પૂછ્યું : " દોસ્ત, તું મને એક લેખ આપ ને ? " આ સાંભળીને હું સાવ ચૂપ થઇ ગયો. મેં નમ્ર સ્વરમાં કહ્યું : " હરીદ્રભાઈ, મને ગદ્ય લખતા ફાવતું નથી. કવિતા સિવાય કાઈ લખ્યું નથી" પણ હરિદ્ર મને છોડે એમ નહોતા કહે : " કાલે સાંજ સુધીમાં " જનશક્તિ "માટે એક લેખ લખી આપ. ટ્રાય તો કર " હરિદ્ર એટલા બધા સોફ્ટ અવાજે બોલતા કે હું એમને ઘણીવાર મજાકમાં કહેતો હતો : " યાર, તમે શેતરંજી શબ્દ બોલો તો એવું લાગે કે શેતરંજી ઢાકાની મલમલ થઇ ગઈ " મારી જિંદગીમાં મેં આટલો કોમળ અને સંવેદનશીલ તંત્રી બીજે ક્યાય જોયો નથી. હું તો " જનશક્તિ" માં લેખ લખવાની વાત ભૂલી ગયો. મને થયું કે છાપાના તંત્રીઓ વિવેક ખાતર કહેતા હોય એને સાચું માની લેવાય નહિ પણ બીજે દિવસે હરીન્દ્રનો ફોન આવ્યો : " અનિલ, તારા લેખનું શીર્ષક આપ. બ્લોક બનાવવાનો છે. લેખ કાલે મોકલ " આ સાંભળીને મારા પગ નીચેથી ધરતી ખસી ગઈ. મેં એ જ વખતે મનમાં જે સૂઝ્યું એ શીર્ષક હરીન્દ્રને લખાવી દીધું : " વસંત એટલે ભૂલ કરવાની ઋતુ " એ પછી મેં આખી રાત જાગીને લેખ લખ્યો અને હરીદ્રને એ લેખ પહોંચાડ્યો અને રવિવારના અંકમાં એ લેખ પ્રસિદ્ધ થયો. મારા કોલમ લેખનની આ પહેલી શરૂઆત હતી અખબારના એક તંત્રી તરીકે કોની પાસેથી શું લખાવવું એની જબરજસ્ત સૂઝ હરીન્દ્રમાં હતી. એ પછી લેખનો સિલસિલો ચાલુ થઇ ગયો. હરીન્દ્ર જન્મભૂમિના તંત્રી થયા ત્યારે પણ મારી પાસે ખૂબ લખાવ્યું અરે મને એકવાર એક્સીડન્ટ થયો હું પથારીવશ હતો કંઈપણ લખી શકવાની સ્થિતિમાં નહોતો પણ હરીન્દ્રનો ફોન આવે : "કાલે હું મારા કોઈ રિપોર્ટરને તારે ઘેર મોકલું છું. તું સૂતા સૂતા આર્ટીકલ ડીકટેટ કરાવજે " હું વિચાર કરતો કે હરીન્દ્ર મારામાં શું એવું ગયા છે એ મને સમજાતું જ નહિ પરંતુ જન્મભૂમિ અને નવનીત સમર્પણમાં છપાયેલા મારા બધા જ નિબંધોનું પુસ્તક " સ્ટેચ્યુ " બહાર પડ્યું ત્યારે એ પુસ્તકને દિલ્હી સાહિત્ય અકાદમીનો સર્વોચ્ચ એવોર્ડ મળ્યો ત્યારે મને સમજાયું કે હરીન્દ્ર કેટલા મોટા ગજાના તંત્રી હતા
હરીન્દ્ર્ દવે નર્યા પ્રેમના માનવી હતા. કવિ હતા એટલે રોમેન્ટિક નેચર હતો જ પણ મેં ક્યારેય એમનામાં પ્રેમની આછકલાઈ કે લાઉડનેસ જોઈ નહોતી મીરાની જેમ પોતાની હયાતીમાં હરીન્દ્રે અનેક ઝેરના કટોરા પીધા હતા પછી એ કવિતામાં એકરાર કરતા હતા કે " મેં તો પીધો અમલ થોરો થોરો, હવે ઝીરવશું ઝેરનો કટોરો " એકવાર હરીદ્રે ઝેરનો કટોરો પીધો પણ હતો પરંતુ પ્રેમ કટારીએ એમને જીવતદાન આપ્યું હરીદ્રે પાછલી અવસ્થામાં ઘર બદલ્યું પોતાની જાતને "કિસ્મત"ને હવાલે કરીદીધી હતી એ દિવસોમાં એક દિવસ હરીદ્રનો ટેલિફોન આવ્યો : " અનિલ, મારી સાથે તું તો દોસ્તી રાખીશ ને ? " મેં આશ્ચર્ય ભાવથી કહ્યું : " આવું કેમ બોલો છો હરીન્દ્રભાઈ ? આ રવિવારે જ હું મારા પરિવાર સાથે " કિસ્મત"માં આવું છું સાથે ડિનર લઈશું " આવો જ સવાલ હરીન્દ્ર દવે એમ વી કામથને પૂછવા માટે એમને ઘેર ગયા હતા. તમે વિચાર કરો કે આ ઇન્સાનને કેટલી બધી અસલામતિ લાગતી હશે ? હરીન્દ્ર આજે નથી એટલે આ બધી સ્મૃતિઓનું કીડીયારું ઉભરાયું છે. મુંબઈમાં રહીને મેં પણ અસલામતિનો અનુભવ કર્યો છે એ વખતે હરીન્દ્ર મારી પડખે મોટાભાઈની જેમ ઊભા રહ્યા હતા મને સલામતિનું કવચ પૂરું પાડ્યું હતું મારા માટે હરીન્દ્ર વાત વિસામો હતા. હરીન્દ્ર પરિષદના નહી, ઉપનિષદના ઇન્સાન હતા. હરીન્દ્રના ભાવવિશ્વમાં એક રજકણને સૂરજ થવાનું સપનું આવતું હતું હરીન્દ્ર બજારના માનવી નહોતા પણ કુંજગલીના ઇન્સાન હતા. હરીન્દ્રની કૃષ્ણભક્તિ બહુ લાઉડ -બોલકી નહોતી પણ મોરપિચ્છ જેટલી મુલાયમ હતી હરીન્દ્રને મેળાનો બહુ થાક લાગ્યો હતો હરીન્દ્ર પત્રકાર કરતા બહુ મોટા કવિ હતા હરીન્દ્ર ચીર નિદ્રામાં અંતિમ શ્વાસ લઈને ઊંઘી ગયા ત્યારે મને હરીન્દ્રના જ શબ્દો યાદ આવી ગયા : " મને તમારી ઊંઘની ઈર્ષ્યા નથી પણ મારી જાગૃતિનો મને રંજ છે. અહીં ફૂલસ્ટોપ મૂકીએ
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com