આટલી પ્રવૃતિઓ કે દિવસની ઉજવણી પાછળ મહત્વ ફક્ત આજના યુવાવર્ગને પુસ્તકો અંગે જાગૃત કરવાનું છે. પુસ્તકો એક માત્ર એવા વફાદાર મિત્રો છે કે જે આપણને હસાવે છે, રડાવે છે, નૈતિક મુલ્યો સમજાવે છે અને આપણા મૂડ પ્રમાણે આપણને સમજે છે. એકવાર પુસ્તકો સાથે મૈત્રી થયા પછી દુનિયાને જોવાની નજર બદલાતા વાર નથી લાગતી. પુસ્તકો જીવનમાં જરૂરી ધૈર્ય અને પુખ્તતા લાવે છે. આજે આંગળીના એક ટેરવે અસંખ્ય પાનાઓ ઈન્ટરનેટ પર વિનામૂલ્યે મળે છે પરંતુ કહેવાય છે ને કે સરળતાથી મળતી વસ્તુની કીમત લાંબાગાળા સુધી રહેતી નથી એ જ પ્રમાણે આજે પુસ્તકો અને એમનો રસાસ્વાદ ધીમે ધીમે ઘટતો જાય છે. તો ચાલો આ વિચારસરણીને બદલીએ.ગૂગલની એક શોધ પ્રમાણે ઓગસ્ટ,૨૦૧૦ સુધીમાં ૧૨૯,૬૮૪,૮૮૦ જેટલા પુસ્તકો પ્રકાશિત થયા હતા અને આ આંકડો વધીને ૨૦૧૩મા ૩૦ મિલિયનની પણ ઉપર પહોચી ગયો છે. અરે, માત્ર ગુજરાતીમાં જ દર વર્ષે આશરે ૨૫,૦૦૦ પુસ્તકો પ્રકાશિત થાય છે.શું આમાંથી આપણા રસના પુસ્તકો મેળવી આપણા મનગમતા વિચારો અપનાવી ન શકાય? તો ચાલો, આ પુસ્તક દિન નિમિત્તે એક પણ લઈએ- પુસ્તકોને મિત્રો બનવાનું પણ.
કેટલાક જાણીતા ગુજરાતી લેખકોના પુસ્તક વિશેના અભિપ્રાયો જાણીએ એમના જ શબ્દોમાં,
શિશિર રામાવત સરના શબ્દોમાં, 'મનગમતાં પુસ્તકને હાથમાં લેવું, એને પંપાળવું, એનાં લિસ્સાં પાનાં પર હથેળી ફેરવવી - આ એક જીવતી અનુભૂતિ છે. પુસ્તકો આસપાસ હોય ત્યારે એક પ્રકારની સલામતી, એક એશ્યોરન્સ ફીલ થાય છે, સ્વજનો અને આત્મીય મિત્રોની હાજરીમાં ફીલ થતું હોય એવું... કે જિંદગી સરસ છે, સહ્ય છે, બધું બરાબર છે, નથિંગ ઈઝ રોંગ! ઈમોશનલ લેવલ પર કટોકટી અનુભવાતી હોય તો કે પીડાની ક્ષણો હોય તો પુસ્તકોનો સંગાથ કહેતો હોય છે કે ડોન્ટ વરી દોસ્ત... બધું પસાર થઈ જશે, સૌ સારાવાનાં થશે! આ કેટલી મોટી વાત છે. સિનેમા અને ટેલિવિઝનનો સહારો લેવો પલાયનવાદ હોઈ શકે, સમસ્યાને થોડી વાર માટે ભુલી જવાનો કે તેનાથી નાસી છૂટવાની ચેષ્ટા હોઈ શકે, પણ સત્ત્વશીલ પુસ્તકો ક્યારેય પલાયનવાદને પોષતાં નથી. એ તો આપણને સમસ્યાની આંખોમાં આંખ પરોવીને જોતાં, એનો સામનો કરતાં શીખવે છે, આપણને ખબર પણ ન પડે તે રીતે જરુરી બળ પૂરું પાડે છે. વાંચી-લખી-વિચારી શકતા માણસ માટે પુસ્તકો કરતાં શ્રેષ્ઠ ચીજ બીજી કોઈ નથી.'
પ્રતિભા ઠક્કરના શબ્દોમાં,' આ એક એવો દરિયો છે જે આપણા બે હાથ માં સમાઈ જાય છે . પુસ્તકના આ દરિયા માં કેટકેટલા મોજા આવીને આપણા દિલ-દિમાગ પર અથડાઈ છે અને આપણ ને કશુક આપી જાય છે જે આપણે માટે અમુલ્ય બની રહે છે. યાદ કરવા જેવા છે એ દિવસો ...બાળપોથી થી માંડી ને આજ દિન સુધી એનો સાથ કાયમ નો છે. નેટ યુગ ભલે રહ્યો પણ છતાં પાયો તો પુસ્તકમાં જ છે.........એ દિવસો માં મનોરંજન ના સાધનો સીમિત હતા ત્યારે પુસ્તક અમારા મનગમતા સાથીદાર હતા, ક્યારે વેકેશન પડે અને ક્યારે મન માં યાદી તૈયાર કરેલા પુસ્તકો લાઈબ્રેરી માં થી લાવવા એ જાણે ગોલ બની રહેતો .
પુસ્તકે બધુજ આપ્યું એમ કહું તો ચાલે . મને આ પુસ્તક સાથે ની મૈત્રી મારા બા અને મોટી બહેને કરાવેલી . સમયાંતરે બધા દૂર થતા ગયા પણ પુસ્તક નહિ. ઇવન અમારા વ્યવસાયમાં અમારી ઓફીસ ની શોભા પણ બની રહ્યા . આમ પુસ્તકો સાથે અભ્યાસકાળ થી માંડી ને આજ દીન અને આજીવન મૈત્રી છે ....'
આ ઉપરાંત, વિલિયમ શેક્સપિયરનું એક ઘણું જાણીતું અવતરણ છે, “વિચાર વિના શબ્દો કદી ઊંચે જઈ શકતા નથી.” જરા આ વિચારને વિસ્તૃતરૂપે જોઈએ તો ખ્યાલ આવશે કે વિચાર પુસ્તકોનું જ પરિણામ છે.તથા એક રોમન ફિલોસોફર માર્કસ તુલીયસ પ્રમાણે ”પુસ્તકો વિનાનો ઓરડો એ આત્મા વિનાના શરીર સમો છે.” પુસ્તકનું મહત્વ ટાંકનાર આવા કેટલાય લેખકો અને ફિલોસોફર દુનિયાભરમાં રહેલા છે.ગુણવંત શાહે સાચે જ કહ્યું છે કે જેના ઘરે પુસ્તક નહી, એના ઘરે દીકરી આપવી નહિ.પુસ્તકોનું મહત્વ કેટલા સરળ શબ્દોમાં! અને અંતે મહાત્માગાંધીજીના શબ્દોથી આજના પુસ્તકદિવસની શરૂઆત કરીએ. તેઓ કહે છે કે “જીવી લો જાણે કાલે મૃત્યુ પામવાના હોવ અને શીખી-ભણી લો જાણે નિરંતર જીવવાના હોવ."
હેપ્પી વિશ્વ પુસ્તક દિન... કીપ રીડીંગ!!!
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com