Made in India
ભારતના લગભગ દરેક નાના કે મોટા શહેરમાં આપણને ગાંધીજીના રસ્તે ચાલવાના મોકા મળે છે. એ રસ્તા શહેરના મુખ્ય માર્ગ ગણાતા હોવાથી, એ રસ્તે ઘણાને અનિચ્છાએ પણ જવું પડતું હશે. ગાંધીજીનું આટલું મોટું નામ અને આટલું માન હોવા છતાં અને ભગવાન પછીના સ્થાને બિરાજેલા હોવા છતાં, નવાઈ એ વાતની છે કે, એમના નામે ગલીએ ગલીએ હૉટેલ નથી ! શંકર વિલાસ કે જલારામ નામધારી કોઈ હૉટેલ જેવી છે તમારા ધ્યાનમાં ? એ તો જવા દો, આટલા મોટા શહેરોના હવાઈમથકો પણ ગાંધી નામથી દૂર જ રહ્યાં ! મુંબઈમાં છત્રપતિ શિવાજીનું રાજ ! દિલ્હીમાં રાજીવ ગાંધી ! (એ બહાને ગાંધી છે ખરા !) કલકત્તામાં સુભાષચંદ્ર બોઝ અને ચેન્નાઈમાં મીનામ્બક્કમ નામવાળા આંતરરાષ્ટ્રીય હવાઈમથકો છે.
બૅંગકૉકના હવાઈમથકે ઊતરતાં વેંત જ અમારી નજર ગઈ એના નામ પર. આજ સુધી તો આપણને એમ કે; લંકામાં સોનું સસ્તું મળે, જ્યારે અહીં તો બૅંગકૉકના હવાઈઅડ્ડાનું નામ જ ‘સુવર્ણભૂમિ એરપોર્ટ’ ! ચાલો, આપણું તો કામ જ થઈ ગયું. સોનાના ભાવે કે અભાવે તો ખાવાનું ના ભાવે એવા હાલ થઈ ગયા છે, ત્યારે આ સુવર્ણભૂમિ સુધી આવ્યાં છીએ તો આવેલું કંઈક સાર્થક કરશું. મારા વિચારોની પુષ્ટિ કરતી હોય તેમ મારી સાથે ચાલતી બહેને પૂછ્યું, ‘યહાં ભી સોના સસ્તા મિલતા હૈ ?’
‘યહાં ભી મતલબ ?’ મેં નવાઈથી પૂછ્યું. આમને વળી બીજે ક્યાં સોનું સસ્તું મળી ગયું ? ‘મતલબ, હમ લોગ દુબઈ ગયે થે ન, વહાં ભી સોના અપને યહાંસે સસ્તા થા. ’ નક્કી આ લોકો દુબઈથી બે–ચાર કિલો સોનું લઈ આવ્યાં હશે ને અહીં પણ જો સોનું સસ્તું મળે તો લઈ લેવાનાં હશે ! આ સોનાઘેલીનું ભલું પૂછવું. હવે આનું ધ્યાન ફરવા કરતાં સોનામાં જ રહેશે. હશે, મારે શું ? પાછાં ફરતી વખતે કસ્ટમવાળા એને પકડશે તો શું થશે, તેના વિચારમાં હું સુવર્ણભૂમિ પર ડગ માંડતી ગઈ.
આમ પણ બૅંગકૉક શૉપિંગરસિયાઓ માટે તો સ્વર્ગ ગણાય છે. સુવર્ણભૂમિ નામ પાછળ પણ નક્કી કોઈક તો વાર્તા હશે જ અથવા કોઈ ભવ્ય ઈતિહાસ પણ હોય, શી ખબર ? જાણવું પડશે. પણ ઈતિહાસની વાત પછી, તે પહેલાં થોડી અમારી વાત.
ભારતની વસ્તીને હિસાબે સૌને ઘેર ઘેર સ્વચ્છ શૌચાલયની સગવડ નથી એ તો જગજાહેર વાત છે. વળી જેટલા જાહેર શૌચાલયો છે, એટલા જાહેર જનતા માટે હોવા છતાં એમને કામ ન આવે એવી હાલતમાં હોય છે. મજબૂરીએ જવાવાળા કોઈ ને કોઈ રોગના શિકાર ન બને તો જ નવાઈ. આ બહુ મોટો પ્રશ્ન હોવા છતાં, આપણે ત્યાં પેટ્રોલ–ડિઝલ ને મોંઘવારીના મુદ્દે ભારત બંધ રહે છે ! ( જોકે, આપણને લાગેવળગે છે ત્યાં સુધી આપણાથી આમાં કંઈ થઈ ના શકે. ને હવે ફરવા નીકળ્યા ત્યાં દેશના પ્રશ્નોને ક્યાં વચ્ચે લાવવાના ? જવા દો, બીજી કોઈ વાર આ મુદ્દો હાથમાં લઈશું. ) પણ આપણો સ્વભાવ કેવો હોય કે, સતત બે વસ્તુ કે બે જગ્યા કે બે માણસની વચ્ચે જાણેઅજાણે સરખામણી શરુ જ કરી દઈએ ! અહીં એરપોર્ટ પર શૌચાલયનું પાટિયું જોઈ ભારતના વિવિધ શૌચાલયોની યાદ આવી ગઈ !
ટ્રેનની લાંબી મુસાફરીમાં સૌને અનુભવ હશે કે, ટ્રેનના શૌચાલયો ભાગ્યે જ ખાલી રહેતાં હોય છે. જગ્યાના અભાવે લાંબી લાઈનો નથી લાગતી એટલું જ. જ્યારે બસમાં તો શૌચાલયની સગવડ આપવાનું પણ કોઈ વિચારી ના શકે. જ્યાં બસની હાલત જ નાજુક હોય ત્યાં એના પર વધુ બોજો ક્યાં નાંખવો ? એટલે જ ભારતભરના હાઈવે પર જે નાના મોટા ધાબા કે હૉટેલો ફૂટી નીકળી છે, ત્યાં અસ્વચ્છ શૌચાલયોની સગવડ તો એ લોકો પણ આપે છે. હવે બધે જ ચોખ્ખા ટૉઈલેટ્સ ક્યાં લેવા જવા ? એટલે સમજી વિચારીને જ બધા બધે ચલાવ્યે રાખે છે ને બધે ચાલ્યે રાખે છે. વર્ષોથી આવી બધી હાડમારીઓ વેઠીને પ્રવાસો કર્યા હોય અને અચાનક જ બધે સ્વચ્છ સ્વચ્છ ટૉઈલેટ્સની સગવડ જોવા મળે તો ?
આટલી બધી સ્ત્રીઓને કારણે બધે લાઈન લાગવી સ્વાભાવિક છે. જોકે, પ્લેનમાં લાઈન લગાવવાનું ફાવે તેમ નહોતું અને મને ખાતરી છે કે, ઘણી સ્ત્રીઓ તો ડર કે સંકોચને કારણે સીટ પરથી ઊઠી જ નહોતી. જેવા બધા એરપોર્ટ પર ઊતર્યા ને ઈમિગ્રેશનમાંથી સુખરૂપ બહાર નીકળ્યા કે, ચોખ્ખા ટૉઈલેટ્સની જાહેરાત થતાં જ ત્યાં ભીડ જામી ગઈ. જો ટૉઈલેટ ચોખ્ખું હોય તો તેને ચોખ્ખું રાખવાનું કામ બહુ આસાન છે, પણ જો ગંદું જ હોય તો નકામી મહેનત કરવાની ! એમ પણ જાહેર ટૉઈલેટ સાથે આપણે શી લેવાદેવા ? એ કંઈ આપણું કામ થોડું છે ? કેવી નવાઈની વાત હતી કે, એ જગ્યાએ એક પણ કર્મચારી ન હોવા છતાં બધે જ પૂરેપૂરી સ્વચ્છતા હતી અને ભારતીય સ્ત્રીઓએ એમાં પૂરેપૂરો સહકાર પણ આપ્યો !
ખેર, એરપોર્ટ ભવ્ય છે, વિશાળ છે, સુંદર છે ને જોવાલાયક પણ છે એ તો કહેવાનું જ રહી ગયું– આ બધી ખટપટમાં ! મુખ્ય વાત તે, પ્લેનમાંથી બહાર નીકળીને ચાલવાનું જે શરૂ થાય તે પૂરું જ ન થાય ! એક તો મસ્ત મજાની વહેલી સવારનો સમય અને પારદર્શક કાચમાંથી બહાર દેખાતું મનોહર દ્રશ્ય. દિવાલો પર નિરાંતે જોયા કરીએ એવાં સુંદર વિશાળ ચિત્રો, પ્રાચીન કથાનાં પાત્રોની જીવંત લાગે એવી ભવ્ય મૂર્તિઓ અને અવનવી ચમકતી જાહેરાતો જોતાં જોતાં કેટલું ચાલી નાંખ્યું એનો કોઈ અંદાજ ન આવે. એમ પણ પ્રવાસની શરુઆતની ઘડીઓ ગણાઈ રહી હોય ત્યારે થાક ક્યાં લાગે ? કાચના મોટા બોગદામાંથી પસાર થતાં હોઈએ એવું લાગે. એક તરફ થાક ખાતાં કે ઊડવાની તૈયારી કરતાં પ્લેન ઊભેલા. બીજી તરફ અમે સૌ પ્લેનમાંથી નીકળીને હવે ક્યાં જઈશું તેના મીઠા ખયાલોમાં ડૂબેલાં !
આખરે એ ઘડી આવી ગઈ જ્યારે; અમે સૌ સુવર્ણભૂમિની સૈર માટે તૈયાર હતાં, આખી રાતના ઉજાગરા ને પ્લેનની મુસાફરી છતાં ! ઓર્કિડનાં સુંદર ફૂલોની માળાથી અમારું સ્વાગત થયું. વેલકમ ડ્રિંક અપાયું ને પછી બહાર લાઈનબંધ ઊભેલી લક્ઝરી બસોમાં અમને સૌને ખડકી દેવાયાં ? નહીં, ધકેલી દેવાયાં ? ના રે ના, માનપૂર્વક ને પ્રેમપૂર્વક મોકલીને બેસાડી દેવાયાં. મને ને પલ્લવીબહેનને તો અહીં આવીને જાણ થઈ કે, અમે સૌ અઢીસો નહીં પણ પાંચસો જગદંબાઓ છીએ ! સૌ માતાઓ ઓર્કિડનાં ફૂલો સોહાવીને ખુશ હતી. કોઈને કાંડે તો કોઈને કાને, કોઈના ગળામાં તો ઘણાંની લટોમાં પણ ફૂલો શોભી રહ્યાં હતાં. સ્ત્રીઓને શણગારના મામલે કંઈ શીખવવું ના પડે. બાર બાર બસમાં તો અમારી જાન રવાના થઈ ! મુંબઈની ટૂર કંપની હોવાથી પ્રવાસની શરુઆત થઈ બાપ્પાના જયઘોષથી.......ગણપતિ બાપ્પા મોરિયા......
ઓહ ! એરપોર્ટના નામકરણની વાત તો રહી જ ગઈ ! જવા દો ને નામની પંચાત. સુવર્ણભૂમિ નામ જ કાફી નથી ? આપણે પ્રવાસની મજા લઈએ.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com