મને એક કુતૂહલ થાય છે કે અણ્ણા હજારેના ઉપવાસનું શું થયું? કોઈ જવાબ નથી મળતો. અણ્ણા હજારેના કિસ્સામાં એવું બન્યું કે કોલંબસ તો ભારતની શોધમાં નીકળ્યો હતો, પણ પહોંચી ગયો અમેરિકામાં. કિશોરકુમારે ગાયેલું આ ગીત તરત સ્મરણમાં ફરકે છે ‘જાના થા જાપાન પહોંચ ગયે ચીન’ ‘ઉપવાસ’નો અર્થ જ ઉપરવાસ થાય છે. શ્રાવણ મહિનાના ઉપવાસ હોય કે રમજાનના રોજા હોય એ બધા ધાર્મિક ઉપવાસો એ ‘ભૂખહડતાલ’ નથી. ભૂખહડતાલના મૂળ છેક વાલ્મીકિ રામાયણમાં મળે છે. રામને વનવાસ મળ્યો પછી પાછા બોલાવવા માટે ભરતજી ગયા, પણ રામ માન્યા નહીં. બંધુ ભરત લાચાર બની ગયા. એ જ ક્ષણે ભરતજી ઘાસની પથારી ઉપર સૂઈને ઉપવાસ ઉપર ઊતરી ગયા.
છેવટે રામે ખૂબ સમજાવ્યા કે, ‘બંધુ, આવી જીદ ન કરાય’ છેવટે ભરતજીએ ઉપવાસ છોડીને પારણા કરી લીધા. ભૂખહડતાલની એક વૈશ્વિક પરંપરા છે. ગાંધીજીના ઉપવાસો બહુ જાણીતા છે. તમને કદાચ ખબર નહીં હોય 2005થી 2006ના ગાળામાં ઇરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈન પણ ભૂખહડતાલ પર ઊતર્યા હતા, પણ સદ્દામના ઉપવાસથી લોકજુવાળ ઊમટ્યો નહીં છેવટે ફોકસ ન્યૂઝે એવી હેડલાઇન આપી કે, ‘Saddam ends hunger strikes after slapping one meal’ ક્યૂબામાં ઇન્ટરનેટ સેન્સરશિપના વિરોધમાં બ્રિટિશ એક્ટિવિસ્ટ બેરી હોમ ઉપવાસ પર ઊતર્યા હતા, પણ પારણા કરી લીધા.
એમની કિડની ડેમેજ થઈ ગઈ હતી. વેનેઝુએલામાં એક ખેડૂત 30 ઓક્ટોબર, 2010ના દિવસે ભૂખહડતાલથી મરી ગયો. ગ્રીસના 400 જેટલા શરણાર્થીઓ ભૂખહડતાલ પર ઊતર્યા હતા. વિશ્વ માટે ભૂખહડતાલ કોઈ નવી વાત નથી, પરંતુ યુરોપની એક પરંપરા છે જેલનો કેદી જો ઉપવાસ ઉપર ઊતરે તો એને ફરજિયાત પારણા કરાવાય છે. 1943માં ફેડરિક અને ઇમોલીન ભૂખહડતાલ પર ઊતર્યા ત્યારે એમને ફરજિયાત પારણા કરાવવામાં આવ્યા હતા. આ દૃશ્યનાં અનેક કાર્ટૂનો યુરોપના અખબારમાં પ્રગટ થયાં હતાં. રાજકીય ઇતિહાસમાં ભૂખ હડતાલની પરંપરા છે.
કોઈ ભૂખહડતાલ ઉપર ઊતરે છે ત્યારે એવું ફીલ થાય છે કે લાખો ગરીબ લોકો કાયમી ઉપવાસ ઉપર જ હોય છે, એમને કોઈ પારણા કરાવવા જતું જ નથી. ઉમાશંકરના શબ્દોમાં કહીએ તો ‘ભૂખ્યાજનોના જઠરનો અગ્નિ જાગશે ત્યારે ખંડેરની ભસ્મકણી ન લાધશે.’ આવી હાલતમાં મારી સ્થિતિ બહુ કફોડી બની જાય છે. હું કોઈ ગરીબ પરિવારની ભૂખ ભાગવા એને પ્રેમપૂર્વક જમાડું છું ત્યારે લોકો મને સંત કહેવા લાગે છે, પરંતુ જ્યારે હું એવો પ્રશ્ન પૂછું છું કે, ‘દુનિયામાં આટલા બધા લોકો ભૂખ્યા કેમ રહે છે?’
ત્યારે લોકો મને ‘સામ્યવાદી’ કહીને ધુત્કારે છે. જુઓ સાહેબ, ભૂખને કાન નથી હોતા. એક બાજુ કુપોષણથી લાખો બાળકો પીડાઈ રહ્યાં છે, ભૂખ્યાજનો કચરાના ઢગલામાંથી બ્રેડના ટુકડાઓ વીણીને ખાય છે અને બીજી બાજુ અનેક લોકો ઓવર વેઇટથી પીડાઈને જિમમાં જાય છે. સત્ય ક્યારેય સુંદર હોતું નથી. આપણે ભૂખ વિષે વાતો કરી રહ્યા છીએ ત્યારે સત્ય માટેની ભૂખ ક્યાંય દેખાતી નથી. સત્તાની પણ ભૂખ હોય છે. કોઈ નેતા ભૂખહડતાલ પર બેસે છે એ તેની અય્યાશી છે ભૂખ નથી. ભૂખ એ ચેરિટીનો ઇશ્યૂ નથી, પણ ન્યાયનો ઇશ્યૂ છે.
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com