Made in India
નિ:શબ્દ.
= શ્રીપતિ.
“દોસ્ત, શાશ્વત હવે બહુ થયું. લગ્ન કરી લે. ક્યાં સુધી તેની રાહ જોઇશ , અનામિકા તો પરણી ને પારકી થઇ ગઈ.”
“એ અનામિકાની બેવફાઈ નહી પણ ખાનદાનની છે તીર્થ , અને તેના પરિવાર સાથેની વફાદારી.”
“તું તેને પાંચ વરસથી પ્રેમ કરે છે, તો એ તારા પાંચ વરસના પ્રેમના બદલામાં તે શું મેળવ્યું ?”
“માત્ર મેળવવું એ જ પ્રેમ નથી કુરબાની આપવી તે પણ પ્રેમ છે. તેણે પોતાના પરિવારના પ્રેમ માટે મારા પ્રત્યેના પ્રેમની કુરબાની આપી છે.”
“તારા પાંચ વરસના પ્રેમ ખાતર પણ તેણે તેના માં-બાપનું ઘર ના છોડ્યું.”
“હું તેને પાંચ વરસથી પ્રેમ કરતો હતો, પણ તેનો પરિવાર તેને ચોવીસ વરસથી પ્રેમ કરે છે, કોનો પ્રેમ વધારે મારો કે તેના પરિવારનો ?”
“તારી સાથે તો વાત કરવી નકામી છે શાશ્વત, તને ક્યાય અનામિકાનો વાંક દેખાતો જ નથી. મેં સાંભળ્યું હતું કે ‘પ્રેમ આંધળો હોય છે.’ આજે જોઈ પણ લીધું.”
ઊંઝાના બસ ડેપોના પ્રાંગણમાં ચાલતી આ દલીલબાજી બે મિત્રો વચ્ચેની છે. શાશ્વતનો આ રોજનો ક્રમ છે, સાંજના સમયે અહી આવી કોઈની રાહ જોવાનો. અને આ ક્રમ એક બે દિવસથી નહી પણ પુરા ચાર વરસથી ચાલ્યો આવે છે. પણ ચાર વરસથી તે જેને મળવા અહી આવે છે તે અનામિકા એક વાર પણ અહી આવી નથી. છતાં પણ આજે શાશ્વત તેની આવવાની ઉમીદ લઈને બેઠો છો. અને આજે પણ તેને તેની અનામિકાના ના આવવા બદલ કોઈ ગુસ્સો કે ફરિયાદ નથી. કોઈવાર તેનો મિત્ર તીર્થ પણ તેની સાથે અહી આવે છે. જેટલીવાર તીર્થ શાશ્વતની સાથે અહી આવે છે તેટલીવાર ઉપરના સંવાદનું પુનરાવર્તન થતું રહે છે.
હા આજે એ વાતને પાંચ વરસ થઇ ગયા. શ્રાવણ માસનો વરસાદ હેલી માંડીને બેઠો હતો. શાશ્વત તે વખતે ઉંઝાની એન્જિનીયરીંગ કોલેજમાં પ્રથમ વરસમાં ભણતો હતો. કોઈ કામથી મહેસાણા ગયેલા શાશ્વતને તે દિવસે ઊંઝા પાછા ફરવામાં મોડું થઇ ગયું હતું. તે મહેસાણામાં રાધનપુર ચોકડી પર કોઈ સાધન મળવાની રાહ જોઈ રહ્યો હતો. ધોધમાર વરસાદને લીધે તેનું આખું શરીર પલડી ગયું હતું. રાત બહુ થઇ ગઈ હોવાથી કોઈ સાધન પણ મળતું ન હતું. એટલામાં એક તુફાન ગાડી આવી, શાશ્વતે હાથ લાંબો કર્યો અને ગાડી ઉભી રહી. સદનસીબે ગાડી ઊંઝા જ જતી હતી તે પાછળના ભાગે બેસી ગયો. અંધારાને લીધે ગાડીમાં કોણ કોણ બેઠું છે તે દેખાતું ન હતું. ગાડી પુર ઝડપે દોડી રહી હતી. અચાનક આકાશમાં એક જોરદાર વીજળી થઇ અને તેનો પ્રકાશ થોડી ક્ષણ માટે આખી ગાડીમાં પસરાઈ ગયો. અને આજ એ ક્ષણ હતી જયારે શાશ્વતની નજર પોતાની સામેની સીટમાં બેઠલી એક કાચની પુતળી જેવી સુંદરી પર પડી. શાયરો જેને પહેલી નજરનો પ્રેમ કહે છે તેનો શાશ્વતને સાક્ષાત્કાર થયો. એક ક્ષણ માટે જોયેલો તે સુંદરીનો ચહેરો શાશ્વતની નજરમાં એવો તે વસી ગયો કે પછી ક્યારેય ત્યાંથી ખસ્યો જ નહી. થોડી થોડીવારે આકાશમાં થતી વીજળીના અજવાળે શાશ્વત તે સુંદરીના રૂપનું પાન કરી રહ્યો હતો. જોરદાર વરસાદના કારણે બહાર વાતાવરણ એકદમ ઠંડું બની ગયું હતું. બારીમાંથી આવતો ઠંડો પવન શરીરને થીજવી નાખતો હતો. ગાડીનો ડ્રાઈવર પણ પલળ્યો હતો એટલે તેણે ઠંડી ઉડાડવા માટે એક હોટલ આગળ ચા પીવા માટે ગાડી વાળી. પછી તો ગાડીનો આખો કાફલો ચા પીવા નીચે ઉતર્યો. બીજા પાંચ લોકોનું ટોળું પણ ઉતર્યું જેમાં પેલી સુંદરીનો પણ સમાવેશ થતો હતો. શાશ્વતને સમજાઈ ગયું કે તે પેલી સુંદરીનો પરીવાર હતો. હોટેલની ઝગારા મારતી લાઈટોના અજવાળામાં શાશ્વતને તેને નિહારવાનો મોકો મળ્યો. તેની સાદગી એજ તેનું રૂપ હતું. ડિક્શનરીમાં અપ્સરા શબ્દની સામે તે સુંદરીનો ફોટો મૂકી દેવામાં આવે તો તે શબ્દનો બીજો કોઈ અર્થ આપવાની જરુર રહે નહી તેવી તેની સુંદરતા હતી. વરસાદથી પલળીને પારદર્શક બની ગયેલા સફેદ રંગના ડ્રેસમાંથી તેનું સૌન્દર્ય ડોકિયા કરી રહ્યું હતું. વર્ષોથી તપસ્યામાં બેઠેલા યોગીઓનું તપ તોડાવે તેવું તેનું સૌન્દર્ય હતું.
ચા પીને બધા ગાડીમાં પાછા ગોઠવાયા. ચા પીધા પછી બધાને સ્ફૂર્તિ આવી હતી એટલે બધા વાતે વળગ્યા. એ લોકોની વાતચીત દરમ્યાન કોઈના એ સુંદરી તરફ લંબાતા હાથ અને મોઢામાંથી નીકળતા ‘અનામિકા’ શબ્દ પરથી શાશ્વતને સમજવામાં વાર ના લાગી કે તે સુંદરીનું નામ અનામિકા હતું. તેમની વાતચીત પરથી જ તેણે જાણી લીધું કે અનામિકા પણ ઊંઝામાં જ રહેવાવાળી હતી. અને પાટણ પાસેના ધારપુર મેડીકલ કોલેજ ખાતે મેડીકલની સ્ટુડન્ટ હતી. રોજ ઊંઝા થી ધારપુર અપ-ડાઉન કરતી હતી. એ લોકોની વાતોમાં ઊંઝા ક્યારે આવી ગયું તેની શાશ્વતને ખબર જ ન પડી. તે હાઇવે પર ઉતરી ગયો. અને ગાડી ઊંઝા શહેરમાં વાળી ગઈ. એ આખી રાત શાશ્વતને ઊંઘ ન આવી લાખ પ્રયત્ન છતાં અનામીકાનો ચહેરો તેની નજર સામેથી ખાસતો ન હતો. આકશમાં ચમકતી વીજળી વારે વારે અનામિકાના ચહેરાને શાશ્વત સમક્ષ ખડી કરી દેતી હતી. છેવટે શાશ્વતને મનમાં કંઇક જબકારો થયો, તેણે કોઈ નિર્ણય લીધો. તે શું હતો તે ખબર ના પડી પણ તેના ચહેરા પર વર્તાયેલી હાસ્યની લહેર પરથી સમજાયું કે તે કોઈ ખુશીની વાત હતી.
સવાર પડતા જ તે ઝડપથી તૈયાર થઈને ઊંઝા બસ સ્ટેશન પર પહોચી ગયો અને ત્યાં અનામિકાના આવવાની રાહ જોવા લાગ્યો. થોડા સમયની પ્રતીક્ષા બાદ તેની તપશ્ચર્યા ફળી અને તે જેને શોધવા નીકળ્યો હતો તે અનામિકા પોતાની સહેલીઓ સાથે બસ સ્ટેશનમાં આવી. શાશ્વત દુરથી તેને જોતો રહ્યો. તેના હદયમાં અનામિકા માટે અજબની લાગણી જન્મી હતી. તેને અનામિકા સાથે પ્રથમ નજરનો પ્રેમ થઇ ગયો હતો. લવ એટ ફર્સ્ટ સાઈડ. થોડીવારમાં પાટણની બસ આવી અને ધારપુર કોલેજ જવા વાળું આખું ગ્રુપ તે બસમાં ચઢી ગયું. શાશ્વત નીચે ઉભો રહીને જ્યાં સુધી બસ ઉપડી ત્યાં સુધી બારીમાંથી અનામિકાને જોઈ જ રહ્યો. પછી તો આ શાશ્વતનો રોજનો ક્રમ બની ગયો. રોજ બસ સ્ટેશન આવવું અને અનામિકાને જોવી. ઘણીવાર તે તેના મિત્ર તીર્થને પણ સાથે લઇ આવતો. તે અનામિકાને પોતાના મનની વાત કહેવા માંગતો હતો, પણ તેની પાસે કોઈ માધ્યમ ન હતું કે ન હતો અનામીકાનો ફોન નંબર. કુદરત પહેલેથી જ શાશ્વતને સાથ આપી રહી હતી. આ વખતે પણ આપ્યો. એક દિવસ પોતાના નિત્યક્રમ મુજબ શાશ્વત બસ સ્ટેશન આવ્યો ત્યારે અનામિકા પોતાનો બસ પાસ કઢાવવા માટે લાઈનમાં ઉભી હતી. વળી તેને કોલેજ જવાનું પણ મોડું થતું હતું. શાશ્વતે આ તક ઝડપી લીધી તે અનામિકા પાસે જઈ લાઈનમાં ઉભો રહી ગયો થોડીવાર થઈને અનામિકાની બસ આવી. અનામીકા મુઝવણમાં મૂકાઈ ગઈ. ‘કોલેજ જવું કે લાઈનમાં ઉભા રહી પાસ કઢાવવો ?’ શાશ્વતે અનામિકાની મનની મુંઝવણ જાણી લીધી અને તેણે તક ઝડપી લીધી. તેણે અનામિકાના હાથમાંથી પાસ કઢાવવાનું ફોર્મ લઇ લીધું અને કહ્યું, “તમે જાઓ તમારી બસ આવી ગઈ, તમારો પાસ હું કઢાવી લઈશ, મારે પણ કઢાવવાનો છે. કોલેજ જવાની ઉતાવળમાં અનામિકા શાશ્વતનો ચહેરો જોવા ના રહી અને પોતાનું પાસ માટેનું ફોર્મ તેના હાથમાં આપી પોતાની બસ તરફ દોડી ગઈ. ઉતાવળમાં તે શાશ્વતને પાસની ફી ના પૈસા આપવાનું પણ ભૂલી ગઈ.
શાશ્વતને તો આટલું જોઈતું જ હતું. સાંજે જયારે અનામિકા પાછી ફરી ત્યાં સુધી શાશ્વત ત્યાજ રોકાયો અને અનામિકાને મળી તેનો પાસ આપ્યો. આ વખતે અનામિકા એ શાશ્વતને જોયો. તેને નવાઈ લાગી આજ પહેલા તેણે ક્યારેય શાશ્વતને જોયો ન હતો. તેની નવાઈનો પાર ના રહ્યો જેને તે ઓળખાતી નથી તેવી કોઈ વ્યક્તિએ તેના માટે લાંબી લાઈનમાં ઉભા રહીને બસનો પાસ કાઢી આપ્યો હતો. તેણે શાશ્વત સામે જોઈને કહ્યું, “થેન્ક્યુ. પણ મેં તમને ઓળખ્યા નહી ! શું આપણે પહેલા મળેલા છીએ ? શાશ્વતે હકારમાં માથું હલાવ્યું અને કહ્યું, “હા એક દિવસ મહેસાણાથી.....” શાસ્વત પોતાની વાત પૂરી કરે તે પહેલા તો અનામિકાની સહેલીએ તેણે બુમ મારી અને તે “સોરી હો મોડું થાય છે” કહી પાસ લઈને ચાલી ગઈ. શાશ્વતના અધૂરા શબ્દો તેના હોઠમાં જ રહી ગયા. સવારની જેમ અત્યારે પણ તે ઉતાવળમાં શાશ્વતને પાસની ફીના પૈસા આપવાનું ભૂલી ગઈ. ઘરે ગયા પછી અનામિકાને યાદ આવ્યું કે તે પોતાના માટે લાઈનમાં ઉભા રહીને પાસ કઢાવનાર એક અજાણી વ્યક્તિને પૈસા આપવાનું પણ ભૂલી ગઈ છે. તેણે મનમાં બીજા દિવસે મળીને પૈસા આપી દઈશ એમ નક્કી કર્યું. બીજા દિવસે તેણે શાશ્વતને શોધવાની કોશિશ કરી પણ તે ક્યાય દેખાયો નહી. આમ ને આમ અઠવાડિયું પાસાર થઇ ગયું.
એક દિવસ અનામિકા કોલેજ જવા માટે ઉંઝા ડેપોમાં ઉભી હતી ત્યાં તેની નજર થોડે દુર ઉભા રહેલા શાશ્વત પર પડી. પોતાનો બસ પાસ કાઢી આપ્યો તે દિવસ પછી અનામિકાએ આજે જ શાશ્વતને ફરી જોયો હતો. તેણે યાદ આવ્યું કે આ વ્યક્તિને પાસની ફીના પૈસા આપવાના પણ બાકી છે. તે જ્યાં શાશ્વત ઉભો હતો ત્યાં તેની પાસે ગઈ અને કહ્યું, “માફ કરજો પેલા દિવસે હું તમને મારા પાસની ફીના પૈસા આપવાનું ભૂલી ગઈ હતી.” એમ કહી તેણે પોતાના પર્સમાંથી પૈસા કાઢીને શાશ્વતને આપ્યા. શાશ્વતે તે લેવાની ના પાડી. અનામિકાને નવી લાગી. તેણે કહ્યું, “હું કોઈનું ઋણ રાખતી નથી તમે પ્લીઝ આ પૈસા લઇ લો.” શાશ્વત કહ્યું, “ઋણ ઉતારવાનો બીજો પણ એક રસ્તો છે, મારી સાથેએક કપ કોફી પીને.”. અનામિકાને અજુગતું તો લાગ્યું પણ શાશ્વતની નજરમાં તેને ક્યાય દગો કે બીજો કોઈ ખરાબ ભાવ દેખાયો નહી. તેણે શાશ્વતની નજરમાં મિત્રતાની દરખાસ્ત દેખાઈ તેથી તે શાશ્વત સાથે કોફી પીવા તૈયાર થઇ. કોફી પીતાં પીતાં શાશ્વતે મહેસાણાથી ઊંઝા સુધી અનામિકા સાથે કરેલી સફરની યાદ તાજી કરાવી. ગાડીમાં અનાયાસે થયેલી સામાન્ય મુલાકાતથી જ શાશ્વતે પોતાને આટલી હેલ્પ કરી એ જોઈને તે શાશ્વતના વ્યક્તિત્વથી પ્રભાવિત થઇ. પછી તો તો કોફીના સથવારે શરુ થયેલી તેમની મિત્રતા જામતી ગઈ. હવે સાથે કોફી પીવી તે તેમનો રોજનો ક્રમ બની ગયો. કહેવાય છે કે મિત્રતા એ પ્રણયનું બાળપણ છે. અને તે વાત અનામિકા અને શાશ્વત માટે પણ સાચી પડી. કોફીને સથવારે શરુ થયેલી તેમની મિત્રતા ક્યારે પ્રણયમાં ફેરવાઈ ગઈ તે બન્નેને ખબર જ ન પડી.
પણ જેમ બાગમા ફૂલના જેટલા બીજ વવાય છે તે બધા જ છોડ ખીલતા નથી તેમ જ દુનિયામાં જેટલા પ્રેમ અંકુરણો પાંગરે છે તે બધા પૂર્ણતા પામતા નથી. કઠપુતળીના ખેલમાં જેમ પાત્રોની દોર બીજાના હાથમાં હોય છે તેમ જ આ દુનિયા રૂપી રંગમંચ પર જીવતા માણસોની દોર ઉપરવાળો પોતાના હાથમાં રાખે છે. ધીમે ધીમે સમય પસાર થતો રહ્યો. શાશ્વત અને અનામિકા એક બીજા સાથે લગ્ન કરીને જીવનભર સાથે રહેવાના સપના જોવા લાગ્યા. પણ જેમ આંખ ખુલતા સપનું તૂટી જાય છે, તેમ જ સમયની થપાટ પણ ક્યારે માણસના સપના તોડી નાખે તે ખબર પડતી નથી. એક દિવસ અનામિકા કોલેજ જવા માટે તૈયાર થઇ રહી હતી, પણ તે શણગાર તો શાશ્વતને મળવા માટે જ સજી રહી હતી. ત્યાજ તેની મ્મીએ તેને કહ્યું, “અનામિકા બેટા, આજે તારે કોલેજમાં રજા રાખવી પડશે.” અનામિકાને આ સાંભળી નવાઈ લાગી. “કેમ મમ્મી ?” તેણે પૂછ્યું. તેની મમ્મીએ જવાબ આપ્યો “બેટા આજે તારા મામા તને જોવા માટે છોકરાવાળાને લઈને આવવાના છે”. આ સંભાળીને અનામિકાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. તે કશું બોલી શકી નહી. તે દિવસે તેનું કોલેજ જવાનું કેન્સલ થયું. આ બાજુ શાશ્વત રોજની જેમ બસ ડેપોમાં તેની રાહ જોતો બેસી રહ્યો. પણ અનામિકા આવી નહિ.તે સમયે આજની જેમ મોબાઈલ ફોનની સગવડ ન હતી. આ બાજુ છોકરાવાળા અનામિકાને જોઈને ગયા. અનામિકા પોતાના માં-બાપની આબરુ ખાતર અને પોતાના સંસ્કારને લીધે એ વખતે ચુપ રહી પણ જયારે છોકરાવાળા ગયા ત્યાર પછી તેણે પોતાની મમ્મીને પોતાની પાસે બેસાડી શાશ્વત અને પોતાના પ્રેમ સબંધ વિષે બધી વાત કરી. આ સાંભળી તેના મમ્મી સ્તબ્ધ રહી ગયા. તેમણે અનામિકાને જવાબમાં માત્ર એટલું જ કહ્યું, “બેટા અમારા માટે દીકરો કે દીકરી જે ગણો તે તું એક જ છે અને અમારી આબરુ પણ તારા જ હાથમાં છે. બીજું મારે કશું કહેવું નથી.” પોતાની મમ્મીની આટલી વાતથી જ અનામિકાને સમજાઈ ગયું કે તે શું કહેવા માંગતા હતા.
તે આખી રાત અનામિકાને ઊંઘ ના આવી તેણે પોતાની અત્યાર સુધીના જીવન પર નજર નાખી, કેવી રીતે તેના મા-બાપે તેને દીકરાની જેમ લાડ-કોડથી ઉછેરી હતી. પોતાના લાડ-કોડમાં ભાગ ન પડે એ માટે થઈને પોતે દીકરી હોવા છતાં તેના માં-બાપે બીજું સંતાન ઈચ્છયું ન હતું. બાળપણથી લઈને આજ સુધી તેના માં-બાપે તેની બધી જ ઈચ્છાઓ પૂરી કરી હતી. હવે આજે તેનો વારો હતો. પોતાના માટે આખું જીવન કુરબાન કરનાર મા-બાપ માટે આજે પોતાનો પ્રેમ કુરબાન કરવાનો. તેણે ખુબ વિચાર કર્યો. આજે તેને જોવા માટે જે છોકરાવાળા આવ્યા હતા તેમનું સગું અનામિકાના મામા લઈને આવ્યા હતા. જો અનામિકા ના પડે તો પોતાના મમ્મી-પપ્પા અને મામાના સબંધોમાં તિરાડ પડે તેવું હતું. બીજી બાજુ શાશ્વત વિનાની જિંદગીની કલ્પના તેને હ્ચ-મચાવી મુકતી હતી. પોતાનો પ્રેમ અને માં-બાપની આબરુ વચ્ચેના આ બે પદ વચ્ચે અનામિકા પીસાતી જતી હતી. ખુબ વિચારને અંતે તેણે એક નિર્ણય લીધો અને એ નિર્ણય લેતાની સાથે જ તેની આંખો આંસુથી ભરાઈ ગઈ. તેણે પોતાની અંદરની અનામિકાને મારી નાખી. અને તેની સાથે જ એ અનામિકાના સપના પણ મરી ગયા.
બીજા દિવસે તે કોલેજ જવા નીકળી ત્યાં તેની મુલાકાત બસ ડેપોમાં શાશ્વત સાથે થઇ. તીર્થ પણ તેની સાથે હતો. શાશ્વત કંઈ બોલ્યો નહી. પણ તીર્થે જ વાત શરુ કરી. અનામિકા કાલે કેમ ન આવ્યા. તમારી રાહ જોવામાં શાશ્વત કાલનો અહી જ બેઠો છે. રાતે ઘરે પણ નથી ગયો. આ સંભાળીને અનામિકાની આંખોમાં સાગર છલકાઈ આવ્યો. તે તેમના નિત્યક્રમ મુજબ કોફી શોપમાં જઈને બેઠી. શાશ્વત તેને જોઈ રહ્યો. આજે અનામિકા તેને રોજ કરતા કંઇક જુદી જ લગતી હતી. તે પણ તેની પાસે જઈને બેઠો. થોડીવાર એમ જ શાંતિ પ્રસરાઈ રહી. પછી શાશ્વતે શરૂઆત કરી, “શું વાત છે, અનામિકા તું આમ ચુપ કેમ છે ?” જવાબમાં અનામિકા ધ્રુસકેથી રડી પડી. અને પોતાના ઘરની આખી વાત તેણે કહી સંભળાવી. આ સાંભળી શાશ્વતના માથે જાણે વીજળી પડી. મધદરિયે આવેલી તેની પ્રેમ નૈયા જાણે તોફાનમાં ડૂબી રહી હોય તેમ તેને લાગ્યું. પછી તેણે પૂછ્યું, “તો પછી તે શું નિર્ણય લીધો અનામિકા ?” “શાશ્વત હું તને ખુબ જ પ્રેમ કરું છું. તારા વગરના મારા જીવનની કલ્પના પણ હું કરી શકું તેમ નથી. પણ હું મજબુર છું. આજ સુધી માં-બાપના ચઢેલા ઉપકારનો બદલો વાળવાનો સમય આવ્યો છે. અને તેના માટે મારે મારા પ્રેમની કુરબાની આપવાનો સમય આવ્યો છે. હુ તારી ગુનેગાર છું. તું કહે તે સજા ભોગવવા હું તૈયાર છું. પણ તું પ્લીઝ મને માફ કરી દેજે. અને એક વચન આપ કે ક્યારેય કોઈ ખોટું પગલું નહી ભરે. એટલું યાદ રાખજે હું ભલે તારાથી દુર છું. પણ મારો જીવ તારા જીવમાં છે. જ્યાં સુધી શાશ્વત જીવશે ત્યાં સુધી અનામિકા પણ જીવશે, જે દિવસે શાશ્વતને કશું થઇ ગયું તે દિવસે અનામિકા પણ......” કહેતા આંખોમાંથી આંસુઓનો વરસાદ વરસાવતી તે ત્યાંથી ચાલી ગઈ. તે પછી તે ક્યારેય શાશ્વતને મળી નહી. ત્યાર પછી તેણે કોલેજ જવાનું પણ બંધ કરી દીધું.
શાશ્વત તો રોજ પોતાના નિત્યક્રમ મુજબ ઊંઝાના બસ ડેપોમાં આવીને અનામિકાની રાહ જોતો. પણ દિવસ પછી અનામિકા ક્યારેય આવી જ નહી. પણ હા થોડા દિવસો પછી એક દિવસ અનામિકાની સહેલી શાશ્વત પાસે આવી. તેના હાથમાં એક કંકોતરી હતી. જે શાશ્વત માટે જ અનામિકાએ મોકલાવી હતી. તે ઈચ્છતી હતી કે શાશ્વત પણ તેના લગ્નમાં આવે. શાશ્વતની નજર કંકોતરીના કવર પર પડી. કવર પર દોરેલા દિલમાં લખ્યું હતું, “અનામિકા સંગ ........” બીજું નામ શાશ્વતના હોઠ પર જ રહી ગયું. તે નામ શાશ્વતનું ન હતું. ત્યાર પછી અનામિકાના કોઈ સમાચાર નથી. પણ શાશ્વત તો આજે પણ ઊંઝાના ડેપોમાં તેની રાહ જોતો બેઠો છે. તે અનામિકાને જાણે છે અને અનામિકાના સંસ્કારને પણ જાણે છે. તે એ પણ જાણે છે કે કે તેની અનામિકા ક્યારેય આવવાની નથી તેમ છતાં ખબર નહિ તે કોની રાહ જોઈને ત્યાં બેઠો છો.
દસ વરસ પછી.............
શાશ્વત આજે જીવી રહ્યો છે. જો એને જિંદગી કહી શકાતી હોય તો એ જીવતો છે. અત્યારે એ અમેરિકામાં છે. જયારે તેણે જાણ્યું કે અનામિકા પરણીને અમેરિકામાં રહે છે, ત્યારથી શાશ્વત પણ એન્જિનિયર થઇને શિકાગોમાં જ સેટલ થયો છે. અનામિકાને મળવા માટે નહી. પણ તેને એહસાસ કરાવવા કે તું ચિંતા ના કરતી તારો શાશ્વત જીવે છે. ચોત્રીસ વર્ષની ઉંમરે પણ અપરિણીત છે. ધૂમ કમાય છે, શાંતિથી જીવે છે, એનાં મમ્મી-પપ્પા મથી-મથીને મરી ગયાં, “‘બેટા, લગ્ન કરી લે. તું આપણા ખાનદાનનો એક માત્ર દીકરો છે. વંશવેલો…” ત્યારે તે જવાબ આપે છે, “‘વંશવેલાની વાત ભૂલી જાવ, પપ્પા, તમારો વંશવેલો તો બહેન દ્વારા પણ ચાલુ રહેશે. દીકરા-દીકરીનો ભેદ હવે ક્યાં રહ્યો છે? અને મેં તો લગ્ન કરી જ લીધાં છે. ભલે મનોમન, પણ હું તો વર્ષો પહેલાં અનામિકા નામની સુંદર છોકરીને પરણી ચૂક્યો છું.”
(સત્ય ઘટના. પાત્રોના નામ અને સ્થળ બદલેલ છે.)
(કથાબીજ : દિયોદરના એક સહકાર્યકર મિત્ર પાસેથી નામ ન આપવાની શરતે મળ્યું છે.)
(મારી લખેલી અનેક વાર્તાઓ પૈકી આ મને વધુ ગમતી એક વાર્તા છે. શાશ્વતથી છૂટી પડેલી અનામિકાની
મનોદશા વ્યક્ત કરવા મારી પાસે કોઈ શબ્દો નથી. માટેનિ:શબ્દ એ શીર્ષક અનામિકાની મનોદશાનું સુચક છે.
કોઈ વાચક તેને બેવફા ન સમજે એટલા માટે આ લખું છું.)
= શ્રીપતિ.
Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com