Made in India
(પુસ્તકનું નામ : સવાર લઈને,
પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ)
સવાર લઈને
સંપાદકોના મોટા ચાળણામાંથી સામયિકોમાં વેરાતી ગઝલો અને છાશવારે ફૂટી નીકળતાં ગઝલનાં ગ્રંથ-પ્રકાશનોએ ગુજરાતી સાહિત્યમાં એવી ઊબ પેદા કરી છે કે એક સામયિકને જાહેર કરવું પડ્યું કે ‘ગઝલ પાઠવશો નહીં.’ હમણાં હમણાં એક સાથે ઘણા ગઝલસંગ્રહોમાંથી પસાર થવાનું બન્યું ત્યારે એમ લાગ્યું કે જાણે કોઈ ભયંકર કંટાળાના દુઃસ્વપ્નમાંથી પસાર થઈ રહ્યા છીએ. ઉર્દૂ ગઝલમાં પણ એવા તબક્કા આવ્યા છે કે કલીમુદ્દીન અહમદ જેવાએ શાયરીને ‘નંગી શાયરી’ કે ‘બેહૂદી શાયરી’ કહી છે, તો શમીમ અહમદ શમીમ જેવાએ શાયરીને ‘મનહૂસ શૈલી’ની કહી છે. અજમનુલ્લાખાન તો ‘ગઝલ કાબિલે જર્દન જદની હૈ’ કહી દીધું, મતલબ કે એને જડથી ઉખાડી ફેંકી દેવી જોઈએ.
ગુજરાતી ગઝલસાહિત્યપ્રકારમાં આવા તબક્કા નથી આવ્યા એવું નથી. ગુજરાતી ગઝલમાં બાળાશંકર-કલાપીમાંથી શયદા-મરીઝની તાજગી કે શયદા-મરીઝમાંથી આદિલ-મનહર-ચિનુ-મનોજથી આવેલી તાજગીની આપણને ખબર છે. એ જ રીતે આજની પરિસ્થિતિમાં અનિલ ચાવડાનો ગઝલસંગ્રહ ‘સવાર લઈને’ પ્રવેશ્યો છે ત્યારે લાગે છે કે ગુજરાતી ગઝલની આંધળી ગલીમાં એ સવાર થઈને આવ્યો છે. પ્રો. વારિસ અલવીએ જાહેરમાં કહ્યું હતું કે આદિલ પછી અનિલ ચાવડા દ્વારા ગઝલ બદલાય છે, તો એમની સાથે સંમત થવામાં ભાગ્યે જ કોઈ સંકોચ હોઈ શકે. આજના કેટલાયે ગઝલસંગ્રહોમાંથી પસાર થાઓ ત્યારે બે-પાંચ રડીખડી ગઝલો કે બે-પાંચ અત્યંત જુદા પડતા શેરો ક્યારેક તમારું ધ્યાન ખેંચે છે, પણ અનિલ ચાવડાનો ગઝલસંગ્રહ ‘સવાર લઈને’ સતત તમારું ધ્યાન રોકી રાખે છે. બહુ ઓછી ગઝલોને બાદ કરતાં આ સંગ્રહની ગઝલોમાં એક ચૂંબકીય ક્ષેત્ર ઊભું થાય છે. ગઝલ મૂળે મહેફિલ અને મુશાયરાના માહોલની અને ઘરાનાની મૌખિક શ્રવણ અને ઉપસ્થિત શ્રોતા માટે ટેવાયેલી ચીજ છે. અને તેથી એનું ચાક્ષુષ પઠન ભાગ્યે જ વિશેષ રીઝવી શકે છે. આ સંજોગોમાં અનિલ ચાવડાની ગઝલો અનુપસ્થિત વાચક પાસે મુદ્રિત સ્વરૃપે આવવા છતાં સંમોહન રચ્યા વગર રહેતી નથી એ મહત્ત્વની વાત છે. કોઈકે કહ્યું છે તેમ આકાશી વીજળી અહીં સુયોજિત વીજપ્રવાહમાં લગભગ પરિવર્તિત થઈ છે.
સામાન્ય લાગતાં રોજિંદાં સંવેદનોને એક નાનીસરખી ખેંચ આપી આ કવિ ગલોલની જેમ શેરને છોડે છે :
ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન થતાં જ એમાં ચાલ્યા જવાય પાછું. (પૃ. 3)
અહીં એક માત્ર ‘ઓરડો’ જેવા શબ્દ સાથે આખો અધ્યાસ પરિવર્તિત થઈ ગયો છે. આંખ અને વાદળનો સંદર્ભ પણ નવે ચાકડે ચડ્યો છે :
આંખ મહીં એ વાદળ જેવું કામ કરે એ સાચું પણ,
વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે? ના આવે! (પૃ. 65)
પતંગિયા અને ફૂલનો સંબંધ નવેસરથી આપણી સામે ઊઘડે છે :
ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં,
એટલે એ ફૂલ ઝૂકી ગયું છે. (પૃ. 57)
અનિલના અવાજની તાજગી, એનાં કલ્પન અને રજૂઆતની તાજગી એની ગઝલગતિનો વેગ ક્યારેક એક સાથે કળાય છે :
સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,
ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ. (પૃ. 40)
જિંદગી જીવવાની દુષ્કરતાનો, અસહાયતાનો અને શક્યતાનો સઘન સ્પર્શ ક્યારેક અભિવ્યક્તિમાં અત્યંત તરલ રીતે ઊતર્યો છે :
સીધી ધાર કરે છે કે મારી પર વાર કરે છે?
પથ્થરનાં બે પૈડાં આપી જળ દળવાનું સોંપે! (પૃ. 39)
ક્યારેક નિર્જીવને સજીવ કરીને માનવસંવેદનાનો એક વિશેષ ખૂણો રચી આપાયો છે :
ફળિયે ડાળ મ્હોરીને જરા નેવે અડી ગઈ તો,
તરત ઘમાંથી દોડીને કુહાડી ઝાડ સુધી ગઈ. (પૃ. 30)
ઉક્તિઓને ચઢતો નાટ્યાત્મક વળ પણ ક્યાંક પંક્તિઓને સપ્રાણ કરે છે :
મિત્ર, તેં શ્રદ્ધાઓ જે વાવી’તી એનું શું થયું?
પૂછવા પાછળ અમારો એ જ છે આશય, ઊગે! (પૃ. 2)
અહીં મિસરાને અંતે મુકાયેલો લટકતો ‘ઊગે’ જેવો શબ્દ ધારી અસર ઉપજાવી રહ્યો છે. શૂન્યતાની તદ્દન ચવાયેલી જાણીતી વાતને એક નાનોસરખો સંવાદપ્રપંચ સતત ચગળવા જેવી બનાવી શક્યો છે :
ભાઈ ખાલીપા! હજી યે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને! (પૃ. 16)
રોજિંદી વાતનો પરિચિત લય કયે પ્રકારે અપરિચિત વિશ્વનો રોમાંચ રચી શકે એનો નમૂનો ભૂલાઈ જવાય એવો નથી!
વાંચવાનો તો તને બહુ શોખ છે નૈં? તો પછી લે આ,
ગ્રંથની જેવા જ છે દળદાર મારા ઘાવ; વાંચી લે! (પૃ. 21)
વરસાદ, વાદળ અને ઈન્દ્રધનુષને આ કવિએ એના અપૂર્વક રૃપકકીમિયાથી પોતાનાં કરી લીધાં છે :
આટલા વરસાદ અને આ વાદળો વચ્ચે,
સાત રંગોમાં કર્યો છે ઈશ્વરે પ્રસ્તાવ, વાંચી લે! (પૃ. 21)
કબીરથી માંડી કેટલાયે સંત કવિઓએ ભંગુરતાને લક્ષ્ય કરી છે એ જ ભંગુરતાને પોતાની અને અત્યારની ભાષામાં કવિએ લક્ષ્ય કરી છે :
શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કે’વાય નૈં,
આપણે લોહી ભરેલાં ચામડીનાં વાસણો છીએ, વધારે કૈં નથી! (પૃ. 20)
પ્રેમ સાથે વીંટી અને અભિજ્ઞાનનો સંકળાયેલો મહિમા કવિની અંગત વેદનાની ભાષામાં રોપાયો ત્યારે પરિણામ નવું આવ્યું છે :
કોઈ વીંટી જેમ અંગત એક ઘાવ પ્હેર્યો છે મેં,
આવ કે વર્ષોથી આ તારો અભાવ પ્હેર્યો છે મેં. (પૃ. 22)
માણસની અકારણ વ્યાપક હિંસા અને એના વૈશ્વિક કદને આ કવિએ માત્ર એક નાના શેરમાં સમાવ્યાં છે :
કર્યું છે એક ચપટીમાં જ તેં આખું ય જંગલ ખાખ,
ન ગમતા એક એવા પાંદડાને કાઢવા માટે! (પૃ. 24)
‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’નો પારંપારિક આધ્યાત્મિક મિજાજ કવિએ પોતાના વૈયક્તિક મિજાજમાં તો ઉતાર્યો છે, પણ પોતાની અદૃશ્ય વેદનાનો પુટ પ્રચ્છન્ન રાખ્યો છે :
આંસુ, ઝાકળ, વરાળ કે વરસાદ બધામાં કરું પ્રવાસો,
પાણી છું હું બધી જગાએ લઈને નોખાં નામ ભમું છું. (પૃ. 26)
આ કવિ અત્યારનો કવિ છે. કહે છે ‘આપણે અત્યાર થઈ ઊભા રહ્યા’ (પૃ. 8) સાંપ્રત રાજકીય તણાવનો કવિ આધ્યાત્મિક ઉગાર કરે છે :
લાગણીઓ, પ્રેમ, ઇચ્છા નામની સૌ યોજનાઓ,
શી ખબર કે આપણા મનમાં કઈ સરકાર મૂકે છે? (પૃ. 66)
વર્તમાન ગ્રહકયુગના તકલાદી સંબંધો, ભુંસાતાં મૂલ્યો અને પોકળ પ્રેમસંબંધોની ભૂમિકાને આ કવિ પોતાની રીતે ઊજવે છે :
ગમે તેટલું મનગતાને ચાહી લીધું? પૂરતું છે,
કસમો-બસમો, વચનો-બચનો, ઠરાવ-બરાવ શું હેં?
‘શું હેં?’ના રદીફમાં અહીં ધાર અને કટાક્ષ એક સાથે પ્રગટે છે. પણ સંગ્રહની ઉત્તમ ગઝલ તો પૃ. 52 ઉપર છે. માને લગતી આ મુસલસલ ગઝલ ‘મા’નું ચિરંજીવ ચરિત્ર ઉપજાવી શકી છે. એમાંય આ શેર તો અપૂર્વ શિલ્પમાં ઢળ્યો છે :
જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુ ય આપે છે,
મા તો ઈશ્વરથી ય ઊંચો આગવો આદર્શ રાખે છે. (પૃ. 42)
આ સંગ્રહની ગઝલોનાં આટલાં ઉદાહરણો દ્વારા સંકેત એ છે કે અહીં લગભગ પાનેપાને જીવ પડ્યો છે. સંગ્રહની ગઝલો એકએક શેરમાં જેમ જેમ આગળ વધે તેમતેમ આપણને આવીને વળગે એવું ખેંચાણ લઈ ઊભી છે. એનું કારણ અનાયાસ નવાં ભાષાજોડાણો, સહજ નવાં કલ્પનો, સરલ અભિવ્યક્તિની નવી ભંગીઓ અને એ બધાની પાછળ રહેલી જગત અને મનુષ્યને જુદી રીતે જોતી ઉદબુદ્ધ ચેતના છે. આ કવિએ રચનાત્મક આગને કાગળને પડીકે બાંધવાનું સાહસ કર્યું છે.
હા, ચાલતી રવાનીમાં ક્યારેક અંગ્રેજી શબ્દો ભળી જાય છે, ક્યારેક જુદા રહી જાય છે, ક્યારેક ‘દરિયાબરિયા નદિયુંબદિયું’ જેવી દ્વિરુક્તિથી સળંગ ટકાવી રાખેલી 46મી ગઝલ પછી પૃ. 49 પરની ‘અવરજવર/લઘરવઘર/નગરનગર’ જેવી જુદા પ્રકારની દ્વિરુક્તિમાં ફરી ‘ખબરબબર/સફરબફર’ ગોઠવાય છે ત્યાં પુનરુક્તિ ટાળી શકાઈ હોત. પૃ. 61 પર ‘કોણ આ આવ્યું ફળિયામાં છે?’માં અન્વય એકદમ કૃતક બન્યો છે. એ જ રીતે પૃ. 60 પર ’રટણ બોલ્યા કરે’ સુખદ અભિવ્યક્તિ નથી. ’રટણ કરતો રહે’ એવું રચી શકાયું હોત. પૃ. 29 પરની ’લગાવી દઉં’ જેવી રદીફ છેલ્લા બે શેરમાં તઢંગી બની છે. પૃ. 2 પર ‘એમ કંઈ થોડાં જ વૃક્ષોની ઉપર હૃદય ઊગે’ જેવા મિસરામાં ‘હૃ’ને દીર્ઘ ગણવો પડે છે તે ન જ ચાલે. સંગ્રહમાં અન્ય ગઝલોને શીર્ષક અપાયા નથી તો પછી ‘કોઈનાં સ્મરણ’ જેવી ગઝલને અપવાદરૃપ શીર્ષક કેમ અપાયું છે? મૃત્યુગઝલોને પણ શીર્ષક અપાયાં છે! જરૃરી છે? આવા અપવાદો અહીં અમસ્તા વસ્તુને મુખર કરે છે. પણ આ બધું તો આ ગઝલસંગ્રહ જે સવાર લઈને આવ્યો છે એની સામે નગણ્ય છે.
(પ્રત્યક્ષ : જુલાઈ-સપ્ટેમ્બર 2013માંથી)
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com