‘’અકબંધ..’’
દિવ્યા ..!
આટલું જ બોલી શક્યો એ...અને પછી છેલ્લા છ વરસથી હાસ્યની પાછળ છૂપાવી રાખેલા આંસુઓના થરને પીગળતા અનંત રોકી ના શક્યો.
વર્ષો પછી આજે એની સામે એ છોકરી ઊભી છે, જેને એણે ખૂબ પ્રેમ કર્યો છે.જયારથી એ મળી ત્યારથી લઈને આજ દિન સુધી અનંતે માત્ર ને માત્ર દિવ્યાને જ ચાહી છે.જુદા થયાના આટલા વર્ષો પછી પણ એના હ્રદયમાં એનુ સ્થાન અકબંધ છે.
સમય, સંજોગો અને ગેરસમજએ બન્નેને અલગ કરી દીધા, પણ વાસ્તવિક રીતે એ ક્યારેય જુદા જ નહોતા થયાં.અનંત ઈચ્છવા છતાંય એને નફરત ના કરી શક્યો .છ વર્ષોમાં કેટલું બધું બદલાઈ ગયું છે.એ પોતે પણ બદલાઇ ગયો છે.પણ.. દિવ્યા,... એ આજે પણ એવી જ છે જેવી પહેલાં હતી. એ જ નમણી આંખો જેને જોતા જ એમાં ખોવાઇ ગયાનું એને હજુ યાદ છે..અનંતના ખાલી હ્રદયને દિવ્યાએ પૂષ્કળ પ્રેમથી ભરી દીધું.બંને એ સાથે મળીને સુંદર ભવિષ્યના સપનાં જોયા હતા.પરંતુ હકીકત અને સપના વચ્ચેની પાતળી ભેદરેખા આપણે ધારીએ એટલી પાતળી નથી હોતી.
અનંત અને દિવ્યા છેલ્લીવાર મળ્યા એ દિવસ અને આજનો દિવસ એની વચ્ચેનો સમય દિવ્યા માટે કોઇ ઉમરકેદથી કમ ન હતો.એ દિવસે બન્નેએ એકબીજાને સમજવાની કોશિશ કરી હોત તો બન્નેને છ વરસનો વિરહ ના સહન કરવો પડત.
એ દિવસે.. લગ્ન માટે દિવ્યાની ના સાંભળીને અનંત ધુઆંપુઆ થઈ ગયો.એને જરાય નહોતુ વિચાર્યુ કે દિવ્યા આમ સીધી ના પાડીને જ ઊભી રહેશે.
‘તુ સમજવાનો પ્રયાસ કર .મારે મમ્મી પપ્પાને મનાવવા પડશે. થોડોક તો સમય લાગશે. હુ હાલ તને કોઇ જવાબ નહી આપી શકુ.’
‘અને જો એ નહી માને તો..? તો શુ કરીશ તું? બીજે લગ્ન ...'
આટલુ બોલીને અનંત અટકી ગયો
‘એ બધું હાલ નથી વિચાર્યુ .પણ હુ એમને કોઈ રીતે દુ:ખી નહી કરુ.’ આપણે....'
‘અચ્છા તો તે મારી સાથે ટાઈમપાસ કર્યો છે..તમારે છોકરીઓના આ જ નાટક હોય છે.મજબુરી નામનું બહાનું ધરી દેવાનું એટલે છુટ્ટા.. કે પછી બીજે ક્યાંક ચક્ક્રર છે તારું ?’
દિવ્યાને વચમાં જ બોલતાં અટકાવીને અનંત તાડૂક્યો.
એનો ગુસ્સો સાતમાં આસમાને હતો.એ સમયે અનંતનો ગુસ્સો જોઈને દિવ્યાએ કંઈ પણ બોલવાનુ માંડી વાળ્યું. દિવ્યાની ચુપ્પીથી અનંતને વધારે ગુસ્સો આવ્યો.ગુસ્સો અને મૌન એમનાં પ્રેમની વચ્ચે આવી ગયો.
કદાચ એ વખતે બન્ને બરાબરનું ઝગડ્યા હોત, એકબીજાને સમજયાં હોત તો પોતાનો પ્રેમ બચાવી શક્યા હોત.
‘તો આજથી આપણો સંબંધ પુરો’ એમ કહીને અનંત ગુસ્સામાં ત્યાંથી ચાલી નીકળ્યો .
દિવ્યાએ જે પણ કીધુ એ એને હાડોહાડ લાગી આવ્યુ. પોતે શું બાકી રાખ્યુ હતુ એને પ્રેમ કરવામાં કે દિવ્યાએ એનો જરાય વિચાર ના કર્યો.
એણે દિવ્યા સાથેના તમામ સંપર્કો તોડી નાખ્યા.પોતાનો ફોન નંબર પણ બદલી નાખ્યો..દિવ્યા ક્યાં છે ?શુ કરે છે ? એની કોઈ જ દરકાર ના કરી.
‘ પ્રેમમાં અસફળ લોકો જીવનમાં સફળ હોય છે’..અનંતે પણ સફળતા મેળવી. દિવ્યા પ્રત્યેના એના પ્રેમને હ્રદયનાં કોઈક ખૂણામાં ધકેલી દીધો. હંમેશા ચહેરા પર હાસ્યનો પડદો લગાવીને દર્દને ખાલી કરતો રહ્યો.જાણે પોતાની જાતને દિવ્યાને પ્રેમ કરવાની સજા આપી રહ્યો હોય.
પ્રેમ પરથી વિશ્વાસ ગુમાવી ચુકેલા અનંતે પોતાના હ્રદયનાં દરવાજા બંધ કરી દીધા.એના સ્વભાવ અને વ્યક્તિત્વથી અંજાઈને કેટલીય છોકરીઓ એની નજીક આવી પણ દિવ્યાની જગ્યા કોઇ ના લઇ શક્યું.
અવની એમાંની એક હતી. બન્ને એક જ ઑફિસમાં કામ કરતા હતા.ઑફિસમાં અવની અને અનંતને સારુ બનતુ.બન્ને એકબીજાની ખામીઓ અને ખૂબીઓને બિરદાવતાં.
એક દિવસ ઑફિસેથી ઘરે આવતી વખતે અવનીએ અનંતને ખૂબ જ સરળતાથી ‘આઈ લવ યુ’ કહી દીધું.
‘તારું શું કહેવુ છે? અનંતને મૂંઝાયેલો જોઈને અવનીએ કહ્યું.
‘ના ,ના હુ તને લવ નથી કરતો.વર્ષો પહેલા સાચો પ્રેમ કર્યો તો,પણ...'
આજ સુધી કોઇને ભૂતકાળની વાત ના કરનાર અનંતે અવનીને દિવ્યા વિશેની બધી વાત કરી.પછી ખૂબ પ્રેમથી સમજાવ્યું કે એ એની સારી મિત્ર છે અને હંમેશા બન્ને મિત્ર રહેશે.
અવનીએ અનંતની વાતને એ રીતે સાંભળી જાણે કે પોતાને કંઇ અસર જ નથી થઈ.
ઘરે આવ્યાં પછી રૂમમાં જઇને અવની બેડ પર ફસડાઇ પડી.અનંતનું ‘ના , ના’ જાણે એના હ્રદયમાં ખંજર ભોંકતુ હોય એમ લાગી રહ્યું હતું.અનંતને એ કઇ રીતે સમજાવે કે એ કેટલું ચાહે છે એને.
બહુ સમય પછી પોતે હિંમત કરીને એની સામે પ્રેમનો એકરાર કર્યો છે.આ અસ્વીકાર એનાથી સહન નથી થતો.ગળે ડૂમો ભરાયો છે પણ રડવાનીયે હિંમત ના રહી હોય એમ એ સૂનમૂન બેસી રહી.અનંતના અનંત વિચારોમાં ખોવાયેલી અવની એકતરફી પ્રેમમાં પોતાને જ સત્ય સ્વીકારવા માટે મનાવી રહી હતી. કોઇ બીજી સ્ત્રીનાં પ્રેમીને પ્રેમ કરવાનો ગૂનો થઈ ગયો હોય એમ એને લાગી રહ્યુ હતુ. અનંતે એને ક્યારેય પ્રેમ નથી કર્યો.એનો પ્રેમ માત્ર એની એકલી પૂરતો જ સીમિત છે.પણ પ્રેમને તો કોઇ સીમાડા હોતા જ નથી અને એનો પ્રેમ તો અનંત છે.એ ભલે એને પ્રેમ ના કરતો હોય પણ એ તો કરે છે.અને હંમેશા કરશે. હજુ પણ એના મનમાં આશા હતી કે પોતે અનંતને એના પ્રેમનો અહેસાસ કરાવશે.અવનીએ આખી રાત એ જ વિચારો કર્યા.
બીજા દિવસથી એને ઑફિસમાં રોજની જેમ જ વર્તન કર્યુ.જાણે કઇં થયુ જ ના હોય.અનંતને એ વાતનો જરાય ખ્યાલ ના આવવા દીધો કે પોતે શું અનુભવી રહી છે.જેવી પહેલા હતી એવી જ રહી..હસતી અને અનંતને વાત વાતમાં ચીડવતી અવની.
એકાદ મહિના પછી અવની જીદ કરીને અનંતને ફરવા લઇ ગઇ.
‘અનંત મારે એક ગિફ્ટ જોઇએ છે.’
‘કેમ? આજે તારો બર્થડે તો નથી , તો પછી શેની ગિફ્ટ?
‘અચ્છા, તો ગિફ્ટ બર્થડે પર જ આપવાની હોય, મારે તો આજે જ જોઇએ છે.ચલ ઍડવાન્સમાં આપી દે. બર્થડે પર ના આપતો’.
અવની એ હસતાં હસતાં કહ્યુ.
‘એ ત્યારે પણ આપીશ. બોલ અત્યારે શું જોઇએ છે?’
‘કાલે હુ કહુ એ જગ્યાએ તારે આવવું પડશે.’
‘બસ,આટલી જ વાત.. એ તો તે એમ જ કીધુ હોત તો પણ આવત.’
‘ના, પ્રોમિસ કર કે તુ મારી સાથે આવીશ જ.’
'ઓ.કે ,પ્રોમિસ.'
'ધેટ્સ લાઇક માય ફ્રેંન્ડ'..આટલુ બોલતાં બોલતાં અવનીનો અવાજ તરડાઈ ગયો..અનંત હજુ પૂછવા જ જાય કે શું થયુ..ત્યાં જ અવની એને બાથ ભરીને એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.
એક મહિનાથી સંઘરી રાખેલા આંસુઓને કદાચ હવે વધારે રોકી શકાય એમ નહોતા.અવનીનુ રડવાનું એકધાર્યુ ચાલુ રહ્યું અનંતને ના સમજાયું કે વાત શુ છે, એ અત્યારે પૂછે તો પણ અવની જવાબ આપી શકે એવી હાલતમાં નહોતી.અનંત સમજતો હતો કે અવની એને પ્રેમ કરે છે પણ એને અવનીએ આની પહેલાં ક્યારેય આવુ વર્તન કરતાં નથી જોઇ.કદાચ કોઇ પ્રોબ્લેમ હશે,પણ એ રડવાનુ બંધ કરે પછી જ કાંઇ સમજાય.
એ અવનીની પીઠ પંપાળતો રહ્યો.અવનીનું રડવાનુ ઓછુ થયું એટલે અનંતે હળવેથી એના કપાળ પર ચુંબન કર્યું.આખી જિંદગીનો પ્રેમ આ જ સમયે મેળવી લીધો હોય એમ અવની અનંતના હૂંફાળા સ્પર્શથી અભિભૂત થઇ ગઇ. એના ડૂસકાં હજુ પણ ચાલુ જ હતા.
'તુ ઠીક છે ને?' પરિસ્થિતિ થોડી ઠીક લાગતા અનંતે કહ્યુ.
'જવાબમાં અવનીએ માત્ર ડોકુ ધુણાવ્યુ.'
'કોઇ પ્રોબ્લેમ હોય તો, તુ મને કહી શકે છે.'
'ના, બસ એમ જ.દીદીની બહુ યાદ આવે છે. મારે ઘરે જવુ છે. કાલે મળશું.'
બીજા દિવસે અવની સવારથી જ ચાલુ પડી ગઇ.ઑફિસમાં અનંતનુ માથું ખાવાનું બાકી રાખ્યું એણે.
'તુ હવે શેનો ના પાડે છે મને. કાલે તો પ્રોમિસ કર્યુ તુ ભૂલી ગયો કે ભૂલવાનુ નાટક કરે છે.યુ બેવફા! હુ..હ તારે મારી સાથે વી.ઍસ કૉલેજમાં આવવુ જ પડશે.મારે બઉં જરૂરી કામ છે.તને એટલા માટે કીધુ કેમ કે એ તારી કૉલેજ છે.તુ સાથે હોય તો સારુ.'
'યાર, તુ બીજા કોઇને લઇ જા.મારો આજે મૂડ નથી.'
'બહાના ના કાઢ, ના આવવુ હોય તો સીધેસીધું ના પાડવી'તી ને કાલે. પ્રોમિસ કરતા પેલા વિચારવુ જોઇએ ને. હુ કંઇ ના જાણુ.તારે આવવુ જ પડશે. ધેટ્સ ઈટ.'
'સારુ મારી મા. આવું છુ બસ.' અનંતે કંટાળીને કહી દીધુ.
કૅમ્પસમાં પ્રવેશતી વખતે અનંતના મનમાં કૉલેજમાં પસાર કરેલા ત્રણ વરસની તમામ ઘટનાઓ એકસાથે તાદ્ર્શ્ય થઇ ગઇ. કૉલેજ કૅઁમ્પસની દરેક જગ્યા પર એણે આછકલી નજર ફેરવી લીધી. દિવ્યા એને અહીં તો મળી હતી.આજે દિવ્યાની ખૂબ યાદ આવતી હતી.એનો પ્રેમ એ કેમ ભૂલી શકે.નાની અમથી વાતના લીધે કેટલી મોટી સજા ભોગવી પડી હતી.અનુભવો પછી એને પોતાની ભૂલ સમજાઈ હતી.કદાચ અત્યારે એ લાઈફમાં સેટલ થઈ ગઈ હશે.એ બધા વિચારોનો હવે શું ફાયદો.
'જે કામ હોય એ જલ્દી પતાવજે' એણે અવની તરફ જોતા કહ્યું.
'અરે, તુ પણ ચાલ મારી સાથે.'
આમ કહીને અવની અનંતનો હાથ પકડીને એ જગ્યાએ લઇ ગઇ જ્યાં એ દિવ્યાને પહેલીવાર મળ્યો હતો.
જગ્યા એ જ હતી અને સામે ઊભેલી દિવ્યા પણ એ જ. જે અનંતથી એક દિવસ પણ દૂર રહી શકાય એમ નહોતું એનાથી પોતે કેટલી દૂર ચાલી ગઈ હતી.બન્નેને શું બોલવુ એ ના સુઝ્યું.બન્નેની હાલત એકસમાન હતી.અનંત દિવ્યાની નજીક આવ્યો ને દિવ્યાના ગાલ પર આવેલા આસુંને હળવેથી લૂછી નાખ્યાં.
અવની આ મિલનની સાક્ષી બની રહી.છેલ્લા એક મહિનાથી દિવ્યાનો સંપર્ક મેળવવામાં એણે કોઈ કસર બાકી નહોતી રાખી.એના પરિણામ રૂપે આજે અનંત અને દિવ્યા એકસાથે હતાં.
-માલવિકા સોલંકી.
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com