Rupali- Mahashweta Devi's story translated in Gujarati

રૂપલી

પહેલાં કહેતી કે મારું નામ સવલી છે ને હવે કહે છે કે પોતે રૂપલી છે. પહેલાં પાટલી વાળીને સાડી પહેરતા નહોતી ફાવતી, હવે ફાવે છે. પહેલાં ભીના વાળ સૂકવીને સરસ અંબોડો વાળતાં ખાસ્સો સમય લેતી હવે તાણીને એક ચોટલો વાળી લે છે, બસ. પહેલાં પોતે કાળી મેશ જેવી હતી. હવે એને ખબર છે કે આ શહેરનું પાણી ને એમાય આખો દિવસ બંધ ઓરડીમાં જ બેસી રહીને એનો વાન ઉઘડ્યો છે. અહીં આવી ત્યારે ભેંકડા તાણી તાણીને રડ્યા કરતી. હવે રડતી નથી. પહેલાં તો એનામાં ખાસું અક્કડપણું હતું હવે ગામડાની ખુમારી ને અલ્લડપણું  બધું જ ભૂલી ગઈ છે. પહેલાં તો ઘરની, પિયરની ને સાસરાની, વર ને સાસુની વાત કરતાં કરતાં એની જીભ થાકતી નહીં. હવે બહુ બોલતી જ નથી. ઘણી બદલાઈ ગઇ છે થોડા વખતથી. એનું બોલવું, ચાલવું, પહેરવું-ઓઢવું એટલી હદે બદલાઈ ગયું છે કે એનો નાનો ભાઈ, નાનકો તો હવે એને માનથી પૂછે છેય ખરો, “અલી મોટીબેન, તું તો બહુ બદલાઈ ગઇ છે”!. રૂપલી હસીને કહેતી “અહીં આવી ત્યારે સોળની હતી આજે એક્ત્રીસમું ચાલે છે, બદલાઈ તો જવાય ને?”.

હા, સોળમે વર્ષે રૂપલીને આ જેલમાં લવાઈ હતી. આમ તો એ ઉંમરે આવી આજીવન કેદની સજા ના જ થવી જોઈએ. સોળ વરસે તો એ હજુ નાબાલિક હતી. પણ બિચારી શું કરે કે જ્યારે પોલીસને ચોપડે એની ઉંમર ૧૯ નોંધાઈ હતી.

એનો બાપ રડી રડીને કરગરી રહ્યો હતો, “કોના દોષનો ટોપલો, કોના પર ઢોળો છો સાહેબ? મારી છોડી બિચારી આવા કામ કરતી હશે?”.

સરકારી વકીલ પણ લાચાર. “પોલીસે કેસ આપ્યો છે, બાકી હું ખાલી વકીલ પૂરતો ઉભો કરાયો છું”.

પોલીસ તો ચોખ્ખું કહી રહી હતી કે “રૂપલીએ જ એની વિધવા જેઠાણી સતીરાણીને મારી નાખવાની ધમકી આપી હતી, કાપી ને ટુકડા કરી નાખીશ, સાલી વેશ્યા જેવી બાઈ”..જેવી ધમકીઓ આપતી, આખા ફળિયાની ઊંઘ હરામ કરતી ઘાંટા ઘાટ કરતી આખા ફળિયાનાં સજ્જનોએ સાંભળી હતી.

રૂપલીના વર જગલાએ, સાસુ નીલીબાએ અને આડોશપાડોશના બધા જ લોકોએ સતીરાણીનો ઉંચો અવાજ પણ સાંભળ્યો હતો.

“તે તારો ધણી મારી પાહે હું લેવા આવે છે?. દીયર પર તો ઉંમરની બહુ ગરમી ચડી છે. હજજાર વાર આવ્યો તે હર વખતે કીધું કે અહિયાં નો ડોકાઈશ, નો ડોકાઈશ તે મૂવાને હમજાતું જ નથી. બૈરું લાવ્યો છે તે ગુડા એની પાંહે, તે તારો વા’લો મારું સાંભળે જ નહિ તો શું કરું?”

 

સાસુ નીલીબા તો રડતી રડતી એક જ વાત કહ્યા કરતી હતી કે એને કશી જ ખબર નથી. “એ સાંજે, નાની વહુ રસોડે હતી. રોટલા ને શાક રાંધ્યા હતાં. બધા જમ્યા, પણ મોટી વહુ મમરાની વાડકી લઇને એની ઓરડીમાં જતી રહી, કહેતી ગઇ કે બે ફાકા મારીને પાણી પી લઈશ. અરે શું કહું વકીલ સાહેબ?, ખાસ્સી કડેધડે બૈરી... કોઈ કહે નહી કે બબ્બે  પરણેલી છોડીઓની મા થઈને સાસુય બની ગઇ છે. તે જગલો સવાર સવારમાં ચીસો પાડતો બહાર આવ્યો ને મારી તો છાતી બેસી ગઇ,  સાહેબ. બીક ને મારે હું તો મરવા જેવી થઇ ગઇ. ચીસો પાડતો જગલો બોલતો’તો કે વચલું બારણું ઉઘાડું છે ને સતીરાણીનું ડોકું ઉતારી ને રૂપલી નિરાંતે ઘોરી રહી છે. ને એ પછી તો..”

 

નીલીબાએ તે દિવસે જાત જાતની વાર્તાઓ કરી પણ એક વાર પણ એની જીભ ના ઉપડી કે “આ કામ રૂપલી નો કરી હકે”, એણે બીજા જ ગાણા ગાયાં કર્યાં.

 

“હવે આને તો છોડી દો સાહેબ, જે ગઇ ઈ તો પાછી નહી આવે, અમારે તો આખો સંસાર વિખેરાઈ ગ્યો સાહેબ, હવે આ છોડીનો છેડો મૂકી દ્યો”. પણ એક વાર નથી બોલી કે રૂપલી આવું નો કરી હકે.

જગલો તો હવારનો છાતી કૂટી કૂટી ને રડ્યા કરતો હતો. પૂછ્યા કરતો, “આવું કેમ કર્યું અલી રૂપલી? સહન નહોતું થાતું તો મને કહેવું’તું ને લઇ જાત તને કશે બીજે. આવા ભવાડા કાં કર્યા? હવે તારું શું કરું?”

 

એ દિવસોમાં રૂપલી સાવ ગરીબ ગાય જેવી હતી. મીણના પૂતળા જેવી સહેજ ચંપાય ને ઓગળી જાય એવી. ને એની ઊંઘ તો અદ્દલ કુંભકર્ણ જ જોઈ લ્યો. આટલા ઘાંટાઘાટ ને શોરબકોર સાંભળીને સફાળી બેઠી થઇ ગઈ હતી. ને પછી તો જાણે એક દુઃસ્વપ્ન..એ ખાટલે પડી હતી. એના અને એની જેઠાણીના ઓરડા વચ્ચેની સાંકળ ઉઘાડી હતી. સુક્કું ઘાસ કાપવાનું દાંતરડું એના શરીર પાસે પડ્યું હતું ને સાડી આખી લોહીથી લથબથ.

રૂપલી રડી નહોતી. કહે છે કે ચીસ પાડી ને પૂછી બેઠી હતી, “આટલું લોહી ક્યાંથી મારા કપડા ઉપર? ક્યાંથી આવ્યું?”

“અલી, તે આવું કામ કાં કર્યું?”, જગલો રોતો રહ્યો

“કયું  કામ?”, રૂપલી પૂછ્યા કરતી. બારણે હકડેઠઠ ભીડ જમા થઇ ગઈ હતી પણ બધા સાવ સ્તબ્ધ ઉભાં હતાં.

રૂપલી ખાટલેથી ઉતરી, ધીમે પગલે આગળ વધી. પણ એ પછીનું દ્રશ્ય જોઈને હેબતાઈ ગઇ. જાણે મેળામાં કોઈ બિહામણો ખેલ જોઈ લીધો હોય. જેઠાણી ચત્તી પાટ પડી હતી પણ એનું ડોકું કૈક વિચિત્ર રીતે બીજી બાજુ ઢાળી પડ્યું હતું. ચારે બાજુ લોહીના ખાબોચિયા હતા. રૂપલી બેભાન થઇ ગઇ.

બેભાન થયા પછીયે એણે તો ભાનમાં આવવાનું જ હતું ને.

જગલાની ફોઈની દીકરી માલાનો અવાજ એને કાને પડ્યો. “આ જગલાની બૂમો સાંભળીને અમે દોડતા આવ્યા, કહે છે કે મોટી ભાભીને નાની ભાભી એ મારી નાખીને હવે શાંતિથી ઘોરી રહી હતી. તે જગલાભાઈએ સગ્ગી આંખે જોયું? લોક તો કહે પણ આ ઘરનો કિસ્સો ક્યાં લોકોથી અજાણ્યો છે હેં?”.

રુપલી ને કશું ભાન નહોતું કે એને માથેથી છેડો ઉતરી ગયો છે. સાડલો પણ અસ્તવ્યસ્ત થઇ ગયો છે. ઈ તો એકીટશે જગલા હામું જોયે રાખતી હતી.

માલાનો બાપ જગલાને પૂછી રહ્યો હતો, “કેમ અલા?, કોને ભોળવી રહ્યો છે? લગન પહેલા તારા ને સતીના લફડાની અમને ખબર નથી શું? કેવા લવિંગીયા કરી દીધા હતા ને એ પહેરીને કેવી ઠાઠમાઠ થી ફરતી હતી મૂઈ.!”

નીલીબા ઉછળી પડી. “હાય રે આ સગલાંઓ છે કે દુશ્મન?. લગન પહેલા જે હતું ઈ હતું. એનું હવે શું છે?. આ લગન પછી તો મારો બિચારો જગલો વહુને માથે બેહાડી રાખે છે.”

“હવે રહેવા દ્યો. બધાને બધી ખબર છે. ઘરને પાછલે બારણે, વાડામાં ઉભા ઉભા બંને દિયર-ભાભી શું ગુસપુસ કરતા હતા એની મનેય ખબર છે. આ મોટી વહુના લખ્ખણ નહીં હારા એટલે જ તે બંને દીકરીયુંને મામાને ઘેરથી વળાવી પડેલી ને?

આ શું કહી રહ્યા છો ફૈબા?

“કઈ નહિ, ચાલો માન્યું કે રૂપલી એ સતીનું ડોકું કાપીને એને મારી નાખી, ને પછી પાછી ઘોરતી પણ રહી. બહુ નવાઈ  વાત છે નહીં? તે હેં જગલાભાઈ ત્યારે તું ક્યાં હતો? શું કરતો હતો?”

બસ એટલામાં માલાના બાપુ બરાડ્યા, “રહેવા દ્યો હવે, આમાંથી વાતનું વતેસર થાશે અને નકામી રામાયણ વધશે. માલા લઇ જા તારી માને અહીંથી”.

ત્યાં કોઈ બોલ્યું, “અરે, કોઈ રૂપલીના પિયરમાં પણ ખબર આપો”

નીલીબા બોલ્યા, “ એ તો એ લોકો ઘરે હોય તો ને. જાત્રા એ ગયા છે દ્વારકા. જતાં પહેલા આવ્યા હતા તે પોતાની છોડીને મળવા. કેટલું સમઝાવીને ગયા હતા! હાય રે મા, આ મારી છાતીમાં શું અમળાય છે મારા બાપ”

“ આ તમે જ આખી વાતના ગુનેગાર છો મામી. જગલાભાઈને પહેલેથી મોટી ભાભી સાથે આડો સંબંધ હતો તે તમે હું લેવા બીજાની છોડી ને પરણાવીને એની જીંદગી બરબાદ કરી? માલાએ જતા જતા છણકો કર્યો.

 

પણ આ બધું તો ઘણું મોડેથી થયું. એ પહેલા એને વખત જ ક્યાં મળ્યો હતો? ઘણા વખત પછી, ઘણા આગળ નીકળી ગયા પછી આ બધું એને સમજાયું હતું. ને જેમ જેમ સમજાતું ગયું એમ એમ એ બદલાતી ગઇ હતી.

 

હા, મા-બાપુ, બેન-બનેવી, બેનની નણંદ બધા જ નાના ભાઈની બાબરી ઉતરાવવા, દ્વારકા ગયા હતા. જતાં પહેલા બાપુ મળવા આવ્યા હતા. ત્યારે, ચેવડો-પૂરી અને પડીયો ભરીને પેંડા પણ લાવ્યાં હતાં. ત્યારે જેઠાણી એ કડવું હસતા છણકો પણ કર્યો હતો. “ખરાં છે તારા પિયરીયા, દ્વારકા તો આ ઢૂંકડું રહ્યું. ૨-૫ દીમાં તો પાછા ય આવી જાશે. તે દીકરીને મળવા આવી ગયા!. નસીબ જોઈએ તારા જેવું છોડી, અહીયાં કોણ હામુંય જુએ છે આપણી”.

સાસુ તાડૂકી હતી, “અલી તું કપડા ધોવા તળાવે જઈ રહી હતી એ જતી હોય તે જાને”

રૂપલી ને પછી સમજાયું હતું કે આ જેઠાણીને તો પોતાના ઘાઘરી પોલકાને સાડી જ નહીં, ચાદર-ગલેફ, શેતરંજી બધું જ ધો-ધો કરવાની ઘેલછા હતી. બધું ચોખ્ખું ધોળું બાસ્તા જેવું રાખતી. ત્રણ ઓરડાનું એ ઘર હતું. મોટો ઓરડો મોટી વહુનો. વચલો દેવલા-રૂપલીનો ને નાનો સાસુ માટે હતો. બધા જ ઓરડાનું બારણું એક તરફ જ ખુલતું.

હા, આમ તો આ લોકો ખાધે પીધે સુખી હતા. ઘણી જમીન, થોડા આંબા-પીપળા એને ભાગે આવ્યા હતા. મોટી વહુની પોતીકી પણ બે વીઘા જમીન હતી એના પર એ શાક-પાંદડુ ઉગાડતી. થોડું વેચવા કાઢતી ને થોડું ઘરમાં ઉપયોગમાં લેવાતું.

રૂપલીના બાપૂ એને માથે હાથ ફેરવતા એને સમજાવતા ગયા હતા. “બધું આઘું પાછું જોઇને જ તને વરાવેલી દીકરા. પણ જીવનમાં ક્યાં બધી ભાળ મળે જ છે?. આ બધું તો પાછળથી ખબર પડી નહીંતર..જાવા દ્યો હું હજાર હાથવાળા પરભુ પાસે તારી પ્રાર્થના કરીશ. દ્વારકાધીશ જરૂર તારી રખવાળી કરશે. તારે માટે માદળિયું પણ લઇ આવીશ. જોજે આ દઃખના દહાડા જતા રહેશે ને પછી સુખ જ સુખ હોં કે,.”

રૂપલીએ માથું ધુણાવતી, “ હા બાપૂ, સુખ આવશે જ હોં”

બાપૂ ધરપત આપતા ગયા હતા “જોજે, જગલો તારી વાહે ઘેલો થઈ ફરશે”

“હા બાપૂ”

સાસુએ વેવાઈની આગતા સ્વાગતા કરી હતી. રૂપલીના બે મોઢે વખાણ કર્યા હતા. “આ તમારી છોડી તો લખમી છે અમારી, એની જરાય ચિંતા કરશો મા”

બાપુ પણ ચિંતિત થઇ કહેતા ગયા હતા “બહુ લાડકોડથી ઉછરી છે વેવાણ, સાચવી લેજો”

પછી સાસુ ધીમે અવાજે જાણે કોઈ કાવતરાની વાત કરતી હોય એમ બોલી હતી, “આ ગામને મોઢે ક્યાં ગળણા દેવા ભાઈ, પણ એ બધીય વાત ખોટી છે એ નક્કી. ભલે તમે જાત્રાએથી સીધા ઘેર જાવાના હો, પછી આવજો ખરા. આહીનો મેળો જોવા જેવો હોય છે”.

“આ વૈશાખે મારી ભેગી લઇ જાવા દેજો વેવાણ, લગન પછી એક વાર પણ પિયરનું મોં ભાળ્યું નથ બિચારીએ”

“અરે આ જગલો છોડે તો ને?. મનેય તે હવે એના હાથની રસોઈ એવી ફાવી ગઇ છે ને કે..ફળિયું આખું હવે તો એનું એટલું હેવાયું થઇ ગયું છે..લોક તો એટલું વખાણે છે કે સોના જેવી વહુ લઇ આવ્યા છો”. પછી ધીમેથી બોલ્યા હતા કે એમને મોટી વહુનો ને આ જુવાન જોધ દીકરાનો ભય લાગે છે.

બાપૂ ચા-પાણી કરી ને જતા રહ્યા હતા.

રૂપલી ને એ માદળિયું પહેરવાનો મોકો જ ક્યાં મળ્યો હતો?. એ પહેલા તો આખું બધું અસ્તવ્યસ્ત થઇ ગયું હતું એના જીવનમાં. હવે જ્યારે યાદ કરે છે ત્યારે બીજું કશું જ યાદ નથી આવતું બસ જાણે ઘોર અંધારું ચારેબાજુ.

જો પોતે જેલમાં ના ગઇ હોત તો એ પેલા વેલ્ફેર ઓફીસર બેનને પણ ના મળી હોત ને આટલી સમજણ પણ ના પડી હોત. ધીરે ધીરે એને સમજાયું હતું કે જગલાનું સતીરાણી જોડે કેટલાય વખતથી લફડું ચાલતું હતું ને એ બાબતે ઘરમાં કેટલીય વાર કંકાસ થયો હતો ને ગામમાં બદનામી.

બંને છોકરીઓને સાસરે ઠેકાણે પાડીને પૂરા રોફ સાથે મોટી વહુ પાછી ફરી હતી. વિધવા ભાભીએ આવતાની સાથે કકળાટ વહોરી લીધો હતો સાસુ સાથે. “તમારો છોકરો જ આવ્યો’તો અને મારે પગે પડીને મને પાછી બોલાવી લાવ્યો છે.”

રૂપલીને એની માએ સમજાવી હતી. “દિયર-ભાભીના આવા સંબંધો કંઈ નવી વાત નથી બેટા, આવા પુરુષો સમાજ ખાતર લગન પણ કરે, ને એવું તો બધે ચાલ્યા કરતું હોય”.

હા. આવું બધે થતું જ હશે. નવાઈ નહીં. પણ રૂપલીને એનો જરા પણ અણસાર નહોતો આવ્યો.

જેઠાણી સાથે જગલાના તોફાનો, અડપલા, મોડી રાત સુધી એના ખાટલે બેસીને બંનેની રાસલીલા એનાથી અજાણ્યા તો નહોતા જ. ખટકતા પણ ખરાં.

ઘટનાના બે દિવસ પહેલા રૂપલીએ જગલાને કહ્યું પણ હતું. “મને મારે પિયર મૂકી જાઓ, વૈશાખ સુધી હવે હું રાહ નહીં જોઈ શકું”.


“કેમ અલી, હું તારી પાંહે નથી હોતો?”

ક્યારે આવો છો કોને ખબર?, આખો દિવસના ઢસરડા પછી રાત્રે પથારી ભેગા થતાં જ ઊંઘી જાઉં છું.”

“મૂઈ આખો દી ભેંસ ની જેમ પડી હોય છે તે કોઈક કોઈક વાર તમાકુ ખાવા બહાર જતો રહું છું”.

“દરવાજે સાંકળ કેમ નથી લગાડતા”

“લગાડી દઈશ, લગાડી દઈશ બાપા”

 

જગલો કોઈ દી ઊંચા અવાજે બોલતો નહી, ભલું બુરું સંભળાવતો નહીં, વહાલ ઉભરાય ત્યારે મીઠું મીઠું બોલીને રૂપલીને બાથમાં ભરી લેતો ને રૂપલી ઓગળી જતી. પણ પછી રૂપલી ને સમજાયું આ તો જગલો નાટક કરતો. તે આમેય તે નાટક કરવા એને બહું સારા આવડતા. ગામની નાટકમંડળીમાં જોડાયેલો હતો. પૌરાણિક, સામાજિક કોણ જાણે કેટલી જાતના નાટક.

 

ઘટના ને આગલે દહાડે કોણ જાણે શા કારણે દિયર-ભાભીમાં જોરદાર ઝગડો થયો હતો.

પછી જગલો બબડતો બબડતો આવ્યો હતો રૂપલી પાસે. “ડાકણ છે મૂઈ, કંકાસની જડ, ઉંમર તો છેક ૩૨ની થઇ ગઇ છે, મારાથી તો મોટી છે તોય..બંને છોડીઓને તો માંડ માંડ મામાએ ઠેકાણે પાડી, એ બંને પણ હવે તો ૧૮ ને ૧૬ની થઇ. કેટલું કહ્યું હવે તો હેઠી પડ. શાંત થા, રાંડ”

 

“સોનકી એટલે મારી ઉંમરની છે?”

 

“હાસ્તો”

 

“અરરર, છી છી..”

 

“છી છીની જ વાત છે ને. માન્યું કે તાળી એક હાથે નો પડે, પણ હવે તો તુંય આવી ગઇ છો, હવે તો હખણી રહેવી જોઈએ ને. પણ સાલીની બુદ્ધિના બારણા જ બંધ છે તે”

 

જગલો હાચું બોલતો હતો? કદાચ. ચોક્કસ બંને દિયર-ભોજાઇ વચ્ચે કૈક વાત બગડી છે એટલે જ જેઠાણી આજ સવારથી ફૂંફાડા મારતી ફરે છે.

 “અલી રૂપલી, તને લાગતું હોય ને કે જગલાને તું પામીશ તો ખાંડ ખાં, એને તો મેં એવો બાંધી રાખ્યો છે ને સાંકળમાં મારી, તારા પર મરસે ઇ વાત જ ભૂલી જા”

 

“અરરર ભાભી, તમને શરમ નથી આવતી?”

 “શરમ આવે મારા દુશ્મનોને, સાલો હવે મને કહે છે કે ભાભી સાચવો ને હખણા રહો નહીતો હાલતી પકડો, એટલી હિંમત?”

 “જુઓ હું તો ઉંમરમાં તમારી છોડી જેવડી છું, ખ્યાલ છે તમને?”

 

“ તે મને શું કહે છે?. તારો ધણી આવે છે પૂંછડી પટપટાવતો મારી પાંહે, તાકાત હોય તો એને બાંધીને રાખ. ને તોય તારાથી બંધાવાનો નથી યાદ રાખજે. મારી આગળ તું જીતી શકવાની નથી જોજે. ઉંધે માથે પડીશ, ઉંધે માથે. રીંછ ને સાંકળે બાંધવાથી ઘોડાપૂર અટકે નહીં”.

 

સાંકળે બાંધવાના બબ્બે અર્થ થતા હતાં. જગલો બારણે લગાડવાની સાંકળ લેવા જ ગયો હતો. ને મિસ્ત્રીને બોલાવીને કામ પૂરું કરવું હતું. એમાંથી જ વાતનું વતેસર થયું હતું. જાતજાતના ભવાડા પછી પોતાનો ધણી પાછો આવવા માંગે છે એ વિચારે રૂપલીને છાતીમાં જોર આવ્યું હતું. ને આ બાઈ એ કોઈ કાળે થવા નહીં દે એય જાણતી હતી.

 

રૂપલીને શૂર ચડ્યું હતું અને એ શૂરમાંજ ચીસો પાડતાં જેઠાણીને શાપ આપતા સંભળાવ્યું હતું, “સાલી બેશરમ બૈરી, બબ્બે છોડીઓને ત્યાં છોકરા રમાડવાની ઉંમરે, રેશમી સાડલા ઓઢીને અંગો ઝૂલાવતી ફર્યા કરે છે તે તને બે કોડીની લાજ શરમ છે કે નહીં રાંડી રાંડની?”

 

દેરાણીનું શૂર જોઇને જેઠાણી વધુ ઉશ્કેરાઈ હતી. “રૂપલી ગામ આખાના મહેણાં સાંભળીને પણ હું બદલાઈ નથી. ને તું જો અત્યારે સાવ પારેવા જેવી ફફડી રહી છે. તે તારો ધણી અમથો મારી સોડમાં ભરાય છે? કેટકેટલી વાર પાછો ઠેલ્યો ને તોય..”

 

આ ધમાસાણના પડઘા બધાએ ઝીલ્યા હતાં. ને બધાએ જ બાતમી આપી હતી પોલીસને

 

ત્યારે સાસુએ સાવ કોરા અવાજે કહ્યું “આટલી ધમાલ શાની હતી કંઈ ખબર નથી સાહેબ”.

 

ને પછી પેલી સવારનું બિહામણું દ્રશ્ય. પોલીસ થાણું, પોલીસો, ભીડ, એક છકડામાં જેઠાણીનો દેહ અને બીજા છકડામાં રૂપલી પોતે, જગલો, સાસુ, પોલીસ.

 

પોલીસે કહ્યું’તું “પૂછપરછ કરવા લઇ જઈએ છે બસ.”

 

ઘણા વખત પછી રૂપલી એ મનોમન નક્કી કર્યું હતું, જગલાને ચોક્કસ પૂછીશ. “કે વારે વારે બધા જેઠાણીનાં ટુકડે ટુકડા કરીને દેરાણી આરામથી ઊંઘી ગઇ હતી એવું કેમ રટ્યા કરે છે. એણે તો ખૂન કર્યું જ ક્યાં હતું?”

પણ જગલો ક્યારેય દેખાયો જ નહોતો પછી.

હા, એણે પોલીસ ને બધું સાવ સાચું કહી દીધું હતું અને એ જ એની વિરુદ્ધમાં જશે એવી એને ક્યાં સમઝણ હતી?. કહ્યું’તું એણે કે “એના વરનો જેઠાણી જોડે આડો સંબંધ હતો. આડોશી પાડોશીએ પણ એ જ કહ્યું’તું. એણે પોતે જોયું હતું. સતીરાણી એ પોતે ગળું ફાડીને કબુલ્યું હતું.

હા, પોતે પણ જેઠાણીને તે દિવસે ગમે તેમ કહ્યું હતું”

 

પણ સાંકળ? એ તો એણે નહોતી ખોલી, જેઠાણીના ઘરેણા? એ તો એણે જોયા જ નહોતા કદી”. હા, જગલો હંધું જાણતો.

 

બીજી તરફ રૂપલીનો બાપુ માથું પછાડી પછાડીને એક જ વાત કહી રહ્યો હતો. “મારી છોડી ઓગણીસની નથી સાહેબ, એ તો ગરીબ ગાય જેવી છે. આવા કામ નો કરી હકે, મને થોડી ખબર હતી કે જમાઈના આડા સંબંધો છે. જાણતો હોત તો દિકરી દેત?..અમેય લગન ટાણે ત્રણ તોલા ચાંદી ને એક તોલો સોનું દીધું હતું સાહેબ”

 

રૂપલીનો બનેવી સાવ સુક્કા અવાજે કહી રહ્યો હતો “કશો ફેર પડવાનો નથી, જગલાએ  બહુ ચાલાકીથી આપણી છોડીને ફસાવી છે, ખાસ્સા રૂપિયા દબાવ્યા હશે એણે”

 

અડોશ-પડોશ?, એ કયે દહાડે સાક્ષી બનીને સાચી વાત કરવાના?

“હે ભગવાન, આ કેવો ન્યાય તોળે છે?. જગલાને પોતાને માથેથી ભોજાઇ અને રૂપલી એમ બંને બલા ટાળવી હતી. થોડા દિવસો સુધી મામલો ચાલ્યો. સરકારે રૂપલીને વકીલ આપ્યો કારણકે રૂપલીના બાપુ પાસે ક્યાં એટલી ત્રેવડ હતી કે છોડીને બચાવવા વકીલ રોકે. ને કેસ તો લાંબા ચાલે.

શરૂ શરૂમાં તો રૂપલી સાવ ભાવહીન થઇને એકની એક વાત કર્યે જતી. જાણે એને સમજાતું જ નહી કે જે ગુન્હો એણે કર્યો જ નથી એનું આળ એને માથે પુરવાર થવાનું છે.

 

વેલ્ફેર ઓફીસર જમના એનાથી ઉંમરમાં મોટી હતી એને પૂછ્યું કેમ ના પુરવાર થાય?”

રૂપલીએ ભોળપણથી પૂછ્યું, “ખોટી વાત સાચી કેવી રીતે પુરવાર થાય?”

જમનાએ એને સમજાવી હતી, “આ પોલીસ અને કાયદાની દુનિયા બહુ જુદી હોય છે ગાંડી, અહીયાં જે સાબિત કરવાનું હોય છે એ પહેલેથી નક્કી હોય છે. એ જ સાબિત પણ થાય છે. એક ચકરડું છે જે ફર્યા જ કરે છે સતત”. ને સાથે રૂપલી જેવી કેટલીએ છોકરીઓનું જીવન કચડી નાખે છે.

 

રૂપલી એ હાથમાં દાંતરડું લઇને પૂછ્યું હતું, “મેં આનાથી મારી ઓલીને?, મારા વરે જોઈ’તી મને?”

 

જગલા એ હાહાકાર થયો હોય એવા અવાજે બરાડો પાડ્યો હતો, “મારવાની વાત તો કરી હતી, પછી જ્યારે હું વહેલી પરોઢે ખેતરેથી પાછો ફર્યો ત્યારે તો...”

 સાસુને તો જોકે, કોઈએ અદાલતમાં બોલાવી જ નહોતી.

૧૯૭૯નું એ વરસ હતું. દહેજને નામે પત્ની કે વહુની હત્યાના મામલાઓએ ચકચાર જગાવી નહોતી. પતિઓ કે સાસુઓને ગુનેગાર ગણવાના દિવસો હજુ આવ્યા નહોતા.. સમાજ એટલો જાગરુક થયો નહોતો. ને એટલે જ રૂપલીની વ્હારે કોઈ કાયદો ન આવ્યો.

નીચલી કોર્ટે જ એને આજીવન કેદની સજા સંભળાવી દીધી. કોઈ એની ઉપલી કોર્ટમાં અપીલ કરવા આગળ નહોતું આવ્યું. કોણ આવત?

 

જમના કહેતી, “બાવીસ દિવસના મારા છોકરાનું માથું મારા દૂધ ભરેલા સ્તન સાથે દબાયું ને છોકરો ગૂંગળાઈને મરી ગયો. હું અહીં એની સજા ભોગવી જ રહી છું ને”.

એ રૂપલી ને બહુ સમજાવતી. “શું કામ ગૂંગળાઈને જીવી રહી છે અહીયાં. મહેનત કર. પૈસા કમા ને શાંતિથી રહે. અહીંથી છૂટીશ પછી એક દુકાન કરજે. એકલો જીવ છો ને તે નભી જઈશ. કે પછી પાછી જઈશ પેલા ધણીનું ઘર વસાવવા?”

 

“કોણ ધણી? અહીંયાં કોણ આવે જ છે આમેય? પહેલા બાપૂ આવતા હવે ભાઈ આવે છે”.

 

“એટલું તો છે ને એ જ મોટી વાત છે, બહાર જઈને એક માથે છાપરું તો છે ને.”

“પુરુષ આજીવન કેદ થયા પછી જો છૂટી જાય તો બહાર એક ઘેર પાછો જઈ શકે છે. એને પોતાને ઘેર..સ્ત્રી તો..”

“બાપૂ અને ભાઈ તો જાણે છે કે હું નિર્દોષ છું ને”

“ને પેલો તારો વર? જોજે એ તો ફરી પોતાનું ઘર વસાવીને મોજ થી રહેતો હશે”

“ત્રીજી વાર ઘર માંડશે? કોઈ આપશે એને દીકરી?”

“કેમ ના મળે? એવા ભાયડાઓ ને છોડીઓ મળી પણ જાય”

 

જેલ માંથી છૂટીને એક્દમ ઓછું બોલતી રૂપલી, બે હજાર છસ્સો ચાર રૂપિયાની માલિક બની ગઈ હતી. રસ્તે આવીને ચાલવા માંડી.

ભાઈએ કહ્યું “હવે અમે બીજા ગામમાં રહેવા જતાં રહ્યા છીએ”.

“ને ગામનાં ઘર-ખેતરો?”, રૂપલી એ પૂછ્યું.

“બધું વેચી સાટી દીધું. ત્યાં વાતો સિવાય બીજું હતું પણ શું?. મોટી મોટી વાતો બસ.”

બાપૂ એ ઘર બનાવી લીધું?”

હા, થોડું અંદરથી છે હજુ પાકો રસ્તો બન્યો નથી ત્યાં સુધી. પણ બની જશે. વીજળીના થાંબલાં પણ આવી રહ્યા છે.”

“તારે હવે છકડા કેટલા?”

“મારો એક ને બીજા આઠ ભાડે ફરે છે”

“લગન નો કર્યાં?”

“કર્યાંને, એ મારો સસરો જ લઇ આવ્યો ને અમને અહીયાં”

 

“ઓલા લોકોની કાંઈ ખબર?”

“કોણ રાખે ખબર? કોને પૂછવાની ખબર?. હા બનેવી કહેતા હતા કે મા તો ગુજરી ગઇ. ઘર તો માંડ્યું એણે, પણ બૈરી ભાગી ગઇ. હવે પાછો દલાલ રોક્યો છે, છોકરી શોધવા માટે. સગાં-વ્હાલાંએ સંબંધ તોડી નાખ્યા. ખેતરોય વેચાઈ ગયા”. તે દિવસે બનેવીને કહેતો હતો. “બબ્બે બૈરીઓ લાવવી જ રહી. બંને મહેનત કરે, અંદર અંદર ભલે બાઝે પણ રોટલા ઘડે તો જ પોતાને ખવડાવે ને”.

 

“જોકે, એ તો કાંઈ પણ બોલી શકે એવો છે”

 

“તું જવાની ત્યાં?”

 

“ આ જન્મારે તો નહી જ. પણ તમારે માથે નહીં પડું. શાક પાંદડુ વેચીને પણ બે પૈસા કમાઈ લઈશ.”

“એ બધું પછી જોયું જશે, મારો સસરો કોણ છે ખબર છે?

એ જ જીવલો?, જે મારે માટે માંગુ લઇ આવ્યો હતો?

હા એ જ, હવે એટલો પસ્તાઈ રહ્યો છે એટલે જ અમને અહીયાં લઇ આવ્યો છે”

“બાપુ એ બધું વેચી સાટી દીધું?”

હા, અહી આવીને એમણે જનરેટર લીધું, હવે ભાડે આપી ને કમાય છે એમાંથી”

“સારા લોકો લાગે છે, કાલે હું નાની લીમડી જઈશ”

“ત્યાં કેમ મોટીબેન?”

ત્યાં જમનાનું ઘર છે. અમે બંને મળીને કૈક ધંધો કરવાના છીએ. હવે એટલી મૂડી તો છે મારી પાસે.

“પણ મા-બાપૂ અહીયાં?”

“ ના નાનકા, હું અહીંયાં રહીશ તો લોકો ફોલી ખાશે. જાત જાતની વાતોથી મારું મન ચકરાવે ચડશે. ને મા-બાપૂ ને તમારે બધાયે નક્કામી બદનામી વહોરવી પડશે મારે લીધે”.

 

“કોઈ ના કરે એવું”

 

“બધાજ કરશે નાનકા, દોષી હોય કે નિર્દોષ એક જેલની સજા ભોગવીને આવેલી સ્ત્રી...ને એ પણ ખૂનના મામલામાં...કોઈ નાનીસૂની વાત નથી”.

 

પણ તે ક્યાં ખૂન કર્યુ’તું મોટીબેન?”

 

“પણ જેલ તો જઈ આવીને? સજા તો ભોગીવીને?”

 

ઘરમાં મા-બાપૂ, બેન બનેવી, નાનકો ને એની વહુ-છોકરા બધા જ હતા.

બેન બોલી, “આડોશ પાડોશ ના બધા આવવા આતુર હતા. મેં જ ના પાડી”.

 “ખૂન કર્યું કે ના કર્યું, જે કાળી ટીલડી લાગી એ તો લાગી જ ને બેન?”

 

મા-બાપૂ બહુ વ્હાલથી મળ્યા ને બોલ્યા, “આજે આરામ કરી લે દીકરા, કાલે પછી શાંતિથી તારી શુદ્ધિ કરાવવી છે”.

 “કેમ મા?”

“ જેલવાસ કરી આવી છે, જાતિ-કુજાતિ સાથે રહી હોય..”

“ સારું કરી લેજો, પણ મારે નાની લીમડી જવું છે એક આંટો મારી આવીશ”

“કેમ, વળી ત્યાં શું છે હવે?”

“ત્યાં જમનાનું ઘર છે, એ શાક પાંદડું વેચી ને બે પૈસા કમાય, હુંયે ત્યાં રહીને ગુજરાન ચલાવીશ...અહીયાં રહીશ તો..”

મા શું કહે બિચારી, “મારી છાતીએથી હવે અળગી નો થા”, બાપુ બોલ્યા, “ના રૂપલી ક્યાંય નથી જાવું હવે તારે”

પણ મોટી બેન બોલી, “જાવા દે એને, ઇજ બરાબર છે. અહીયાં રહેશે તો નકામી લોકો વાતો કરશે ને હજાર જાતની માથાકૂટ થશે”

રૂપલીનું મન ફરી ફરીને એજ કહી રહ્યું હતું. ઘણું બધું બદલાઈ ગયું છે પંદર વરસમાં. આ એનું ઘર નથી.

બીજે દહાડે એ નાની લીમડી જવા એકલી જ નીકળી ગઇ.

 

બાપૂ રડી પડ્યા હતા “કેમ અલી સવલી, હું સાવ એવો કંગાળ છું કે તને બે ટંક ખવડાવી પણ નહી હકું?

 

“એવું નથી બાપૂ, પણ હું અહીં રહી તો...”

 

“ધાર કે તને ત્યાં જમનાની ભાળ નો મળી તો?”

“મળશે મળશે, ને ના મળી તો અહીં જ આવીશ ને, આહીં રહીને તમારે માટે ક્યાં તકલીફ ઉભી કરું? આ મોટીબેન, નાનકાના છોકરાં પરણશે ત્યારે આવીશ. મોજ કરીશ ને પાછી વળી જઈશ.”

“તને બધું સરનામું ખબર છે બરાબર?”

 

આમ તો રૂપલીને સરનામાની ખાસ કશી ગતાગમ નહોતી. પણ એવું ઘરમાં જાહેર કરી શકાય એમ નહોતું. વેલ્ફેર ઓફીસર જમનાએ એક ચબરખી પર સરનામું લખી આપ્યું હતું. પણ જાશે કેવી રીતે? જમના ભટ્ટ, વિકલ્પ આશ્રય, નારી કલ્યાણ કેન્દ્ર, નાની લીમડી. હં, ગમે તેમ પહોંચી તો જશે જ. પણ એક વાર ધણીના દર્શન તો કરી લે.

 

છેક સાંજે એની ગાડી પહોંચી. મકાન શોધવામાં તો તકલીફ પડે એમ જ નહોતી. ઘરના બારણાની આડશે રૂપલી સંતાઈ ને બેસી રહી. થોડી વારે જગલો અડબડીયા ખાતો આવી પહોંચ્યો. ચાવીથી તાળું ખોલ્યુંને અંદર ગયો. રૂપલી ત્યાં જ બેસી રહી.

 

થોડી વાર પછી એ ઓરડામાં દાખલ થઇ. જગલો એ જ ખાટલામાં સૂતો હતો જેમાં, એ પોતે ક્યારેક સુખ-દુઃખના દહાડામાં સૂતી હતી.

 

જેઠાણીવાળો ઓરડો ખુલ્લો જ હતો. આખા ઘરમાં અંધારું ધબ્બ. એક નાનકડા ટિમટિમિયા દીવાનો આછો પ્રકાશ ઓરડામાં પથરાયેલો હતો. જગલો એવો જ ચુસ્ત દેહવાળો, તંદુરસ્ત ચહેરો. કમર પર લુંગી વીંટાળીને ઉપર ગંજી પહેરીને પડ્યો હતો.

રૂપલી એ એક ધક્કે ઓછાડ ખસેડ્યું ને જગલાને જગાડ્યો.

 

“સાંભળો, સાંભળો છો?”, મારી વાત સાંભળો”

 

જગલાએ ઉહંકારો કર્યો.

 

“સાંભળો”

 

જગલા એ માંડ આંખો ખોલી, “તું ..તૂઊઊ આહીં?”

 

“હા, હું ઓળખાણ પડી?”

 

તું આહીં ક્યાંથી?

 

તો ક્યાં જાઉં?

 

તું આહીં શું કરવા.આ....?

 

“હિસાબ લેવા”

 

હિસાબ?...ક ક..કેવો હિસાબ?”

 

પોતે જેઠાણીના ટૂકડે ટૂકડા કર્યા ને આળ મારે માથે?”

 

ના..ન.ના..એ તો સમયનું ચક્કર હતું બધું...”

 

“આળ પણ મારે માથે, સજા પણ હું ભોગવી આવી, વગર ગુનાની સજા ભોગવી છે તો હવે થાય છે કે ગુનો કરી જ નાખું..ચૌદ ચૌદ વરસ સુધી એ જ વિચાર્યા કર્યું”

 

ન..ના..ના..” જગલો અડબડીયા ખાતો ઉભો થવા મથી રહ્યો

 

ના ના કર્યા સિવાય બીજું કશું આવડે છે ખરું?”

રૂપલીએ દીવો ફૂંક મારી ને ઓલવી દીધો.

 

જગલાના ખૂન માટે એના કોઈ સગા મગનલાલ પર છેલ્લા વીસ વરસથી કોર્ટમાં મામલો ચાલુ છે. એ સિવાયના પણ અનેક નાના મોટા ઝગડા, બળાત્કાર જેવા ગુનામાં એને સંડોવવામાં આવ્યો હતો.

 

જગલો છકડામાં સૂતો સૂતો વિદાય થયો ત્યારે ગામલોકોએ કહ્યું. “હાશ, પાપ ગયું”. રુપલીના નામનો કોઈને વિચાર સુદ્ધાં ના આવ્યો. હા, કોકે, એ સાંજે એક સ્ત્રી ને ઘરમાં દાખલ થતાં જોઈ હતી પણ એ તો એ ઘરમાં રોજ કોક અજાણી સ્ત્રી ક્યાં નહોતી પેસતી?

 

નાની લીમડીમાં શાક વેચતી રૂપલીને ખબર મળ્યા કે એ વિધવા થઇ ગઇ છે. નાનકો જ ખબર લઇ ને આવ્યો હતો.

રૂપલી એ છણકો કર્યો હતો કે “જો, નાનકા, ધંધાધાપાનો ટેમ છે. ખોટી નો કર, હું સધ્વા હતી જ ક્યારે તે હવે વિધવા થાઉં?”

નાનકો નોચું મોં ઘાલી ને પાછો ફરી ગયો હતો

 

મૂળ લેખિકા: મહાશ્વેતા દેવી

મૂળ વાર્તા : રૂપસી મન્ના

અનુવાદ: ખેવના દેસાઈ

Views: 616

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by HASMUKH M. SHAH on September 19, 2016 at 8:20pm

Enjoyable story.

Comment by Vipul on September 19, 2016 at 4:48pm
Nice story

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service