કવિતા માનસિક-ઔષધ છે પણ કવિ-વૈધ તે દુ:ખમાંથી પેદા કરે છે !કવિઓ લાંબું જીવે છે તેવું પિશ્ચમના આરોગ્ય નિષ્ણાતોનો મત છે.
કવિઓ એક પ્રકારના સાયકિયાટ્રીની કૉલેજની ડિગ્રી લીધા વગરના માનસોપચારક હોય છે. કવિ પોતે એકલતા કે ડિપ્રેશનમાં પીડાઈને તમને ડિપ્રેશનમાંથી બહાર લાવવાનું સંગીતમય અને ફિલોસોફિકલ ઔષધ આપે છે.
કવિ થોમસ મર્ટને કહેલું કે આપણે જયારે અકથ્ય પીડા ભોગવતા હોઈએ ત્યારે તેને ઈશ્વરની પ્રસાદી માનીને ભોગવવી જૉઈએ. સુરેન્દ્રનગર નજીક મૂળ ચૂડાના કવિ મીનપિયાસી પણ થોમસ મર્ટનની જેમ કહેતા કે ઈશ્વરે આપણે માટે કરેલા નિર્માણમાં બહુ દખલ કે ડબડબ કરવી ન જૉઈએ. સરન્ડર થતાં પણ શીખવું જૉઈએ.
કવિ મીનપિયાસીએ તેમની પીડામાંથી જ બધું સજર્યું. માનવીને માટે કવિતાનું અમૃતરસપાન પીરસવા કવિઓએ જાણે જાતે પીડાવું અનિવાર્ય છે. એમની પીડામાંથી તે કવિતાનું સર્જન કરે છે, બીજાનાં દુ:ખ માટે એક ઉત્તમ ઔષધ બને છે.
કવિઓ ચક્રમ ગણાતા. ઘણા કવિ પિયક્કડ ગણાતા.કવિ મીનપિયાસી (દિનકરરાય વૈધ-ભાવનગર)સતત ગરીબીમાં જીવીને આપણને ઉત્તમ કવિતા આપી ગયા. જૉ આમિર ખાન ગુજરાતી જાણતો હોત તો મીનપિયાસીની આ કવિતા તેના બાળ હીરો ઈશાન અવસ્થી પાસે કડકડાટ ગવડાવી ગયો હોત. આ રહી મીનપિયાસી નામના કુદરત પ્રેમીની એ કવિતા:
કબૂતરોનું ઘૂઘૂઘૂ
કોયલ કુંજે કૂકૂકૂ ને ભમરા ગુંજે ગૂંગૂંગૂં
ચકલા-ઉંદર ચૂંચૂંચૂં ને છછૂંદરોનું છુંછુંછું...
આ કવિતા એટલી ચોટદાર છે કે ૨૧મી સદીમાં તેના રસદર્શનની જરૂર નથી. ૨૦મી સદીના આયરીશ કવિ સિયેમસ હીનીને પૃથ્વીનાં ચાર તત્ત્વોના કવિ કહેવાતા.ચાર તત્ત્વોમાં પૃથ્વી, હવા, પાણી અને આકાશ એ તમામ તત્ત્વોને વણી લઈ કવિતા લખતા પણ આપણા કવિ મીનપિયાસી તો ચોખ્ખા પૃથ્વી એટલે કે માટી અને ઢેફાંના જ કવિ હતા.
આજના ખેડૂતોએ આપઘાત કરવો પડે છે પણ આપણા ઢેફાના કવિઓ તેમના હૃદયની જ પીડા નહીં પણ આર્થિક પીડા સાથે સાથે આપણને પ્રેરણા આપતી કવિતા પીરસતા અને દરિદ્રતામાં જીવતા. આજે કવિઓ સમૃદ્ધ છે. જૉકે કવિતામાંથી સમૃદ્ધ થયા નથી.
અંગ્રેજ કવિ થોમસ ચેટરટનને તેના પિતાએ સ્કૂલમાં ભણવા જ ન મોકલ્યો. પિતા દેવું કરીને મરી ગયા. પિતાની ડાયરી વાંચીને ચેટરટન ૧૦ની ઉંમરે કવિતા લખતો થયો. પેટ ભરવા માટે વકીલમાં કારકુની કરવી પડી. પૈસામાં રસ નહોતો. કવિતા થકી જ જીવવું હતું. તેનો સોલિસિટર-માલિક નોકરીમાંથી છૂટા કરતો નહીં. એટલે આપઘાતની ધમકી આપી.
પછી છૂટો થઈ માત્ર કવિતા લખતો થયો, પણ કોઈ કવિતા છાપે નહીં. આખરે દારૂની બાટલીમાંથી જ પોતાની પીડા ભૂલતો કવિ રોબર્ટ પોટસ કહે છે કે અમે બધા કવિઓ દારૂડિયા છીએ તેવી છાપ છે, પણ તેના કરતાં ગરીબી એ જ અમારો કવિઓનો જાણે જન્મસિદ્ધ હક્ક હતો. સૌરાષ્ટ્રના તમામ દૂબળા કવિઓ તગડી કવિતા આપીને ગરીબીમાં જીવતા હતા.
કવિ અને કવિતા ત્યારે બિચારાં હતાં. ડાયલાન થોમસ નામના અંગ્રેજ કવિ છેક ૨૦મી સદી સુધી ગરીબીમાં હતા અને મિત્રો પાસેથી ઉછીના લઈને જીવતા. જેમ્સ ફેન્ટન નામના કવિનું કવિતાથી પેટ ન ભરાયું ત્યારે પત્રકાર થયા.અંગ્રેજ કવિ ડબ્લ્યુ. એચ. ઓડેન પણ કવિતાનું બહુમૂલ્ય કરાવી શકયા નહીં, એટલે નાટકકાર બન્યા. તેમણે કવિતા માટે કહી નાખ્યું કે ‘પોએટ્રી મેઈકસ નથિંગ હેપન.’- કવિતાથી કંઈ વળતું નથી.
કવિ મીનપિયાસી ભલે પોતે ગરીબીમાં મરી ગયા પણ ૨૧મી સદીમાં કવિનું જે મૂલ્ય થાય છે તે જૉઈને તેમને થાય કે વહેલા જન્મી ગયા. હવે મોટી મોટી કંપનીઓ કવિઓને ઊંચા પગારે નોકરીમાં રાખે છે. બોઈંગ વિમાન કંપની પાસે પોએટ્રી-એકિઝકયુટિવ છે.
ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ, બોલિવૂડના નિર્માતા કરણ જૉહર અને ઈન્ફોટેકના મહારાજા અઝીમ પ્રેમજી કવિતાના ચાહક છે, પણ ધંધામાં એક રતિભાર છોડતા નથી. પ્રથમ પરમાણુબૉમ્બના પિતામહ રોબર્ટ જે. ઓપનહેમર કવિતાના ચાહક હતા. ગીતાના શ્લોકો મોઢે હતા. પણ એ કવિતાપ્રેમ તેને પરમાણુબૉમ્બ પેદા કરતા રોકી શકયો નહીં.
હવે કવિતામાંથી પણ પૈસા મળવા માંડયા છે પણ કવિતાનો એક પૈસોય પુરસ્કાર મળતો નહીં ત્યારે કવિ કાંતે (ભાવનગરના મણિશંકર રત્નજી ભટ્ટ) બળકટ કવિતાઓ લખી તેવી કવિતા લખાતી નથી. અમેરિકાની શેરબજારને વૉલસ્ટ્રીટ કહે છે તે શેરબજારના એકિઝકયુટિવ જૉન બાર અમેરિકાની પોયેટ્રી ફાઉન્ડેશનના પ્રમુખ છે.
તેમને કવિતા મંડળ સાથે જૉડાયેલા જૉઈને રૂથ લીલી નામની અબજપતિ બાઈએ ‘‘પોએટ્રી’’ મેગેઝિન માટે ૨૦ કરોડ ડૉલર આપ્યા છે! પરંતુ કેટલા લોકો જાણે છે કે કવિ સુરેશ દલાલના સંપાદનવાળું ૪૦ વર્ષથી નુકસાન કરતું ‘કવિતા’નું મેગેઝિન મુંબઈના પૂર્વપ્રધાન શાંતિલાલ શાહ અને હાલના દેના બ÷ન્કવાળા પ્રવીણચંદ્ર ગાંધી ચલાવે છે? પરંતુ યાદ રાખો કે કવિતા કદી જ ખોટનો ધંધો નથી.
કવિ મીનપિયાસી અભાવોવાળી અને વિરહવાળી જિંદગી જીવ્યા છે. પેટ ભરવા આટો દળવાની ઘંટી ચલાવી છે. રાત્રે ઊંઘ આવે નહીં અને કવિતા કરતાં કરતાં આટાની ઘંટીના ઘરઘરાટ વરચે ઊંઘી જાય. તમે કલ્પના કરી શકો કે એક શબ્દનો સ્વામી ઘંટી ચલાવીને નીચેની કવિતા રચી શકે? માતા, પિતા અને પત્નીના વિરહમાં સતત કવિતાઓ રચી:-
આ સૃષ્ટિનો હું શાહ કવિ!
નભગંગાને કાંઠે બેસી ગીત, ગગનમાં ગાતો
તારલીઓનાં નેણ નચવતાં તેજતિમિરમાં નહાતો
ઘોર નિરાશા-તિમિરો વરચે તેજ આશનો રમ્ય કવિ
આ સૃષ્ટિનો હું શાહ કવિ...
કવિ મીનપિયાસીના જમાનામાં ડિપ્રેશન જેવો શબ્દ પ્રચલિત નહોતો. આજથી ૧૫ વર્ષ પહેલાં કવિઓ, લેખકો અને નાટકકારોનાં આરોગ્ય, પ્રેમ જીવન, ગૃહસ્થી જીવન વિષે યુરોપમાં સર્વે થયેલો.લીઝ હંટે નામના આરોગ્યલેખકે યુવાન લેખકોને સલાહ આપેલી કે જૉ તમારે સારું સ્વાસ્થ્ય, સંતોષજનક સેકસ લાઈફ અને દીઘર્ જીવન ભોગવવું હોય તો તમારી અભિવ્યકિત કાવ્યરૂપે કરજૉ. લેખરૂપે (પ્રોઝ) નહીં, કવિતા માનવીને ડિપ્રેશનમાંથી સુખ લેતાં શીખવે છે.
૧૦૦ જેટલા જાણીતા બ્રિટિશ અને અમેરિકન લેખકોનાં જીવનનો સર્વે કરાયો. તેમાં માલૂમ પડયું કે જૉ અર્નેસ્ટ હેમિંગ્વે નવલકથાકારને બદલે કવિ હોત તો આપઘાત ન કર્યોહોત! એ લોકોનું તારણ નીકળ્યું કે કવિને ડિપ્રેશન ઓછું સતાવે છે. એમને ગૃહસ્થી જીવનની કે સેકસની સમસ્યા નડતી નથી. તાત્પર્ય કે સેકસી થવું હોય તો કવિ થાઓ! કવિઓ લાંબું જીવે છે તેવું પિશ્ચમના આરોગ્ય નિષ્ણાતોનો મત છે.
બ્રિટિશ જર્નલ અૉફ સાયકિયાટ્રીનું તારણ છે કે એકંદરે માત્ર ૩૩ ટકા લેખકો (અને કવિ)એ જ સંતોષજનક લગ્નજીવન ભોગવ્યું હોય છે. નવલકથાકારો અને નાટયકારો પ્રોમીસ્કયુઅસ જીવન જીવે છે, એટલે કે સેકસની બાબતમાં ‘રખડુ ઢોર’ જેવા હોય છે. કવિઓ નવલકથાકાર કરતાં સેકસની બાબતમાં વધુ શિસ્તવાળા હોય છે.
ડૉ. ફેલિકસ પોસ્ટ નામના બ્રિટિશ માનસચિકિત્સકે તારણ કાઢેલું કે મેં ૨૯૧ જેટલા જગવિખ્યાત લેખકો-કવિઓની આત્મકથા વાંચી છે. તેનું તારણ છે કે લેખકો, કવિઓ અને કલાકારો દારૂનો આશરો લે તે સ્વાભાવિક છે, કારણ કે બહારથી આનંદી દેખાતા એ લોકોના હૃદયમાં સતત વલવલાટ હોય છે.
તેથી જ કવિ ડાયલન થોમસે કહેલું, ‘‘કવિતા કયારે શરૂ થાય? મારા ગળામાં જયારે અસહ્ય ડૂમો ભરાય ત્યારે કવિતાની પ્રથમ લીટી પ્રગટે છે!’’
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com