હૃદય સોંસરવું ઊતરી ગયું
બીજલ ધીમા અને દર્દભર્યા અવાજે બોલી: ‘તમારાં મમ્મી અને મારા પપ્પા, બંનેની સ્થિતિ સરખી છે. ન કહેવાય, ન સહેવાય એવી...’ અનુપ એક કાને અને એક ધ્યાને થઇ ગયો.
તે સહેજ મરકીને બોલી: ‘તમે ઓળખતા નથી, એમ હું પણ તમને આમ ક્યાં ઓળખું છું!?’ પછી ખળખળતા ઝરણા જેવું હસવા લાગી. ‘પણ આપણે વરસોથી પરિચિત હોઇએ તેવું લાગે છે.’ બીજલના ચાબુક જેવા સ્વરે અનુપ ચોંકી ગયો. થયું કે પોતે ભયંકર ભૂલ કરી બેઠો છે. સાવ અજાણી યુવતી સાથે આવા એકાંત સ્થળે ન આવવું જોઇએ. ‘શું વિચારમાં પડી ગયા!?’ બીજલના પ્રશ્ને પોતાની તંગડી ઊંચી રાખતાં બોલ્યો: ‘હું એમ વિચારું છું કે, આવી અજાણી જગ્યાએ આવતા તમને કંઇ ડર ન લાગ્યો!?’
બીજલે ધારદાર નજરે અનુપ સામે જોયું પછી આંખો વીંધીને કહ્યું: ‘આ સવાલ તમારી જાતને પૂછો!?’ સાથે સ્પષ્ટતા કરતાં કહ્યું: ‘જાત એટલે કાસ્ટ નહીં, સમજાય છેને મારું કહેવું?’ અનુપ એમ જ સાંભળતો રહ્યો. ‘ડર તમને લાગે છે-આ છોકરી કંઇ આડુંઅવળું કહેશે. ફરિયાદ કરશે તો હાલત નહીં જિંદગી બગડી જશે. આવું મનમાં થાય છે ને!?’ યુવતીએ પોતાને અંદર અને બહારથી આબાદ રીતે પકડી લીધો હતો. પોતે પૂરેપૂરો ફસાઇ ગયો છે. અહીં બચાવનાર પણ કોઇ નથી. અનુપને કમકમાં આવી જાય, ડરી જવાય તેવી બિહામણી કલ્પનાઓ અજગરની જેમ ભરડો લેવા લાગી. અનુપના મોં પરનું નૂર ઊડી ગયું.
પુરાતન-વિજયનગરની પોળોનાં જંગલનું સ્થળ છે. વસંતના પછીનું નવપલ્લવિત નજરાણા જેવું એકાંત નટખટ નટવરની જેમ અડપલાં કરે છે. અનુપને હતું કે યુવતી સાથે પ્રેમાલાપ થશે. પ્રણયના ફાગ ખેલવાની મજા આવશે. પણ મજા માથે પડી હોય તેવું લાગ્યું. થયું કે સહીસલામત નીકળી જવાય તો સારું. શરીરે પરસેવાના રેગાડા ઊતરવા લાગ્યા. યુવાનીની આ મજા ગણો કે સજા પણ એક વખત તો પરિણામની પરવા કર્યા વગર અખતરો કરી જ લે.
અહીં પણ એમ જ બન્યું છે, અનુપ પર બીજલનો ફોન આવ્યો હતો અને તેમાં કહ્યું હતું કે, ‘હું મળવા માગું છું. આપણા મળવાથી બંનેની મૂંઝવણ દૂર થશે!’ અનુપ તો આશ્ચર્યચકિત થઇ ગયો હતો. કોઇ સસ્પેન્શ કથામાંથી પસાર થઇ રહ્યો તેમ થવા લાગ્યું હતું. ‘જુઓ મને આપની વાત સમજાતી નથી.’ ત્યાં વાત વચ્ચેથી કાપીને બીજલ બોલી હતી: ‘મળશો એટલે બધું સમજાઇ જશે અને સમજવા માટે રૂબરૂ મળવું તો પડેને!?’ અનુપ મૌન થઇ ગયો હતો. પછી થોડીવારે કહ્યું હતું, ‘હું આપને વિચારીને કહું છું!’ આમ પણ કોઇ અજાણી સ્થિતિ એકદમ ધસી આવે. સામેની વ્યક્તિ ખૂબ જ ઉતાવળ કરે. લાલચ આપે ત્યારે ખંત અને ધીરજથી કામ લેવું પડે. તેના માટે શંકા ઊભી કરવાના બદલે એક પગથિયું આપી દેવું. ફરી મળીશું તેવો વાયદો કરી લેવો. તેથી સમય તેનું કામ કરી લેશે, સાચી વાત સામે આવીને ઊભી રહેશે. ત્રીજા દિવસે ફરી બીજલનો ફોન આવ્યો હતો.
તેણે કહ્યું હતું: ‘અનુપકુમાર! શાંતિથી વિચારવાના બદલે અશાંત થઇ ગયા છો. જાતજાતના સવાલો સતાવવા લાગ્યા છે, પણ રૂબરૂ મળવામાં તમારે ક્યાં કશું ગુમાવવાનું છે? અને એક છોકરી તરીકે મારે ગુમાવવાનું છે!’ બીજલનું કહેવું તદ્દન સાચું હતું. તેની વાત પર થોડો વિશ્વાસ બેઠો. અનુપને ચાનક પણ ચઢયું. છોકરી સામેથી કહેતી હોય પછી શું? અનુપે હા કહીને પૂછ્યું હતું, ‘બોલો ક્યાં મળીશું!?’ સામે બીજલે કહ્યું હતું, ‘સ્થળ તમારી કલ્પના બહારનું છે. વિજયનગરના પોળોના જંગલમાં!’ પછી અનુપને બોલવાની તક આપ્યા વગર જ ઉમેર્યું હતું: ‘આ સ્થળનું નામ તમારાં મમ્મી પાસેથી ક્યારેક સાંભળ્યું હશે!’ અનુપ તો સ્ટેચ્યુ થઇ ગયો હતો.
ત્યાં બીજલે ઉમેરણ કરતાં કહ્યું હતું: ‘આજે ચૌદ એપ્રિલ, સ્ત્રીઓ અને દલિતોદ્ધારક ભારતરત્ન ડૉ. આંબેડકર જન્મજયંતી છે. આટલી વાત પરથી બધું જ સમજાય તેવા અબુધ તો તમે નથી જ!’ એ રાત્રિએ અનુપ ઊંઘી શક્યો નહોતો. મમ્મીના વિચારો ઘેરી વળ્યા હતા. એક સંતાન માટે આ સ્ત્રી પોતાની લીલીછમ જિંદગીને વેરાનવગડાની માફક પસાર કરી રહી છે. જગતનાં ઝેર પીને જીવી રહી છે. ત્યાં વૃક્ષના છાંયે ઊભા રહેવાનો ઇશારો કરી બીજલ બોલી: ‘અહીં છાંયે, બેસો.’ બંને અબોલપણે બેઠાં રહ્યાં.
નર્યા એકાંતમાં સૂકા પર્ણનો મર્મર અવાજ કર્ણપ્રિય લાગતો હતો. વનરાઇ વિશ્રંભકથાને સાંભળવા પલાંઠી વાળીને બેસી ગઇ હતી. બીજલ ધીમા અને દર્દભર્યા અવાજે બોલી: ‘તમારાં મમ્મી અને મારા પપ્પા, બંનેની સ્થિતિ સરખી છે. ન કહેવાય, ન સહેવાય એવી...’ અનુપ એક કાને અને એક ધ્યાને થઇ ગયો. બીજલ પોતાના વિશે ઘણું બધું જાણે છે. પણ આ બધું શું છે. શું કરવા માગે છે. શું ઇચ્છે છે? તે અનુપને પોતાની સમજ બહારનું હોય તેમ લાગતું હતું. ક્ષણે ક્ષણે મનમાં ચિત્ર બદલાતું હતું.
શ્વાસ ઘૂંટી બીજલ બોલી: ‘તમને નથી લાગતું કે યંગસ્ટર્સ કરતાં પણ આધેડવયની વ્યક્તિઓની સમસ્યા વધારે વિકટ છે!’ વાત તદ્દન સાચી છે. પચાસ વરસ કે તેની આસપાસ પહોંચેલા ઘણા લોકો આમ તો બે ભવ જીવી રહ્યા છે. તે કેડી પર પગપાળા ચાલ્યા છે અને ફોરટ્રેક રોડ પર પણ ચાલે છે. કાગળ પણ લખ્યો છે અને કોમ્પ્યુટર પર ઇ-મેઇલ પણ કરે છે. ગામડાંની ગરીબાઇનો ખ્યાલ છે અને શહેરનો ઝગમગાટ પણ જોયો છે. તે નવા અને જૂના જમાનાનો સંધિકાળ છે. તેનાથી જૂનું છુટતું નથી અને નવું સ્વીકારાતું નથી. વળી, જે વૃદ્ધ છે તેના માટે તો આ જમાનો જાદુઇ નગરી જેવો લાગે છે. તે આજના તાલ અને બેતાલને વિસ્મયથી જુએ છે, સાંભળે છે.
અનુપને થયું કે દાળમાં કંઇક કાળું છે. આ છોકરી ગેમ ખેલી રહી છે. પાછું એમ પણ થયું કે, દીકરી પપ્પાની વાતે ક્યારેય ગેમ ન રમે. અનુપ અબોલ રહ્યો. રડ્યાખડ્યા મુલાકાતીઓ સિવાય પોળોમાં કોઈ નહોતું. પછી એકાએક શું સૂઝી આવ્યું તે અનુપે બીજલને સીધો જ સવાલ કરતાં પૂછ્યું: ‘મારાં મમ્મીના મોંએ આ પોળોનું નામ મેં સંભાળ્યું તેમ તેં તારા પપ્પા પાસેથી સાંભળ્યું છે!?’ સવાલના જવાબ સામે બીજલ મર્મભર્યું હસવા લાગી. પછી બોલી: ‘અહીં તેમની આંખો મળી હતી.’ બીજલની વાત પર સાક્ષી પુરાવતાં હોય એમ વૃક્ષનાં પાંચ-સાત પણોg એક સાથે ખરી પડ્યાં. ‘મેં આ બધું પપ્પાની ડાયરીમાં વાંચ્યું છે.’ પુરુષો આમ લખીને છુટી જાય છે જ્યારે સ્ત્રીઓ લોહીઝાણ ઘટના કે લીલીછમ વેદનાને મનની મંજુષામાં જીવનભર જતનથી સાચવીને, સંઘરીને રાખે છે.
‘કાસ્ટના પ્રશ્નો ત્યારે પણ હતા અને આજે પણ એટલા જ વિકરાળ છે.’ અનુપ જાણે એક શ્લોકમાં આખી ગીતા સમજી ગયો. તે બેસી શક્યો નહીં. ઊભો થઇ આમતેમ ઘૂમરીઓ લેવા લાગ્યો. સામે બીજલની સ્થિતિ પણ એવી જ હતી. હકીકત કહ્યાથી સ્થિતિ સુધરી જતી નથી. બંને તેજીલી તલવાર જેવી નજર ખેંચીને સામસામે ઊભાં રહ્યાં. પોળોનું સમધારણ થયેલું વાતાવરણ બંનેનો સંવાદ સાંભળવા તત્પર બન્યું હતું. અનુપ કશુંક બોલવા ગયો ત્યાં બીજલ ટહુકો કરતી હોય તેમ હળવેકથી બોલી: ‘મમ્મી, પપ્પા માટે નવેસરથી વિચારી ન શકાય!’ બીજલનું કહેવું અનુપના હૃદય સોસરવું ઊતરી ગયું.
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com