આજે જે લેખ લખવા જઈ રહ્યો છું તે માત્ર લેખ નહિ પરંતુ મારી જીંદગી છે. મારું સર્વસ્વ છે, મારો આત્મા છે, મારા ગુરુ , મારા સખા , મારા સુખ દુખ ના ભાગીદાર, ઈશ્વરે નીમેલા મારા જન્મ દાતા અને પાલનહાર મારા પિતા …!
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશે જ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.
પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે…. આવા પિતાઓ સમાજમાં એકાદ- બે ટકા હશે જ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?
પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે.
તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે ” આપણાં નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”.
તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી ને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘો જ વાપરશે.
સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમના જ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે…!
રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?
નોકરી માં એક દિવસ રવિવારે રજા મળતા જ ગામડે ખેતી કામ કરતા પણ મેં જોયેલા છે અને કપાસ ની ગાંસડી માથે ઉચકી ને સેઢા સુધી લાવતા જોયા છે પિતા ને …
બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે…!
માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામે તો પણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે…!
પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એ જ કરવાનું હોય છે…!
પિતા માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે. તો શું કરવું તેનો ડર લાગે છે.
કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.
પહોચ હોય કે ન હોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે…!
ખેંચ ભોગવીને પણ બાળક ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે …!
કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતા જ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડાના પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી…!
બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈન આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી …!
પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે. તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે…!
યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતા જ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે…!
દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરું ને ?
બસ હવે વધુ કઈ નહિ લખી શકું ……I LOVE MY FATHER.
જો તમને આ લેખ અને વાતો ગમી હોય તો શેર કરજો મિત્રો સાથે જેથી કરી ને એમના કોઈક શબ્દો કોઈક માં- બાપ ને વૃધ્ધાશ્રામે જતા અટકાવશે. તો મારો અને તમારો જન્મારો સફળ ગણાશે …!
અમિતકુમાર એમ. રાવલ (ઉધના – સુરત)
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com