Made in India
બે અઠવાડિયાં પહેલાં હું મારા દીકરાને એક ફનફેરમાં લઇ ગયો હતો. મેં ગાડી પાર્ક કરી એ સાથે જ બાજુમાં એક અપમાર્કેટ કહી શકાય એવા મોડલની છ એક વર્ષ પહેલાના રજીસ્ટ્રેશનની ઝગારા મારતી સાબ આવી ઉભી રહી. એમાંથી ભારતીય મૂળના પિતા પુત્ર ઉતર્યા. ઉત્સાહથી ઠેકડા મારતો એમનો દીકરો પાંચ વર્ષનો હશે.
ટીકીટના કાઉન્ટરની લાઈનમાં પણ અમે સાથે જ હતા. ટીકીટમાં એવું હતું કે વીસ પાઉન્ડનાં ચોવીસ ટોકન મળે. અમુક રાઈડ ચાર ટોકન ભાવ લે, અમુક પાંચ, છ, આઠ, જેવી રાઈડ. મેં એ ભાઈને ચોવીસ ટોકન ખરીદતા જોયા. વીસ પાઉન્ડની નોટ ક્લાર્કને આપતી વખતે એમના ચહેરા પર ઉભરી રહ્યા કઠિનાઈના ભાવ પણ જોયા. મને થોડી નવાઈ પણ લાગી. એમની કાર, કાંડા ઘડિયાળ, શૂઝ, રોયલ સ્ટુઅર્ટ ટાર્ટન શર્ટ, બધું એમના ઉંચા ટેસ્ટનો સ્પષ્ટ ખ્યાલ આપતું હતું, અને ઉંચા ટેસ્ટ સસ્તા તો નથી જ આવતા!
પછી મેં પણ ટોકન ખરીદ્યાં અને અમે આનંદમેળામાં ભળી ગયા. ત્રણ દિવસ માટે આવેલા મેળામાં મુંબઈના એસ્સેલ વર્લ્ડમાં છે એ કરતાં પણ સારી કક્ષાનાં સાહસિક મનોરંજન હતાં. એક પણ રાઈડ ચાર ટોકનથી ઓછા ભાવની ન હતી. અમુક માટે આઠ ટોકન પણ ખર્ચવા પડે એવી હતી.
બાઉન્સી કાસલ જેવા અમુકને બાદ કરતાં બધામાં નાના ની સાથે મોટેરાં પણ મજા કરી શકે એવાં એમ્યુઝમેન્ટ હતાં. મેં અને મારા જ્યોતિર્મયે ત્રણેક કલાક ઘણી રાઈડમાં ખૂબ મજા કરી. પછી ઘરે જવાનો સમય થયો, અમે આઈસ્ક્રીમની દુકાન તરફ વળ્યા. દુકાન પાછળ જ એક યાંત્રિક ઝૂલો હતો, જેની લંબાઈ હતી પુરા વીસ મીટર અને ઝૂલતી વખતે જયારે જમીનથી લંબ સ્થિતિમાં આવે ત્યારે જમીન થી પાંચ મીટર અંતરે ઝૂલતો. એક સાથે ચોવીસ જણ સવારી કરી શકે એવો તોતિંગ આકાર હતો. ઝૂલાનો કંપ વિસ્તાર લગભગ ૨૦૦ અંશનો લાગ્યો. એનો અર્થ એ કે જયારે એ હીંચકો પુરા અંતરે ઝૂલે ત્યારે સવાર હીંચકાના પિવટ - ધરીથી પણ ઉંચો હોય.
અમે બાપ દીકરો ઘડીક એ જોવા ઉભા રહ્યા. હીંચકો પુરા વેગે ઝૂલતો ત્યારે બિચારા સવારોની મરણચીસો જેવી ચિચિયારીઓ સંભળાતી. ઠેઠ ઉંચો જઈ પાછા વાળવાની ક્ષણે જયારે સવારો સાવ મુક્ત પતન અનુભવતા, અને હીચકો એમને પાંચ કે છ ગણા ગુરુત્વાકર્ષણ બળથી નીચે ધકેલતો ત્યારે સાવ અસહાય એ બધા કેમ કરી જીવતાં રહેશું એ સીવાય કઈ નહી વિચારતા હોય. અનુભવથી કહું છું.
એટલામાં જેનો શરૂઆતમાં ઉલ્લેખ કર્યો એ છોકરાને ખડખડાટ હસતો, બેય હાથે મોઢા ફરતે ભૂંગળું કરી 'ચીયર અપ ડેડી' એવી બૂમ પાડતો નાચતો જોયો. જ્યાં સુધી ઝૂલો ચાલ્યો ત્યાં સુધી એનું હસવું ન રોકાયું, અને હસતાં હસતાં એની આંખમાંથી ખૂબ પાણી વહી રહ્યાં હતાં. હાસ્યનાં જ. બાપ દેડકાનો ત્યાં જીવ જતો હતો અને આ કાગડાભાઈ દાંત કાઢતા હતા.
ઝૂલા પુરા થયા. પિતા નીચે ઉતરી, બેય હાથ મોકળા રાખી હસતાં હસતાં દીકરા ભણી આવતા હતા, દીકરો દોડ્યો, પિતાએ બાથ ભરી ઊંચકી લીધો અને ગાલ પર મીઠી મીઠી ખૂબ બચીઓ ભરી. દીકરાએ પૂછ્યું "ડીડ યુ હેવ ફૂન ડેડી?" પિતાની આંખમાં પણ આંસુ, એમણે દાંત વચ્ચે બેય હોઠ દાબી રોવું રોકી લીધું.
આઈસ્ક્રીમની દુકાને અમે પાછા ભેગા થઇ ગયા. એ લોકો પણ થાક્યા હતા. આઈસ્ક્રીમ લઇ અમે બેંચ પર બેઠા, એ પિતા પુત્ર પણ બીજી કોઈ બેંચ ખાલી ન હતી, એટલે અમારી જ સામે આવી બેઠા. થોડી ઔપચારિક વાતો થઇ, પછી મેં અવસર જોઈ મારી જિજ્ઞાસાને માર્ગ આપી દીધો. અંગત વાત પૂછવા માટે પહેલાં જ ક્ષમા માંગી, અને એમની અનુમતિ પણ માંગીને પૂછી લીધું કે મેં જે અવલોકન કર્યું હતું, કે દીકરાએ જયારે પૂછ્યું કે પિતાને કેવો આનંદ આવ્યો, ત્યારે એમના મુખ પર કરુણતાના ભાવ આવ્યા હતા, આંખમાં આંસુ પણ, એ સાચું કે નહી, અને સાચું, તો શા માટે?
એમને ઉત્તર દેવામાં વાંધો ન હતો. એમણે ટુંકમાં વાત કહી.
એક સમયે પોતે કમ્પ્યુટર એન્જીનીયરીંગમાં કન્સલ્ટન્ટ હતા અને ખૂબ સારી કમાણી હતી. કમાણી બેન્કોમાં રોકવાના બદલે એમણે પોતાના સગાંના યુવાન બાળકોને બિઝનેસ શરુ કરવા સીડ કેપિટલ તરીકે આપ્યા, ભારતમાં રહેતા બેકાર મિત્રોને પણ વ્યવસાય શરુ કરાવ્યા, મિત્રોને ધંધામાં ખોટ જતાં બેન્કોની પઠાણી ઉઘરાણીઓ શરુ થઇ ત્યારે દેવાં ચુકતે કરી આપ્યાં, કોઈ વળી હોમ લોનના હપ્તામાં મહિનાઓ પાછળ રહી ગયા હતા અને માથે છત ખોવાની નોબત આવી ત્યારે એમનાં ઘર બચાવી લીધાં હતાં. પણ એમાંથી કાંઇ કહેતાં કાંઈ પાછું ન આવ્યું હતું અને કવિ ગંગ કહી ગયા એમ કુપાત્ર કો દાન દિયો ન દિયો, એવું થયું. એમના પોતાના પ્રોગ્રામરો અંદર અંદર સંપી એમની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ચોરી મલ્ટીનેશનલ કંપનીઓમાં નાસી ગયા.
અને વૈશ્વિક આર્થિક મંદીના દિવસો શરુ થયા. કોઈ કોન્ટ્રાક્ટ પણ નહી. કોઈ આવક પણ નહી. કોઈ બચત પણ નહી. કોઈ નોકરી પણ આપે નહી. દેવું કરી જીવવાના દિવસો આવી ગયા. બ્રિટનના ટોપ ટ્વેન્ટી પર્સન્ટ ઇન્કમ બ્રેકેટમાંથી સીધા નાદારીના નાકે આવી ઉભા. એક સમયે ગમતી કોઈ પણ વસ્તુ ખરીદતાં પહેલાં કે પછી એનો ભાવ પણ જોવાની ટેવ ન હતી, પણ ટીન ફૂડ અને બ્રેડ ખાઈ દિવસો કાઢવાની સ્થિતિ આવી ગઈ. ફળના તો સ્વાદ ભૂલાઈ ગયા. ઘરમાં દીકરા સિવાય કોઈ ફળ ન ખાતું. ગમે તે ક્ષણે ઘરબાર વિહોણા થઇ જવાની બીક ઉભી જ હતી. પત્નીએ પણ "આ દિવસો દેખાડવા મને પરણીને લાવ્યો હતો?" એવાં મહેણાં સંભળાવ્યાં. પછી જેને અનસ્કીલ્ડ લેબર કહેવાય એવાં માંડ ખાવા ભેગા થવાય એવાં છુટક કામ કરવાં શરુ કર્યાં.
આમ ને આમ બે વર્ષ નીકળી ગયાં. દીકરાને કોઈ વાતે ઓછું ન આવે એનું બને તેટલું ધ્યાન રાખતા જ પણ એક વાર બ્લુબેરી મિલ્ક શેક પીવડાવ્યા પછી એ અઢી પાઉન્ડ પોતાનો કોઈ ખર્ચો બચાવી સરભર કર્યા હતા. આ મેળો આવ્યો. દીકરાને તો લઇ જ આવ્યા.
સસ્તું એમાં કાઈ ન હતું પણ જ્યાં બાળકો સાથે મોટેરાં પણ મજા કરી શકતા, ત્યાં એ દીકરાને એકલો મોકલતા અને પોતે બહાર ઉભા રહી દીકરાને આનંદ કરતો જોતા. એને બમ્પી કાર બહુ ગમી હતી એટલે કહ્યું હતું કે "ડેડી, મારે અહીં ફરી આવવું છે".
એ પછી દીકરાને કેટલીક રાઈડમાં આનંદ કરાવ્યો પછી એને મજા આવે એવી એક જ રાઈડ - બબલ રાઈડ ઓન વોટર જ બાકી રહી હતી, અને બમ્પી કાર, જ્યાં એણે કહ્યું હતું કે એને પાછું આવવું હતું.
પણ ફક્ત ચાર જ ટોકન બાકી રહ્યાં હતાં.
પિતાએ પૂછ્યું કે બોલો બેટા હવે તમારે શું જોવું છે? બબલ્સ કે બમ્પી કાર? હવે ગમે તે એકની મજા થાશે બેટા.
દીકરાએ પિતાનો હાથ પકડી ઊંચું જોઈ કહ્યું "પાપા, આઈ વોન્ટ ટુ સી યુ હેવીંગ ફન".
શું બેટા? પિતાએ ફરી પૂછ્યું.
યસ પાપા, આઈ વોન્ટ ટુ સી યુ હેવીંગ ફન.
એટલે પિતાને જાયન્ટ સ્વિંગની મજા દીકરાએ પોતાના આનંદમાંથી ભાગ કાઢીને કરાવી હતી. પછી પિતાની આંખમાં પાણી હોય જ ને?
ઘણી વાર વિચાર આવે છે. કેવું મીઠું લાગ્યું હશે એ પાંચ વર્ષના બાળકના મોઢે, "પાપા, આઈ વોન્ટ ટુ સી યુ હેવીંગ ફન".
Tags:
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service