Raeesh Maniar‏ (રઈશ મનીઆર)

નામ – રઈશ મનીઆર

જન્મ – 19 ઓગસ્ટ 1966

વતન – કિલ્લા પારડી, જિ. વલસાડ

કાર્યસ્થળ – સુરત

અભ્યાસ – એમ. ડી. (પિડિયાટ્રીક્સ)   

1. તમારી સાહિત્યસફરની શરૂઆત કઈ રીતે થઇ? પ્રેરણાસ્રોત કોણ બન્યું?

યાદ કરતાં એમ લાગે છે કે શાળામાં ગુજરાતી વિષયના નિબંધો અને વિચારવિસ્તાર લખતાં ક્રિએટીવ રાઈટીંગની પ્રાથમિક શરૂઆત થઈ.પરિવારમાં કોઈ સાહિત્યકાર નહોતું. પરંપરામાંથી પ્રાપ્ત થયેલ કોઈ લય, કોઈ બાની કે કોઈ દૂધભાષાની મૂડી વગર બાળપણ શરૂ થયું. ઘોડિયામાં હતો ત્યારે કાને કોઈ હાલરડા કે ભજનના સ્વર નહોતા પડ્યા, પનિહારીઓ કે ખેડૂતો કે ખારવણોના કંઠે મીઠી હલકનાં ગીત નહોતા સાંભળ્યાં. શાળામાં ગુજરાતી વિષયના શિક્ષકો તો હતા પણ એ કવિતા ભણાવતા નહોતા. (એમ કહેવાથી ‘પાઠ ભણાવતા હતા’ એવી ગેરસમજ થવાનો સંભવ છે.) મારા ભાષાપ્રભુત્વનાં પહેલીવાર વખાણ, ગુજરાતીના ફ્રી પિરિયડમાં પ્રોક્સી તરીકે આવેલા ચોક્સીસાહેબ નામના વિજ્ઞાનશિક્ષકે કર્યા હતા. (આભાર, ચોકસી સાહેબ!) ગુજરાતી ભાષાના અલંકારોનો પ્રથમ પરિચય સહાધ્યાયી (આમ તો આતયાયી) બાળકોના ગાલિકૌશલ્ય સુધી જ સીમિત હતો. એવામાં દસેક વર્ષની ઉમરે, પિતાને ખૂબ શોખ હતો તેથી, કવ્વાલીના કાર્યક્રમોમાં નછૂટકે જવાનું થયું. ત્યાં મારા શરમાળ, અબુધ માનસે બે વસ્તુ ઝીલી. 1. કશુંક ચમત્કારિક, ચાટુક્તિપૂર્ણ બોલીએ તો લોકો ઉછળીઉછળીને દાદ આપે. 2. ફિલ્મી ગીતોના ઢાળમાં બીજા શબ્દો લખીને ગાઈ શકાય. આમ કોઈ સીધા માર્ગદર્શન વગર કાવ્યયાત્રા શરૂ થઈ. મેડીકલ કોલેજમાં ડો. મુકુલ ચોકસી મારા સિનિયર હતા. એમની પ્રેરણા અને પ્રોત્સાહન વગર, હું જે છું, તે ન હોત.   

2. આપના પ્રકાશિત પુસ્તકો, કાવ્યસંગ્રહ વિશે કહેશો...

કાવ્યસંગ્રહ

1.કાફિયાનગર’(1988)

2.શબ્દ મારા સ્વભાવમાં જ નથી’(1998)

3.સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા’(2002)

4.નિહાળતો જા’(2006)

5.આમ લખવું કરાવે અલખની સફર’ (2011)

ગઝલના સ્વરૂપ વિશેની

1.ગઝલ: રૂપ અને રંગ(2006)

2.ગઝલનું છંદોવિધાન’(2007).

હાસ્ય કવિતા

1.પન્નીને પહ્તાય તો કેટોની’(2002)

શાયરશિરોમણિ મરીઝ વિશેનું

1.મરીઝ -અસ્તિત્વ અને વ્યક્તિત્વ’(2001)

ચુનંદા ઉર્દૂ શાયરીનો ગુજરાતીમાં આસ્વાદ કરાવતું પુસ્તક

1.માહોલ મુશાયરાનો’(2001)

 

અનુવાદ

1.કૈફી આઝમી –‘કૈફી આઝમી- કેટલાંક કાવ્યો’(2002),

2.જાવેદ અખ્તર- તરકશ’ (2005),

3.સાહિર લુધ્યાનવી- આવો કે સ્વપ્ન વણીએ કોઇ’(2006)

4.ગુલઝાર-બંધ કાચની પેલે પાર’ (2011)

 

બાળમનોવિજ્ઞાન અને સ્વાસ્થ્ય વિશેના

1.બાળઉછેરની બારાખડી(1999),

2.તમે અને તમારું નીરોગી બાળક(2003)

3. આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?’ (2005).

 

3. કવિતા કે કોઈ પણ લેખન માટે શું એક નિશ્ચિંત માહોલ જરૂરી છે?

એવું ખાસ નહીં. શરૂઆતમાં બસમાં, ટ્રેનમાં અને ચાલુ લેક્ચરે ગઝલો લખતો. હવે નાટકો વગેરે લખવા સમય કાઢીને સળંગ બેસવું પડે. થોડી શાંતિ જોઈએ.   

4. કોઈ એવી વ્યક્તિ જે હંમેશા આપના ચહેરા પર સ્મિત પાથરી દે છે .....

ત્રણ ચાર વરસના બાળકો. એમનું ભોળપણ અને એમની લુચ્ચાઈ!  

5. પુસ્તકોનું આપના જીવનમાં પ્રભાવ / માહત્મ્ય.....

સંસારને મેં મુખ્યત્વે શબ્દોથી જ પીધો છે, પુસ્તકોને કારણે, પુસ્તકોના માધ્યમથી જ  જ સમય અને સ્થળથી પાર જઈને સંસારને જાણ્યો અને માણ્યો છે. લખ્યા- વાંચ્યા વિના ન રહી શકું.

Time, space અને orientationના ત્રણે પરિમાણોમાં મેં શબ્દથી જ વિહાર કર્યો. સ્પર્શ, સ્વાદ, રૂપ-રંગ, શ્રુતિ, ગંધ.... જીવનનો અનુભવ જીવનાર જુદી જુદી ઈન્દ્રિયોથી કરે,  પણ મારે મન શબ્દથી થયેલો અનુભવ સર્વોપરિ રહ્યો. વિશ્વ સાથેનો મારો સંયોગ, જીવવાનો અનુભવ, એ અનુભવને ઝીલવાથી પળેપળ પ્રવાહ બદલતી લાગણીઓની ઉછળતી, સૂકાતી નદીઓ.. આ પ્રવાહોને સમજવાની, નાથવાની કે માણવાની કોશીશ શબ્દોથી જ કરી.

6. યુવા સાહિત્યને કેવા માર્ગદર્શનની જરૂર છે?

માર્ગદર્શકની ગેરહાજરી હોય એવા માર્ગદર્શનની! સાહિત્ય અને કલાજગત ગુરુઓની ગુરુતાગ્રંથિથી ગ્રસ્ત છે. જો કે જીવનમાં દરેક તબક્કે શિષ્યભાવ જરૂરી સમજું છું. કોઈ એકને ગુરુ બનાવવા કરતાં સહુની પાસે જે કંઈ શીખવાલાયક મળે તે શીખીને ઈંટિગ્રેટ કરવું, તે તેજસ્વી યુવાનની ખાસિયત.તેજસ્વી માણસ લાંબો સમય ગુરુનો પલ્લુ ન પકડે.પ્રતિભાશાળી સિનિયરોના વખતોવખત વર્કશોપ કે સેમીનાર કે ઈનફોર્મલ ટોક્સ થાય એ જરૂરી. ઈંટરવ્યૂ અને જીવનચરિત્રમાંથી ય ખૂબ શીખવા મળે.        

7. સાહિત્ય ક્ષેત્રે કઈ ઉંચાઈએ આપ પહોંચવા માંગો છો?

એવી ઊંચાઈએ જ્યાં હું એકલો ન હોઉં! મને લોકપ્રિય નહીં, તોય લોકભોગ્ય થવામાં રસ છે.ઊંચાઈ ભીડની નજરમાં હોય, એ એમની પ્રતીતિ કે ભ્રમ હોઈ શકે. કલાકારે એની એકલતામાં તો એ જ ધ્યાન રાખવાનું હોય કે પોતાના પગ અને મગજ વચ્ચે સાડા પાંચ ફૂટનું જ અંતર હોય.  હું મહત્વાકાંક્ષી તો છું જ. પણ મારી એકમાત્ર મહત્વકાંક્ષા સારું સર્જન કરવાની છે. કાર્ય કર્યા વિનાની અમસ્તી ઊંચાઈ મળે તો હું ચીડાઈ જાઉં છું. સંમાર્જનથી, અભ્યાસથી પ્રતિભા વિકસે, સમજ વધે, એ સમજ સાથે જે શ્રેષ્ઠ કામ થાય એ કરવું છે. પોતે કરેલા કાર્ય સ્વરૂપે ધબકવું એ જ ઈચ્છા, બાકી આ ગોળાકાર વિશ્વમાં ઊંચાઈ શબ્દ લપસણો છે.

8. આપના જીવનના યાદગાર પ્રસંગ જે કાયમ માટે છાપ મૂકી ગયા ....

અનેક છે. એમાંથી બેત્રણનો ઉલ્લેખ કરું. 

17 વરસની ઉમરે ગઝલ સ્પર્ધામાં ગની દહીવાલા અને મનહરલાલ ચોકસીના હસ્તે પ્રથમ ઈનામ મળેલું તે જીવનનો અત્યાર સુધીનો સૌથી મોટો આનંદ. તે દિવસે સુરત ભાગાતળાવ સ્કાયલાઈન સ્ટુડિયોની ગલીથી ચોકબજાર સુધી પોણો કિલોમીટર લગભગ ઊડતો ઊડતો ગયો હતો.

બીજો આનંદ, અનુવાદ પ્રવૃત્તિ બદલ જાવેદ અખ્તર અને ગુલઝારજી તરફથી પ્રસંશા સાંપડી, એમને એકાધિક વાર મળવાનું થયું તે.

સાહિત્ય અને ભાષાપ્રેમના કોમન ગ્રાઉંડને કારણે દેશ-વિદેશના અજાણ્યા ગુજરાતી રસિક સાથેય કાયમ આત્મીયતા જેવું લાગ્યું એ જીવનનો સ્થાયી આનંદ.  

9. હાલમાં લખાતા સાહિત્ય અને અગાઉના સાહિત્યમાં શું નોધપાત્ર ફેર જુઓ છો?

ખાસ નહીં. અગાઉનું સાહિત્ય ચૂંટેલા સ્વરૂપમાં આપણી સામે આવે તેથી સારું લાગે, અત્યારનું સાહિત્ય બલ્કમાં આવે. તેથી થોડું નબળું લાગે. અત્યારના સાહિત્યમાંથી ચિરંજીવી શું છે, એ સમય નક્કી કરશે.

10. સાહિત્યની આવતી કાલ આપની નજરે ....

પ્રત્યેક સમયનો, પ્રત્યેક યુગનો એક તકાજો હોય છે. સાહિત્ય અને કળા સંસ્કૃતિની આંતરિક જરૂરિયાત છે. જેમ જ્યાં ઊનાળો, ત્યાં વરસાદ; એમ જ્યાં સંસ્કૃતિ, ત્યાં સાહિત્ય. પ્રગતિની કે સંપન્નતાની દોડ વચ્ચે પણ ક્યાંક કળાની કૂંપળ ફૂટવાની જ. કળાનો, સાહિત્યનો અવાજ લાંબા સમય સુધી દબાઈને રહેતો નથી.

આપણા યુગના કાલિદાસ કે ગાલિબ કદાચ જન્મી ચૂક્યા હોય, કદાચ જન્મ લેવાની અણી પર હોય. નિરાશ થવાની જરૂર નથી. ભાષા અને સ્વરૂપ તો માત્ર ઓજાર છે, કવિતા અને કળા એનું પોષણ તો જીવાતાં જીવનમાંથી જ મેળવે છે.

આધુનિક સમયના કવિ સામે પડકાર શું છે? આજનો કવિ માનવી તરીકે એ માનવવંશની એક એવી આખી પેઢીનો પ્રતિનિધિ છે જેણે આજના ગ્લોબલ વિશ્વમાં પોતાની આંખો અને પાંખોને દૂર દૂર સુધી ફેલાવી સફર અને ઘરની વચ્ચેનું મુશ્કેલ સમતુલન જાળવવાનું છે. કવિ તરીકે એ એક એવી પેઢીનો પ્રતિનિધિ છે જેણે ગળથૂથીમાં મળેલી ભાષા અને પરિવર્તનશીલ યુગની ભાષા વચ્ચેનું દિવસે દિવસે મુશ્કેલ બનતું સમતુલન નિભાવવાનું છે. સમયની અને ભાષાની આ ભીંસ આમ તો કવિતાની અભિવ્યક્તિને રૂંધી નાખશે એવું લાગે, પણ હકીકતે એ જ ભીંસમાં ભીંત ફાડીને પીપળો ઊગે એમ કવિતા ઊગે છે.

ભાષાના સ્વરૂપનીય મને બહુ ચિંતા નથી. 800 વરસનો ગુજરાતી ભાષાનો ઈતિહાસ સાખ પૂરે છે કે ભાષાનું કોઈ સ્થાયી સ્વરૂપ નથી. કઈ ભાષા સાચી ગુજરાતી ભાષા? હેમચન્દ્રની કે નરસૈયાની કે નર્મદની કે ઉમાશંકરની? ભાષા પરંપરા અને વર્તમાનના વિનિયોગથી જન્મે છે. પરંપરામાંથી કશું ખરી જાય, કશું ભુલાયેલું કોઈ વીરલો ફરી ખપમાં લઈ પ્રચલિત કરે અને વર્તમાનમાંથી બળકટ પારિભાષિક અભિવ્યક્તિઓ ભાષામાં પોતાની જગ્યા બનાવી લે. લોકો દ્વારા જે તે યુગમાં બોલાતી ભાષા અને સાહિત્યકાર દ્વારા જે તે યુગમાં લખાતી ભાષા એક બીજા પર અસર પાડે છે. માત્ર બન્ને વચ્ચે સંબંધનું વાતાવરણ જળવાઈ રહે તો બસ.

જ્યાં સર્જક અને ભાવક સહેલાઈથી એકબીજાને મળી શકે એવા પ્લેટફોર્મ જરૂરી છે.    

 Interview taken by Niketa Vyas

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by HASMUKH M. SHAH on July 17, 2018 at 6:47pm

Very interesting profile !

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service