કો’ક ભીના કેશ લૂછે છે પણે, રોમે રોમે હું અહીં ભીંજાઉં છું

  બાવીસ વર્ષનો શેખર સ્નાન કરીને બાથરૂમમાંથી બહાર નીકળ્યો. સુદૃઢ, માંસલ પૌરુષી દેહ ઉપર માત્ર એક ધેરા ભૂરા રંગનો ટોવેલ જ વિંટાળેલો હતો. ભીના વાળમાં ‘બ્રશ’ ફેરવતો એ શયનખંડ વીંધીને ખૂલતી બાલ્કનીમાં આવ્યો, ત્યાં એની નજર સામેના ઘરની એવી જ બાલ્કનીમાં ઉભેલી શૈલી ઉપર પડી. એ પણ તાજી જ નાહીને આવેલી હતી. સધસ્નાતા, ચારુકેશી, ત્રણેય ભુવનને પોતાનાં રૂપથી ડોલાવે એવી સૌંદર્યમૂર્તિ. શિયાળુ તડકામાં ઉભા રહીને એના ખુલ્લા કેશને ટોવેલની મદદથી ઝાટકી રહેલી રૂપગર્વિષ્ઠા.શેખરનું દિલ એના કાબૂમાં ન રહ્યું. આમ તો વરસોથી એ શૈલીને જૉતો આવ્યો હતો. નાનપણમાં સાથે રમીને મોટાં થયાં હતાં. ભલે સમજણાં થયાં પછી એકબીજાં સાથે વાત કરવાનું ઓછું થઈ ગયું હતું, પણ તોયે હતાં તો એકમેકની આંખો સામે જ. પણ શૈલી જેવી આજે લાગી, એવી આ પહેલાં કદીયે લાગી નહોતી. શેખર રૂમમાં ગયો. ડ્રેસિંગ ટેબલ ઉપર પડેલી ડાયરીમાંથી એક પાનું ફાડયું. એના ઉપર ઝટપટ બે-ચાર વાકયો ઘસડી માર્યા. પછી બાલ્કનીમાં આવીને એ કાગળનો ડૂચો વાળીને જૉરદાર ઘા કર્યો. શૈલીએ ડૂચો ઉકેલ્યો. અંદરનું લખાણ વાંરયું. આ છોકરાની હિંમત જૉઇને એ સ્તબ્ધ થઈ ગઈ. અંદર લખ્યું હતું : ‘વાહ, શૈલુડી! તું આટલી મોહક હોઇશ એની તો મને ખબર જ ન હતી. તું મને ગમી ગઈ છે. તારા પપ્પાને કહી દેજે કે મુરતિયો સામા બારણે જ છે, બીજે કયાંય ફાંફાં મારવાનો પ્રયત્ન ન કરે. મારા માટે તારું ‘એડવાન્સ બુકગિં’ કરાવી નાખું છું. આ ક્ષણથી તું મારી છે. ના પાડીશ તો હું બાલ્કનીમાંથી કૂદીને જાન આપી દઇશ, અને જૉ બીજા કોઈએ તારી સાથે લગ્ન કરવાની હિંમત કરી છે, તો…? હું ફાંસીને માંચડે ચડી જઈશ, એનું ખૂન કરીને!’ મોટી મોટી આંખોમાં કાળી કીકીઓ ઘુમાવતી અને એની ઉપર ગુલાબની પાંખડીઓ જેવી પાંપણો પટપટાવતી શૈલી પળવાર માટે જયાં ભી હતી ત્યાં જ થાંભલાની જેમ ખોડાઈ ગઈ. સામે દૃઢતાના અવતાર સમો શેખર વશીકરણ કરતું હાસ્ય રેલાવતો ઉભો હતો. સહેજ શરમાઈને, ગરદનને કમળદાંડલી જેવો એક નમણો ઝાટકો મારીને, ગતા સૂરજના તેજ જેવું હુંફાળું સ્મિત ફરકાવીને શૈલી ચાલતી થઈ. શૈલીના પિતા શહેરની માઘ્યમિક શાળાના હેડમાસ્ટર હતા. બે ભાઇઓ અને ભાભીઓ સાથેના સંયુકત કુટુંબમાં રહેતા હતા. સંતાનમાં એક દીકરી જ હતી, પણ લાખોમાં એક હતી. આવી સુંદર, સુશીલ કન્યા માટે યોગ્ય વર કયાંથી ખોળવો એની ચિંતા માત્ર શૈલીના પપ્પાને જ નહીં, પણ આખા કુટુંબને સતાવી રહી હતી. સામેના મકાનમાં રહેતા જશવંતલાલને બે દીકરાઓ હતા. મોટો શૈલ અને નાનો શેખર. બંને છોકરાઓ શૈલી માટે લાયક હતા પણ જશવંતલાલ મામલતદાર હતા. પૈસે ટકે ચડિયાતા હતા. એ કંઈ એમ સહેલાઈથી શૈલી માટે માની જાય ખરા? જૉ માગું નાખ્યા પછી એ ના પાડે તો સોનાની જાળ પાણીમાં ફેંકવા જેવું થાય. વરસો જૂનો સંબંધ પણ બગડે. એટલે એ ન્યાતમાં બીજાં ઠેકાણાં ફંફોસી રહ્યા હતા ત્યાં એમનાં ધર્મપત્નીએ એક દિવસ સાંજના વાળુ પછી એમના હાથમાં એક કાગળ મૂકયો. ‘શું છે? કરિયાણાનું બિલ છે?’ ‘ના, કોઈ કુંવારાનું દિલ છે!’ ‘કયાંથી જડયું?’ ‘શૈલીના ટેબલનું ખાનું ફંફોસતી હતી, એમાંથી ટપકી પડયું. પાછા એમ ન કહેશો કે આવું ન કરાય. જુવાન દીકરીની મા છું. ઘરમાં સાપનો ભારો હોય, તો જનેતાએ કરંડિયો તપાસતાં રહેવું પડે!’ કાગળ વાંચીને શૈલીના પપ્પા ઉછળી પડયા : ‘વાહ! આ તો ભાવતું’તું ને વૈધે કહ્યું. હવે વાંધો નથી. સમય જૉઈને સોગઠી મારું છું. જશવંતલાલને મળીને વાત કરવી પડશે.’ આ બાજુ શેખરની સોગઠીઓ તો ચાલુ જ હતી. રોજ ઠીને નવી ચિઠ્ઠી. ‘તારા ઘરમાં વાત કરી કે નહીં? ન કરી હોય તો કરી નાખ. અને તને પણ ચેતવી રાખું છું. જૉ બીજા કોઈને માટે હા પાડી છે, તો સામેવાળાને તો પછી પકડીશ, પહેલાં તો તારો જ ચોટલો ઝાલીને બાલ્કનીમાંથી… અને એક આડ વાત. તું ચોટલામાં પણ સુંદર લાગે છે.’ તો વળી બીજી ચિઠ્ઠીમાં જરૂરી સૂચના : ‘રાંધતાં-બાંધતાં આવડે છે કે પછી રૂપનો ભારો બાંધીને ફરવા માટે જ આ ધરતી ઉપર પધાર્યા છો? હજુ થોડો સમય છે. ફરસાણનો શોખીન છું. શીખી જા, નહીંતર ફરસાણને બદલે તને જ ચાવી જઇશ…’ શૈલી પાકશાસ્ત્રનું પુસ્તક લઈ આવી. બીજા અઠવાડિયે સૌંદર્ય-પ્રસાધનોની માહિતીનું અને ત્રીજા અઠવાડિયે વસ્ત્રપરિધાનનું પુસ્તક. શેખરની સૂચનાઓ પ્રેમના આવરણ હેઠળ રાતભર વરસતી રહેતી ઝાકળની જેમ શૈલીની જિંદગી ઉપર વરસતી રહી. છેલ્લી ચિઠ્ઠી : ‘આવતી કાલે પૂણે જઉં છું. ત્રણ મહિના માટે. એક ટ્રેનિંગ કોર્સ પતાવીને પાછો આવીશ. પછી અઠવાડિયાની અંદર તારા ઘરના બરે આવીને ભો રહીશ. હાથમાં શ્રીફળ લઈને અને માથા ઉપર સાફો બાંધીને. પાનેતર સારું પસંદ કરજે. તારા પપ્પાને કહેજે કે કંજુસાઈ ન કરે. અને જૉ અત્યારથી કહી રાખું છું, લગ્ન પછીના નવ મહિનામાં આપણે ‘રિઝલ્ટ’ જૉઇશે. બાળ-છેરને લગતી ચોપડી વસાવી રાખજે…’ ત્રણ મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને શેખર પૂણેથી પાછો ફર્યો. જશવંતલાલે એના હાથમાં કંકોતરી ધરી : ‘લે દીકરા! સારું, સમયસર આવી ગયો. સામેવાળા નરભેરામની દીકરીનું માગું હતું, તે આપણે હા પાડી દીધી. આવતા શુક્રવારે લગ્ન છે. બધી ખરીદી પતી ગઈ છે. એક તારા જ કપડાં બાકી છે. જા, તારી થનારી ભાભીને મળવું હોય તો મળી આવ.’ નરભેરામની દીકરી અને થનારી ભાભી! શેખરને લાગ્યું કે આ ચક્કર-ચક્કર ફરી રહી છે એ પૃથ્વી છે કે જિંદગી? ગરબડ કયાં થઈ હશે? શૈલીનાં મા-બાપ ચિઠ્ઠીઓનું લખાણ સમજવામાં થાપ ખાઈ ગયા હશે? કે પછી પોતાના પપ્પા ધુ સમજયા હશે? હવે એક જ ઉપાય બરયો છે: મોટા ભાઈ શૈલને મળીને વાતનો ફોડ પાડવાનો. પણ એ શકય ન બન્યું. મોટા ભાઈને મળવાનું તો બન્યું, પણ ફોડ પાડવાની કયાંય રતીભાર પણ ગુંજાઇશ ન હતી. શૈલની આંખોમાં દુનિયાનો ખજાનો મેળવી લીધાનો સંતોષ ઝલકતો હતો. શૈલીને એ આટલો બધો મૂંગો પ્રેમ કરતા હશે એ શેખરને અત્યારે જ જાણવા મળ્યું. એ સાંજે શેખર ઘરની બહાર નીકળ્યો, ત્યાં કોઈ બહાને બહાર આવેલી શૈલી સામે ભટકાઈ ગઈ. ડૂબી ગયેલા સૂરજ પાછળનું અંધારું બંનેને ધેરી વળ્યું. શેખરની આંખોમાં સળગી ગયેલી સામટી અસંખ્ય ચિઠ્ઠીઓની રાખ ડતી હતી. શૈલીની આંખોમાં ભીનાશ હતી. ‘શેખર, મને માફ કર. હું લાચાર હતી. તું હાજર ન હતો અને પપ્પા તારી ચિઠ્ઠી વાંચીને થાપ ખાઈ ગયા. ‘સામે બારણે મુરતિયો હાજર છે’ એનો મતલબ એમણે એવો કાઢયો કે તારા મોટા ભાઈ…! મોટો દીકરો કુંવારો હોય, ત્યારે નાના દીકરાની વાત કોને સૂઝે?’ ‘વાંધો નહીં, શૈલી. મોટા ભાઈ તને મારા કરતાં પણ વધુ ચાહે છે.’ ‘પણ હું તને ચાહું છું એનું શું? મેં નિર્ણય કરી લીધો છે. શેખર, ચાલ, આપણે ઘર છોડીને નાસી જઇએ… લગ્ન કરી લઈએ….’ ‘ના, શૈલી! એ નહીં બને. મોટા ભાઈને ખબર પડે, તો કેવો આઘાત લાગે?’ ‘તો પછી સાંભળી લે, શેખર.’ શૈલીની આંખોમાંથી કામનાઓનાં તીર વછૂટયાં: ‘તું કહે છે તો હું તારા મોટા ભાઈની સાથે પરણી જઇશ પણ પ્રેમિકા તો માત્ર તારી જ રહીશ. તારા મોટા ભાઈને ખબર પણ નહીં પડે અને આઘાત પણ નહીં લાગે. એક જ ઘરમાં સાથે રહીને આપણે જીવનભર…’ શેખરનો સ્નાયુબદ્ધ જમણો હાથ હવામાં અઘ્ધર થયો, પણ પછી અટકી ગયો: ‘શૈલી, શું કરું? તું મારી ભાભી થવાની છું, એટલે જવા દઉં છું. બાકી એક જ હાથમાં આ દાડમના બત્રીસેય દાણા બહાર કાઢી નાખતે! પ્રેમ તો થઈ રે’શે. રૂપાળી છોકરીઓની આ જગતમાં કમી નથી પણ ભાભી તો માત્ર એક જ હશે. શૈલી, તું શુક્રવારથી નહીં, આજથી જ મારે મન ભાભી છે. માતુલ્ય ભાભી અને ભાભી જ રહીશ. સંબોધનમાં પણ અને સંબંધમાં પણ…’ અને એક પદમણીના પ્રસ્તાવને ઠુકરાવતો એક અસલી પુરુષ શેરીમાં વરસી રહેલા શિયાળુ અંધકારમાં ઓગળી ગયો. (સાવ સાચી ઘટના) 2 Comments Posted by ચેતન ઠકરાર on October 9, 2012 in ડો. શરદ ઠાકર ની વાર્તા ઓ ભીની ભીની યાદ ને કોરો સમય, કે પ્રસંગો ખળભળે છે રાતદિન 05 Oct 3 Votes ચિતા ભડભડ સળગી રહી હતી. જુવાન લાશ બળી રહી હતી. વાતાવરણમાં દબાયેલો ડૂમો હતો. ગમગીની હતી. કયાંક કયાંક સંભળાઈ રહેલા ડૂસકાં હતાં. લબકારા મારતી જવાળાઓની આંચ આકરી થઈ, એટલે કુટુંબના એક દૂરના વડીલે સુદર્શનને જરા પાછળ ખેંચી લીધો. બે-ચાર અનુભવી જુવાનિયા ચિતાનાં લાકડાં સંકોરવામાં પડયા હતા. એક અડધું બળેલું લાકડું પડી ગયું અને લાશનો ચૂંદડી ઢાંકેલો પગ દેખાઈ ગયો.રત્નાનો પગ. એની પ્રેમિકાનો પગ અને પત્નીનો પગ. જે પગને એણે પ્રેમવશ અને કામવશ સેંકડો વાર ચૂમ્યો હતો એ પગ. રત્ના જયારે જયારે હથેળીમાં મેંદી મૂકતી, ત્યારે સુદર્શન જીદ કરીને એના પગ ઉપર પણ લીલાં પાનનો રાતો રંગ પ્રસરાવડાવતો. એક વાર આ જ પગ ઉપર કપાસી થઈ હતી, સુદર્શને ડૉકટર પાસે રત્નાને લઈ જઈને એ દૂર કરાવી હતી. ‘પણ છોને રહી? મને નથી નડતી એ કપાસી.’ રત્નાની આનાકાની અને સુદર્શનનો તોફાની ઉત્તર : ‘મને નડે છે.’ આ એ જ પગ જે એક વાર બૂઝાઈ ગયેલા તારામંડળ ઉપર પડી ગયેલો અને રત્ના ચીસ પાડી ઠેલી. દિવાળીનો ફટાકડો બુઝાયેલો હતો, પણ એનો તાર જેવો પાતળો સળિયો ગરમ-ગરમ હતો. ગુલાબી પાનીમાં કાપો – લકીર પડી ગઈ હતી. અને રત્ના દર્દની મારી રડી રહી હતી. એ જ પગ અત્યારે ચૂપચાપ સળગી રહ્યો હતો. ન કોઈ પીડા, ન ચીસ, ન શિકાયત, ન સારવાર. મોતથી વધારે ખામોશ બીજું કશું જ નથી આ જગતમાં. સુદર્શનની આંખો છલકાઈ ઠી. એ જૉઈને બાજુમાં ઉભેલા વડીલે એના કાનમાં ફૂંક મારી : ‘રડીશ નહીં, બેટા! બે મહિના સુખે-દુ:ખે કાઢી નાખ. પછી પાછો તને હસતો કરી દઈશ. આ એક હતીને, એવી જ બીજી લાવી દઇશ.’ સુદર્શનને ઝાળ લાગી ગઈ. એણે વડીલની સામે જૉઈને આંખો ફાડી : ‘આ હતી એ માત્ર એક નહોતી, મારે મન એ એકની એક હતી, એક માત્ર હતી. ખબરદાર, ફરી વાર જો આ વાત કરી છે તો!’ વડીલ બોલ્યા નહીં, પણ એમનું મન બોલી ઠયું : ‘મર વાંઢો ત્યારે! મારે શું?’ વિધુરને વાંઢો ન કહેવાય. પણ વાંઢો ગણવામાં પ્રેકિટકલી કંઈ વાંધોય ન ગણાય. વાસ્તવમાં વિધુરની દશા વાંઢા કરતાંયે ભૂંડી હોય છે. ભૂખ્યો વાઘ અને પત્નીસુખ ચાખી ચૂકેલો વાઘ, આ બે વરચે અંતર છે. વિધુરને બિચારાને દિનમેં અપને ઔર રાતમેં સપને સતાયા કરતે હૈ. સુદર્શનની પણ એ જ સ્થિતિ હતી. અગિયાર વર્ષનું હર્યું-ભર્યું દાંપત્ય, ત્રણ દીકરાઓ અને જીવનભર ચાલે એટલું સંભારણાનું ભાથું મૂકીને રત્ના ચાલી ગઈ. માત્ર બે દિવસની માંદગી જીવલેણ નીવડી. ડૉકટર પણ થાપ ખાઈ ગયા. ફાલ્સિપેરમ મલેરિયા છે એ વાતની ખબર પડી, ત્યાં સુધીમાં તો રત્નાને બ્રેઇન હેમરેજ થઈ ચૂકયું હતું. જેને કયારેય છાતીએથી અળગી કરી નહોતી એની ચિતાની રાખને કપડાં ઉપર, માથાના વાળમાં અને આંખોની લાલાશમાં ભરીને સુદર્શન ઘરે આવ્યો, ત્યારે ઘરમાં રડારોળ મચી હતી. સગાંની સ્ત્રીઓ રડતી હતી, વૃદ્ધ મા રડતી હતી, ત્રણ બાળકો રડતાં હતાં. દુનિયાદારી પતાવીને ટોળું વિદાય થયું. એ પછી સુદર્શનને તફાવત સમજાયો. રૂદન-રૂદનમાં ફરક હોય છે. મોટેરાં રડતાં હતાં એ મોતને રડતાં હતાં, ત્રણ દીકરા એમના અંગત કારણોને રડતાં હતા. નવ વર્ષનો પૂર્વજ મમ્મી વગર હોમવર્ક કોણ કરી આપશે એની ચિંતામાં હતો. છ વર્ષનો હર્ષ એના અધૂરા રહી ગયેલા સ્વેટરને રડતો હતો અને ત્રણ વર્ષનો અનુજ, એને ભૂખ લાગી હતી. મેગી ખાવી હતી. પપ્પા તો મેગીનું નામ સાંભળીને ઉશ્કેરાઈ જતા, પણ મમ્મી છાની-છપની મેગી બનાવી આપતી હતી. ‘બેટા, વરસી વળાઈ જાય એટલે બીજી વહુ લાવવી પડશે.’ મા ઘરડી થવા આવી હતી, નાનાને છાનો રાખતાં એણે વાત ચાલુ રાખી : ‘મારા તો હવે પગ ભાંગી ગ્યા, દીકરા! આ ત્રણ ભટુરિયાંને હું કેવી રીતે ઉછેરું?’ સુદર્શને સ્મશાનવાળો સંવાદ તો ન ઉરચાર્યો, પણ માની સામે આંખ માંડી એ તો પેલી મસાણવાળી જ જોઈ લ્યો! બિચારી મા પણ ડરી ગઈ. બેન્કની નોકરી હતી. કેટલા દિવસ ઘરે બેસી રહેવાય? પત્નીની કારજક્રિયા પતાવીને સુદર્શન નોકરીમાં હાજર થઈ ગયો. સાથી કર્મચારીઓએ પહેલી નજર હમદર્દીની બતાવી, પછી બીજી નજરમાં શિખામણ રજૂ કરી : ‘પંદર જ દિવસમાં આવી હાલત? મહેતા, તું લગ્ન ભલે છ મહિના પછી કરે, પણ છોકરી શોધવાનું તો આજથી ચાલુ કરી દે.’ ‘અરે, શોધવાનીયે કયાં જરૂર છે? સાસરીપક્ષમાં હાજર જ છે.’ કેશિયરના ચોપડામાં બધાંનો હિસાબ હાજર હતો : ‘રત્નાભાભીની બહેન. રચનાને જૉઈ છે તમે? સીતા ઔર ગીતા જોઈ લ્યો.’ ‘શટ અપ, પંડયા! પૈસા ગણવામાં ઘ્યાન રાખ. આ મહિનેય બે-પાંચ હજાર મૂકવા પડશે.’ સુદર્શને મિત્રને શાંત પાડી દીધો. પણ ગણગણાટ ધીમે-ધીમે તાપણામાંથી ઠતા ધુમાડાની જેમ ફેલાઈ રહ્યો હતો. સુદર્શનની સાળી ઉપર લગભગ સો ટકા સ્નેહીજનોની સંમતિનો સિક્કો વાગી ચૂકયો હતો. અધૂરું હતું એ સુદર્શનની ઘરડી માએ પૂÊરું કર્યું. ‘બા, બે જ દીકરા કેમ છે ઘરમાં? નાનકો કયાં?’ સાંજે બેંકમાંથી ઘરે આવ્યા પછી સુદર્શને પૂછયું. ‘એની માસી આવીને તેડી ગઈ. મારાથી સચવાતો નહોતો. મેં તો કહી દીધું કે ત્રણેયને લઈ જા ને! તને દત્તક આપ્યાં!’ ‘બા, ગાંડી તો નથી થઈ ગઈને? બિચારી કાચી-કુંવારી છોકરીને આમ ત્રણ છોકરાંની મા તે બનાવી દેવાતી હશે?’ બાનો અવાજ ભીનો થઈ ગયો : ‘તો પછી દીકરા, રચનાનો છેડો ઝાલી લેને! લગન કરી લે એની હારે. તારા ત્રણ દીકરાનેય સાચવી લેશે અને ભેળાભેળો મારા એક દીકરાને પણ…. સુદર્શન ઉઠીને બીજા રૂમમાં ચાલ્યો ગયો : ‘મારી ભૂલ થઈ ગઈ, તારી સાથે વાત કરી. હવેથી આ વાત કાઢે એ બીજા.’ અને ખરેખર સુદર્શને ફરી કયારેય એ વાત ન કાઢી. સગાં-સંબંધીઓ, અડોશી-પડોશી, અરે ખુદ એનાં સાસુ-સસરા સુદર્શનને મનાવીને થાકી ગયા. રત્નાની સગી નાની બહેન રચના પણ એની આંખમાંથી અને વર્તનમાંથી પૂરેપૂરી સંમતિ વરસાવતી રહી, પણ સુદર્શને લગ્ન નામની દિશામાં ખૂલતાં તમામ બારી-બારણાં જડબેસલાક બંધ કરી લીધાં. પૂરાં આઠ વર્ષ નીકળી ગયાં. એ સમય સુદર્શને એક પ્રકારના ટ્રાન્સમાં જ પસાર કરી દીધા. જિંદગી શુષ્ક બની ગઈ અને એ યંત્રમાનવ. એની જીભનો ચટાકો આથમી ગયો, શરીર ઉપરથી ફેશન ગઈ, માત્ર કપડાં રહ્યાં, મગજ રહ્યું, પણ મિજાજ મરી ગયો. બાળકો મોટા થયાં, ત્યારપછી બાપને ખબર પડી કે આ પોણો દાયકો કોના કારણે સહ્ય બની શકયો હતો! પૂર્વજ હવે સત્તર વર્ષનો થયો હતો. એણે એક દિવસ સુદર્શનને પૂછયું : ‘ડેડી, તમે રોજ સવારે ભગવાનની છબી સામે ભા રહીને હોઠ ફફડાવો છો એ શું કરો છો? કયારેય પૂજા કરતા નથી. નહીં દીવો, નહીં અગરબત્તી….’ ‘ગાળો દઉં છું તારા ભગવાનને. એણે શા માટે તારી મા છીનવી લીધી મારી પાસેથી? દુનિયા આખી એને દયાળુ માને છે. એણે મને જ કેમ અન્યાય કર્યો?’ ‘પપ્પા, ભગવાનની વાત છોડો. પણ તમે એક જણની સાથે સતત આઠ વર્ષથી અન્યાય કરતા આવ્યા છો એનું શું? તમારી જાતને ગાળો આપોને?’ પૂર્વજે લોઢું ગરમ જોઈને હથોડો ઝીંકયો. ‘કોની વાત કરે છે તું?’ ‘મારી માસીની.’ પૂર્વજની આંખો રડી પડી. ચૌદ વર્ષનો હર્ષ અને નવ વર્ષનો અનુજ પણ એને વળગીને ભા હતા : ‘તમે એમ માનો છો કે અમે એમ ને એમ મોટા થઈ ગયા? દાદીથી તો ચલાતું પણ નથી. અમને રસોઈ બનાવીને જમાડયા કોણે? અમને નવડાવ્યા કોણે? વાર્તાઓ કોણે સંભળાવી? ઘરનાં કચરાં-પોતાં, ઠામ-વાસણ, કપડાં… કોણે કર્યા આ કામ? ઘરમાં એકેય નોકર-ચાકર તો હતાં નહીં. આ બધું રચનામાસી કરી જતાં હતાં. પપ્પા, તમે ઘરમાં જાવ એ પછી એ આવતાં અને તમે બેન્કમાંથી છૂટો એ પહેલાં એ ચાલ્યાં જતાં. તમે કયારેય અમારી પીરસાયેલી થાળીઓ જૉઈ છે? અમારાં કપડાં, નખ, વાળ જૉયા છે? અમારી માર્કશીટ્સ કદીયે તપાસી છે? એ તમામ ચીજૉમાં અમારી માસીનો હાથ ફરેલો છે. હાથ શાનો? હેત ઢળેલું છે. આજે અમારી માસી અઠ્ઠાવીસ વર્ષની થવા આવી. બે વર્ષ પછી એ લગ્નના બજારમાંથી બહાર ફેંકાઈ જશે. પપ્પા, તમે ક્રૂર છો. એક તમને પરણીને મરી, બીજી પરણ્યા વગર મરશે.’ બીજે જ દિવસે સુદર્શન રચના જોડે પરણી ગયો. લગ્નની પહેલી રાતે સુદર્શને પત્નીને પૂછયું : ‘આઠ-આઠ વર્ષ સુધી તને મેં રાહ જોવડાવી, એ પછી તને આશા હતી કે હું તારી સાથે લગ્ન કરીશ?’ રચનાની આંખોમાં રત્ન જેવી ચમક હતી : ‘આશા નહીં, ખાતરી હતી. આઠ વર્ષનો ઇંતઝાર એ ઇંતઝાર નહીં, પણ તપ હતું. અને તપની સામે હર કોઈએ ઝૂકવું જ પડે છે.’ (એક ગુજરાતી લેખક – મિત્રની જિંદગીમાં બની ગયેલી સત્ય ઘટના. લગ્નની પ્રથમ રાતે પત્નીએ પતિ પાસેથી માગેલું વચન : ‘મારે મારી કૂખેથી જન્મેલું એક પણ બાળક ન જૉઈએ. આ ત્રણ છે એ મારાં જ છેને!’) (શીર્ષક પંકિત : દિલીપ મોદી) 3 Comments Posted by ચેતન ઠકરાર on October 5, 2012 in ડો. શરદ ઠાકર ની વાર્તા ઓ સેલ્યુટ 05 Oct 3 Votes મારા કન્સલ્ટિંગ રૂમનો દરવાજો ખૂલ્યો અને કોઈ અંદર પ્રવેશ્યું. એના ભારેખમ બૂટનો અવાજ મને સંભળાયો. હું મેડિકલ જર્નલમાં આંખ રોપીને બેઠો હતો. પછી એક જોરદાર અવાજ આવ્યો, બૂટ પછાડવાનો. જાણે કોઈ સૈનિક ફર્શ પર પગ પછાડતો હોય એવો ! મેં ઉપર જોયું. ખરેખર, એ એક સૈનિક જ હતો. શીખ સૈનિક, સાડા છ ફીટની ઉંચાઈ, કદાવર દેહ, શરીરને શોભી ઊઠે એવો લશ્કરી ગણવેશ અને માથાના તેમજ દાઢીના વાળને વ્યવસ્થિત ઢાંકે તેવો પટકો અને ક્રિમ રંગની પટ્ટી ! જિંદગીમાં હું બહુ ઓછા પુરુષોના માર્દવથી અંજાયો છું પણ એ નાનકડી પંગતમાં આને સૌથી મોખરે બેસાડવો પડે ! શું જામતો હતો આ જુવાન એના લશ્કરી ગણવેશમાં ! સોહામણા પણ કરડા ચહેરા ઉપર મોટી મોટી આંખો, દુશ્મનને ડારી નાખે, પણ દુશ્મન ન હોય એને વશ કરી લે એવી લાગતી હતી. ચહેરા ઉપર સૌજન્ય ભારોભાર છલકાયા કરે, પણ સાવ કવિ જેવો સ્ત્રૈણ ભાવ નહિ ! જંગલનો વનરાજ મિલિટરીનો યુનિફોર્મ ધારણ કરીને ઊભો હોય એવું લાગે. મેં ઉપર જોયું, ત્યારે એ મને ‘સેલ્યુટ’ કરતો ઊભો હતો. આ મિલિટરીવાળાની સલામ કરવાની વાત મને ગમી, પણ પેલી બૂટ પછાડવાની વાત ન ગમી. શા માટે આ લોકો આટલા જોરથી બૂટ પછાડતા હશે એ મને ક્યારેય સમજાયું નથી. પહેલાં તો હું માનતો હતો કે આમાં માત્ર સામાવાળાનું ધ્યાન દોરવાનો જ હેતુ હોય છે, પણ એવું હોય તો બોલીને ક્યાં ધ્યાન નથી દોરાતું ? આમાં બીજું શું કે ફર્શને નુકશાન થવાનો ડર અને આવો અવાજ સાંભળીને મારા જેવા પોચટ માણસના હૃદયને જરા થડકા જેવું લાગી જાય. જો એ હટ્ટોકટ્ટો માણસ લશ્કરી આદમી ન હોત તો હું ચોક્કસ એને કહેત કે ભાઈ, સલામ મારતાં રહેવું, એમાં પાપ નથી, પણ આ બૂટવાળો ભાગ જરા…..! ‘ગુડ મોર્નિંગ સર, આઈ એમ રાજિન્દરસિંહ કાલરા, આઈ એમ એ મિલિટરી મેન !’ ‘ગુડ મોર્નિંગ, બૈઠિયે’ મેં કહ્યું, પણ એ બેઠો નહિ. ‘માફ કરના મેં અપની વાઈફ કો લેકે આયા હૂં.’ કહીને એ દરવાજામાં ઊભેલી એની પત્નીને માનભેર લઈને અંદર આવ્યો. પેલી પણ જંગલના રાજા સાથે શોભે એવી જ પંજાબી કુડી હતી. મેં એની સામે જોયું. ચોમાસાના તળાવની જેમ ભરેલી લાગતી હતી. એ બેઠી, ત્યાર પછી જ સરદારજી ખુરશીમાં બેઠા. હું પતિ-પત્નીને જોઈ જ રહ્યો. પૌરુષત્વથી છલકાતો જુવાન જ્યારે સ્ત્રીને, બીજી કોઈ સ્ત્રીને તો ઠીક છે, પણ ખુદ પોતાની પત્નીને આટલા માનથી અને આટલા સ્ત્રીદાક્ષિણ્યથી બોલાવે એ મારા માટે આનંદનો વિષય રહ્યો છે. આ માણસ દુશ્મનનો કચ્ચરઘાણ કાઢતો હશે ત્યારે કેટલો પથ્થરદિલ બની જતો હશે, પણ અત્યારે એક સ્ત્રી સાથેના વર્તનમાં એ કેટલી નજાકતથી પેશ આવતો હતો ! મારે એને કહેવું હતું કે, ‘યાર, કાં તો આ છોલી નાંખે એવા કપડાં બદલાવી નાંખ અને કાં તો પછી સ્વભાવની આ મુલાયમતા છોડી દે ! બંનેનો મેળ નથી બેસતો.’ પણ પછી લાગ્યું કે એનું નજાકતભર્યું વર્તન એના પડછંદ વ્યક્તિત્વને ઓપ આપતું હતું, એને સંપૂર્ણ બનાવતું હતું. ‘સા’બ મૈં એન્ટિટેરેરિસ્ટ સ્ક્વોર્ડમેં હૂં. મેરી ડ્યૂટી કા કોઈ ઠિકાના નહીં હોતા, જહાં ભી કોઈ ગરબડી ફૈલે, હમેં વહાં જાના પડતા હૈ. ઓર આપ તો જાનતે હૈં કી આજકલ….’ એનું અધૂરું વાક્ય મેં મનમાં જ પૂરું કરી લીધું. આખો દેશ આજકાલ ભડકે બળી રહ્યો છે, હર શાખપે ઉલ્લુ બેઠા હૈ, ધીમે ધીમે આખા દેશમાં બે જ જાતિ રહેશે, એક આતંકવાદીની અને બીજી દેશભક્તોની ! પણ આ સરદારજીની અહીં અમદાવાદમાં શી જરૂર પડી હશે ? ‘મેરી ડ્યુટી તો આજકલ પંજાબમેં હૈ, સર ! લેકીન મેરી શાદીકો અભી સાત આઠ મહિને હી હુએ હૈ. આપ દેખ સકતે હૈ કિ મેરી વાઈફ….’ એણે અટકીને પત્ની સામે જોયું. ભરેલું તળાવ શરમાઈ ગયું. સરદારજીએ વાતનો છેડો ફરીથી પકડી લીધો, ‘મેરે સસુરજી યહાં અહમદાબાદમેં હૈં, ઈસલિયે મેં ઉસકો યહાં ડિલિવરી કે લિયે છોડને આયા હૂં.’ હું સમજી ગયો : ‘સરદારજી, આપ ઉનકી ફિક્ર મત કરના. મેં પૂરા ખયાલ રખૂંગા.’ એની આંખોમાં મેં જાણે અત્યારે જ બાળકના જન્મના સમાચાર આપ્યા હોય તેવો ભાવ ઊમટતો હતો. મેં એની પત્નીની શારીરિક તપાસ કરી, દવાઓ લખી આપી, પ્રસૂતિની તારીખ કાઢી આપી અને ફરીથી બતાવવા આવવાની સલાહ પણ આપી. સરદારજીને ચિંતા એક જ વાતની હતી. એના બાળકના જન્મ સમયે એને રજા મળશે કે કેમ ? કારણ કે એની છુટ્ટીનો આધાર એની પરિસ્થિતિ પર નહિ, પણ દેશના સંજોગો પર હતો. એણે મને વિનંતી કરી : ‘લિજીયે સા’બ ? યે મેરા હેડકવાર્ટસ કા પતા…. જૈસે હી ખુશખબરી આયે, મેરે નામ એક ટેલિગ્રામ ભેજ દેના. આપકા ટેલિગ્રામ મેરે લિયે મેડિકલ સર્ટિફિકેટ કા કામ કરેગા. મુઝે ઉસી દિન છુટ્ટી મિલ જાયેગી…..’ અમારી વાતચીત હજુ ચાલી જ રહી હતી, ત્યાં બહારથી મારો ચારેક વર્ષનો પુત્ર દડબડ દોડતો અંદર ધસી આવ્યો. દિવસમાં એકાદ-બે વાર આવી રીતે મારી પાસે દોડી આવવાની એને ટેવ છે. આજે એ આવતાં તો આવી ગયો પણ આ કદી ન જોયેલા ડરામણા માનવીને જોઈને ત્યાં જ ઊભો રહી ગયો. એના મનમાં જાગી રહેલા ઘણા બધા પ્રશ્નો હું સમજી શકતો હતો. કદાચ સરદારજી પણ સમજી ગયા હશે. એ ઊભો થયો. બધી જ ઔપચારિકતા ત્યાગીને એક પુરુષ, અરે, એક પિતા જ બની ગયો : ‘અરે બાદશાહ આ જાઓ, આઓ મેરી બાંહોમેં….’ એણે હાથ લાંબા કરીને બાબાને ઊંચકી લીધો. બે-ત્રણ માસ પછી પધારી રહેલા પોતાના પુત્રની ઝાંખી કરી રહ્યો એ મારા દીકરામાં ! ‘ક્યા ખાઓગે, બાદશાહ ? ચોકલેટ ખાની હૈ આપકો ? લો, જી અપને અંકલ સે માંગ લો. બાદશાહ હોકે ડરતે ક્યું હો ?’ બાબો જોઈ રહ્યો હતો. જે કાળમીંઢ ખડક જેવો લાગતો હતો, એનામાંથી ફૂટી રહેલાં વહાલના ઝરણાંમાં એ ભીંજાઈ રહ્યો હતો. ખિસ્સામાંથી પચાસની નોટ કાઢીને એણે દીકરાના હાથમાં મૂકી. એણે એ પકડી લીધી, સરદારજીની મૂછ પર હળવેથી હાથ ફેરવ્યો, એકાદ વાળ ખેંચી પણ જોયો અને પછી ધીમેથી, મથામણ કરીને એ નીચે ઊતરી ગયો. એ નાસી જતાં પહેલાં એક હસતી નજર એના ‘અંકલ’ તરફ ફેંકીને ઊભો રહ્યો. કદાચ એ કદાવર સૈનિકના દાઢી, મૂછ અને પાઘડી તરફ વિસ્મય ભાવથી જોઈ રહ્યો હતો ! પાકીટમાંથી બીજી એક સો રૂપિયાની નોટ કાઢીને એ મારી તરફ ફર્યો. ‘ડૉ. સા’બ, આપકી ફીસ ?’ મેં કહ્યું : ‘રહેને દો, સરદારજી. આપને મેરે બેટે કો પ્યાર દિયા હૈ, મૈં અબ….’ ‘નહીં, સા’બ ફિર તો વો ફીસ હુઈ ના ? પ્યાર થોડા હુઆ ? હરગીઝ નહીં, આપકો યે પૈસે તો લેને હી પડેંગે.’ મારા મનમાં તીવ્ર ઈચ્છા થઈ આવી એને કહેવાની કે, ‘ભાઈ, પ્યાર તો તારી મૂછનો વાળ ખેંચીને મારા દીકરાએ મેળવી જ લીધો છે. બાકી દુનિયાના પટ પર કોઈની તાકાત નથી કે તારા જેવા મર્દની મૂછને સ્પર્શ પણ કરી શકે. તેં આટલું બધું આપ્યું છે, પછી પાકીટ કાઢવાની જરૂર જ ક્યાં હતી ?’ પણ ફરી મને થયું કે મિલિટરીમેનને વધુ કાંઈ કહેવું સારું નહીં. મેં નોટ લઈ લીધી, પણ મનમાં ગાંઠ વાળી કે એની પત્નીને જ્યારે બાળક જન્મશે, ત્યારે એની કોમળ હથેળીમાં આ નોટને સવાઈ કરીને મૂકી દઈશું. પ્યાર માત્ર પંજાબમાં જ પેદા નથી થતો, ગુજરાતમાં પણ પાકે છે, માત્ર હવામાન સારું હોવું જોઈએ ! ફરીથી એક જોરદાર ‘સેલ્યુટ’ ફર્શ પર જોશભેર બૂટ પછાડવાનો અવાજ, અને કવીક માર્ચ…! એ દિવસે ક્યાંય સુધી આ શિસ્તબદ્ધ, છતાં પ્રેમથી છલોછલ સરદારજી મારા મન પર છવાયેલો રહ્યો. એની પત્ની નિયમિત મારી પાસે ‘ચેક-અપ’ માટે આવતી રહી. થોડા દિવસ પછી જ દિવાળી હતી. એક સવારે ટપાલીએ મને દિવાળી કાર્ડઝનો થોકડો આપ્યો. મોટાભાગનાં મિત્રોનાં હતાં, સગાંવહાલાંનાં હતા, ફાર્માસ્યુટિકલ કંપની તરફથી હતાં, પણ એક કાર્ડ વાંચીને હું ઝૂમી ઊઠ્યો. ‘ડૉક્ટર સા’બ ઔર આપકા પરિવાર, આપ સબકો શુભકામનાએ. નયી સાલ આપકો મુબારક હો. મૈં વતનકી હિફાઝતમેં લગા હૂં, આપ મેરે આનેવાલે કલકી હિફાઝત મેં હૈ ! વાહે ગુરુ આપ કો કામિયાબી બખ્શેં ! મેરા સલામ ! આપકે બેટે કો ઊસકે મૂંછોવાલે અંકલકી ઓરસે ઢેર સારા પ્યાર. ઊસકો બોલના કે ચોકલેટ કે લિયે પૈસે અપને પાપા સે નહીં લેના, ઊસકા અંકલ અભી જિન્દા હૈં.’ કાર્ડની નીચે લખ્યું હતું : રાજિન્દરસિંહ (મિલિટ્રી-મેન) ! મેં એ કાર્ડ સાચવીને મૂકી દીધું. ત્યારપછી બરાબર દોઢ મહિને એની પત્નીએ મારા નર્સિંગહોમમાં હૃષ્ટપુષ્ટ બાબાને જન્મ આપ્યો. હું હરખાયો. ‘સરદારજી, અબ મેરી બારી હૈ. હમ ભી કુછ કમ નહીં હૈં. તુમ એક બાર આઓ તો સહી, ફિર દેખના કિ મૈં ક્યા કરતા હૂં ? તુમ્હારી સેલ્યુટ ઔર તુમ્હારી મૂછે ઔર તુમ્હારી ચોકલેટ ફિક્કી ન પડ જાયેં તો કહના મુઝે….!’ હું મનોમન સરદારજીને પડકારી રહ્યો. પણ એ ક્ષણ ન આવી શકી. મારો ટેલિગ્રામ ગયો. એ જ દિવસે હેડ કવાર્ટસમાંથી એક સરખા બે ટેલિગ્રામ્સ નીકળી ચૂક્યા હતા – એક રાજિન્દર સિંહના પિતાને ત્યાં અને બીજો એના સસરાના સરનામે – ‘કેપ્ટન રાજિન્દરસિંહ કાલા ઈઝ શોટ ડેડે, ડ્યુરીંગ એ ફાયર્સ કોમ્બેટ વીથ ટેરરિસ્ટ. ધ હૉલ આર્મી ફિલ્સ એકિસ્ટ્રીમલી સોરી. મે હીઝ સોલ રેસ્ટ ઈન પીસ. એ ડિટેઈલ્ડ લેટર ફોલોઝ…’ પછી શું થયું એ લખવાની વાત નથી, હૈયું આંખ વાટે વહી જાય ત્યારે કલમ થંભી જતી હોય છે. મારી ડાયરીનું એ પાનું આજે પણ અધૂરું જ છે. પેલું દિવાળીકાર્ડ એ પાનાંઓમાં હજુ પણ સચવાયેલું પડ્યું છે. હું મનોમન એ મૃત દેશભક્ત સૈનિકને ઉદ્દેશીને બબડી ઊઠું છું – ‘સરદારજી મર્દ હોને કે બાવજૂત ભી આપને આપના વાદા નહીં નિભાયા. અબ કિસીસે કોઈ વાદા નહીં કરના. અધૂરે વાદે બહોત પીડદાયી હોતે હૈ, આપકે લિયે નહીં, પછી રહ જાને વાલોં કે લિયે ! આપકો ક્યા ? બસ, જબ મરજી હૂઈ, ચલ પડે….! મેરે છોટે બાદશાહ કા ભી વિચાર નહીં કિયા, ન તુમ્હારે છોટે બાદશાહ કા….! કુછ સાલ તો રૂક જાતે, તો વો ભી દેખ શકતા કિ કિસ શેર કી ઔલાદ હે વોહ ?’ Leave a comment Posted by ચેતન ઠકરાર on October 5, 2012 in ડો. શરદ ઠાકર ની વાર્તા ઓ એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઇશ’, સ્પર્શી શકાય પુષ્પને ઝાંકળ થયા પછી 04 Oct 4 Votes વીસ વર્ષની કાવ્યાને જયારે જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવી, ત્યારે એ જીવતી કરતાં મરેલી વધારે હતી. માત્ર સ્રી-જાતિની હોવાના એક જ કારણથી એને ગાયનેક વિભાગમાં લઇ જવામાં આવી, જયાં મેં એને તપાસી પણ એને ગાયનેક વિષયને લગતી કશી જ તકલીફ ન હોવાથી મેં એના કેસ-પેપરમાં શેરો મારી દીધો: નિલ ગાયનેક. રિફર્ડ વિથ કોમ્િપ્લમેન્ટ્સ ટુ સર્જિકલ ડિપાર્ટમેન્ટ ફોર ફરધર મેનેજમેન્ટ.અને આમ કાવ્યા નામની લગભગ મરણોન્મુખ યુવતીનો હવાલો મેં તખુભાને સોંપી દીધો. તખુભા એટલે ડો. તખ્તસિંહજી વીરભદ્રસિંહજી ઝાલા. પચીસમા વરસે એમ.એસ. ઇન જનરલ સર્જરી થઇને આ જનરલ હોસ્પિટલમાં ફુલટાઇમ સર્જન તરીકે જોડાયેલા અસલી રાજપૂત યુવાન. જૉ સોહામણું તન, મજબૂત મન, ટકોરાબંધ ચારિત્ર્ય અને રાજપૂતી મિજાજ આ ચાર વસ્તુનો સરવાળો કરવામાં આવે તો અંતે જે જવાબ મળે એનું નામ ડો. તખ્તસિંહ ઝાલા પાડી શકાય. સૌરાષ્ટ્રના દરબાર યુવાનો જયારે મોટા ભાગે પોલીસ ખાતામાં કે એસ.ટી. વિભાગમાં નોકરીએ જોડાવાનું પસંદ કરતા હતા, ત્યારે તખ્તસિંહે ડોકટર થવાનું સ્વીકાર્યું હતું. તખુભા તરીકે તો ફકત એમના અંતરંગ માણસો જ એમને સંબોધી શકતા હતા. ફરજ ઉપર તો અમારે પણ એમને ડો. ઝાલા કહીને બોલાવવા પડતા. ખાનગીમાં અલબત્ત, એ અમારા માટે ઝાલાબાપુ બની જતા હતા. રાત્રે દોઢ વાગ્યો હશે. ઝાલાબાપુ, પધાર્યા. આંખો લાલ હતી. શાના કારણે એનું નિદાન કરવું અઘરું હતું. સૂરાપાન વિશે માહિતી ન હતી. ગુસ્સાનું કોઇ કારણ ન હતું. કાચી ઘમાંથી જાગવું પડયું એ એક માત્ર સંભવિત કારણ માની શકાય. કેઝ્યુઅલ્ટીમાં આવીને કાવ્યાને તપાસી. હજુ તો પલ્સ ઉપર આંગળીઓ મૂકી ત્યાં જ એમણે બરાડો પાડયો, ‘શી ઇઝ ડાઇંગ! પલ્સ તો લગભગ પકડાતી નથી. સિસ્ટર, બ્લડ પ્રેશર માપ્યું?’ ‘નોટ રેકોર્ડબલ, સર!’ નર્સની આંખોમાં પણ ચિંતા ઝલકતી હતી. ડો. ઝાલા હવે દર્દીનાં સગાં તરફ ફર્યા, ‘આપણી પાસે સમય ઓછો છે. આને શું થયું છે એની વિગત જણાવો. ફટાફટ!’ કાવ્યાના પપ્પાએ ‘આજ તક’ની તેજ ન્યૂઝ ચેનલની જેમ ‘ખબરેં ફટાફટ’ રજૂ કરી, ‘ગઇ કાલ સવારથી પેટમાં દુ:ખાવો હતો. ઉલટી થતી હતી. પછી તાવ શરૂ થયો. ઘરમાં પેઇનકિલર ટિકડી પડી હતી એ ખવડાવી. ફરક ન પડયો, એટલે બાજુમાં જનરલ પ્રેકિટશનર છે એને ત્યાં લઇ ગયા. એમણે દુખાવાનું ઇન્જેકશન મૂકયું. આજે સાંજ પછી કેસ બગડવાની શરૂઆત…’ ‘તમને શરૂઆત લાગતી હશે, પણ મારા મતે આ અંત છે.’ ડો. ઝાલાએ નિદાન રજૂ કર્યું, ‘તમારી દીકરીને એકયુટ એપેન્ડિસાઇટિસ હતું. સારવારમાં વિલંબ થવાને કારણે પેટમાં એપેન્ડિકસ ફાટી ગયું છે. શી ઇઝ ઇન સેપ્ટિસિમિક શોક! ભાગ્યે જ બચે.’ આવી સ્થિતિમાં સગાં બિચારા શું કરે? જયાં સહી કરવાની હતી ત્યાં કરી આપી. સારવાર માટે જે કંઇ કરવું પડે તે બધું જ કરવાની સંમતિ આપી દીધી. ડો. ઝાલાએ તાબડતોબ કાવ્યાને ઓપરેશન થિયેટરમાં લીધી. સૌથી પહેલું કામ એની પલ્સ અને બ્લડ પ્રેશર સુધારવાનું કર્યું. તબીબી વિગતોમાં ઉંડા ઉતરવાનો કોઇ અર્થ નથી, પણ માત્ર ગ્લુકોઝ સેલાઇનના બાટલાથી કામ સરે એમ જ હતું. જીવનરક્ષક ઇન્જેકશનો ઉપરાંત લોહીના બાટલાની પણ જરૂર હતી. ડો. ઝાલા જાણે કોઇ મઘ્યકાલીન ગૌબ્રાહ્મણ પ્રતિપાળ ક્ષત્રિય યુદ્ધમેદાનમાં ઝઝૂમતો હોય એવા રાજપૂતી ઝનૂનથી કામે વળગ્યા. એમના હાથ હાથનું કામ કરતા હતા અને હોઠ હોઠનું, ‘સિસ્ટર, ગીવ હર ઇન્જે મેકેન્ટિન. ગીવ એડિ્રનાલીન ઇન ડ્રીપ. ડેકઝોના તૈયાર છે? એનું બ્લડ સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યું? થિયેટર તૈયાર કરાવો!’ જનરલ હોસ્પિટલનો પચાસેક માણસોનો સ્ટાફ કામે લાગી ગયો. ફરજ પર ન હતા એવા સાત-આઠ ડોકટરો પણ દોડી આવ્યા. કાવ્યાનું બ્લડપ્રેશર સિત્તેરના આંકડાને સ્પર્શી રહ્યું. હવે વાટ હતી લોહીના બાટલાની ત્યાં નર્સે મોંકાણના સમાચાર આપ્યા, ‘સર, પેશન્ટનું બ્લડ ગ્રુપ એ-નેગેટિવ છે. આખા શહેરમાં આ ગ્રુપની એક પણ બોટલ નથી. મળવાની શકયતા પણ નથી.’ ‘ટેકિનશિયન કયાં છે? એને કહો કે મારું બ્લડ લઇને ક્રોસ મેચ કરી જુએ. જો બરાબર હોય તો બે બોટલ્સ…’ ડો. ઝાલાના મુખ ઉપર કચવાટ પોતાનું બ્લડ આપવા બાબતનો ન હતો, પણ ઓપરેશનમાં એટલો વિલંબ થવા વિશેનો હતો. બ્લડ કાવ્યાનાં બ્લડને ભાણે ખપતું નીકળ્યું. ત્રણસોને બદલે પાંચસો મિ.લી. અને એ પણ ઝાલાબાપુનું ચૌદ ગ્રામ પ્રતિશત જેટલું હિમોગ્લોબિન ધરાવતું! કાવ્યાની હાલતમાં શેરબજારની તેજી જેવો ઉછાળ નોંધાયો. એ પછી તરત જ ડો. ઝાલાએ ઓપરેશન ચાલુ કર્યું. પૂરા અઢી કલાક સુધી ‘લેપ્રોટોમી’ ચાલી. એ દરમિયાન ત્રણ વાર કાવ્યાનું હૃદય બંધ પડી ગયું. આખરે સવારનો સૂરજ કાવ્યા માટે નવી જિંદગી લઇને ઊગ્યો. અડતાલીસ કલાક પછી કાવ્યાએ પથારીની બહાર પગ મૂકયો. આ દરમિયાન ડો. તખ્તસિંહ ઝાલા એને પંદર-વીસ વાર તપાસી ગયા હશે. કાવ્યા ખરેખર કેટલી ખૂબસૂરત હતી એની ખબર હોસ્પિટલના કર્મચારીઓને હવે જ થઇ. મૃત્યુના ઓછાયાએ એનું રૂપ હણી લીધું હતું. જિંદગીની રોશનીએ એનો અસલી ચળકાટ પાછો લાવી દીધો. આઠમે દિવસે ડો. ઝાલાએ એને ટેબલ ઉપર લીધી, ‘ચાલો, તમારા ટાંકા કાઢવાના છે.’ ‘ડોકટર, આટલું કર્યું છે તો મારા માટે એક કામ વધારે ન કરો?’ ‘બોલો, શું કરવાનું છે?’ ઝાલાસાહેબ કાતર હાથમાં રમાડતાં પૂછ્યું. ‘એ કાતર મારી છાતીમાં ભોંકીને મને મારી નાખો!’ ‘એવાં ઓપરેશન હું નથી કરતો. મારું કામ દર્દીને જીવાડવાનું છે.’ ‘જો મને જીવાડવી જ હોય, તો…’ કાવ્યા શરમાઇ ગઇ. ‘હું સમજયો નહીં.’ ‘તમને સર્જન કોણે બનાવ્યા? સ્રીના પેટની બીમારી સમજી શકો છો, પણ એના મનની વાત નહીં. છેલ્લા આઠ-આઠ દિવસથી હું સાંભળતી આવી છું કે હું તો મરી ચૂકેલી હતી, તમે મારો જીવ બચાવ્યો. હવે આ જિંદગી ઉપર બીજા કોઇ પુરુષનો અધિકાર હું સ્વીકારી નહીં શકું.’ ડો.ઝાલા આ અનુપમ લાવણ્ય ધરાવતી કન્યા સામે જોઇ રહ્યાં, ‘પણ અમે રાજપૂત અને તું બ્રાહ્મણ…!’ ‘તો શું થયું? આપણું ખૂન તો મળતું આવે છે ને!’ કાવ્યાના હોઠ ઉપર ઝાલાબાપુના રકતની લાલીમા છવાયેલી હતી. ડો. ઝાલા મૂંઝાઇ ગયા, ‘કાવ્યા, મને વિચાર કરવા દે! અત્યારે તો તારા ટાંકા કાઢી આપું છું, પણ તનના ટાંકા કાઢવા કરતાં મનના કાંટા કાઢવા વધારે જરૂરી છે અને મુશ્કેલ પણ. એ દિવસે સાંજે કોફી-કલબમાં જયારે અમે મળ્યા, ત્યારે ડો.ઝાલાએ અમારું માર્ગદર્શન માગ્યું, ‘દર્દી અને ડોકટર વરચેનો સંબંધ અતિશય પવિત્ર ગણાય છે. એક ડોકટર એની સ્રી-દર્દી સાથે લગ્ન કરે તો એ નૈતિક દૃષ્ટિએ વાજબી ગણાય ખરું?’ બધાએ ના પાડી, પણ મેં હા પાડી,‘ઝાલાબાપુ, આજ-કાલ તો ગુરુ અને શિષ્યા પણ પ્રેમલગ્ન કરે છે! અને ડોકટર-દર્દી વરચે કયાં પિતા-પુત્રીનો સંબંધ મનાયો છે? અને કાવ્યા હવે કયાં તમારી દર્દી રહી છે? હા, જયારે એ ઓપરેશન ટેબલ ઉપર સૂતી હતી, ત્યારે તમે એના દેહ તરફ સારવારને બદલે વાસનાભરી નજરે જોયું હોત તો ચોક્કસ એ પાપ ગણાયું હોત!’ ‘તો હું કરું કંકુના?’ ‘હોવ્વે! કાવ્યાના શરીરમાં તમે લોહી તો પૂર્યું છે, હવે સેંથામાં સિંદૂર પણ ભરો! આખરે તો બધું લાલ જ છે ને!’ ‘આજે ઝાલાબાપુ અને એમની કવિતારાણીનાં લગ્નનું વીસમું વર્ષ ચાલી રહ્યું છે. એક પણ ઝઘડા વગરનું રોમાન્સથી ભરાતું લગ્નજીવન! અને કેમ ન હોય? ઝાલાબાપુએ લોહી આપીને લાવણ્ય ખરીદ્યું છે, જીવ બચાવીને જીવનસાથી મેળવી છે. (સત્યઘટના) (શીર્ષક પંકિત: રઇશ મનીયાર) Leave a comment Posted by ચેતન ઠકરાર on October 4, 2012 in ડો. શરદ ઠાકર ની વાર્તા ઓ દૂરથી જો આપને નીરખ્યા ઉપરછલ્લા સજનવા, નાસિકા પર રાતરાણીના થયા હલ્લા સજનવા 04 Oct 3 Votes વીસ વર્ષનો પ્રાંશુ અઢાર વર્ષની પૂર્વજાના પ્રેમમાં પડી ગયો. ન કોઇ વાત, ન કશી પૂછતાછ. બસ, પ્રાંશુની આંખોએ પહેલી મુલાકાતમાં જ એક મોરપીરછ જેવો રંગીન, મુલાયમ અને સુંવાળો સવાલ પૂછી નાખ્યો અને પૂર્વજાની પાંપણોએ જરાક અદબ સાથે ઝૂકીને નજાકતભર્યોઉત્તર પાઠવી દીધો.અમદાવાદનો પ્રાંશુ વેકેશનની રજાઓમાં મામાના ઘરે વડોદરા ગયો હતો, ત્યાં પડોશીની છોકરી સાથે ‘લવ ગેમ’ રમી બેઠો. સવારના પહોરમાં એ નાહી-ધોઇને ભીનો ટુવાલ દોરી ઉપર નાખવા માટે બાલ્કનીમાં ગયો, ત્યાં જ એની નજર સામેના ઘરની બાલ્કની ઉપર પડી. પૂર્વજા પણ સ્નાન પતાવીને એના ખુલ્લા-ભીના કેશ સૂકવવા માટે સૂરજના કુમળા તડકામાં ભી હતી. પ્રાંશુને તો એના શેમ્પૂ કરેલા વાળની સુગંધ પણ આવવા માંડી. ‘યાદ રાખીશ ને? કે પછી અમદાવાદ જઇને મને ભૂલી જઇશ?’ ચાર દિવસની ચાંદની પૂરી થયા પછી જયારે છૂટાં પડવાનો સમય આવ્યો, ત્યારે પૂર્વજાએ પૂછી લીધું. ‘તને ભૂલી જાય તે જગતને યાદ રાખીને શું કરે? હું આવીશ તને લેવા માટે. અને હું એકલો નહીં આવું જાન, જાનૈયા અને વરઘોડા સાથે આવીશ. તારા પપ્પા ના પાડશે તો ખભે ઉંચકીને લઇ જઇશ!’ પ્રાંશુ એની વાતમાં, એના બોલાયેલા એક-એક શબ્દમાં ગંભીર હતો. અને પૂર્વજા ખિલખિલ કરતી હસી રહી હતી,‘ એ બધું તો ભવિષ્યમાં જોયું જશે, પણ અહીંથી ગયા પછી ફોન તો કરજે. સાવ રાજા દુષ્યંત જેવું ના કરીશ. સામે કયાંક ભટકાઇ જઉં તો ઓળખે પણ નહીં!’ તરત જ પ્રાંશુએ ગળામાં ધારણ કરેલો કાળો હીરો કાઢીને પૂર્વજાને આપી દીધો, ‘લે, આ પહેરી લે!’ ‘આ શું છે?’ પૂર્વજાએ પહેલાં પ્રાંશુની આજ્ઞા માની, પછી પ્રશ્ન કર્યો. ‘સાંઇબાબાના ફોટાવાળું તાવીજ છે. મારા પપ્પા ખૂબ મોટા સાંઇભકત છે. અમારા કુટુંબમાં દરેક સભ્ય કાયમ આવું તાવીજ ધારણ કરીને જ ફરે છે.’ ‘તો પછી આ તારું તાવીજ તેં મને શા માટે..?’ ‘દુષ્યંત રાજાએ શકુંતલાને વીંટી આપેલી ને! મેં મારી શકુંતલાને આ તાવીજ આપ્યું. કયારેક ભૂલી જાઉં, તો યાદ આવી જાય એ માટે!’ અને બીજે દિવસે તો પ્રાંશુ અમદાવાદ ચાલ્યો ગયો. પ્રાંશુના પપ્પા જશવંતલાલ ધાર્મિક વૃત્તિના પરંતુ પૂર્ણપણે પરંપરાના માણસ હતા. એમના મનના મકાનની ચારેય દીવાલો જરીપુરાણા વિચારોની બનેલી હતી. એમાં નવા, આધુનિક વિચારોની એક પણ બારી જશુભાઇએ બેસાડી ન હતી. બે દિવસમાં જ એમણે દીકરાના વર્તનમાંથી પ્રેમની સુગંધ પારખી લીધી. ત્રીજા દિવસની સવારે તો પત્નીને એમણે સૂચના પણ આપી દીધી ‘હું જરા બહાર જઉં છું. આપણા પાટવીકુંવર પર નજર રાખજો! મને એના લક્ષણ સારા નથી લાગી રહ્યાં!’ કંચનબહેન છેડાઇ બેઠાં, ‘તમને શું ખોટ વરતાઇ ગઇ મારા દીકરામાં? હજુ હમણાં તો આવ્યો છે મારા ભાઇના ઘરેથી.’ ‘હા, પણ આખેઆખો ‘વન પીસ’ પાછો નથી આવ્યો!’ જશુભાઇ તાડૂકયા, ‘હૃદય કયાંક મૂકીને આવ્યો છે. એ ભલે કશું ન બોલે, પણ એના ચકળ-વકળ ડોળા, દેવદાસ જેવું ડાચું અને ચોળાયેલાં કપડાં ચાડી ફૂંકી દે છે કે એના દિમાગની અંદર શું ચાલી રહ્યું છે. એના માથાના વાળ જોયા? અડતાલીસ કલાકથી એમાં કાંસકો નથી ફર્યો. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના પેલા સાયમંડ્ઝ જેવા તો વાળ થઇ ગયા છે! સાવ વાંદરો લાગે છે વાંદરો!’ ‘ખબરદાર! જો મારા દીકરાને વાંદરો કહ્યો છે તો!’ ‘તો તું શું કરી લઇશ? આઇ.સી.સી. પાસે ફરિયાદ કરવા પહોંચી જઇશ?’ ‘સારું, એમાં આટલા બધા ગુસ્સે શેના થાવ છો! હું પ્રાંશુ પર નજર રાખીશ, બસ?’ કંચનબહેન કોન્સ્ટેબલ બનીને પ્રાંશુની પ્રત્યેક હિલચાલનો પીછો કરવા માંડયાં. પ્રાંશુની હાલત બગડી ગઇ. પૂર્વજાને ફોન કરવા માટે જેટલીવાર એણે રિસીવર ઉઠાવ્યું, એટલી વાર કંચનબહેન એની બાજુમાં આવીને સોફામાં બેસી ગયાં. પ્રાંશુ પેરેલલ લાઇન પરથી ફોન કરવા માટે બેડરૂમમાં ગયો, તો કંચનબહેન પણ એની પાછળ પાછળ! ત્યાં જઇને ધોયેલાં, સૂકાયેલાં કપડાંને વાળવા બેસી ગયાં. સાંજે જશુભાઇ પાછા આવ્યા, એટલે કંચનબહેને આખા દિવસનો અહેવાલ એવી ઝીણવટ સાથે કહી સંભળાવ્યો જે રીતે કોઇ જાસૂસ સી.બી.આઇ.ના વડાને પોતાનો રિપોર્ટ સોંપી રહ્યો હોય! બીજે દિવસે તો પ્રાંશુ મરણિયો બનીને પપ્પા ઘરમાં હાજર હતા, તો પણ પૂર્વજાને ટેલિફોન કરવા માટે ધસી ગયો. પણ ડબલા પાસે જઇને જોયું તો ફોન પર લોક લગાવેલું હતું! ‘પપ્પા, આ શું છે?’ ‘બેટા, આજકાલ ટેલિફોનના બિલો વધી રહ્યાં છે, એટલે મેં આઉટ ગોઇંગ કોલ્સ ઉપર કાપ મૂકયો છે. તારે કોઇ અગત્યની વાત કરવી હોય તો કહી નાખ, નંબર હું જૉડી આપું!’ જશવંતલાલ દાઢમાં બોલી ગયા. ‘તો મને મોબાઇલ ફોન લઇ આપો!’ પ્રાંશુ જીવ ઉપર આવી ગયો. ‘પહેલાં તમે મોબાઇલ થાવ, કુંવર, પછી મોબાઇલ ફોન લેવાની વાત કરજૉ! હજુ તો કોલેજ હમણાં પૂરી કરી છે, કમાણી શરૂ થઇ નથી, ત્યાં ખર્ચા શરૂ કરી દેવા છે!’ ‘પૂર્વજા..! પૂર્વજા..! પૂર્વજા..!’ પ્રાંશુ બબડી રહ્યો, મેં તને વચન આપ્યું છે કે હું તને ભૂલી નહીં જઉં. રોજ તને યાદ કરીશ. તારી સાથે રોજ વાત કરીશ. પણ શું કરું? મારા પપ્પા જશુભાઇને બદલે જાલીમ બની ગયા છે. મને લાગે છે કે મારાથી તને ટેલિફોન નહીં થઇ શકે. મારે તને પ્રેમપત્ર જ લખવો પડશે. હા, પ્રેમપત્ર. આજે રાત્રે વાત…’ દિવસભર પૂર્વજાની યાદ આષાઢની આંધી બનીને વાતી રહી. પ્રાંશુ રાત પડવાની પ્રતીક્ષા કરતો રહ્યો. રાતે બાર વાગ્યે પપ્પા-મમ્મી ઘી ગયા છે એની ખાતરી કર્યા પછી એ પોતાના રીડિંગરૂમમાં પૂર્વજાને પત્ર લખવા બેઠો. સંબોધનમાં માત્ર ‘મારી પ્રિયા’ એટલું જ લખ્યું. પૂર્વજાનું નામ ન લખ્યું. રખેને પત્ર કોઇ બીજાના હાથમાં જઇ ચડે તો? અલંકારિક ભાષા અને ભીના-ભીના શબ્દોને મધમીઠી ચાસણીમાં ઝબોળીને એણે કાગળ ઉપર ઉતાર્યા. પ્રેમપત્ર પૂરો કરીને ડાયરીમાં છુપાવીને પ્રાંશુ પથારીમાં પડયો. તરત જ ઘ આવી ગઇ. સપનામાં પૂર્વજા પણ આવી ગઇ. સવારે જાગીને એણે બ્રશ કર્યું, ચા-નાસ્તો પતાવ્યો. પછી કપડાં બદલીને બહાર જવા માટે નીકળ્યો. પૂર્વજાને લખેલો લવલેટર પોસ્ટ કરવાનો હતો ને! પણ જયાં ડાયરી ઉઘાડી, તો પ્રેમપત્ર ગાયબ હતો! એને બદલે એક કાગળમાં લખાણ વાંચવા મળ્યું, ‘કુંવર, મને શંકા હતી જ કે મેં તમને ફોન કરવા નથી દીધો એટલે તમે આવું કશુંક ગાંડપણ કરશો જ. તમારી પ્રેમિકા કોણ છે અને કયાં છે એની તો મને જાણ નથી, પણ એટલી જાણ છે કે તમે લખેલો લવલેટર કયાં છે? બેટમજી, પત્રને શોધવાના ફાંફાં ન મારશો. લી. તારો બાપ.’ પ્રાંશુએ ધમાલ કરી મૂકી. પગ પછાડયા, ઘાંટાઓ પાડયા પણ એના પપ્પા પાસે કશુંયે ન ચાલ્યું. જસુભાઇએ ચોખ્ખું સંભળાવી દીધું, ‘આ બધી લફરાંબાજી મારા ઘરમાં નહીં ચાલે. હું તારા માટે છોકરી શોધી કાઢું છું. પંદર દા’ડામાં લગ્ન! મારે આ પ્રેમ-બેમની માથાકૂટ ન જોઇએ. પ્રાંશુએ ઘણી બધી દલીલો કરી, ઘર છોડીને નાસી જવાની ધમકી આપી, કંચનબહેને ખાવાનું બંધ કર્યું, પણ જશવંતલાલ નમતું જૉખવાના મૂડમાં ન હતા. છેવટે કંચનબહેને પ્રાંશુની આગળ પાલવ પાથર્યો, ‘દીકરા, માની જા! તારા પપ્પા જીદ્દી છે. એ જે છોકરી શોધી લાવે એની સાથે…’ ‘ભલે, હું એ છોકરીની સાથે પરણી તો જઇશ, મમ્મી! પણ બીજે જ દિવસે હું બાવો બનીને ઘર છોડી દઇશ. આ મારી પ્રતિજ્ઞા છે.’ દીકરાએ ધમકી ઉરચારી. જશુભાઇ ગાડી અને ડ્રાઇવર લઇને નીકળી પડયા. ચૌદ દિવસની અંદર અઠ્ઠાવીસ ગામ ફરી વળ્યા. જયાં-જયાં એમની ન્યાતનાં બે-પાંચ ઘરો પણ હતાં, એ તમામ જગ્યાએ જઇ આવ્યા. આખરે છોકરી પસંદ કરી લાવ્યા. પંદરમા દિવસે તો કન્યાપક્ષવાળાને પોતાના ઘરે આવવાનું આમંત્રણ પણ આપી આવ્યા. ‘કન્યા વડોદરાની છે.’ જશુભાઇ દીકરો સાંભળે તેમ પત્નીને કહી રહ્યાં, ‘તારા ભાઇના ઘરની સામે જ રહે છે. છોકરી રૂપાળી છે. આંધળાને પણ ગમી જાય તેવી! પાછી ધાર્મિક પણ ખરી! મેં તો એની ડોકમાં સાંઇબાબાના ફોટાવાળું તાવીજ જોયું એની સાથે જ એને પસંદ કરી લીધી. આપણો કુંવર માને કે ભલે ન માને, પણ આ ઘરની કૂળવધુ તો એ જ બનશે.’ ‘પણ કન્યાનું નામ શું છે?’ કંચનબહેને સાસુસહજ સવાલ પૂછ્યો. ‘નામ ને? નામ..! નામ તો હું ભૂલી ગયો! બહુ સુંદર નામ છે… કન્યાના જેવું જ, પણ યાદ નથી આવતું. ‘પ’ ઉપરથી જ છે, પણ…’ પ્રાંશુની જીભ તડપી રહી હતી અને હોઠ ફફડતા હતા. સ્વરપેટીમાંથી વિશ્વનું સૌથી અધિક પ્રિય નામ ફૂટી રહ્યું હતું: પૂર્વજા… પૂર્વજા… પૂર્વજા..! પણ શું કરે? જાલીમ જશુભાઇ કયાં એનું સાંભળે એવા હતા! 1 Comment Posted by ચેતન ઠકરાર on October 4, 2012 in ડો. શરદ ઠાકર ની વાર્તા ઓ બે જવાનીના મિલનની હોય એક રંગીન પળ, રૂપ શરમાતું હતું ને પ્રેમ ગભરાતો હતો. 04 Oct 3 Votes બપોરના બે વાગ્યે સૂટ-બૂટ ચડાવીને ‘હોટલ આલિશાન’ના કાચના બનેલા દ્વારમાંથી બહાર નીકળ્યા, ત્યારે પચાસ વરસના અમેરિકન જેરી પટેલ પચીસ વરસના જયકૃષ્ણ બની ગયા. પીઢ પુરુષ મટીને પાગલ પ્રેમી બની ગયા. જયકૃષ્ણ પણ શાના? માત્ર જય જ. એમની પ્રિયંવદના જય.ટેકસીવાળાએ પૂછ્યું, ‘કયાં જવું છે, સાહેબ?’ ત્યારે પણ એમનાથી તો બોલી જ જવાયું, ‘પ્રિયાના ઘરે.’ પણ પછી તરત જ એમને સમજાઇ ગયું કે બફાટ થઇ ગયો છે એટલે ભૂલ સુધારી લીધી, ‘ગાંધી ચોક પાસે. ખોડિયાર માતાના મંદિરે જવું છે.’ પછી મનોમન હસી પડયા. દર્શન તો અવશ્ય કરવા છે, પણ પ્રિયાના, ખોડિયાર માતાના નહીં. કેવી લાગતી હશે? એ પણ અત્યારે પચાસના આળે-ગાળે તો પહોંચી જ હશે ને? એમનાથી બે-એક વરસ નાની હતી. રૂપ જરૂર ઝાંખું પડયું હશે. ચામડીની ચમક ઓસરી ગઇ હશે. આંખોનું તેજ પણ કરમાયું હશે. ચશ્મામાં પ્રિયા કેવી લાગતી હશે? દાંતનું ચોકઠું તો હજુ નહીં જ આવ્યું હોય. ભવિષ્યમાં પણ નહીં આવે. બહુ મજબૂત દાંત હતા પ્રિયાના. તીક્ષ્ણ પણ. આ સાથે જ જયકૃષ્ણ મલકી ઉઠયા. એક વાર કિસ કરતાં-કરતાં પ્રિયાએ કેવું બચકું ભરી લીધું હતું?! અત્યારે પણ એ પીડા જાણે હોઠો ઉપર ભરી આવી! કેવી રહી હશે પ્રિયા અત્યાર સુધી? તાજમહેલ જેવો તાજમહેલ પણ ધૂળ, ધુમાડો અને ધુમ્મસ ખાઇ-ખાઇને ઝાંખો થઇ ગયો છે, તો પછી પ્રિયાનો રૂપમહેલ સમયની થપાટો કયાં સુધી ઝીલી શકયો હશે? ટેકસી આશ્રમરોડ પર થઇને દોડતી રહી. જયકૃષ્ણ વર્તમાનની આંખે અતીતનાં દૃશ્યોને નિહાળી રહ્યો. એક હણહણતા તોખાર જેવો પ્રેમી એક વછેરી જેવી પ્રેમિકા એની નજરમાં રમી રહ્યાં. જયકૃષ્ણે કાન સરવા કર્યા, તો આજથી પચીસ વરસ પહેલાંના એ બંને વરચેના સંવાદો જે હજુ સુધી હવામાં ઘૂમરાયા કરતા હશે એ પણ એને સાંભળવા મળી શકયા. ‘લગ્ન પછી મારી પાસેથી તારી અપેક્ષા કઇ વસ્તુની હશે?’ પ્રિયાએ પૂછ્યું. ‘એક કરોડ આલિંગનો, બે કરોડ ચુંબનો, સાંઠ-પાંસઠ વર્ષનું દામ્પત્ય અને…’ ‘અને?’ ‘ત્રણ બાળકો.’ જયકૃષ્ણના કાન ‘પપ્પા-પપ્પા’ની કિલકારીઓથી ભરાઇ ગયા. ‘ના, ત્રણ નહીં, માત્ર બે જ! એક દીકરો અને એક દીકરી.’ ‘સારું! તું કહે છે તો બે જ બસ. પણ દીકરો મારા જેવો હોવો જૉઇએ; ભલો,ભોળો, સીધો-સાદો, નિર્દોષ અને બુદ્ધિશાળી!’ ‘અને દીકરી?’ ‘તારા જેવી; રૂપાળી પણ નખરાળી. લુરચી, અભિમાની, ફેશનેબલ, મિજાજી અને…’ ‘બસ! બસ હું એવી છું તો તું મારા પ્રેમમાં શા માટે પડયો?’ પ્રિયાએ ગુસ્સાથી મોં ફુલાવ્યું. ‘કારણ કે હું ભલો-ભોળો છું ને! એટલા માટે!’ ટેકસી આગળ દોડી ગઇ. દૃશ્ય પાછળ છૂટી ગયું. બે પ્રગાઢ પ્રેમીઓની પ્રેમભરી વાતચીત હવાના ઝોકામાં ઓગળી ગઇ. એક આઇસક્રીમ પાર્લર દેખાયું. પચીસ વર્ષ પહેલાં ત્યાં એક દાળવડાની લારી ભી રહેતી હતી. ત્યાં પાસે પડેલા લાકડાના બાંકડા પર બેસીને પ્રિયાએ એને કહ્યું હતું, ‘સોરી, જય! હું તારી સાથે લગ્ન નહીં કરી શકું.’ ‘કારણ?’ ‘પપ્પાનો માર, ભાઇની ધમકી, મમ્મીનાં ત્રાગાં. મારે એમના બતાવેલા મુરતિયા સાથે ઘરસંસાર માડવો પડશે.’ ‘પણ શા માટે? એ મુરતિયામાં એવું શું છે જે મારામાં નથી?’ ‘પૈસો, જય, પૈસો! સૃષ્ટિના આરંભથી લગ્ન નામની સુપર માર્કેટમાં રૂપની સોદાબાજી માલદાર ઘરના છોકરાઓ સાથે થતી આવી છે, જે આજે પણ અટકી નથી. મને હવે એક પણ સવાલ વધારે ન પૂછીશ.’ પ્રિયંવદા રડી પડી. ‘ઠીક છે, તને શુભેરછા આપું છું. સુખી થજે…’ ‘તું પણ પરણી જજે… અને સુખી થજે…’ છેલ્લું દૃશ્ય. છેલ્લું મિલન. છેલ્લો સંવાદ. એ પછી જયકૃષ્ણે ઝડપ કરી. પ્રિયંવદા પરણે એ પહેલાં અમેરિકાના એન.આર.આઇની દીકરી સાથે એ પરણી ગયો. અમેરિકા પહોંચી ગયો. ત્યાં ગયા પછી ડતી હવા પ્રિયંવદાના સમાચાર લઇને એને આપી ગઇ કે એ પણ માલદાર છોકરાનું ઘર વસાવીને બેસી ગઇ હતી. એ પછી આજની ઘડીને કાલનો દી’! ‘સાહેબ, મંદિર આવી ગયું, હવે ટેકસી આગળ નહીં જઇ શકે.’ ટેકસી ડ્રાઇવરેના અવાજે જયકૃષ્ણને પાછો વર્તમાનમાં લાવી દીધો. ‘હેં? હા! તું અહીં જ ઉભો રે’જે. મારા માટે ‘વેઇટ’ કરજે. આપણે બીજે ઠેકાણે જવાનું છે. અહીં તો હું ખાલી સરનામું પૂછવા જ આવ્યો છું.’ આટલું કહીને જયકૃષ્ણ ટેકસીમાંથી ઉતરી ગયા. આ એ વિસ્તાર હતો જયાં પ્રિયંવદાનાં મા-બાપનું મકાન હતું. એ પરણીને કયાં રહેતી હશે એની જયકૃષ્ણને માહિતી ન હતી. કદાચ એના પિયરમાંથી એ માહિતી મળી જાય. હવે આ પીઢ ઉંમરે બીજી તો શી અબળખા હોય કે જેના કારણે કોઇને એની ઉપર શંકા પડે? કદાચ પ્રિયાનાં મા-બાપ જીવતાં ન હોય એવું પણ બને. તો એનાં ભાઇ કે ભાભી પાસેથી જાણકારી મળી શકશે. અરે, કોઇ પાસ-પાડોશી પણ…! ‘કોનું ઘર શોધો છો, ભાઇ?’ ‘હેં?!’ જયકૃષ્ણ વિચારસમાધિમાંથી જાગ્યા. એક આધેડ મહિલા સામે ઉભી હતી અને મદદ કરવાના આશયથી પૂછી રહી હતી. ‘ના, કોઇનું નહીં, જે ઘરે જવું છે એ મેં જૉયેલું છે.’ કહીને જયકૃષ્ણ આગળ વધી ગયા. બધું એવું ને એવું જ હતું લગભગ. પચીસ વર્ષમાં ખાસ કશું બદલાયું ન હતું. શેરીના નાકે ઉભેલો પીપળો સહેજ વધુ ઘરડો થયો હતો. બે-ચાર દુકાનો જેમની તેમ જ હતી, અલબત્ત, એના પાટિયાં બદલાઇ ગયાં હતાં. સાઇકલ રિપેરિંગની જગ્યાએ હવે સ્કૂટર રિપેરિંગ ચાલતું હતું અને કરિયાણાની દુકાનમાં અત્યારે ફરસાણ વેચાતું હતું. બાકી રસ્તા ઉપરના ખાડાઓ, પાણીનાં ખોબોચિયાં અને ગંદકીના થર જેમના તેમ હતા. ગરીબ વસ્તીનો મહોલ્લો હતો. હવે પ્રિયા જયાં રહેતી હશે ત્યાં આવું નહીં હોય. સોદાબાજીની આ જ તો મજા છે, જેમની દેહકુંડળીમાં રૂપ નામનો ગ્રહ ઉરચ સ્થાને પડેલો હોય એવી છોકરીઓ વયમાં આવતાંની સાથે જ ઝૂંપડીમાંથી બંગલામાં ગોઠવાઇ જાય છે. શેરી ખતમ થવા આવી. પ્રિયંવદાના પિયરનું મકાન આવી ગયું. બારણાં ખુલ્લાં હતાં, પણ લોખંડની જાળી આડી કરેલી હતી. જયકૃષ્ણ ઉંચા ઓટલાવાળા એ મકાનની સામે ઉભા રહ્યા. આખી શેરીમાં સૌથી બિસ્માર હાલત એ મકાનની હતી. રંગ અને પ્લાસ્ટર ખડી ગયેલી બહારની દીવાલ અંદરની આર્થિક સ્થિતિ વિશે ચાડી ફૂંકી દેતી હતી. એક કિશોર ઓટલા ઉપર બેસીને અભ્યાસની ચોપડી વાંચી રહ્યો હતો. કદાચ પ્રિયંવદાના ભાઇનો દીકરો હોવો જૉઇએ. જો એનાથી જ કામ પતી જતું હોય તો ઘરમાં ન જવું એવું વિચારીને જયકૃષ્ણે સવાલ પૂછ્યો, ‘અહીં વરસો પહેલાં પ્રિયંવદા રહેતાં હતાં… મને ખબર છે કે એમનાં લગ્ન પછી એ બીજે કયાંક…. અમે કોલેજમાં સાથે હતાં… મને એમનું સરનામું મળી શકે…?’ જયકૃષ્ણ જોખી-જોખીને, છોકરો વહેમાય નહીં એ રીતે પૂછી રહ્યા હતા. પણ છોકરો હોમવર્કમાં મશગૂલ હતો. એણે માથું ચું કર્યા વગર જ જવાબ આપી દીધો, ‘સરનામું શા માટે પૂછો છો? ફોઇ ઘરમાં જ છે. મળી લો ને!’ સડક થઇ ગયા જયકૃષ્ણ. શરીરનાં રૂંવે-રૂંવે ઉત્તેજના વ્યાપી ગઇ. જેને મળવા માટે એ છેક કેલિફોર્નિયાથી અહીં સુધી લાંબો થયો હતો એ હવે હાથવંેતમાં હતી?! અસંખ્ય કલ્પનાઓ રોમાંચ બનીને દિમાગમાં ભરી આવી અને પછી એ હાડપિંજર બારણાં વરચે જ ભું રહી ગયું, ‘ઓહ! તું? તમે?’ ‘ઓળખી ગઇ?’ જયકૃષ્ણ પૂછી બેઠા. પછી હાડપિંજરના દોરવાયા એ ત્રણ પગથિયાં ચડીને ખૂલેલી જાળીમાં થઇને ઘરમાં ગયા. ‘આવો! બેસો! આટલા વરસે યાદ કરવાની નવરાશ મળી.’ ‘યાદ તો હું તને રોજે-રોજ કરતો હતો. પણ મારે તને ખલેલ નહોતી પહોંચાડવી. તું ખૂબ-ખૂબ સુખી હોઇશ એમ માનીને…’ જયકૃષ્ણ દરિદ્રતાના મૂર્તિમંત અવતાર જેવા ઓરડા તરફ અને એના જરીપુરાણા રાચ-રચીલા તરફ જૉઇ રહ્યા. ‘સુખ મારા નસીબમાં જ નહીં હોય. લગ્નના બીજા જ મહિને મારા પતિનું અકસ્માતમાં મોત થઇ ગયું. સસરો મેલી નજરનો હતો. મેં વશ થવાનો ઇન્કાર કર્યોએટલે મને તગેડી મૂકી. ત્યારથી બસ, આ જેલમાં જનમટીપ ભોગવી રહી છું. સંતોષ એક જ વાતનો છે કે મારો જય અમેરિકામાં સ્વર્ગ જેવું સુખ…’ ‘ના, પ્રિયા, ના! મારી હાલત પણ તારા જેવી જ છે. મારી પત્ની ચેતના ઉર્ફે ચેલ્શી ચારિત્ર્યની બાબતમાં કોલગર્લ કરતાં પણ… ત્યાં ગયા પછી છ જ માસમાં અમારા ડિર્વોસ થઇ ગયા હતા. હું તારી પાસે આવું ધારીને પાછો ન આવ્યો કે તું તો સુખી હોઇશ ને? વાહ રે કિસ્મત! આપણે બંને એકબીજાને સુખી કરવા માટે જુદાં થયાં અને સુખી રાખવા માટે જુદાં રહ્યાં! નાહકની બબ્બે જુવાનીઓ સળગી ગઇ ને?’ બેવડા નિસાસાની આગ ઓરડામાં ફરી વળી. (શીર્ષક પંકિત : અમૃત ‘ઘાયલ’.) 2 Comments Posted by ચેતન ઠકરાર on October 4, 2012 in ડો. શરદ ઠાકર ની વાર્તા ઓ હવે તો એ જ મને બાગથી બચાવી શકે, જે સાવ સૂકી હથેળીમાં ફૂલ વાવી શકે 03 Oct 1 Vote હોસ્પિટલમાંથી છૂટીને હું ડોકટરના નિવાસસ્થાન તરફ વળ્યો. મારું પોતાનું કવાર્ટર પણ એ જ દિશામાં આવેલું હતું, પણ હું ડાબા હાથે ફંટાઇ ગયો. ઓર્થોપેડિક સર્જન ડો. ગિરીશભાઇ ગોરના આવાસ તરફ.ડો. ગોરને અમે બધાં ખાનગીમાં ‘ગીરજો ગોર’ કહીને વાત કરતા હતા. ભલા માણસ હતા. એમની વિધામાં નિપુણ હતા. એમના વિશે લોકોમાં કહેવાતું કે અકસ્માતમાં તમારા એક હાડકાનાં બાર ટુકડાઓ ભલેને થઇ ગયા હોય, પણ ગીરજો ગોર એ ડઝન ટુકડાઓને સાંધીને ફરી પાછું એક અને આખું હાડકંુ બનાવી આપે. પણ એમની સંપૂર્ણ હોશિયારી, તબીબી કૌશલ્ય અને સર્જિકલ ચપળતા માત્ર ઓપરેશન થિયેટરની ચાર દીવાલોમાં જ કેદ હતી. એક વાર સાહેબ બહાર નીકળ્યા, એટલે વાત પૂરી થઇ ગઇ સમજવી. દુનિયાની કોઇ વાતમાં એમની ચાંચ ન ડૂબે. જનરલ નોલેજ ઝીરો. એક વાર અમે ડોકટર મિત્રો રેડિયો પર ક્રિકેટ મેચની કોમેન્ટ્રી સાંભળી રહ્યા હતા. ભારત-વેસ્ટઇન્ડિઝ વરચેની મેચ હતી. કપિલ દેવની ફટકાબાજી ચાલુ હતી. ત્યાં ડૉ. ગોર પધાર્યા. આવતાંની સાથે જ એમણે સિકસર ફટકારી, ‘પહેલા મને એ કહી દો કે આ કપિલ દેવ ઇન્ડિયા તરફથી રમે છે કે સામેવાળા તરફથી?’ અમને દાઝ તો એવી ચઢી કે જૉ હાથમાં બેટ હોત તો એ જ વખતે ગીરજા ગોરને ઢીબી નાખત! આના કરતાંયે વધુ ચડિયાતું ‘જ્ઞાન’ એમનું ફિલ્મો વિશે હતું. એક વાર ધર્મેન્દ્ર-હેમા માલિનીની એક ફિલ્મ જૉયા પછી એમણે કહ્યું હતું, ‘મને આછું આછંુ યાદ આવે છે કે આ બંને કલાકારો અંગત જીવનમાં પણ કંઇક સગાં થાય છે.’ અમે બધાં સ્તબ્ધ. ગીરજા ગોરને આવી બધી બાબતમાં રસ કયારથી પડવા મંડયો! સાહેબને ખૂબ મથામણ પછી યાદ આવ્યું, ‘યસ, આઇ નો! એ બંને બાપ-દીકરી છે. રિઅલ લાઇફમાં બાપ-બેટી હોવા છતાં પડદા ઉપર પ્રેમીઓ તરીકે કેટલો સુંદર અભિનય કરે છે! આને કહેવાય એકિટંગ!’ એ પછી અમે કયારેક ગીરજા ગોરની હાજરીમાં ફિલ્મનો ‘ફ’ ઉરચારવાની હિંમત નથી કરી. આવા સીધા-સાદા ડો. ગોરના ઘરના બારણે જઇને હું ઉભો રહ્યો, ત્યારે બપોરના બે વાગવા આવ્યા હતા. મેં ડોરબેલ વગાડી. થોડી વારે બારણું ખૂલ્યું. સામે પારદર્શક સદરો અને અર્ધપારદર્શક પાયજામો પહેરીને ગોરસાહેબ ભા હતા. મને જૉઇને રાજી થઇ ગાય, ‘અરે, તું? આવ, દીકરા, આવ! ખરે ટાણે આવી ગયો છે તું. ચાલ, જમવા બેસી જા.’ ત્યાં જ કિચનમાંથી પહેલાં અવાજ આવ્યો અને પછી એ અવાજની માલિકણ બહાર આવી, ‘કોણ છે, ગિરીશ? તું કોને જમવાનું કહી રહ્યો છે? વ્હાય ડોન્ચ યુ આસ્ક મી બિફોર ઇન્વાઇટિંગ સમબડી…? ઓહ, તમે? યુ સીમ ટુ બી એ ડોકટર, ડોન્ટ યુ? મને એમ કે…સોરી, પણ મારા ગિરીશને એવી કુટેવ છે… એ ગમે તેને જમવા માટે… યુ નો? એક વાર તો લંચના સમયે પોસ્ટમેન આવી ચડયો તો ગિરીશે એને પણ જમવા બેસાડી દીધો.’ મિસિસ ગોર બોલ્યે જતાં હતાં અને હું? હું એમને સાંભળવાને બદલે જોઇ રહ્યો હતો! શી વોઝ માઇન્ડ બ્લોઇંગ! આ ઉંમરે પણ એ મનભાવન, નેત્રદીપક લાગી રહ્યાં હતાં. ખંડહર બતા રહા થા કી ઇમારત કભી બુલંદ હોગી. એમનાં વસ્ત્રોમાં એક ‘એસ્થેટિક સેન્સ’ હતી. ઘરની સજાવટમાં સ્પષ્ટપણે એમના હાથનો સ્પર્શ વર્તાતો હતો. એમનાં રૂપનું વર્ણન મારે નથી કરવું, કારણ કે એક ચોક્કસ પડાવ વટાવી ચૂકયા પછી સ્ત્રી ગમે તેટલી આકર્ષક દેખાતી હોય, પણ મને એમાં માતાનું શકિતસ્વરૂપ જ દેખાતું હોય છે. એમનાં ઉરચારોમાં સફાઇ હતી અને આધુનિકતા હતી. એમણે એકવીસમી સદીની ગૃહિણી પહેરે તેવા સલાવર-કમીઝ પહેર્યા હતાં, અને એમની બાજુમાં સદરા-લેંઘામાં ‘શોભતા’ ગિરજા ગોર હતા! એવું લાગતું હતું જાણે કે ચોવીસ કેરેટના સોનાના દોરામાં એલ્યુમિનિયમનું પેન્ડન્ટ લટકતું હોય! મેં ડાઇનિંગ ટેબલ પાસેની ખુરશીમાં જમાવી દીધી. હું જમીને ગયો હતો એવું જુઠ્ઠું બોલી દીધું. તેમ છતાં મિસિસ ગોરના આગ્રહને ટાળવો મુશ્કેલ હતો. મેંગો જયૂસનો ગ્લાસ તો મારે સ્વીકારવો જ પડયો. ડો. ગોરની ટકટક ચાલુ જ હતી, ‘છાશ પીઓ, છાશ! એ જ અસલ ચીજ છે! આ જયૂસમાં તો કૃત્રિમ સુગંધ અને કોળાનો પલ્પ આવે છે, અને આંતરડાને નુકસાન કરે એવાં કેમિકલ્સ તો જુદાં!’ ‘યુ ડોન્ટ લિસન ટુ હીઝ એડવાઇસ!’ મિસિસ ગોરે વચમાં ઝુકાવ્યું, ‘સાહેબમાં સેન્સ જેવું કશું છે જ નહીં. તમે એમની થાળીમાં જુઓ છો ને? ગામડું છોડયે આજે ચાલીસ વરસ થઇ ગયાં, તોયે મકાઇનો રોટલો ને બટાકાનું શાક છૂટતું નથી. સાહેબને સુધરવું જ નથી!’ મેં જોયું તો સારચે જ ડો. ગોર મકાઇનો રોટલો લિજજતથી જમી રહ્યા હતા અને મિસિસ ગોરની થાળીમાં બે પંજાબી શાક, દાલફ્રાય, જીરા રાઇસ, રાઇતું, પાપડ, અથાણું અને પરાઠા હતાં. ‘આ બધું મેં જાતે બનાવ્યું છે. પંજાબી, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, કાઠિયાવાડી, કોન્ટિનેન્ટલ, ચાઇનીઝ, થાઇ મને બધું રાંધતાં આવડે છે, પણ બનાવવાનું કોના માટે? હું રાંધું અને હું જમું. સાહેબને તો એ ભલા અને એમની મકાઇ ભલી! હું તો પ્રયત્નો કરી કરીને થાકી ગઇ, હવે પ્લીઝ, તમે કંઇક કરો!’ મેં જૉયું કે મિસિસ ગોરના શબ્દોમાં ફરિયાદ જરૂર હતી, પણ કંટાળો ન હતો. આક્રોશ અવશ્ય હતો, પણ આગ વગરનો. વિરોધ હતો, પણ વહાલ સાથેનો. અને ગિરજા ગોર હસતા હતા. પત્નીની ફરિયાદો એમને કોઠે પડી ગઇ હતી. હું તો જે કામથી ગયો હતો એ પતાવીને નીકળી ગયો, પણ એમના વિરોધી છતાં સંવાદી દામ્પત્યની ફોરમ કયાંય સુધી મારા દિમાગને તરબતર કરતી રહી. એ પછી તો ગોર દંપતીના નિકટનાં સાન્નિઘ્યામાં આવવાના અનેક પ્રસંગો આવતા રહ્યા. ડો. ગોરને લાગણીની અભિવ્યકિત ફાવતી નહીં. એમને મારી પ્રત્યે પ્રેમ છે એવું બે-ચાર ટૂંકા વાકયો પરથી સમજાય: ‘ચાલ, લીંબુ પાણી પી લે! નાસ્તો કર! ચાલ, જમવા બેસી જા, આજે તો રોટલા ને કઢી બનાવ્યા છે…’ અને મિસિસ ગોરનો પ્રેમ એટલે જાણે શિષ્ટાચારનો શબ્દોકોશ જૉઇ લો! મને પુત્રવત્ ચાહે અને વાણી તથા વર્તનમાં વ્યકત પણ કરે. એમની સાથે હું વિશ્વભરના તમામ વિષયો ઉપર ચર્ચા કરી શકું. એમને રિચર્ડ બર્ટન વિશે પણ માહિતી હોય અને જાપાનની સામુરાઇ વિશે પણ ખબર હોય. એમણે મન્ટોની ઉર્દૂ વાર્તા પણ વાંચેલી હોય અને દલપતરામની કવિતા પણ વાંચેલી હોય. કયારેક એ ચાલીસના દાયકાનું નૂરજહાં એ ગાયેલું ફિલ્મી ગીત ગણગણતાં હોય તો કયારેક એ પીયરી-ડી-ફ્રાંસના લેટેસ્ટ કલેકશન વિશે ઉત્સાહપૂર્વક ચર્ચા કરતાં હોય. અને પછી દર વખતે ચર્ચાનું સમાપન એક ડા નિ:સાસા સાથે થાય, ‘સાહેબને તો આમાં જરા પણ રસ ન પડે. એમને મન તો જિંદગી એટલે ઓપરેશન થિયેટરની ઉમરકેદ અને બહાર નીકળ્યા પછી બસ, મકાઇના રોટલાનું ભોજન!’ એક દિવસ મેં હિંમત કરી નાખી. લાંબા ગાળાના પરિચય પછીની આત્મીયતાએ મને જે અધિકાર આપ્યો હતો એનો ઉપયોગ કરીને મેં પૂછી નાખ્યું, ‘આન્ટી, જૉ આવું હતું તો તમે એમની સાથે ‘મેરેજ’ શા માટે કર્યું? તમને ખબર નહોતી કે સાહેબ આવા હતા, છે અને હંમેશને માટે આવા જ રહેવાના છે?’ ‘ખબર હતી. સાહેબને મારાથી વધુ કોણ ઓળખે? પણ તને સાચી વાત કહું?’ આટલું બોલીને એ ખામોશ બની ગયાં. આખી જિંદગી હૈયામાં ધરબી રાખેલી વાત આજે પહેલી વાર એ કોઇ ત્રીજા માણસ પાસે ખુલ્લી મૂકી રહ્યાં હતાં. બંધ પટારાનું કાટ ખાધેલું તાળું ઉઘાડતાં થોડીક વાર તો લાગે ને? પણ અંતે તાળું તૂટયું અને ઢાંકણું ખૂલી ગયું. ‘અમે કોલેજમાં સાથે ભણતાં હતાં. સાહેબ એ વખતે પણ આવા જ હતા. એમની સાથે પરણવાનું તો બાજુ પર રહ્યું, હું તો વાત કરવા પણ તૈયાર ન થાઉં! અને મને એવી જરૂર પણ કયાં હતી? હું એક છોકરાના પ્રેમમાં હતી. ધારાસભ્યનો દીકરો હતો એ. મને ગાડીમાં ફેરવતો, રેસ્ટોરાંમાં જમાડતો, ફિલ્મો જૉવા લઇ જતો અને ભવિષ્યનાં સપનાંનો સૂરમો મારી મુગ્ધ ભોળી આંખોમાં આંજીને મને જીતી લેતો. અને એક દિવસ હું લૂંટાઇ ગઇ. એણે મને ચુસાયેલી કેરીની જેમ ફેંકી દીધી. મારે ગર્ભપાત કરાવવો પડયો. હું ડિપ્રેશનમાં સરી પડી. એક સાંજે મેં ઝેરી દવા ગટગટાવી લીધી. જયારે હોશમાં આવી, ત્યારે ચોતરફ અંધકાર હતો. એ સમયે ગોર મારી પાસે આવ્યા. મને કહે- ‘ચાલ, તારે મરવાની જરૂર નથી. હું તારી સાથે પરણીશ. તારે ઇજજતભરી જિંદગી જોઇએ છે ને? હું આપીશ. મારે તો લગ્ન કરવું જ ન હતું. ડોકટર બનીને દરદીઓનાં આંસુ લૂંછવાં હતાં. તારી બાબતમાં પતિ બનીને આંસુ લૂછીશ અને અમે પરણી ગયાં. હું જાણું છું કે આ લગ્ન દયા અને સહાનુભૂતિમાંથી નીકળેલું લગ્ન છે, પણ સાહેબે મને નવો જન્મ આપ્યો છે. હું એમને ચાહું છું… એ જાણવા છતાં કે આ ગામડિયો માણસ કયારેય બદલાવાનો નથી, પણ એણે મારી જિંદગી બદલી નાખી. છે.’ આટલું બોલીને મિસિસ ગોર ઉભાં થયાં, ‘ચાલ, હું તારા માટે પાઇનેપલ શેક બનાવી લાવું. સાહેબ આવી જાય એ પહેલાં. નહીંતર પછી તો તારે છાશ જ પીવી પડશે…’ (શીર્ષક પંકિત: મુકુલ ચોકસી) Leave a comment Posted by ચેતન ઠકરાર on October 3, 2012 in ડો. શરદ ઠાકર ની વાર્તા ઓ મેં નરી નક્કોર રેતી એક દી’ ચાખી સજનવા, જળનું જાજરમાન જોખમ જાન પર રાખી સજનવા 03 Oct 2 Votes લવલીએ એક પછી એક ચાર તમાચા ચોડી દીધા. ઉપરથી જે વિશેષણો પીરસ્યા એ વધારામાં, ‘નીચ..! નાલાયક! લંપટ! બદમાશ..!’ લવલી લાખાણી જેવી ઉન્માદક યૌવન ધરાવતી છોકરી હોય અને એના રોષનો ભોગ બનનાર અપરાધી સામે જ ભેલો હોય, પછી કોલેજના છોકરાઓ ઝાલ્યા થોડા રહે? બે જણાએ તેજેન્દ્રનો જમણો હાથ પકડયો, ત્રણ જણાએ એનો ડાબો હાથ પકડયો, ચાર-પાંચ જુવાનિયા એને નાસી જતો રોકવા માટે એની પાછળ ભા રહી ગયા. આટલી મજબૂત કિલ્લેબંધી કરી લીધા પછી પ્રીતમ પારેખે એની ફેંટ પકડી. પ્રીતમ નાટકનો હીરો હતો અને લવલી હિરોઇન. પોતાની હિરોઇનને કોઇ મવાલી છેડવાની હિંમત કરે અને પ્રીતમ પારેખ ઝાલ્યો રહે?! પ્રીતમ સળેકડી જેવો હતો અને તેજેન્દ્ર વજજર જેવી કાયાવાળો. પણ વજ્ર અત્યારે બંદીવાન હતું,જયારે સળેકડું આઝાદ. પ્રીતમે દાંત કચકચાવ્યા, પછી લાફો મારવા માટે જયાં હાથ ઉગામ્યો, ત્યાં જ અણધારી વાત બની ગઇ. તેજેન્દ્રએ શ્વાસ થંભાવીને, છાતી ફુલાવીને, શરીરને ભયંકર આંચકો આપ્યો, એટલામાં તો બેય હાથે બાઝેલી પાંચેક લીંબોળીઓ ખરી પડી! લાલચોળ અંગારા જેવી આંખો કરીને એક જોરદાર હાંકોટો કર્યો, ત્યાં તો ફેંટ પકડીને ઉભેલો પ્રીતમ પારેખ પતંગિયાની જેમ પાંચ ફીટ દૂર ફેંકાઇ ગયો. પાછળની સાઇડ તો કયારનીયે ખૂલી ગઇ હતી. તેજેન્દ્રએ એક આગઝરતી નજર લવલી તરફ ફેંકી, ‘યુ ઇડિયટ! નાલાયક હું નથી, પણ તું છે! હા, ઈશ્વરે આપેલાં આ અમાપ સૌંદર્ય માટે તું લાયક નથી! તારા અભિમાનના ધેનમાં તું ચકચૂર છે, પણ તને ખબર નથી કે હું કોણ છું. મારું નામ તેજેન્દ્રસિંહ પરમાર છે. ‘પર’ નામના રાક્ષસને મારનાર યજ્ઞકુંડમાંથી પ્રગટેલો પ્રથમ ક્ષત્રિય પરમાર હતો. ક્ષત્રિયો સ્ત્રીઓ પર હાથ નથી ઉપાડતા, એટલે તું અત્યારે જીવતી છે! નહીંતર તેજેન્દ્રને તમાચો મારનાર આ ધરતી ઉપર પળવાર પણ ટકી ન શકે!’ તેજેન્દ્ર આટલું બોલીને ચાલ્યો ગયો. લવલી થથરી ગઇ. તેજેન્દ્ર શું કરી શકતો હતો એની એક કરતાં વધારે સાબિતીઓ ભોંય ઉપર આળોટી રહી હતી! ‘સરસ્વતી આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજ’નો વાર્ષિકોત્સવ ચાલી રહ્યો હતો. ટી.વાય.બી.એ.ના વિધાર્થીઓ ત્રિ-અંકી નાટક ભજવી રહ્યા હતા. પહેલો અંક સમાપ્ત થયો, દસ મિનિટના વિરામ બાદ દ્વિતીય અંક શરૂ થવાનો હતો, ત્યાં આ રમખાણ મચી ગયું. તેજેન્દ્રની ‘એકિઝટ’ સાથે જ ઘંટડી વાગવાનો અવાજ સંભળાયો. પડદો ખૂલ્યો. વીતેલી ઘટના ઉપર ધૂળ ભભરાવીને કલાકારો પોતાના ભાગે આવેલાં પાત્રોમાં પ્રવેશી ગયા. લવલી નાયિકાની ભૂમિકામાં ફરી પાછી એનાં જાજરમાન રૂપનો જાદુ રેલાવવા માંડી. પ્રીતમ પણ ઉછીના ગોખેલા સંવાદો ફટકારીને હીરોગીરી કરવા માંડયો. રાત્રે બે વાગે ત્રણેય અંકો ખતમ થયા. એ સાથે જ બધા પ્રોફેસરો અને સહાઘ્યાયીઓ લવલીને ધેરી વળ્યા. એને પૂછવા લાગ્યા, ‘શું થયું? કોણે તારી છેડતી કરી?’ જવાબમાં લવલી રડમસ થઇ ગઇ, ‘શું કહું? મને તો બોલતાંયે શરમ આવે છે. પહેલો અંક પૂરો થયો એટલે હું કોસ્રયુમ બદલવા માટે લેડિઝ રૂમમાં ચાલી ગઇ. સાડી-બ્લાઉઝને બદલીને બીજા અંકમાં મારે જીન્સ-ટીશર્ટ પહેરવાના હતા. એટલે મેં કપડાં…’ ‘એટલે તેં હજુ સાડી જ ઉતારી હતી કે પછી..?’ લવલીએ આંખો ઢાળી દીધી, ‘ના, હું માત્ર આંતરવસ્ત્રોમાં જ હતી, ત્યાં મને રૂમની છત તરફથી કશોક ખખડાટ સંભળાયો. મેં ઉપર જૉયું તો… બાપ રે! હું તો મરવા જેવી થઇ ગઇ! ઉપર આર.સી.સી.ની પાક્કી છતને બદલે એસ્બેસ્ટોસની ફોલ્સ સીલિંગ હતી. એમાં એક મોટું બાકોરું હતું, જેમાંથી એક છોકરો… મને ટીકી-ટીકીને જૉઇ રહ્યો હતો..! મેં ઝટપટ કપડાં પહેરી લીધાં પછી બારણું ઉઘાડયું. એટલી વારમાં એ પણ નીચે આવી ગયો. મેં ચીસો પાડી. પંદર-વીસ જણા દોડી આવ્યા. મેં એને ચાર થપ્પડો ઝીંકી દીધી, પણ… મને હજુ કળ વળી નથી. હાય રે, એ મને કેવી હાલતમાં જૉઇ ગયો! લૂરચો, લફંગો, બદમાશ!’ ‘સ્ટોપ ઇટ, લવલી!’ એક અવાજ સંભળાયો. લવલીએ ગરદન ધુમાવીને જૉયું તો પાછળ સાઇકોલોજીના પ્રોફેસર અંતાણીસર ભા હતા, ‘તેજેન્દ્ર ન લુરચો છે, ન લફંગો છે, ન બદમાશ છે. એ ટી.વાય.બી.કોમ.નો વિધાર્થી છે અને રેન્કર છે. એ માત્ર ભણવામાં જ અવ્વલ છે એવું નથી, પણ એક વિષયને છોડીને બાકીનાં તમામ ક્ષેત્રોમાં એની ચાંચ બૂડે છે. ચેસમાં એ યુનિવર્સિટી પ્લેયર છે. વેઇટ લિફટિંગમાં રાજયકક્ષાએ એને સુવર્ણચંદ્રક મળેલો છે. ખો-ખો, કબડ્ટી, કુસ્તી, પાંચ હજાર અને દસ હજાર મીટરની દોડ, આ બધામાં એ ચેમ્પિયન છે.’ ‘પણ સર, તો પછી… એ લેડિઝ રૂમની છત ઉપર શા માટે..?’ ‘ત્યાં એ જાતે નહોતો ચડયો, પણ મેં એને મોકલ્યો હતો. નાટકના પહેલા અંક વખતે સ્ટેજ ઉપરના એક-બે માઇક્રોફોન્સ કામ નહોતાં કરી રહ્યાં. મેં તેજેન્દ્રને કહ્યું કે ‘હું ઓફિસમાં જઇને ઇલેકિટ્રશિયનને ફોન કરું છું, ત્યાં સુધીમાં તું જરા પ્રયત્ન કરી જો!’ એ વાયિંરગનો પીછો કરતાં-કરતાં બરાબર લેડિઝ રૂમની દીવાલ સુધી જઇ પહોંરયો અને એ જ વખતે તું..! સોરી, પછી એણે શું જોયું એ હું નથી જાણતો…’ અંતાણીસરે એક રેશમી વળાંક પાસે વાત પૂરી કરી. લવલીના અફસોસનો પાર ન રહ્યો. અરે રે! એક નિર્દોષ યુવાનને એણે કેટલો બધો અપમાનિત કરી નાખ્યો! પણ એ શા માટે ત્યાં જઇ ચડયો જયાંથી મારી અનાવૃત્ત કાયાનું એને દર્શન થાય? ભલે એમાં એનો વાંક નહીં હોય, પણ એણે જે અમૂલ્ય ખજાનો જોઇ લીધો એનું શું? જેનાં પગની પાની જૉવા માટે કોલેજના પંદરસો જુવાનો પોતાની પાંપણની પથારી બિછાવતા હતા, એ સુંદર, ગોરા-ગોરા પગ… પગની માત્ર પાની જ નહીં, પણ..! બીજે દિવસે લવલીએ સામે ચાલીને કોમર્સ વિભાગની કોરિડોરમાં જઇને તેજેન્દ્રની માફી માગી લીધી, ‘આઇ એમ વેરી સોરી! મને ખબર નહોતી કે તમે માઇક્રોફોનની ખામી દૂર કરવા માટે ઉપર ચડયા હતા!’ ‘આ બધાનો હવે કશો અર્થ નથી, છોકરી! તેં જયારે મને તમાચા માર્યા હતા, ત્યારે ટોળું હાજર હતું, હવે જયારે માફી માગી રહી છે ત્યારે જોનારું કોઇ નથી. ગેટ લોસ્ટ!’ તેજેન્દ્રસિંહે ડોળા કકડાવ્યા. લવલી ડરી ગઇ. …. હરણી ભાગે તેમ ભાગી ગઇ. ટર્મિનલ એકઝામ પત્યાં પછીનું વેકેશન ચાલતું હતું. કોલેજના આચાર્ય સાહેબે પિકનિકનો પ્રસ્તાવ મૂકયો, જેને બધાંએ વધાવી લીધો. પ્રાઘ્યાપકો સહિતના લગભગ સાડા ત્રણ હજાર છોકરા-છોકરીઓ પિકનિકમાં સામેલ થયાં. વહેલી સવારે ડઝનબંધ બસોમાં અને અન્ય ખાનગી વાહનોમાં ખડકાઇને બધાં શહેરથી ચાલીસ-પચાસ કિલોમીટર દૂરના એક કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થાને પહોંચી ગયાં. પિકનિક માટે આ એક આદર્શ જગ્યા હતી. ચી ટેકરી ઉપર પ્રાચીન શિવાલય હતું. તળેટીમાં ખુલ્લો વિશાળ પટ હતો અને નજીકમાં નદી હતી. તાપ રોકવા માટે અસંખ્ય વૃક્ષો હતાં અને રમવા-કૂદવા માટે રેતીનું મેદાન હતું. નાનાં-નાનાં અંગત જૂથોમાં છોકરાઓ અને છોકરીઓ મોજમસ્તી કરતાં હતાં, ત્યાં કોઇએ સૂચન કર્યું, ‘જમવાનું તૈયાર થવાને તો હજુ ખાસ્સી એવી વાર છે. ચાલો, નદીમાં પડીએ!’ જેમને નહાવાની ઇરછા હતી એ બધાં પાણીમાં પડયાં. મોટા ભાગના જુવાનિયાઓ હતા. છોકરીઓ કાંઠે બેસીને પગ પલાળી રહી હતી. ત્યાં અચાનક તીણી ચીસ ઠી, ‘બચાવો..! બચાવો..!’ અને પછી તરત જ એક શિલ્પ જેવો નારીદેહ નદીના પ્રવાહમાં સરકી ગયો. કિનારે બેઠેલી યુવતીઓએ બૂમાબૂમ કરી મૂકી, ‘લવલી તણાઇ રહી છે! એને બચાવો..! એનો પગ સેવાળમાં લપસી ગયો!’ જે છોકરાઓને તરતા આવડતું હતું અને જેઓ પાણીમાં હતા એ પણ ઘીસ ખાઇ ગયા. કોઇ આગળ ન વઘ્યુું, કારણ કે નદીના વેગવાન પ્રવાહમાં તણાતી લવલી જે દિશામાં જઇ રહી હતી, ત્યાં ભયંકર વમળ હતું. જાનનો ખતરો હતો. લવલી ગઇ… ગઇ… એવું થઇ ગયું. પણ ત્યાં જ કિનારા પરથી એક યુવાને ભૂસકો માર્યો. એ તેજેન્દ્ર હતો. બૂટ કાઢવા પણ એ ન રોકાયો. પાંચ-સાત લાંબી ડાંફોમાં તો એ લવલી સુધી પહોંચી ગયો. વમળની ધાર પરથી એને પાછી ખેંચી લીધી. લવલી એની ડોકે વળગી પડી. ‘તું તો મારાથી રિસાયો હતો ને? તો પછી શા માટે બચાવી?’ તેજેન્દ્રએ કાંઠા તરફ જોઇને જવાબ આપ્યો, ‘એટલા માટે કે પેલા બધાએ તો માત્ર તારું રૂપાળું મોં જ જોયું છે, જયારે મેં તો તને સાંગોપાંગ જોઇ છે! આવું અનુપમ સૌંદર્ય કંઇ પાણીમાં થોડું વહી જવા દેવાય છે!’ ‘આઇ સી! તો હું પણ સાચું બોલી નાખું? હું કંઇ મરી જવાની ન હતી. મને તો તરતાં આવડે છે. હું જાણી જોઇને નદીમાં એટલા માટે પડી કે… મારે તારી છાતી સાથે ભીંસાવું હતું! ખાનગીમાં નહીં, પણ જાહેરમાં! આટલાં બધાંની હાજરીમાં. હવે તો રાજી ને?’ અપ્સરાનો સવાલ, ભીનું-ભીનું સૌંદર્ય અને બે હાથોમાં જીવતી-જાગતી લોટરી! કયો પુરુષ રાજી ન થાય? (શીર્ષક પંકિત : મુકુલ ચોકસી) Leave a comment Posted by ચેતન ઠકરાર on October 3, 2012 in ડો. શરદ ઠાકર ની વાર્તા ઓ હોઠ પરનું સ્મિત તો સાદું હતું, એની આંખોમાં હતું તે શું હતું? 03 Oct 2 Votes કાળો સીસમ જેવો વાન. કોલસો એની પાસે ઊજળો લાગે. દેહ પાતળો એટલે હાડપિંજર જેવો. આંખો ફિક્કી, દાંત પીળા, આવી ‘દેહસમૃદ્ધિ’ સાથે એ મુસ્લિમ સ્ત્રી એક સવારે મારા કન્સિલ્ટંગ રૂમમાં આવીને બેસી ગઇ, ‘સા’બ, ઔલાદ નહીં હૈ. શાદી કે સાઢે છેહ સાલ હો ગયે.’ એની વાત સાંભળીને મને થયું કે ઉપરવાળો માલિક ખરેખર અક્કલવાળો છે, એ જે કરે છે તે સમજી-વિચારીને કરે છે. આ બાઇની પાસે પોતાને ખાવા પૂરતું અનાજ હોય એમ લાગતું નથી, તો એનાં બાળકને શું ખવડાવશે? એવું વિચારીને જ કદાચ જગન્નિયંતાએ એની ગોદ ખાલી રાખી હશે. ‘નામ?’ ‘બિલકિસ ઇલિયાસ અન્સારી.’ ‘દરજીકામ?’ મને ‘અન્સારી’ અટકનો પૂરતો અનુભવ હતો. ‘હાં, સા’બ! મેરા ઘરવાલા શર્ટ કા કારીગર હૈ. કિસી કી દુકાનમેં કામ કરતા હૈ. રોજકા ચાલીસ રૂપિયા મિલતા હૈ.’ હું મનોમન ગણતરી માંડી રહ્યો હતો. રોજના ચાલીસ એટલે મહિનાના બાર સો. એમાં ચાર દિવસ રજાના કાપી લેવાના. બીમારીના પણ બાદ કરી નાખવાના. હજાર રૂપિયામાં શું ખાતા હશે આ લોકો? પાછા ગરીબના ઘરમાં માણસો પણ વધારે હોય. હતા જ. બિલકિસે આપેલી માહિતી, ‘સાસ હૈ. સસૂર હૈ. દો દેવર હૈ, એક નનંદ હૈ.’ તાળો મળી ગયો. હાડકાંના માળા જેવા શરીરનો તાળો મળી ગયો અને આંખોની ફિક્કાશનો પણ. શી વોઝ એ કેસ ઓફ સિવીઅર માલન્યૂટિ્રશન. ‘તમે કંઇ કામ કરો છો કે નહીં?’ મેં પૂછ્યું. ‘કરતી હૂં ના. ઘરકામ કરતી હું. સાત બંગલે કા ઝાડું-પોતાં, કપડે-બર્તન મૈં કરતી હૂં.’ બિલકિસ હસી. હું એનાં ગંદા, પીળા દાંત સામે જૉઇ રહ્યો. ટૂથપેસ્ટ અને ટૂથબ્રશનો વિચાર જન્મતાંવેંત મરી ગયો. એટલા પૈસા કયાંથી કાઢવા? આટલા બધા બંગલાઓમાં સવારથી સાંજ, પાંચ-પાંચ, સાત-સાત ઓરડાઓની સાફસૂફી કરીને શરીર હાડપિંજર ન બની જાય તો બીજું શું થાય! માનવદેહમાં ચરબીના કોષો હોઇ શકે છે એ હકીકત બિલકિસની બાબતમાં ખોટી ઠરતી હતી.હાડકાંની ઉપર સીધી જ ચામડી મઢી દીધી હોય એવી સ્થિતિ હતી. ‘મારી પાસે આવતાં પહેલાં બીજે કયાંય તપાસ, સારવાર કરાવેલી છે?’ મારો પ્રશ્ન. જવાબમાં એણે થીગડાંવાળી થેલીમાંથી એક ફાઇલ કાઢીને મારા હાથમાં મૂકી દીધી. હું ઘ્યાનપૂર્વક ફાઇલ થલાવી ગયો. સોનોગ્રાફી, ઓવ્યુલેશન સ્ટડી, લેપ્રોસ્કોપી, હોર્મોન્સના ટેસ્ટ્સ, ઘણું બધું થઇ ચૂકેલું હતું. પાંચ-સાત ગાયનેકોલોજિસ્ટ્સનો હાથ-બદલો થઇ ગયો હતો. દવાના કાગળો, પરીક્ષણો અને ફાઇલની જાડાઇ કહી આપતી હતી બિલકિસની પાંચેક વરસની મજૂરી આમાં ખરચાઇ ચૂકી હશે, અને તેમ છતાં આ દુખિયારી સ્ત્રીની ધ્રુવપંકિત હજુ પણ એની એ જ હતી: ‘હમેં ઔલાદ ચાહિયે.’ મેં ફાઇલનો છેલ્લો અને સૌથી જૂનો રિપોર્ટ વાંરયો. એના પતિનો સિમેન રિપોર્ટ હતો. હું ચોંકી ગયો, ઇલિયાસના રિપોર્ટમાં અલ્પશુક્રાણુતાની તકલીફ હતી. આનો મતલબ એ જ કે બિલકિસના શરીરમાં કશી જ ખામી ન હતી. એને સારવારની પણ કશી જરૂર ન હતી. સારવાર માત્ર એના ધણીને આપવાની હતી. અમારા તબીબીશાસ્ત્રમાં પણ અમને આ જ વાત શિખવવામાં આવે છે. કરુણતા એ વાતની હતી કે એક પણ ડોકટરે ઇલિયાસ માટે એક પણ ગોળી પ્રિસ્ક્રાઇબ કરેલી ન હતી, અને આ ઝૂંડમાં ત્રણ-ચાર નામો તો અમદાવાદના જ નહીં, પણ સમગ્ર ગુજરાતના મોટા, નામાંકિત, ઇન્ફર્ટિલિટી એકસપટ્ર્સ હતા! મેં પહેલું કામ ઇલિયાસ માટે દવાઓ લખી આપવાનું કર્યું. પછી થોડી સમજણ, થોડું આશ્વાસન અને ઢેર સારી શુભેરછાઓ. હું માનું છું કે દવાઓ કામ કરી ગઇ, બિલકિસ માને છે કે એ શુભેરછાઓની કમાલ હોવી જોઇએ. ચાર મહિના પછી એ પાછી મારી પાસે આવી ત્યારે ભરેલી-ભરેલી હતી. ‘બિલકિસ, આજ સે તેરા ઘરકામ કરના બંદ. ઔર આરામ શરૂ.’ મેં સલાહ આપી. આનો સીધો અર્થ એ થતો હતો કે એનાં ઘરની આવક બંધ અને જાવક શરૂ, પણ એણે હસીને માથું હલાવ્યું. પછી બોલી, ‘કિતને રૂપયે દેણે કે, સાબ?’ મેં એને મારી રૂટિન ફીની રકમ જણાવી, ‘મગર તુમ જૉ દેના હો, વો દે સકતી હો.’ એવું પણ કહ્યું. બિલકિસ એની ઓઢણીના છેડામાં બાંધેલી ગંદી, ચોળાયેલી કરન્સી નોટ કાઢીને મારા હાથમાં મૂકી ગઇ. એ રૂપિયા નહોતા, પણ એનો પરસેવો હતો. મને આશ્ચર્ય એ વાતનું થયું કે એણે મારી આપેલી છૂટછાટનો કોઇ ફાયદો શા માટે ન ઉઠાવ્યો! અને પૂરા મહિને એક દિવસ મધરાતે સાડા બાર વાગ્યે હું ભારત અને ઓસ્ટ્રેલિયા વરચેની ટ્વેન્ટી-ટ્વેન્ટી વલ્ર્ડકપની મેચ જોતો બેઠો હતો, ત્યારે એ લેબર પેઇન્સ સાથે મારા નર્સિંગ હોમમાં દાખલ થઇ. મેં એને અને ઇલિયાસને સમજાવ્યું, ‘આમ જુઓ તો બધું જ બરાબર છે. બિલકિસનું બ્લડપ્રેશર, બાળકના હૃદયના ધબકારા, પ્રસૂતિની પીડા આ બધું જ નોર્મલ છે, પણ તકલીફ એક જ છે, બિલકિસની ચાઇ માત્ર સવા ચાર ફીટ છે. આને કારણે પ્રસૂતિમાર્ગ સાંકડો હોવાને લીધે કુદરતી રીતે સુવાવડ શકય નથી. એનું સિઝેરીઅન કરવું પડશે. તમે એને એલ.જી.હોસ્પિટલમાં કે સિવિલમાં લઇ જાઓ. એક પણ પૈસાનું ખર્ચ નહીં થાય.’ ‘નહીં સા’બ! આપ ખર્ચેકી ચિંતા ન કરો. અપના કામ શરૂ કર દો.’ આ વાકય ‘સોલો’ નહીં, પણ ડયુએટ હતું. મહિને દહાડે હજાર રૂપરડીમાં ગુજરાન ચલાવતાં ગરીબ, મુસ્લિમ પતિ-પત્નીએ ગાયેલું ડયુએટ. આઘાત, આશ્ચર્ય અને ચિંતાના ત્રિવિધ ભાવો વરચે મેં ઓપરેશનની તૈયારી શરૂ કરી. લગભગ બેથી અઢી હજારની દવાઓ, પંદરસો રૂપિયા એનેસ્થેસિયાના, સિઝેરીઅનનો ચાર્જ અને હોસ્પિટલાઇઝેશન, બધું મળીને મામલો હજારો રૂપિયાનો થવા જતો હતો. કયાંથી લાવશે બિલકિસ આટલા બધા રૂપિયા. એને પાછળથી આંચકો ન લાગે એટલા માટે મેં સામે ચાલીને એને ખર્ચનો અંદાજ કહી આપ્યો. જવાબમાં: ‘કોઇ બાત નહીં, સા’બ! દેખા જાયેગા!’ અને પછી પીળા દાંતોનું એ જ પરિચિત ફિક્કુ સ્મિત. ઓપરેશન બહુ ઝડપથી અને બહુ સરસ રીતે પતી ગયું. સુંદર, નવજાત દીકરો મેં બિલકિસના ધણીના હાથમાં મૂકયો. પછી વણમાગી રાહત આપતાં કહ્યું, ‘આ એનેસ્થેટિસ્ટ ડોકટરસાહેબ પંદરસો રૂપિયા લે છે, પણ તમે એક હજાર આપશો તો ચાલશે.’ ઇલિયાસે અગિયારસો કાઢીને ડો. તુષાર શાહના હાથમાં મૂકી દીધા. દવાઓ મેં જેટલી લખી આપી એ બધી જ લઇ આવ્યો. ન કોઇ પૂછપરછ, ન દલીલબાજી. સાત દિવસ સપનાની માફક ડી ગયા. પેટના ટાંકા કાઢીને મેં બિલ એના ધણીને આપ્યું. ખરાખરીનો મામલો હવે જ હતો. નદીની આ તરફના અમારા વિસ્તારમાં સિઝેરીઅનનંા બિલો બહુ મોટાં નથી હોતાં, પણ એ એટલાં બધાં નાનાં પણ નથી હોતાં જેને જોઇને ગરીબ દરદી બેભાન ન થઇ જાય. પણ ન બિલકિસ બેભાન બની, ન ઇલિયાસ. શાંતિથી કાગળમાં લખેલી રકમ વાંચીને બંને બહાર નીકળી ગયાં. એમની પીઠ ઉપર મારા શબ્દો અથડાયા, ‘આ તો માત્ર બનાવવા ખાતર જ બિલ બનાવ્યું છે, તમારે જેટલા આપવા હોય એટલા…’ સાંજે આવીને એ લોકો પૂરી રકમ ચૂકવી ગયાં. સાથે પેંડાનું બોકસ હતું. હું અજંપાગ્રસ્ત હતો. સારા-સારા પૈસાદાર માણસો બિલ ચૂકવતી વખતે કચકચ કરી જતા હોય છે. ગાડીઓ અને બંગલાવાળા માણસો બસો-પાંચસોની ખેંચતાણ કરતાં રડી પડતાં મેં જૉયેલા છે. ત્યારે હિન્દુસ્તાનના સૌથી દરિદ્ર ગણાય એવાં તળિયાનાં આ સ્ત્રી-પુરુષ કઇ તાકાત ઉપર મારું પૂરું બિલ ચૂકવીને જતાં હતાં? હું સામેથી કન્સેશન આપવા તૈયાર, બલકે તલપાપડ હતો, તો પણ…? કઇ તાકાત ઉપર? કઇ તાકાત ઉપર? ‘તાકાત પર નહીં, સા’બ, ખુશી પર! વર્ના હમારી ઔકાત હી કયા હૈ?’ બિલકિસ પહેલી વાર ફિક્કું હસવાને બદલે ધોધમાર રડી પડી, ‘સા’બ, હમેં બસ એક ઔલાદ ચાહિયે થી, જù આપને દે દી. પૈસા તો હાથ કા મેલ હૈ, સા’બ, પૂરી જિંદગી પસીના બહાતે રહેંગે, મેલ નિકલતા રહેગા.’ત્યારે મને પૃથ્વી પરનું શાશ્વત સત્ય સમજાયું, કોઇ પણ દંપતી માટે સૌથી મોટું ઐશ્વર્ય સંતાન હોય છે. જગતની સૌથી ધનવાન સ્ત્રી જયારે ઠીને જઇ રહી હતી, ત્યારે મેં એને રોકી, ‘ભી રહે, બે’ન! તું માગતી ભલે ન હો, પણ હું સામે ચાલીને આપું છું. આ રાહત નહીં, પણ મારો રાજીપો છે. લઇ લે, ના ન પાડીશ. તારા બરચા માટે કામ લાગશે.’ હું બિલની રકમમાંથી થોડીક નોટો જયારે બિલકિસના હાથમાં મૂકી રહ્યો હતો ત્યારે કશીયે સમજણ વગર પણ એનું નિર્દોષ બાળક હસી રહ્યું હતું. એવું હાસ્ય તો ધીરુભાઇ અંબાણીના દીકરાઓ દસ લાખ કરોડનો નફો થાય ત્યારે પણ નહીં ફરકાવતા હોય. મિલિયન ડોલર્સ સ્માઇલ શું આને જ કહેવાતું હશે? શીર્ષક પંકિત : બાલુ પટેલ 1 Comment Posted by ચેતન ઠકરાર on October 3, 2012 in ડો. શરદ ઠાકર ની વાર્તા ઓ કંકોતરીથી એટલું પુરવાર થાય છે, નિષ્ફળ જો જાય પ્રેમ તો વહેવાર થાય છે 20 Sep 1 Vote મનુજે રૂત્વાને પહેલીવાર જયારે જોઇ, ત્યારથી જ તે એનાં પ્રેમમાં પડી ગયો. રૂત્વાને પણ એ વાતનો ખ્યાલ આવી ગયો કે એના રૂપના પાગલખાનામાં એક વધુ દર્દીનો ઉમેરો થઇ ચૂકયો છે. સુંદર સ્ત્રીઓમાં એક ઈશ્વરદત્ત આવડત રહેલી હોય છે, એની આંખો સામેની દિશામાં ખોડાયેલી હોવા છતાં એને ખબર પડી જાય છે કે ચારેબાજુથી કોની-કોની આંખો એની તરફ મંડાયેલી છે! પૂરા છ મહિનાની તપસ્યા પછી મનુજની ધીરજે જવાબ દઇ દીધો. એક મેરેજ રીસેપ્શનની પાર્ટીમાં એણે દૂર ઊભેલી રહેલી રૂત્વાને જોઇ લીધી. લીલા ઘાસનો પૂળો જોઇને બળદ ખેંચાઇ આવે તેમ મનુજ રૂત્વાની પાસે ખેંચાઇ આવ્યો. ‘હાય! હું… મારું નામ મનુજ છે. ‘જશુ જવેલર્સ’વાળા જસ્મિનભાઇ ચોકસીનો દીકરો. તમારું નામ રૂત્વા છે ને?’ મનુજના હાથમાં સૂપનો મગ હતો, સૂપ ઠંડો પડી રહ્યો હતો અને મનુજ ‘ગરમ’ થઇ રહ્યો હતો. ‘હા, પણ મારું નામ રૂત્વા છે એની તમને શી રીતે ખબર પડી?’ ‘હું… આઇ મીન… આપણને જે વ્યકિત ગમતી હોય ને… એના વિશેની તમામ માહિતી આપણે મેળવી જ લેતાં હોઇએ છીએ.’ આટલું બોલતામાં તો મનુજને પરસેવો વળી ગયો. છતાં એણે ઘા ભેગો ઘસરકો કરી જ દીધો, ‘ત… ત… તમે મને ગમો છો.’ ‘આઇ સી!’ રૂત્વાએ સામે ઊભેલા યુવાનને ધારી-ધારીને જોઇ લીધો. મનુજ જુવાન હતો, દેખાવડો હતો, ચબરાક હતો. એની વાણી અને એનું વર્તન કહી આપતા હતા કે એ સંસ્કારી હતો. એના કિંમતી કપડાં, બ્રાન્ડેડ શૂઝ અને જમણા હાથના કાંડામાં પહેરેલી હીંચકાની સાંકળ જેવી જાડી ‘લક્કી’ કહી આપતા હતા કે એ ખૂબ ધનવાન કુટુંબનો નબીરો હતો. આવો સર્વગુણ સંપન્ન યુવાન પોતાને પ્રેમ કરતો હોય એ કોને ન ગમે? ‘હું તમને ગમું છું એ વાત મને ગમી.’ રૂત્વાએ એની કાળી, ધેઘૂર આંખો પટપટાવી, ‘હવે મને એ જણાવો કે તમે મારા વિશે શું-શું જાણો છો!’ ‘એ પૂછો કે શું નથી જાણતો! પાંચ ફીટ પાંચ ઇંચની હાઇટ, પંચાવન કિલો ગ્રામ વજન, બ્લડ ગ્રૂપ એ-પોઝિટિવ, કંઠમાં કોયલ, ચામડીમાં મોગરો, આંખમાં મોતી અને પાંપણોમાં પતંગિયાં! તમારા અંગ પર ચડયા પછી કપડાં ચીર બની જાય છે અને સોનું આભૂષણ કહેવાય છે. પરફયુમ તમારા દેહને સ્પશ્યા પછી વધારે મહેંકવંતુ બને છે. બોલો, આનાથી વધારે શું જાણવું છે તમારે?’ ‘મારે જાણવું તો કંઇ નથી, પણ એક વાત તમને જણાવવાની ઇરછા છે. તમને ખબર છે કે હું પરણેલી છું?’ ‘હા, ખબર છે. પણ એનાથી મને શો ફરક પડે છે? ફૂલ છોડ ઉપર હોય કે માળીની છાબમાં, એની સુગંધમાં કંઇ ફેર પડતો નથી, હું તમને હજુ પણ ચાહું છું, કદાચ તમારા પતિ કરતાંયે વધુ તીવ્રતાથી.’ રૂત્વા હસી, ‘તમે એમને જોયા છે કયારેય?’ ‘કોને? તમારા પતિને? ના…’ ‘તો જૉઇ લો. પેલા દૂર ઊભા છે તે… ચાર-પાંચ મિત્રોની સાથે બૂફેની ડિશ હાથમાં પકડીને જમી રહ્યા છે તે… હા, કાળા રંગના સફારીસૂટમાં કાળા પહાડ જેવા દેખાય છે તે જ…’ રૂત્વાએ વાકય અધૂરું જ છોડી દીધું. વાકય પૂરું કરવાની જરૂર ન પડી, કારણ કે કાળો પહાડ હવે મિત્રોની સંગત છોડીને એની દિશામાં આવી રહ્યો હતો. મનુજ ક્ષણવારમાં અંતર્ધાન થઇ ગયો. એને સહજજ્ઞાન થઇ ગયું કે રૂત્વાનો પતિ જો રૂત્વા સાથે એને વાતો કરતાં જોઇ ગયો, તો ડિશમાં શાકાહારને બદલે માંસાહાર ઉમેરાઇ જશે. એ રાત્રે મનુજ ઊંઘી ન શકયો, ‘કાગડો દહીંથરું લઇ ગયો’ એવી કહેવત તો એણે સાંભળી હતી, પણ આ તો ગેંડાના ગળામાં મોગરાની માળા?! અરેરે, ઈશ્વર આટલો ક્રૂર કેમ હશે? બીજે દિવસે બપોરના બે વાગ્યે મનુજે રૂત્વાનાં ઘરનો ફોન નંબર જોડયો. ‘હું મનુજ ચોકસી. માફ કરજો, ગઇ કાલે રાત્રે હું તમારા પતિને આવતા જોઇને ગભરાઇ ગયો. તમને ‘ગૂડ નાઇટ’ કહ્યા વગર જ સરકી ગયો.’ ‘સમજી શકું છું, એમને જોઇને બધા જ પુરુષો કાં થથરી જાય છે, કાં સરકી જાય છે. હવે આજે શેના માટે ફોન કર્યો છે?’ ‘માત્ર બે જ વાત માટે.’ મનુજના હૈયામાં અત્યારે હિંમત હતી અને બોલવામાં દૃઢતા, ‘એક વાત કહેવી છે અને એક વાત પૂછવી છે.’ ‘ફરમાવો.’ ‘કહેવું છે એટલું જ કે હું હજુ પણ તમને ચાહું છું. અને પૂછવું છે એટલું જ કે તમે ખરેખર તમારા પતિને ચાહો છો? ચાહી શકો છો?’ ‘આવું પૂછવા પાછળનું કારણ?’ ‘અરે, કારણને મારો ગોળી! જે પુરુષને હું બીજીવાર જોવાનું પસંદ ન કરું એવા કાળા, કદરૂપા, તોતિંગ પતિની સાથે કોઇ સ્ત્રી એક પથારીમાં સૂવાનું શી રીતે પસંદ કરી શકે?! મારે જવાબ જોઇએ છે, રૂત્વા, સાચો જવાબ!’ ‘નારીનું બીજું નામ મજબૂરી હોય છે અને લગ્નનું બીજું નામ સમાધાન. તમે તદ્દન સાચા છો, મનુજ. મારા પતિનું નામ જગ્ગુ જામનગરી છે. મૂળ નામ તો જગત, પણ એના ‘ધંધા’એ નામ કરી નાખ્યું જગ્ગુ. મારા બાપા ગરીબ હતા, જગ્ગુએ એમને એક લાખ રૂપિયા છીના આપેલા. મારા બાપ રૂપિયા પાછા ન વાળી શકયા, એને બદલે દીકરીનું રૂપ આપી દેવું પડયું. બાપુ તો મરી ગયા, હું રોજ-રોજ મરી રહું છું. તમારા જેવા સોહામણા પુરુષની કામના મને પણ હતી, પણ આજે તો આ હિપોપોટેમસના હાથે રોજે-રોજ મારા પર ‘રેપ’ થતો રહે છે.’ રૂત્વા રડી પડી. ‘તમે એનાથી છૂટા ન થઇ શકો?’ ‘જે શકય ન હોય એવી વાત જ ન કરશો.’ રૂત્વાએ પાછી સ્વસ્થતા ધારી લીધી. ‘ભલે. રૂત્વા, પણ જે અશકય નથી એવી વાત તો કરી શકું ને? તો સાંભળો! આ મનુજ તમને ચાહે છે અને ચાહતો રહેશે. જીવનભર. ભલે એ કાળભૈરવ આખી રાત તમારી કળી જેવી કાયાને મસળતો રહે, પણ દિવસ દરમિયાન હું તમારા દિલ પર પડેલા ઘાવોને પંપાળતો રહીશ. તમે જો સંમતિ આપશો તો હું તમને રોજ ફોન કરતો રહીશ. કલાકો સુધી આપણે વાતો કરીશું. પ્રેમની, સંગીતની, સાહિત્યની, ફિલ્મોની તમને ગમતી બધી જ વાતો કરીશું. કયારેય તમારી સાથે શરીરસુખ માણવાની માગણી નહીં કરું. મારી પ્રેમિકા સાથેનું શબ્દસુખ એ જ મારે માટે શૈયાસુખ બની રહેશે.’ ‘ઓહ્! મનુજ, કોઇ પુરુષ મને આટલો પ્રેમ કરી શકે?’ ‘બીજા કોઇની તો મને ખબર નથી, મારી રૂત્વા, પણ હું તો કરું છું.’ અને એ દિવસથી, એ ક્ષણથી એક સિલસિલો શરૂ થઇ ગયો. જગ્ગુ જેવો ઘરમાંથી બહાર નીકળે એટલે થોડી જ વારમાં મનુજનો ફોન આવે. રૂત્વા એની સાથે કલાકો સુધી વાતો કરતી રહે. સુખની, દુ:ખની, સેવાયેલા સ્વપ્નોની અને નષ્ટ થઇ ચૂકેલા અરમાનોની. જગ્ગુ એનો પતિ હતો, માત્ર પતિ, અને મનુજ એનો પ્રેમીપતિ હતો. રાતના અંધારામાં સળગીને ખાક થઇ ગયેલી એક સ્ત્રી દિવસના ઉજાસમાં ટેલિફોનમાં રિસીવરમાં ફરી પાછી જીવંત બની જવા માંડી. છ મહિના આ રીતે વીતી ગયા. રૂત્વા ખુશ હતી. પણ એની ખુશી બહુ દીઘર્જીવી સાબિત ન થઇ. એક સાંજે જગ્ગુ રોજના કરતાં જરા વહેલો ઘરે આવી ગયો. ‘કેમ, આજે વહેલા ભૂખ લાગી કે શું? થાળી પીરસું?’ રૂત્વાએ પૂછ્યું. ‘ના, અહીં આવ. મારે તારી સાથે અગત્યની વાત કરવી છે. બેસ મારી સામે.’ જગ્ગુના અવાજમાં જામગરી સળગતી હોય એવા તણખા સંભળાતા હતા. રૂત્વા ચૂપચાપ બેસી ગઇ. જગ્ગુએ ઘોઘરા સાદે પૂછ્યું, ‘આ મનુજ કોણ છે?’ રૂત્વા કંપી ઠી, ‘કોણ મનુજ?’ જવાબમાં જગ્ગુએ પ્લાસ્ટિકની બેગમાંથી બે ડઝન સી.ડીઝ અને ટેલિફોન ખાતાની એક સૂચિ એની સામે ધરી દીધી, ‘રૂત્વા, એક મહિના પહેલાં કોઇનો મારા પર ફોન આવ્યો હતો- તમારી પત્ની કોઇના ચક્કરમાં છે, જરા નજર રાખજો!’ મેં તારા ટેલિફોન પર નજર રાખી. આ સી.ડી. એનું પરિણામ છે. તું અને મનુજ રોજ કેટલી વાર સુધી કેવી-કેવી વાતો કરો છો એ બધું આ સી.ડી.માં કેદ છે.’ ‘મને માફ કરો, પ્લીઝ…’ રૂત્વાની આંખો સામે વિનાશનું તાંડવ હતું. પણ એનાં આશ્ચર્ય વરચે જગ્ગુના અવાજમાં કઠોરતાના સ્થાને કોમળતા હતી, ‘માફ તો તારે મને કરવાનો છે, રૂત્વા. હું એ ન સમજી શકયો કે રૂપિયાથી નિર્જીવ વસ્તુને ખરીદી શકાય છે, સજીવ વ્યકિત નહીં. મારે એ સમજવું જોઇતું હતું કે હું કયારેય તને ગમી શકું જ નહીં, મારો સ્વભાવ ગમે તેટલો સારો હોય તો પણ! ભગવાને મને બનાવ્યો જ એટલો બિહામણો! પણ આજે મારી આંખો ઘડી ગઇ છે. મેં તમારી વાતો સાંભળી લીધી છે. રૂત્વા, તારા માટે મનુજ જ લાયક પુરુષ છે. તું મારી દયા ન ખાઇશ. દુનિયામાં કુંવારી સ્ત્રીઓની સંખ્યા સો કરોડથી પણ વધારે છે. આ જગ્ગુદાદાની સાથે શોભે એવી એકાદ તો મળી જ રહેશે. જા, સિધાવ! મનુજ તારી વાટ જુએ છે.’ ‘મને માફ કરો!’ રૂત્વા રડી પડી. ‘માફ શા માટે? હું તો તને મુકત કરું છું. જા, રૂત્વા, મારી તને શુભેરછા છે. (સત્ય ઘટના) 1 Comment Posted by ચેતન ઠકરાર on September 20, 2012 in ડો. શરદ ઠાકર ની વાર્તા ઓ ઘડીભરમાં નથી થાતી મહોબત જિંદગીભરની, હૃદય લેતાં હૃદયને આપતાં બહુ વાર લાગે છે 10 Sep 6 Votes કિરાતના જમણા હાથની આંગળીઓના ટેરવે જન્મેલી ઝણઝણાટી હજુ પણ ઓસરી ન હતી. ચોવીસ કલાક થઈ ગયા, તો પણ. બાકી તો છેક ગઈ કાલ સાંજની વાત હતી. કન્સ્ટ્રકશનની નવી સાઇટ ઉપરનું નિરીક્ષણ પૂÊરું કરીને એ પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં કેદારનું ઘર આવ્યું. આમ તો કેદાર એનો જૂનો મિત્ર. ગાઢ મિત્ર ન ગણાય. કોલેજમાં સાથે ભણતા હતા, એટલે દોસ્તી જેવો પરિચય થઈ ગયેલો. પાંચેક વર્ષ પહેલાં છૂટા પડી ગયેલા. લગ્ન વખતે કેદારે કંકોતરી મોકલી હતી, પણ પોતે જઈ શકયો ન હતો. પાછળથી મિત્રોના મોંઢે વાત સાંભળી, ત્યારે લગ્નમાં હાજરી ન આપવા બદલ અફસોસ પણ થયો હતો. લગભગ તમામની જીભ ઉપર એક જ વાકય હતું : ‘તું રહી ગયો, દોસ્ત! આવી તક ફરી-ફરી ન મળે.’ ‘કેમ? જમવાનું એટલું બધું સ્વાદિષ્ટ હતું?’ ‘જમવાને માર ગોળી, યાર! જોવાનું બહુ સ્વાદિષ્ટ હતું!’ એ પછીનાં વાકયોમાં માત્ર પુરુષો વરચે જ બોલી શકાય અને સાંભળી શકાય એવો શંòગારરસ હતો. બધાની જીભ ઉપરથી લાળની સાથે સાથે એક જ વાત ટપકતી હતી : ‘મારો બેટો કેદારિયો! કાગડો દહીંથરું નહીં, પણ કોહિનૂર ઉપાડી લાવ્યો છે. એને જોઈને જ આપણી તો નેત્રતૃપ્તિ થઈ ગઈ. ’ જેની રૂપાળી વહુ, એના ભાઈબંધ સહુ. આ કોઈ નાટકનું નામ જ ફકત નથી, પણ પૃથ્વીના આરંભથી જ શરૂ થયેલાં સ્ત્રી-પુરુષોના પ્રબળ આકર્ષણનો ટૂંકો દસ્તાવેજ છે. સ્ત્રી કુંવારી હોય કે પરણેલી, એનાં રૂપના લોહચુંબકથી કોઈ બચી શકયું નથી. કેદારના ઘરે પણ મિત્રોની અવર-જવર વધી પડી. ગઈ કાલે કિરાત પણ આ જ શૃંખલાના આખરી મણકા રૂપે કેદારના ઘરે ટપકી પડયો અને કેદારે એને પ્રેમપૂર્વક આવકાર્યો પણ ખરો: ‘આવ, કિરાત. તું તો ભ’ઈ બહુ મોટો બિલ્ડર બની ગયો છે ને! સાંભળ્યું છે કે કરોડો રૂપિયા બનાવી લીધા છે…!’ ‘ઠીક છે, મારા ભૈ! કડિયાકામ કરી ખાઈએ છીએ. ચાલીસ-પચાસ કરોડ કમાયા એ કંઈ રૂપિયા બનાવી લીધા એવું કહેવાય? ચાર-પાંચ મોટી સ્કીમો ચાલે છે. એક-બે આપણી માલિકીના બંગલાઓ છે અને ત્રણ-ચાર ખખડી ગયેલાં બળદગાડાં છે. તારા જેવું નથી, યાર! તું તો અબજો દેતાંયે ન મળે એવું ‘ધન’ કમાઈને બેઠો છે…’ કેદારની નજર ખુલ્લી બારીમાંથી દેખાતી કિરાતની મર્સિડિઝ ઉપર પડી. તો આ હતું બળદગાડું! ‘ક્ષિતિ, બે ગ્લાસ પાણી લાવજે. જો કોણ આવ્યું છે? ઓળખાણ કરાવું.’ અને પ્રતિસાદરૂપે જે પદમણી પ્રગટ થઈ એને નિહાળીને કિરાતને થયું કે આ ક્ષણે જ મૃત્યુ આવી જાય તો પણ અફસોસ જેવું નથી. આ જગતમાં જે જોવા જેવું છે, એ જોવાઈ ગયું છે. મારો વાલીડો કેદારિયો! ભીખારીને લોટરી લાગી! એણે ટ્રેમાંથી ગ્લાસ ઉઠાવ્યો. મનમાં લાગેલી આગને શમાવતો હોય એમ આખોયે ગ્લાસ એ ગટગટાવી ગયો. પણ પછી જે ઘટના બની એ એના માટે કલ્પનાતીત હતી. જેવો એ ખાલી ગ્લાસ ટ્રેમાં પાછો મૂકવા જાય છે, ત્યાં ક્ષિતિએ હાથ લંબાવીને એના હાથમાંથી ગ્લાસ લઈ લીધો અને એમ કરતી વખતે એના રૂપાળા, ગોરા હાથની સુંવાળી આંગળીઓ કિરાતની આંગળીઓ ઉપર ચંપાઈ, દબાઈ અને એના દેહમાં સંચરતો વિધુતપ્રવાહ કિરાતના જમણા હાથના પંજામાં ઠાલવી ગઈ. આજે ચોવીસ કલાક થઈ ગયા એ ઘટનાને, પણ એ ટેરવાંઓ ઉપરની ઝણઝણાટી હજુયે ઓસરી ન હતી. શું આ સંકેત હતો? અતૃપ્ત લગ્નજીવન વિષયનો ઇશારો હતો? મિત્રોનું કહેવું તો એવું હતું કે કેદારિયાની બૈરી ઘોલર મરચાં જેવી છે. કોઈનીયે સાડીબાર રાખતી નથી. મજાક-મસ્તીની જરા સરખી છૂટ લેવા જઈએ, એ ભેગાં જ મૂળિયાસોતાં વાઢી નાખે છે. તો પછી એ ત્રિભુવનસુંદરી એની ઉપર આમ ઓવારી કેમ ગઈ? પૂરા ચોવીસ કલાકના મનોમંથન અને બુદ્ધિપૂર્વકના વિશ્લેષણ પછી કિરાત આ પરિણામ ઉપર આવ્યો : બીજા મિત્રોની વાત જવા દો. એ બધાનાં ડાચાં જોયાં? સગ્ગી પત્ની પણ ધક્કો મારી દે. જયારે પોતે તો કામદેવનો અવતાર છે. બીજાનાં કપડાં કેવાં અને પોતાનાં મોંઘાં વસ્ત્રો કેવાં છે? બાકીના મિત્રો ઠાઠિયા જેવા સ્કૂટર ઉપર ફરે છે, જયારે પોતે લકઝુરિયસ ગાડીમાં આળોટે છે. અને આ બધી વાતો કેદારે એની પત્નીને જણાવી જ હશે. એ બાપડો મિત્રના ઐશ્વર્ય બાબત ડંફાસો મારતો હશે અને પેલી ‘ઐશ્વર્યા’ એ વર્ણનથી અંજાઈને મનોમન પોતાના ઉપર ઓળઘોળ થઈ રહી હશે. કોને ખબર? પણ એક વાત નિશ્ચિત છે એને મળવું તો પડશે જ. એણે બીજા દિવસે બપોરે કેદારના ઘરે ફોન લગાડયો. કાનમાં મધ ઘોળાયું. સામે છેડે મધપૂડો જ હતો : ‘મને ખબર જ હતી કે તમે ફોન કરશો.’ ‘નહીં, ભાભી…. મેં બસ, અમસ્તાં જ… મને એમ કે લાવો, કેદાર જોડે વાતો કરીએ…’ ‘ના, તમને બરાબર ખબર છે કે તમારા મિત્ર અત્યારે જોબ ઉપર હોય છે. એમ કેમ નથી કહેતા કે ફોન મારી સાથે વાત કરવા માટે કર્યો હતો?’ હવે દોણી છુપાવવાનો કશો અર્થ ન હતો. કિરાતે સીધી છાશની વાત કાઢી, ‘ક્ષિતિભાભી, ગઈ કાલે તમારા હાથનો સ્પર્શ…. હું એને અકસ્માત સમજું કે આમંત્રણ?’ જવાબમાં એક અપ્સરા જાણે શરમાઈને મૌનનો રેલો બની ગઈ. માંડ-માંડ એ મૌનને વાચા ફૂટી, ‘કિરાત, હવે પછી મને કયારેય ક્ષિતિભાભી કહીને ન સંબોધશો. હું પહેલી નજરે જ તમારી ઉપર પાગલ થઈ ગઈ છું. કદાચ હું તમારા માટે જ બની હોઇશ. આ કેદાર નામનું ખરચર કયાંથી મારા કિસ્મતમાં ટપકી પડયું? મારે તો હણહણતા અશ્વ જેવો પુરુષ જોઇએ…. તમારા જેવો…’ કિરાત બેચેન બની ગયો. એ બેચેની બુઝાવવા માટેનો એક જ ઉપાય હતો. એ અને ક્ષિતિ મળતાં ગયાં, મળતાં રહ્યાં, વારંવાર. પણ પૂરેપૂરા નહીં. ઇન્કારની એક મક્કમ રેખા ક્ષિતિએ દોરી રાખી : ‘ના, કિરાત. લગ્ન વગર દેહસંબંધ શકય નથી. મને પામવાનો એક જ માર્ગ છે, વાજતે-ગાજતે મને લઈ જવાનો.’ ‘મારા જેવી રૂપાળી પત્નીને છૂટાછેડા આપવા કયો પતિ તૈયાર થાય?’ ‘તો પછી…? તો પછી…? તો પછી…?’ પૂરા છ મહિનાની ચર્ચા અને વિચારણાઓ પછી બંને પ્રેમીજનો એ નિર્ણય ઉપર આવ્યાં કે પગમાં વાગતા કાંટાને હટાવવો હશે તો એને ફકત કાઢવાથી કામ નહીં સરે, એને તોડી નાખવો પણ જરૂરી છે. કેદારને પણ ખતમ કરવો રહ્યો. યોજનાનાં અનેક સ્વરૂપો હોય છે. અકસ્માત, આપઘાત, અજાણ્યા દ્વારા ખૂન…! ધનવાનો માટે આ દરેક સ્વરૂપ સહેલાં હોય છે. એક દિવસ અખબારી પાનાં ઉપર એક હેડલાઇન ચમકી ગઈ : શહેરના મઘ્યમવર્ગીય વિસ્તારમાં રહેતા એક કારકૂનની કોઈ અજાણ્યા શખ્સોએ કરેલી હત્યા. લૂંટફાટના ઇરાદે ઘરમાં ઘૂસેલા ઇસમોએ…. પણ પછી અચાનક ઘટનાક્રમે અણધાર્યો વળાંક લીધો. રોજેરોજ અખબારી રિપોર્ટિંગના રંગો બદલાતા ગયા. ત્રીજા દિવસે : પોલીસને કાવતરાની પડેલી શંકા. પાંચમા દિવસે : મૃતક કેદારની રૂપાળી પત્ની ક્ષિતિએ કરેલો ધડાકો : પોતાના મોહમાં અંધ બનેલા એક કૌટુંબિક મિત્રનો હત્યામાં હાથ હોવાનો ઘટસ્ફોટ. પોલીસને આપેલા મહત્ત્વના પુરાવાઓ. પંદર દિવસની અંદર કેદારનો હત્યારો કિરાત જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો. પતિના કાતિલને મળવા માટે પોલીસની પરવાનગી લઈને પધારેલી ક્ષિતિએ એકાંત મળતાં જ પૂછી લીધું, ‘કિરાત, ચિંતા ન કરીશ. તારી પાસે ખૂબ પૈસા છે. સારો વકીલ રાખીને તું નિર્દોષ છૂટી શકીશ.’ ‘પણ…. ક્ષિતિ! તેં આવું શા માટે કરાવ્યું? તું તો મને ચાહતી હતી.’ ‘એ તારી ભૂલ હતી, કિરાત! હું ચાહતી હતી કુમારને. આવતા મહિને હું એની સાથે લગ્ન કરી લઉં છું. તું બહાર આવીશ, ત્યારે અમે અમેરિકા નામની વિશાળ દુનિયામાં ખોવાઈ ગયાં હોઇશું. બે વાત યાદ રાખજે. એક તો મને કયારેય મળતો નહીં. અને બીજી? કદાચ મળી જવાય તો મને ‘ક્ષિતિભાભી’ કહીને સંબોધજે. આખરે હું તારા મૃત મિત્રની માજી પત્ની છું.’ શીર્ષક પંકિત : ‘રાજ’ Leave a comment Posted by ચેતન ઠકરાર on September 10, 2012 in ડો. શરદ ઠાકર ની વાર્તા ઓ વ્હાલ આવું ના કરો, આ વ્હાલ મારી નાખશે, બે ઘડીનું છે મિલન, જે જિંદગીભર સાલશે. 08 Sep 5 Votes પ્રયાગે ફોન કર્યો ત્યારે એની પ્રેમિકા પંછીનો પતિ ત્રિલોચન ઘરમાં હાજર જ હતો. પણ પંછી ચબરાક હતી. એ જાણે પોતાની બહેનપણીનો ફોન આવ્યો હોય એવી સહજતાથી પ્રયાગ સાથે વાત કરવા માંડી, ‘હાય, ડોલી! કેમ છે?’ ‘ડોલી?! સમજી ગયો. ત્રણ આંખોવાળો તારો વર ત્રિલોચન ઘરમાં લાગે છે. એ રાક્ષસ હજુ ગયો નથી?’ ‘અરે, જો ને! તાપ કેટલો બધો પડે છે! પણ લાગે છે કે ઉનાળો હવે પૂરો થવાની તૈયારીમાં છે. એક-બે દિવસમાં જ વરસાદ પડવો જોઇએ.’ ‘હં..! સમજયો! તારો જાલીમ ધણી હવે ગમે તે ઘડીએ ઘરમાંથી બહાર પડશે, ખરું ને? પણ એક-બે દિવસ એટલે મારે શું સમજવું? એક-બે મિનિટ કે એક-બે કલાક?’ ‘ઓહ્, ડોલી! તારે ટી.વી. સિરિયલનો સમય જાણવો છે ને? તો સાંભળ, ‘સાજન ઔર સજની’ કાર્યક્રમ બપોરે એક વાગ્યે શરૂ થાય છે અને એ શરૂ થવા આડે માંડ એક-બે મિનિટ બચી છે. તું ટી.વી.ની સ્વીચ ઓન કર, ચેનલ ટયુન કર, એટલી વારમાં ‘સાજન ઔર સજની’ ચાલુ થઇ જશે.’ કોઇ ચેનલ ઉપર સાજન-માંજન કે સજની-ફજની જેવી સિરિયલ હતી નહીં, આ બધી તો સાંકેતિક વાતો હતી. પંછીએ એનો પતિ ન સમજે એ રીતે પ્રેમીને જણાવી દીધું કે પોતાનો પતિ અત્યારે ઘરમાં છે, પણ એ હવે ઓફિસમાં જવાની તૈયારીમાં જ છે અને એ પછી એક અને બે વાગ્યાની વરચેના સમયમાં પોતે અને પ્રયાગ શાંતિથી મળી શકશે. ‘સાજન ઔર સજની’ નામનો કોઇ કાર્યક્રમ જો ભજવાશે તો એ પંછી અને પ્રયાગની અંગત, ગોપિત જિંદગીરૂપી કેબલ ચેનલ ઉપર ભજવાશે અને એને જોનાર ભગવાન સિવાય બીજો એક પણ પ્રેક્ષક નહીં હોય. ફોન ઉપર વાત ચાલતી હતી. એ સમયે ત્રિલોચન બૂટની દોરી બાંધી રહ્યો હતો. એ પછી તરત એણે બ્રિફકેસ હાથમાં લીધી અને બહાર જવા માટે બારણું ઊઘાડયું. પછી એ અટકયો, પત્નીની સામે જોઇને એણે ઘાંટો પાડયો, ‘આજે તો અગિયારશ છે ને? એટલે હું મટન તો નહીં જ જમી શકું ને?’ ‘સવાલ જ નથી ને! તમારે હાડકાં ચાટવા હોય તો બહાર હોટલમાં જ જમીને આવજો! અગિયારશના પવિત્ર દિવસે મારું રસોડું ન અભડાવશો, પ્લીઝ!’ ત્રિલોચન કંસરાજની અદાથી હસ્યો, ‘ઠીક છે, પણ એટલું યાદ રાખજે કે કયારેક તારાં જ હાડકાં ચાવી જવાનો છું! હા… હા… હા..!’ ક્રૂર વિધાત્રીની આ કઠોર મજાક હતી કે ત્રિલોચન જેવા દુષ્ટ પુરુષને નમણી નાગરવેલ જેવી પંછી પત્નીરૂપે મળેલ હતી. ત્રિલોચન બધી વાતે પૂરો હતો. એના બાપા મરતી વખતે જામેલો ધંધો મૂકતા ગયા હતા, એટલે એને કમાણીની ચિંતા ન હતી. શરાબ એનો સંગાથી હતો, નોનવેજ ભોજન એનો શોખ હતો અને જુગાર એનો ટાઇમ-પાસ હતો. પંછી જેવી પદમણીનું સ્થાન એના જીવનમાં પત્ની તરીકેનું નહીં, પણ પગલુછણિયા જેવું હતું. પાંચ વર્ષના અત્યંત ત્રાસભર્યા લગ્નજીવન બાદ ખુદ પંછી આજે પોતાની જાતને પ્રશ્ન પૂછી રહી હતી, ‘હું આપઘાત કરીને મરી કેમ ન ગઇ?!’ જો પંછી આજે જીવી રહી હતી તો એનું એક માત્ર કારણ એ હતું કે આ તબક્કે એને પ્રયાગ જેવો પુરુષ પ્રેમી સ્વરૂપે મળી ગયો હતો. ત્રિલોચન ગયો એ પછી દસ મિનિટ બાદ પ્રયાગનું આગમન થયું. એને ઘરમાં લીધા પછી પંછીએ પહેલો પ્રશ્ન આ પૂછ્યો, ‘અહીં આવતાં તને કોઇએ જોઇ તો નથી લીધો ને?’ ‘ના.’ પ્રયાગે યાદ કરીને જવાબ આપ્યો, ‘આમ તો ખાસ કોઇની નજર નથી પડી, પણ તારા બંગલાની સામે જે મકાન આવેલું છે તેની ઓસરીમાં એક ફાલતુ માણસ ઊભો હતો. એ ટીકી-ટીકીને તારા બંગલા તરફ જોઇ રહ્યો હતો. એક ક્ષણ માટે મને એમ પણ થયું કે હું પાછો વળી જાઉ, પણ પછી બેધડક રીતે સાવ નોર્મલ બનીને જાણે હું તારા પતિને મળવા આવ્યો હોઉ એ રીતે અંદર સુધી ચાલ્યો આવ્યો. પણ હવે મને ચિંતા થઇ રહી છે. એ માણસ કયાંક ત્રિલોચન આગળ ચાડી તો નહીં ફૂંકી દે ને?’ ‘ઊહું! એ માણસ લબાડ છે, પણ એનું ઘ્યાન તારા તરફ નહીં પડયું હોય, એની ખરાબ નજર મારી ઉપર છે. વાસ્તવમાં સામેનાં મકાનમાં એક ઓફિસ આવેલી છે. એમાં પચીસ-ત્રીસ જણાં કામ કરે છે. આ માણસ પણ એમાંનો એક જ છે. એનાથી સાવચેત રહેવા જેવું ખરું, પણ ખાસ ડરવા જેવું નથી.’ પંછીના ખુલાસા પછી પ્રયાગનો જીવ હેઠો બેઠો. બંને પ્રેમીઓ એકમેકને વળગી પડયાં. ‘ઊફ્! કેવી જિંદગી છે! આ દેશ, આ સમાજ અને આ કાયદો બે સાચાં પ્રેમીઓને સુખપૂર્વક મળવા પણ દેતો નથી. ડગલે ને પગલે ડરતાં રહેવું પડે છે.’ પ્રયાગે હૈયાવરાળ કાઢી. ‘અને જરા પણ મનમેળ વગરના પતિ સાથે એની નિર્દોષ પત્નીને જીવનભર બાંધી રાખે છે.’ પંછીથી પણ એની અંતરવેદના વ્યકત થઇ ગઇ. પંછી અને પ્રયાગ મહિનામાં એકાદ વાર આવી રીતે મળતાં હતાં. વારંવાર મળવાનું શકય પણ ન હતું, કારણ કે સમાજ અને કાનૂનની નજરોમાં એમનું મળવું એ અપરાધ હતો. એ બંને જણાં અલગ-અલગ જગ્યાએ પરણેલાં હતાં. ભલે બંને જણાં એમનાં જીવનસાથીઓથી ભયંકર હદે દુ:ખી હતાં, પણ એ એમનું કિસ્મત હતું. જયારે પ્રેમીની ઝંખના પાતાળ ફાડી નાખે એવી પ્રબળ થઇ જાય, ત્યારે જ એ બંને મળતાં હતાં. પંછી કયારેક એનો વસવસો પ્રેમી આગળ વ્યકત કરી દેતી, ‘પ્રયાગ, આપણે બંને પોતાનાં જીવનસાથી સાથે છૂટાછેડા લઇને પરસ્પર લગ્ન ન કરી શકીએ?’ ‘કરી શકીએ, પંછી, જરૂર કરી શકીએ, પણ મારે તો બે નાનાં-નાનાં બાળકો પણ છે. એમનું ભવિષ્ય કથળી જાય. અને તારાં મમ્મી-પપ્પા કે મારા માવતર આવાં પગલાંથી દુ:ખી થઇ જાય એ પણ કડવી વાસ્તવિકતા છે.’ ‘એનો અર્થ તો એવો થયો ને કે આપણો સમાજ દંભી છે. આ દેશમાં બે પરણેલાં પાત્રો લગ્નેતર સંબંધ રાખી શકે છે, પણ કાયદેસર ડિવોર્સ લઇને એકબીજાંની સાથે પરણી શકતાં નથી.’ ‘હા, પંછી, અહીં પતિ-પત્ની સમાજને દેખાડવા ખાતર દુ:ખી સંસારનું બળદગાડું ખેંરયા કરે છે અને સુખી હોવાનો અભિનય કરતાં રહે છે.’ આટલી ચર્ચા પછી પ્રયાગ અને પંછી પોતાની સાવ અલગ દુનિયામાં ખોવાઇ જતાં. જેમ જેમ ત્રિલોચનનો ત્રાસ વધતો ગયો, પંછીનાં હૃદયમાં પ્રયાગનો પ્રેમ પામવાની તરસ પણ વધતી ગઇ. પણ એ મજબૂર હતી. પ્રયાગને વારંવાર મળવામાં અનેક પ્રકારના જોખમો હતા. ‘પ્રયાગ, ચાલને આપણે કયાંક હોટલમાં થોડાંક કલાકો માટે પહોંચી જઇએ. મારા ઘરે તને બોલાવવામાં મને ડર લાગે છે. ત્રિલોચનને જો સહેજ પણ શંકા પડશે, તો… એનો સ્વભાવ તો તું જાણે જ છે. એ આપણાં બંનેનાં ખૂન કરી નાખશે.’ પંછીએ ડરેલી હાલતમાં દિલની વાત કહી નાખી. ‘ના, ડાર્લિંગ! આજકાલ હોટલો ઉપર પોલીસખાતાના દરોડા પડવા માંડયા છે. એમાં જો ઝડપાયાં તો બીજા દિવસે આપણાં નામ અખબારના પહેલાં પાને ચમકયા વગર ન રહે.’ ‘તો ચાલ ને આપણે એકાદ-બે દિવસ માટે કયાંક બહારગામ ચાલ્યાં જઇએ. કોઇ હિલ સ્ટેશન પર કે કોઇ દરિયા કિનારે આવેલા રિસોર્ટમાં…’ ‘એટલો સમય છે તારી પાસે? હું તો પુરુષ છું, ગમે તે બહાનું કાઢીને ઘરમાંથી નીકળી શકું, પણ તું તારા પતિને કેવી રીતે છેતરી શકીશ?’ વાત ત્યાં જ અટકી પડતી. પંછીનો વસવસો ખાસ તો ત્યારે વધી જતો, જયારે એનાં ઘ્યાનમાં મોટી, પ્રખ્યાત હસ્તીઓનાં પ્રેમપ્રકરણો આવી જતાં હતાં. એ ટી.વી.ની ન્યૂઝ ચેનલો પર કે અખબારો અને મેગેઝિનોમાં વાંરયા કરતી કે દેશ-વિદેશના જાણીતા સ્ત્રી-પુરુષો સમાજની જરા પણ શેહશરમ રાખ્યા વગર કેવાં પોતાનાં પ્રિય પાત્રોની જોડે જિંદગી માણતાં હતાં! એલિઝાબેથ ટેલરે આઠ વાર લગ્ન કર્યા. એને કોની શરમ નડી? મશહૂર ટેનિસ સ્ટાર આન્દ્રે અગાશી પહેલાં બ્રૂક શીલ્ડને પરણ્યો, પછી સ્ટેફી ગ્રાફને. બોલિવૂડની વાત કરીએ તો રાજકપૂર-નરગીસથી માંડીને રાજેશ ખન્ના-ડિમ્પલ કાપડિયા સુધી આ જ બિન્દાસ્ત સિલસિલો ચાલુ હતો. સંગીતા બિજલાણી સલ્લુને છોડીને અઝહરૂદ્દીન પાસે જાય છે, તો સલ્લુ મિયાંની યાદીનો અંત જ નથી આવતો. માત્ર ફિલ્મી સિતારા જ શા માટે? રાજનેતાઓ પણ આમાંથી કયાં બાકાત છે? ‘મોટા કરે એ લીલા અને આપણે કરીએ તે છિનાળવું!’ ધીમે-ધીમે આ એક ગ્રંથિ બંધાઇ ગઇ પંછીના દિમાગમાં. જે લોકો મોટા છે, ધનવાન છે, વિખ્યાત છે એમને કોઇ કંઇ પૂછતું નથી, સમાજની શરમ મઘ્યમ વર્ગના અને ગરીબ લોકોને જ નડે છે. ખ્ખ્ખ્ એક સાંજે પંછી શાકભાજી ખરીદવા ગઇ હતી. ફૂટપાથ પર પાથરણું પાથરીને બેઠેલી ચંપા સાથે એ ભાવતાલ કરી રહી હતી. બાજુમાં ચાર ગંદા બાળકો રમી રહ્યા હતાં. ચંપાનાં જ કૂલભૂષણો હતાં. ભયાનક તોફાને ચડયા હતાં. એમાંથી એક છોકરાને એના બાપે એક લાફો મારી દીધો. છોકરો મોટેથી રડવા માંડયો અને પછી ચંપા જે વીફરી છે! ઘરાકને પડતી મેલીને એણે પોતાના ધણીને પકડયો, ‘એઇ, તું કોણ મૂવો છે મારા છોરા પર હાથ ઉપાડવાવાળો?’ ‘કોણ તે તારો વર!’ ધણી પણ સામે ઘૂરકયો. ‘તે હું થઇ જયું? તું મારો ધણી ખરો, પણ આ છોકરાનો બાપ નથી, હમજયો? તારો તો આ એક જ દીકરો છે, આ મોટો સે ઇ! બાકીનાં તંઇણ તો બીજાનાં સે! ને ઇંમને જણનારી હું સું! તુ હેનો મારે..?’ વીફરેલી વાઘણ જેવી ચંપાને ન વરનો ડર હતો, ન સમાજની શરમ હતી. પંછી સ્તબ્ધ થઇને વિચારતી રહી : ‘હવે તો ફકત મઘ્યમવર્ગ જ બાકી રહ્યો! આ વર્ગનું કલ્ચર તો અમેરિકા અને યુરોપના લોકો કરતાંયે આગળનું છે! કાશ, મારામાં આ ચંપા જેવી હિંમત હોત!’ (શીર્ષક પંકિત : જમિયત પંડયા ‘જિગર’) Leave a comment Posted by ચેતન ઠકરાર on September 8, 2012 in ડો. શરદ ઠાકર ની વાર્તા ઓ ← Older posts Blog Stats 110,625 hits વાંચન સંગ્રહ Follow બ્લોગ અપડેટની માહિતી તમારા મેઈલબોક્સમાં નિશુલ્ક અને નિયમિત મેળવવા અહીં તમારું ઈમેઈલ લખો Join 400 other followers Top Posts & Pages Shayri part 6 Shayri part 10 Shayri part 13 Shayri part 18 Shayri part 5 Shayri part 2 Shayri part 3 Shayri part 14 Shayri part 7 Shayri part 16 Recent Posts એક લાખ તો ખોબો ભરાઇ એટલું મળશે.. સગાઇ મંદીર “શુભ અષાઢી બીજ” તારીખયું July 2014 M T W T F S S « Jun 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Archives July 2014 June 2014 મે 2014 April 2014 March 2014 February 2014 January 2014 December 2013 November 2013 October 2013 September 2013 August 2013 July 2013 June 2013 મે 2013 April 2013 March 2013 February 2013 January 2013 December 2012 November 2012 October 2012 September 2012 August 2012 July 2012 June 2012 મે 2012 April 2012 Categories અંગત કાજલ ઓઝા-વૈદ્ય કુલદીપ કારિયા ગુણવંત શાહ ચિંતનની પળે જય વસાવડા ના મને ગમતા લેખ ટૂંકી વાર્તાઓ ડૉ. અખ્તર ખત્રી ડો. આઈ. કે. વીજળીવાળા ડો. શરદ ઠાકર ની વાર્તા ઓ દીપા સેવક બાળવિભાગ બોધ કથાઓ મને સહુ થી વધુ ગમતું રીડગુજરાતી .કોમ સબરસગુજરાતી.કોમ સરસ સારી કવિતાઓ હસો અને બીજા ને પણ હસાવો Uncategorized Meta Register Log in Entries RSS Comments RSS WordPress.com

Views: 8480

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service