Made in India
1. ‘આપે લખવાની શરૂઆત ક્યારે અને કેવી રીતે કરી?
પિતા સ્વ. રસિકલાલ ઉનડકટ જૂનાગઢથી ‘શરૂઆત’ નામનું એક સાપ્તાહિક ચલાવતા હતા, તેમાં લખવાનું શરૂ કર્યું. આમ તો નાનો હતો ત્યારે ડાયરી લખતો. પત્રકારત્વમાં આગળ વધવા માટે બી.કોમ, એલએલ.બી. કરીને પછી માસ્ટર ઓફ જર્નાલિઝમ અને માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો. હસમુખ ગાંધી એડિટર હતા એ ‘સમકાલીન’માં આર્ટિકલ્સ લખતો. એ પછી એક્સપ્રેસ ગ્રૂપના જનસતા-લોકસતા, ફાઇનાન્સિયલ એક્સપ્રેસ, ઇન્ડિયન એક્સપ્રેસ માટે કામ કર્યું. દસ વર્ષ ‘ગુજરાત સમાચાર’, ચાર વર્ષ ‘સંદેશ’, ચાર વર્ષ ‘દિવ્ય ભાસ્કર’, છ વર્ષ ‘ચિત્રલેખા’, ‘અભિયાન’ સહિત અનેક અખબારો-મેગેઝિન માટે લખ્યું છે. અત્યારે અમદાવાદ ખાતે ‘દિવ્ય ભાસ્કર’માં મેગેઝિન એડિટર છું. દિવ્ય ભાસ્કરની બુધવારની ‘કળશ’ પૂર્તિમાં ‘ચિંતનની પળે’ અને રવિવારની ‘રસરંગ’ પૂર્તિમાં દૂરબીન કોલમ પ્રસિદ્ધ થાય છે. ચિંતન શ્રેણીનાં છ પુસ્તકો ચિંતનની પળે, ચિંતનને ચમકારે, ચિંતનને અજવાળે, ચિંતન @24x7, ચિંતન Rocks અને ‘અહા! ચિંતન’ ઉપરાંત કાના બાંટવા સાથેના પુસ્તક ‘આમને-સામને’ મળીને કુલ સાત પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. લખવાનું સતત ચાલે છે, લખવાનું એન્જોય કરું છું.
2. લખવા માટે સ્વ-અનુભવ કેટલો જરૂરી છે? આપને લખવા માટે કયું પરિબળ પ્રેરિત કરે છે?
મારી ચિંતનની પળે કોલમ ક્રિએટિવ રાઇટિંગ છે અને દૂરબીન એ ઇન્ફર્મેટિવ રાઇટિંગ છે. ‘ચિંતનની પળે’ મારા દિલથી નજીક છે. સ્વ-અનુભવ કરતાં પણ સ્વ સાથેનો સંવાદ અને સ્વ સાથેનો સહવાસ વધુ જરૂરી છે. કોઈ એક વિચાર સાથે લખવા બેસું છું. ક્યારેક એવું પણ લાગે છે કે ક્યાંકથી કંઈક આવે છે, એ કુદરતી છે, એ વર્ણવવું પણ અઘરું છે. ઘણી વખત એવું થાય છે કે કુદરતની કૃપા વગર એ શક્ય નથી. લખવું મારા માટે એક યોગ છે, એક અનુભૂતિ છે, લખતો હોઉં ત્યારે હું મારી સાથે હોઉં છું.
હવે ‘દૂરબીન’ અને બીજા ઇન્ફર્મેટિવ કે કરન્ટ ટોપિક્સ રિલેટેડ આર્ટિકલનું જો કોઈ પ્રેરણાબળ હોય તો એ ‘ડેડલાઇન’ છે. તમારે અમુક સમય સુધીમાં લખવું જ પડે, એમાં મૂડ કે બીજું કંઈ ન ચાલે. ગમે તે પરિસ્થિતિમાં લખવાનું જ હોય છે. ડેડલાઇનના પ્રેશરથી બચવા માટે હું ‘ચિંતનની પળે’ કોલમ થોડી વહેલી લખું છું, જેથી રિલેક્સ રહીને લખી શકાય.
3. આપના મતે સોશિયલ મીડિયા શું છે?
સોશિયલ મીડિયા એ અભિવ્યક્તિનું શ્રેષ્ઠ માધ્યમ છે. ક્રિએટિવિટી માટેનું અદ્્ભુત પ્લેટફોર્મ છે. બીજા માધ્યમમાં દરેક વ્યક્તિને તક નથી મળતી, યોગ્ય સ્થાન નથી મળતું, સોશિયલ મીડિયા એ તક આપે છે. તમે તમારી વાત દેશ અને દુનિયા સુધી પહોંચાડી શકો છો. બસ, તેનો સદ્ઉપયોગ જરૂરી છે. એટલું યાદ રહે તો પૂરતું છે કે સોશિયલ મીડિયા એ અભિવ્યક્તિનું માધ્યમ છે, મનોરંજનનું નથી. એ વિચાર વ્યક્ત કરવા માટે છે, વિવાદ વકરાવવા માટે નથી. હજુ આ માધ્યમ નવું છે, ધીમે ધીમે મેચ્યોર થશે એવું હું માનું છું.
4. એવું એક પુસ્તક જેને ફરી ફરી વાંચો તો પણ થાક ન લાગે.
આમ તો ઘણાં છે, એકનું નામ આપી શકું તેમ નથી એટલે મને ગમતાં થોડાંક પુસ્તકોનાં નામ આપું છું.
1. લા મિઝરેબલ : વિક્ટર હ્યુગો
2. અલ કેમિસ્ટ : પાઅલો કોહેલો
3. રેવન્યુ સ્ટેમ્પ : અમૃતા પ્રીતમ
4. ડોન કિહોટે : સર્વાન્ટિસ
5. ન હન્યતે : મૈત્રીયી દેવી
બાય ધ વે, આ બધાં પુસ્તકોનું ગુજરાતી સંસ્કરણ અવેલેબલ છે અને હું એ જ વાંચું છું.
5. નારીવાદના આખા વિચારને શા માટે આટલો સેન્સેશનલાઇઝ કરવાની જરૂર પડી? આપના મતે નારીવાદ એટલે શું?
નારીવાદ એટલે નારીઓનો સાદ, તેમનો આર્તનાદ, તેમની અનુભૂતિ અને તેમનો અહેસાસ. સમાજ માત્ર સ્ત્રી કે માત્ર પુરુષથી ન ચાલી શકે, બંનેનું સહિયારું કર્મ જ સમાજનો પાયો છે. માત્ર પુરુષ આધિપત્યવાળો સમાજ અન્યાય કરી બેસે. સમયની સાથે પરિવર્તનો થતાં રહે છે, એ પરિવર્તન પણ પૂર્ણ રીતે થવું જોઈએ કે સ્ત્રી અને પુરુષ બંનેને એકસમાન ગણવામાં આવે. કોઈ કોઈથી ચડિયાતું નથી અને કોઈ કોઈથી ઊતરતું નથી. સ્ત્રી શક્તિનું સ્વરૂપ છે, પણ હજુ ઘણી સ્ત્રીઓ પોતાની જ શક્તિ અને સામર્થ્યથી અજાણ છે. હક ન મળતો હોય ત્યારે માંગવો પડતો હોય છે. તમે તમારો અધિકાર માંગો એ કોઈ ‘વાદ’ નથી, પણ તમારું વજૂદ સાબિત કરવાની ઘટના છે. સ્થિતિ સુધરે છે અને સુધરતી રહેશે. સમયની સાથે માનસિકતા પણ બદલાતી હોય છે. આજે નહીં તો કાલે, પુરુષોએ પણ એની માનસિકતા બદલવી પડશે. આ કોઈ લડાઈ, સંઘર્ષ કે અથડામણ નથી, સમાજમાં ‘બેલેન્સ’ કરવાની એક પ્રક્રિયા છે. અંગત રીતે હું માનું છું કે, નારીને એટલી જ તક, એટલી જ આઝાદી અને એટલો જ આદર મળવો જોઈએ જેટલો પુરુષોને મળે છે. નિર્ણયો સહિયારા હોય તો જ સમાજમાં સહજતા રહેતી હોય છે.
6. આજે સાહિત્યનું જે ડિજિટલાઇઝેશન થયું છે એ વિશે આપ શું માનો છો?
ડિજિટલાઇઝેશન થવાથી સાહિત્ય હાથવગું થયું છે. સાડા પાંચ ઈંચના મોબાઇલ સ્ક્રીન પર વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓ મળતી હોય એનાથી વધુ રૂડું શું હોય? પ્રિન્ટની એક અને સૌથી મોટી મર્યાદા એ છે કે એ બધી જગ્યાએ પહોંચી શકતું નથી. અમદાવાદનું અખબાર હવે વિશ્વના કોઈ પણ ખૂણે વાંચી શકાય છે. પુસ્તકો શોધવાં પડતાં નથી અને સાથે ફેરવવાં પડતાં નથી. એક સાથે લાખો કરોડો લોકો સુધી પહોંચી શકાય છે. ડિજિટલાઇઝેશનથી સાહિત્યનો વ્યાપ વધશે. લોકો ગમે તે સ્વરૂપમાં વાંચે, વાંચે એ અગત્યનું છે. હવે સાહિત્ય સુલભ બન્યું છે, તેનો જેટલો સદ્ઉપયોગ થઈ શકે એટલો થવો જોઈએ.
7. આજના યુવા વર્ગને શું સંદેશો આપશો?
આજનો યુવાન સમજુ, ડાહ્યો, હોશિયાર અને વ્યવહારુ છે. એકદમ ક્લિયર અને ફોકસ્ડ છે. યુવાનોને એટલું જ કહેવાનું છે કે શું કરવાનું છે એની સાથે એક યાદી એ કરો કે શું નથી કરવાનું? શું નથી કરવાનું એ ખબર હશે તો પછી જે કરવાનું હશે એ વધુ સ્પષ્ટ રહેશે. મોબાઇલ તમારો સમય ખાઈ ન જાય એની તકેદારી રાખો. સોશિયલ મીડિયા ખરાબ નથી, પણ તેનો અતિરેક ન થવો જોઈએ. વર્ચ્યુલ વર્લ્ડ કરતાં જે નજર સામે છે. તેને ફીલ કરો. સુંદર વિચારો કરો અને તમારા વિચારો ઉપર પણ વિચાર કરો. નબળો વિચાર આવે ત્યારે એટલું વિચારો કે મને આવો વિચાર કેમ આવ્યો? તમારી જાત ઉપર શ્રદ્ધા રાખો. કોઈનું અનુસરણ ન કરો. મહાન લોકોનાં ક્વોટેશન, બુક્સ અને સફળતાનાં પુસ્તકો વાંચો, પણ તમારા નિયમો તમે પોતે બનાવો. તમે અનોખા છો, તમારા જેવું બીજું કોઈ નથી એટલે તમારી સફળતાની કેડી પણ તમારે જ કંડારવી પડશે. નિષ્ફળતાથી ન ડરો. દરેક મહાન માણસ નિષ્ફળ ક્યારેક તો ગયો જ છે. ગઈકાલને ભૂલી જાવ, આવતી કાલની ચિંતા ન કરો, આજની ક્ષણને જીવો. સંવેદનાને મૂરઝાવા ન દો. પ્રકૃતિના દરેક કણને પ્રેમ કરો, કારણ કે તમે પણ પ્રકૃતિનો એક હિસ્સો જ છો. તમારા લોકોથી નજીક રહો. પ્રેમ કરો અને તમને જે પ્રેમ કરે છે એને વફાદાર રહો. જિંદગી સુંદર છે. સુખ તમારી અંદર જ છે. કોઈ એક એવો શોખ કેળવો જે તમારી જિંદગીને હળવી બનાવે. દુ:ખથી દુ:ખી ન થાવ, પણ તેને સમજો. સમય બદલતો રહે છે એ વાત યાદ રાખો. દુનિયાને સારી જોવી હોય તો પહેલા તમે સારા થાવ. જિંદગી માટે જે છે એ પૂરતું છે, તમારી પાસે જે છે એને માણો અને તમારા પોતાના માટે થોડોક સમય ફાળવો, કારણ કે જે પોતાને પ્રેમ કરી શકતો નથી એ બીજાને ક્યારેય પ્રેમ કરી શકે નહીં. તમને તમારું ગૌરવ હોવું જોઈએ, એ ગૌરવ ઉચ્ચકક્ષાનું હોવું જોઈએ. તમારી જિંદગી કોઈ ઉમદા ઉદ્દેશ માટે છે, તમારે એ ઉદ્દેશને સાર્થક કરવાનો છે, શુભકામનાઓ...
Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com