Made in India
નામ: ઇલિયાસ શેખ
જન્મદિવસ: ૩જી ઓગષ્ટ
મૂળ વતન અને હાલ નિવાસ: રાજકોટ
કાર્યસ્થળ: રાજકોટ. સેન્ટ્રીફયુગલ પમ્પ બનાવતી એક નામાંકિત કંપનીમાં સી.ઇ.ઓ. મૂળભૂત રીતે ભાષાનો નહીં પણ ટેકનોલોજીનો માણસ. શિક્ષણ પણ કોમર્સમાં ગ્રેજ્યુએશન પછી એમ.બી.એ.
મળેલાં પુરસ્કાર: કોલેજમાં હતો ત્યાં સુધી યુથ ફેસ્ટિવલ અને યુવા-પ્રતિભા શોધ વગેરેમાં ભાગ લેતો ત્યારે કોલેજના ગૌરવ પુરસ્કાર સહિત અનેક પુરસ્કારો પ્રાપ્ત થયેલાં. મારાં કાવ્યનો ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૨૦૦૭ના શ્રેષ્ઠ કાવ્યોના સંપાદનમાં સમાવેશ થયો છે એને પણ હું પુરસ્કાર લેખે જ જોઉં છું. આ ઉપરાંત ફેવિકોલવાળા મુરબ્બી શ્રી બલુભાઇ પારેખ મારી કવિતાઓના પ્રશંસક રહ્યાં છે. એમણે ‘ગમતાંનો કરીએ ગુલાલ’ શ્રેણીમાં મારાં બા અને બાપુજી ઉપરના કાવ્યોનો સહર્ષ સમાવેશ કર્યો એ પણ મારે મન એક સન્માન સમાન છે. મેં હજી સુધી મારું પોતાનું સ્વતંત્ર પુસ્તક પ્રકાશિત નથી કર્યું એટલે હજી સાહિત્યિક પુરસ્કાર ન મળવાનો મને મનમાં કોઇ વસવસો નથી.!
૦૧. આપને કઇ વસ્તુએ લખવા માટે પ્રેરિત કર્યા?
સામાન્ય રીતે કોઇ જ્યારે પ્રેમમાં પડે ત્યારે પોતાને શબ્દો દ્વારા અભિવ્યક્ત કરવા માટે લેખનની શરૂઆત કરે છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે, જગતની કોઇ પણ ભાષા લઇ લો. એમાં તમને સ્ત્રી સાહિત્યકારો કરતાં કાયમ પુરૂષ સાહિત્યકરોની સંખ્યા વધારે જોવા મળશે. એના ખરાં કારણમાં ‘અભિવ્યક્તિ’ પડેલી છે. નારી સ્પર્શ દ્વારા અને પુરુષ શબ્દ દ્વારા પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરે છે. હું પણ જ્યારે હાઈસ્કુલમાં હતો, ત્યારે મારાં એક ટીચરને ઇમ્પ્રેસ કરવા માટે ગદ્ય-પદ્યમાં કંઇને કંઈ લખીને એમને આપતો, એટલે એમ કહી શકાય કે એમણે જ મને લખવા માટે પ્રેરિત કર્યો. જો કે, લેખનમાં જ્યારે થોડી સજ્જતા અને પ્રતિબદ્ધતા આવે છે, ત્યારબાદ કોઇને ઈમ્પ્રેસ કરવા નહીં પણ આપણી અંદર ઉમટતા તોફાનને શાંત કરવા માટે લખવું પડે છે. ઇનર કમ્પલઝન, ભીતરી ભડકા વગર લખવું એ સર્જન નહીં પણ “ડબલ એન્ટ્રી” નામા પદ્ધતિની લહિયાગીરી છે.
૦૨. શું લેખન માટે કોઇ નિશ્ચિત માહોલની જરૂરિયાત વર્તાય છે?
નિશ્ચિત માહોલ કરતાંય મને “નિશ્ચિંત” માહોલ ફીયર-લેસ માહોલ હોય તો લખવાની વધારે મજા આવે છે. મારી અભિવ્યક્તિનું માધ્યમ કવિતા છે. એટલે હું માનું છું કે, કવિતા લખાતી નથી હોતી, પણ અવતરતી હોય છે. એ તો સ્થળ-સમય- સંજોગના બંધનને અવગણીને તમને ભરનિંદ્રામાંથી ઢંઢોળીને જગાડે અને કહે: ઉઠ, અને આ કાગળ ઉપર ઉતાર.’ મને મધરાતે અને વહેલી સવારે લખવું વધારે ફાવે છે. એનું કારણ કદાચ મારી પ્રોફેશનલ લાઈફ પણ હોઇ શકે. કેમ કે આખો દિવસ તો હું ફેકટરીમાં વ્યસ્ત હોઉં છું. હું લેખ કોઇ પણ માહોલમાં કોઇ પણ સમયે લખી શકું. પણ કવિતા લખવા માટે મારે એકાંત અને એકલતા બંને સાથે જોઈએ. મારી આજુબાજુ મારે એકાંત જોઈએ અને મારી અંદર મારે જોઈએ એકલતા.
૦૩. સોશિયલ મીડીયા ઉપર ઉપર નવોદિતો લેખકોનો રાફડો ફાટી નીકળ્યો છે. તે વિશે શું કહેશો?
વિચારોની અભિવ્યક્તિના માધ્યમ એક દાયકા પહેલાં બહુ સીમિત હતાં. ત્યારે અખબાર કે સામાયિકમાં કોઇનો પત્ર છપાય તો પણ એ રાજી-રાજી થઇ જતાં. સોસિયલ નેટવર્ક આવવાથી હવે કોઈને ચૂપ નથી કરી શકાતા. આપણે નાના હતાં ત્યારે આપણા વડીલો તાડૂકીને કહેતા કે ‘બેસ છાનોમાનો, તને આમાં કાંઇ ગતાગમ ન પડે.!’ આવા ઠપકા અને ભભકા હવે ભૂતકાળ બની ગયા છે. યુથ સોસિયલ નેટવર્ક સાઈટ ઉપર માત્ર પોતાના વિચારો જ નહીં, પણ હવે વ્યવહારમાં પોતાની માથે સોસાયટીમાં જવાબદારી પણ લેતો થયો છે. એ ઈન્ટરનેટના માધ્યમનો મોટામાં મોટો સોશિયલ બેનિફિટ છે. જ્યાં નિયંત્રણ ન હોય, ત્યાં બધાં પોત-પોતાના કસબ પ્રમાણે પોતાને વ્યક્ત કરે. સમાજ, સમજ અને સાહિત્ય એને કેટલું સ્વીકારે, એ અલગ મુદ્દો છે. પણ પહેલા જેમ ‘ઉગતાને ડામી’ દેવામાં આવતા હતા – એ હવે સદંતર બંધ થઇ ગયું છે. આપણે સોસિયલ મીડિયાની પોઝીટિવ સાઈડ જોવી જોઈએ. તમે જ કહો, આ બધાં નવોદિતો સોસિયલ નેટવર્ક પર નહીં લખે તો ક્યાં લખશે? ભારતમાં દાયકાઓથી યુથના અવાજને દબાવીને રાખવામાં આવ્યો છે. યુગોથી નારી સાથે સંપર્ક અને વાર્તાલાપ દુર્લભ હતાં. એ આજે સોશિયલ નેટવર્કના માધ્યમથી સહજ સુલભ બન્યા છે. નારી આજે ખુલ્લેઆમ પોતાને વ્યક્ત કરતી બની છે. એ સોશિયલ મીડિયાના પ્રતાપે જ. હું તો સોસિયલ મિડીયાને નવોદિત લેખકો માટેનું જીમ્નેશિયમ કહીશ. ભલે ને કસરત કરે. કસરત કરશે તો કલમમાં કૌવત આવશે. કૌવત હશે તો બુઢા-ઘૂસટ સાહિત્યકારો પણ એને વાંચવા માટે ફેસબુકમાં પોતાની આઇડી બનાવી લોગ-ઇન થશે.!
૦૪. લેખન ક્ષેત્રે આપના જીવનનો ટર્નિગ પોઇન્ટ?
મેં હજી લેખનક્ષેત્રે એવું કોઇ નોંધપાત્ર સર્જન કર્યું નથી. પ્રામાણિકપણે એકરાર કરું તો હજી મને પોતાને જ મારી દિશાની ખબર નથી. પણ હવે કેરિયરમાં ઠરીઠામ થયો છું. એટલે શિસ્તબદ્ધ રીતે ગુજરાતીમાં નવો ચીલો ચીતરે એવી ટૂંકીવાર્તાઓ ઉપર ગંભીરતાથી ધ્યાન આપવું છે. વરસોથી મારાં મનમાં એક ખ્વાહિશ રહી છે કે, મારો પ્રથમ સંગ્રહ કવિતાઓનો નહીં, પણ ટૂંકીવાર્તાઓનો હોય. એટલે જ આજે મારી પાસે બે સંગ્રહ બની શકે એટલી કવિતાઓ હોવા છતાં મેં કાવ્યસંગ્રહ પ્રકાશિત કરવાની ચેષ્ટા નથી કરી. મને લાગે છે લેખનક્ષેત્રે ૨૦૧૬નું વર્ષ મારાં માટે ટર્નિગ પોઇન્ટ બની રહેશે.
૦૫. સંઘર્ષ સમયે કયો લેખકમિત્ર હંમેશા પડખે રહ્યો છે?
એ સંઘર્ષના પ્રકાર ઉપર નિર્ભર કરે છે. સામાન્ય રીતે આપણે હાથે ઉભો કરેલો સંઘર્ષ કે પછી માથે અણધાર્યો આવી પડેલો સંઘર્ષ આપણે જાતે જ વેઠવો પડે છે અથવા તો લડત આપવી પડે છે. તો પણ સંઘર્ષના સમયમાં કે પછી કોઇ મુદ્દે કોઇ સાથે ઘર્ષણના સમયમાં મારાં કોલેજકાળ મિત્રો જય વસાવડા, કિન્નર આચાર્ય, શૈલેશ સગપરીયા અને આશુ પટેલ કાયમ મારી પડખે ટેકો બનીને ઉભા રહ્યાં છે.
૦૬. તમારાં મતે સ્ત્રી એટલે?
મારાં મતે સ્ત્રી એટલે અસ્તિત્વ અને મસ્તિત્વ. મને તો એટલી ખબર પડે કે, સ્ત્રી ન હોત, તો હું પણ ન હોત. સંસ્કૃતિનું વહન પુરૂષ કરે છે, પણ પ્રકૃતિનું વહન સ્ત્રી કરે છે. અસ્તિત્વને અમરત્વ અર્પવા માટે જ સર્જનહારે સ્ત્રીની સર્જન કર્યું છે. જગતમાં જે કંઈ સુંદર છે, એ સ્ત્રીની હાજરીને કારણે છે. હું સ્ત્રી વિનાનો દિવસ, સ્ત્રી વિનાની રાત, સ્ત્રી વિનાની કોલેજ, સ્ત્રી વિનાની લાયબ્રેરી, સ્ત્રી વિનાનું શહેર, સ્ત્રી વિનાનું ફેસબુક અને સ્ત્રી વિનાનું જગત કલ્પી જ ન શકું. થાળીમાં મીઠું ન હોય તો ચાલે, સાડીમાં સ્ત્રી ન હોય તો ન ચાલે. પુરુષની જિજીવિષાનું બીજું નામ સ્ત્રી છે. જગતમાં મને સૌથી વધારે પ્રિય સ્ત્રી છે. સ્ત્રીત્વના આશીર્વાદ નસીબદારને જ પ્રાપ્ત થાય છે. હું પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવું છું એટલે સર્જનહાર પાસે પ્રાર્થના કરું છું કે, અગલે જનમ મુઝે બિટિયા હી કીજો.’.
૦૭. આપના સૌથી મન પસંદ ૩ પુસ્તકો?
મેં આજદિન સુધી વાંચેલામાં મને સૌથી વધુ ગમેલાં ત્રણ પુસ્તકોમાં હું સૌ પહેલા ક્રમે ગુજરાતીમાં ‘મારાં સત્યના પ્રયોગો’ મોહનદાસ કરમચંદ ગાંધી, બીજા ક્રમે હિન્દીમાં ‘કસ્તુરી કુંડલ બસે’ ઓશો અને ત્રીજા ક્રમે મૂળ સ્પેનીશ પણ મેં અંગ્રેજીમાં વાંચેલી “વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ’ ગેબ્રીઅલ ગ્રેસિયા માર્કેઝ ને મુકું.
૦૮. આપનો પ્રિય લેખક?
લેટિન અમેરિકન લેખક ગેબ્રીઅલ ગ્રેસિયા માર્કેઝ મારાં પ્રિય લેખક છે.
૦૯. આપના માટે શું વધુ જરૂરી? સમાજના મંતવ્યો કે પોતાના વિચારો? કેમ?
સમાજના મંતવ્યો અને પોતાના વિચારો – બંને જરૂરી છે. કેમ કે, સમાજના તમારી પરત્વેના મંતવ્યો તમને સમાજમાં ટકાવી રાખે છે. જયારે તમારાં પોતાના પોતીકાં વિચારો તમને અંદરની ટકાવી રાખે છે. સમાજના મંતવ્યોને આપણા પોતાના વિચારો મુજબ ઢાળવા માટે સૌ પ્રથમ વિશ્વસનીયતા કેળવવી પડે. વિશ્વસનીયતા કેળવવાની આ પ્રકિયામાં સમાજના મંતવ્યો જ ઇંધણ અને ઉંજણનું કામ કરે છે. આપણા પોતાના વિચારો આપણી ગેરસમજણ હોય શકે છે. પણ સમાજના સમૂહ દ્વારા વ્યક્ત થયેલાં મંતવ્યો હકીકત અને સમજણથી વધારે નજીક હોય છે. આપણે જંગલમાં એકલાં નહીં પણ સમાજમાં સૌ સાથે સંકળાયેલા છીએ, એટલે સમાજનું મંતવ્ય આપણા વિચારો જેટલું જ જરૂરી છે.
Follow Iliyas Shaikh on syahee.com : http://www.syahee.com/profile/ILIYASSHAIKH
Interview was taken by Vishal Prajapati
Comment
Thank You VIshal and Syahee.com for this interview.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com