Evergreen love

*પ્રેમમય આકાંક્ષા* અધૂરા રહી ગયેલા અરમાન આજે પણ આંટાફેરા મારતા હોય છે , જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના ભેજ વચ્ચે.... યથાવત હોય છે જીવનનો લલચામણો સ્વાદ , બોખા દાંત ને લપલપતી જીભ વચ્ચે વીતી ગયો જે સમય આવશે જરુર પાછો. આશ્વાસનના વળાંકે મીટ માંડી રાખે છે, ઉંમરલાયક નાદાન મન વળેલી કેડ ને કપાળે સળ છતાંય વધે ઘટે છે હૈયાની ધડક એના આવવાના અણસારે..... આંગણે અવસરનો માહોલ રચી મૌન ગૂંથ્યા કરે છે વિગતોની શાલ..... ઓઢાડી એને સ્વાગતમાં આપવા ગરમાવાનો અહેસાસ..... આજે પણ એ પ્રેમમય છે કેમ કે અપેક્ષાઓનો કોઈ સમય નથી હોતો, ઈચ્છાઓની કોઈ ઉંમર નથી હોતી ને સપના ક્યારેય વૃદ્ધ નથી થતા. - © હેમશીલા માહેશ્વરી 'શીલ'